નરી આંખે દેખાતા વિશ્વ પર આપણે સરળતાથી ભરોસો મૂકીએ છીએ અને આપણે તેઓને આપણા જ સમાજનો એક હિસ્સો માનીએ છીએ. પશુ-પક્ષી, ઝાડ-પર્ણો કે પછી વગડા કે વનોમાં વૈવિધ્ય ધરાવતું વિશ્વ - દરેક કુદરતી સંપત્તિ સહજ રીતે દરેક જનો અને જીવોને આકર્ષે છે. એવું કહી શકાય કે કુદરત જ હકારાત્મક ઊર્જાનો મુખ્ય સ્રોત છે, પણ જે વિશ્વ આપણે જોયું ન હોય એના વિશે માનવું એ કલ્પના કે દંતકથા સમું છે. સમુદ્રનાં તળિયે અવનવા રંગો ધરાવતું એક આખું વિશ્વ હોય છે જે સામાન્ય રીતે ખૂબ જ જિજ્ઞાસુ કે જ્ઞાનપિપાસુ જીવોએ જોયું હોય છે અને એના વિશે વર્ણન કરતા આવા લોકોને મેં દિગ્મૂઢ થઇ જતા જોયા છે. અહીંનું વિશ્વ ખરેખર વાચા હરી લેનારું વિશ્વ છે. અસંખ્ય જાતની, આકારની અને રંગોની કોરલ, વિવિધ રંગોનું સંયોજન જ સમજી લો એવી માછલીઓનો વિશાળ સમૂહ, ફુરસદથી કોઈ ચિત્રકાર કે કલાકારે પોતાની બધી જ કળાનો ઉપયોગ કરીને સર્જન કર્યું હોય એવું કલાત્મક પણ જીવતું વિશ્વ એટલે સમુદ્રમાં આશરે 15-20 મીટર ઊંડાઈથી જ શરૂ થતું કોરલનું વિસ્મયકારક વિશ્વ.
ઉનાળામાં સાંજ ઢળતાં ઠંડો વાયરો ડીલને સ્પર્શે કે રાહત અનુભવાય એમ જ કુદરત સાથે સંસર્ગ કેળવવા માટે કુદરતનાં દરેકે દરેક રૂપને યેનકેન પ્રકારે માણવાં જોઈએ એવું હું માનું છું. દરિયાના કિનારે જ આંટો મારાથી દરિયાનો પરિચય નથી કેળવાતો, પણ દરિયાને ખરા અર્થમાં જાણવા એનાં આવનજાવન કરતાં મોજાંઓ સાથે રમવું પડે, એની મુલાયમ રેતીમાં રીતસરનું આળોટવું પડે, એની રેતીમાં રહેતા અને મહાલતા નાના સરખા જીવોને નાની આંખ કરીને જોવા પડે અને એની સાથે જરા તરા પરિચય કેળવવો પડે. ખમીસની ચાળમાં છીપલાંઓ એકઠા કરીને ભર્યા કરતાં એ છીપલાંઓમાં આકાર લેતા જીવને જિજ્ઞાસા કેળવીને જોવો અને સમજવો પડે. સ્વચ્છ આકાશ નીચે ભૂરા દરિયાનાં પટ પર પથારીમાં શાંતિથી સૂઈ જઈએ એ રીતે વિશ્વાસ કેળવીને તરવું પડે. સવારે વહેલા ઊઠીને તરત જ ક્ષિતિજ પરથી ઊગતા સૂરજનો સમુદ્ર સાથેના મિલાપ અને ઢળતી સાંજે અંધારામાં ઓગળતા સમુદ્રના સાક્ષી બનીને કુદરત સાથે દોસ્તીનો હાથ લંબાવવો પડે. છેલ્લે સમુદ્રનાં તળિયે ઊતરીને સમુદ્રની ગોદમાં વસ્તી જીવસૃષ્ટિનાં ગામમાં છૂટથી મ્હાલવા નીકળી પડવું પડે તો જ સમુદ્રને અને એણે સાચવી રાખેલી સંપદાને જાણી શકીએ, ઓળખી શકીએ અને એને પણ આપણા જ સમાજના હિસ્સા તરીકે સહજતાથી સ્વીકારી શકીએ.
ડર શબ્દનું અસ્તિત્વ જ નથી જો કુદરતમાં વિશ્વાસ મૂકીએ તો… માણસ સિવાય લગભગ કુદરતનાં દરેક જીવ પોતાનાં અસ્તિત્વને ટકાવી રાખવા માટે જ સંઘર્ષ કરે છે એટલે માણસ ક્યારેય કોઈ જીવોનો ખોરાક નથી જ એવું હું દેશભરનાં જંગલોમાં ફરીને અનુભવી ચૂક્યો છું એટલે કુદરતે સર્જેલી કોઈ પણ જીવસૃષ્ટિની નજીક જવાનો સરળ રસ્તો એમનામાં સંપૂર્ણ વિશ્વાસ કેળવવો એ એક જ છે. આંદામાન નિકોબારના શહીદ દ્વીપ (નીલ આઇલેન્ડ) પર અસંખ્ય ડાઇવ રિસોર્ટ્સ છે જ્યાં કુશળ ડાઇવર્સ સાથે સમુદ્રમાં ઊંડે સુધી ડૂબકી મારીને અહીં આવેલી વિવિધ કોરલ રીફ સુધી પહોંચી શકાય છે અને દરિયાઈ સંપદાને નરી આંખે નિહાળી શકાય છે. ત્યાં સુધી પહોંચવા માટે પૉર્ટ બ્લેયરથી સરકારી ફેરી મારફતે પહોંચી શકાય છે. સ્કૂબા ડાઇવિંગ એ માત્ર થ્રિલ આપતો અનુભવ જ નહિ, પણ એક અલગ જ ઇકો સિસ્ટમને જોવાનો, જાણવાનો અને સમજવાનો એક સર્વશ્રેષ્ઠ અનુભવ છે જે કોઈ પણ વ્યક્તિએ જીવનમાં એક વાર તો કરવો જ જોઈએ. તરતા ન આવડતું હોય એવી વ્યક્તિઓ પણ ઓપન વૉટર સ્કૂબા ડાઇવિંગ કરીને આ અનુભવને સરળતાથી માણી શકે છે.
ક્લાઈમેટને કંટ્રોલ કરવાનું કામ કરતી ખૂબ જ મહત્ત્વની ઇકો સિસ્ટમ એટલે કોરલ દેખાવે ખૂબ જ આકર્ષક હોય છે અને સમગ્ર વિશ્વના સમુદ્રમાં માત્ર 0.2% દરિયાઈ વિસ્તારમાં જ કોરલ રીફ આવેલી છે. કોરલ રીફ સામાન્ય રીતે પરવાળાઓ તરીકે ઓળખાતા કરોડો જીવોના સમૂહ દ્વારા બનાવવામાં આવે છે, જેનું સર્જન થતાં સદીઓ લાગે છે. આ પરવાળાઓ જ્યારે કોરલ રીફ છોડી દે ત્યારે તે પ્રક્રિયાને ‘કોરલ બ્લીચિંગ’ પ્રક્રિયા તરીકે ઓળખાય છે. જે દેશ કે વિસ્તારમાં આ પ્રકારની કોરલ બ્લીચિંગ જોવા મળે ત્યાંનું તાપમાન ભયજનક રીતે વધી રહ્યું હોય છે જે પર્યાવરણ માટે સારો સંકેત નથી જ. અસંખ્ય દરિયાઈ જીવોના ઘર અને ખોરાકના સ્રોત તરીકે કોરલ એ પર્યાવરણનું ખૂબ જ અવિભાજ્ય અંગ છે. પહાડી શિલા જેવો આકાર, ક્યાંક વળી કોઈક ઝાડ જેવો આકાર ધરાવતી કોરલ રીફ અસંખ્ય કરોડો સૂક્ષ્મ સમુદ્રી જીવો દ્વારા બનાવવામાં આવે છે અને પોતાનાં શરીરની આસપાસ વિશિષ્ટ પ્રકારની દીવાલનું સર્જન કરે છે જે કેલ્શિયમ કાર્બોનેટની બનેલી હોય છે. આવા જીવોને વૈજ્ઞાનિક ભાષામાં પોલિપ તરીકે ઓળખવામાં આવે છે. એ જ રીતે આપણે જે શંખ કે છીપલાંઓ વીણીને લઇ આવીએ છીએ એ કેલ્શિયમ કાર્બોનેટની બનેલી દીવાલ છે જેનો ઉપયોગ પોલિપ જીવો પોતાનાં કવચ તરીકે કરે છે. મૃત પોલિપ્સ કઠોર બની જાય છે અને એના પર જ નવાં પૉલિપ્સ દીવાલ બનાવવાની શરુ કરે છે. આ અતિ સૂક્ષ્મ સમુદ્રી જીવો જૂજૈથીલી નામની એક શેવાળ સાથે સહજીવન સાધે છે અને ખોરાક તરીકે એનો ઉપયોગ કરે છે તો શેવાળ રહેવા માટે ઘર તરીકે કોરલ રીફનો ઉપયોગ કરે છે. આ જૂજૈથીલી નામની શેવાળ અલગ અલગ રંગમાં જોવા મળે છે પરિણામે કોરલ રીફનો રંગ પણ વિભિન્ન જોવા મળે છે. એક હદ કરતાં વધારે તાપમાન કોઈ વિસ્તારનું થઇ જાય તો આ શેવાળ કોરલ રીફ છોડી દે છે. પરિણામે કોરલ રીફ ફરી પોતાનો મૂળ સફેદ રંગ ધારણ કરી લે છે જેને કોરલ બ્લીચિંગ તરીકે ઓળખવામાં આવે છે. 2020માં ઓસ્ટ્રેલિયામાં ગ્રેટ બેરીયર રીફ નામના ટાપુ પર ખૂબ જ મોટા પ્રકારનું કોરલ બ્લીચિંગ જોવા મળ્યું હતું જે સમગ્ર વિશ્વ માટે લાલબત્તી સમાન હતું. ગુજરાતમાં જામનગરમાં આવેલ નરારા અને પિરોટન ટાપુ કોરલ બ્લીચિંગ જોવા માટેનું શ્રેષ્ઠ સ્થળ છે. અહીં અઢળક કોરલ બ્લીચિંગ જોવા મળે છે.
આંદામાનમાં સ્કુબા દ્વારા દરિયામાં ડૂબકી લગાવતા વિવિધ પ્રકારની માછલીઓ જેમ કે લાયન ફિશ, નિમો ફિશ, ડોલ્ફિન્સ, ગોલ્ડ ફિશ, પફર ફિશ વગેરે જોવા મળશે, નસીબ જોર કરતું હોય તો સમુદ્રી ગાય દુગૉન્ગ પણ નજરે ચઢી જાય. આ સિવાય ગ્રીન સી ટર્ટલ, તળિયે કોરલ રીફ આસપાસ કોરલ સ્નેક, સી ક્રેઈટ વગેરે જોવા મળે તો વળી કોરલમાં ટેબલ કોરલ, સી ફેન, મશરૂમ કોરલ, બ્રેઈન કોરલ, ફિંગર કોરલ, વેલી કોરલ, સ્ટાર કોરલ, ઓક્ટો કોરલ, બ્રાન્ચિંગ કોરલ વગેરે જોવા મળે છે જે કોઈ પણ વ્યક્તિને વિસ્મયમાં મૂકી દે છે. આપણે ત્યાં ઇન્દ્રજાળ નામથી એક સફેદ રંગની વિશિષ્ટ આકૃતિ ખૂબ જ મોંઘા ભાવે વેચાય છે અને તેને લઈને ઘણી અંધશ્રદ્ધાઓ પ્રવર્તે છે. ખરેખર એ ‘સી ફેન’ નામની કોરલ છે જેને વાઇલ્ડલાઇફ એક્ટ પ્રમાણે શિડ્યુલ-1માં રક્ષિત કરવામાં આવી છે. આવી વસ્તુઓ ખરીદવી કે ઘરમાં રાખવી પણ ગુનો બને છે. દરિયાઈ વિશ્વમાં સફર કરીને દરિયાઈ સૃષ્ટિને સરળતાથી સમજી શકીએ કે એ પર્યાવરણ માટે કેટલો મહત્ત્વનો ભાગ ભજવે છે.
દરિયાઈ વિશ્વમાં ડૂબકી લગાવવા માટે ભારતમાં આંદામાન અને લક્ષદ્વીપ સર્વશ્રેષ્ઠ સ્થળ ગણાય છે. અહીં નીલ અને હેવલોક આઇલેન્ડ પર ડિસ્કવર સ્કૂબા કરી શકાય છે, જેના થકી દરિયાઈ સૃષ્ટિને નજીકથી નિહાળીને રોમાંચકારી અનુભવ ચોક્કસ કરી શકો છો. અહીં વિવિધ ડાઇવ રિસોર્ટ્સ આ જ પ્રવૃત્તિ માટે જાણીતા છે. ગુજરાતનાં દ્વારકામાં આવેલ શિવરાજપુર ખાતે પણ સ્કૂબાનો સામાન્ય અનુભવ તો લઇ જ શકાય છે. અહીં પણ કોરલ રીફનું એક વિશ્વ આવેલું છે. સમુદ્રી વિશ્વના અવનવા રંગોને નરી આંખે માણીશું નહિ ત્યાં સુધી સમુદ્રનો એક ભૂરો રંગ જ જોઈ શકીશું. એક વાર આ પરવાળાઓનાં વિશ્વમાં આંટો માર્યા પછી ડૂબવાનું વધારે પસંદ કરવા લાગીશું એ ચોક્કસપણે કહી શકું.
creativearyans3@gmail.com
(‘આરણ્યક’ તરીકે જાણીતા કૌશિક ઘેલાણી અલગારી રખડપટ્ટી કરીને કુદરતને પોતાના અસ્સલ મિજાજમાં જોતા અને કેમેરામાં કેદ કરતા વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર છે)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.