સુખનું સરનામું:સ્વયંના પ્રકાશથી દિવાળીની સાચી ઉજવણી કરીએ

22 દિવસ પહેલા
  • કૉપી લિંક

લ્યો, આવી ગઈ દિવાળી દર વર્ષે આવે તેમ, આ વખતે તો સ્વયં પ્રગટીએ ચલો દીવાની જેમ. ઉદાસીઓના ફટાકડાઓ ઝટપટ ફોડી દઈને, ચહેરા ઉપર ફૂલઝડી સમ ઝરતું સ્મિત લઈને; કોઈપણ કારણ વિના જ કરીએ એકમેકને પ્રેમ… આ વખતે તો સ્વયં પ્રગટીએ ચલો દીવાની જેમ. સૌની ભીતર પડ્યો હોય છે એક ચમકતો હીરો, ચલો શોધીએ ભીતર જઈને ખુદની તેજ-લકીરો; ભીતર ભર્યું જ છે અજવાળું ના ઝળહળીએ કેમ? આ વખતે તો સ્વયં પ્રગટીએ ચલો દીવાની જેમ.

કવિ અનિલ ચાવડાની આ કવિતા યુવાવર્ગને દિવાળીની સાચી ઉજવણી કરવાની અનોખી રીત બતાવી જાય છે. દિવાળી તો દર વર્ષે આવે છે અને આવીને જતી રહે છે. થોડા દિવસ એની ઉજવણીનો આનંદ રહે અને પછી જેમ જેમ દિવસો પસાર થાય એમ એ આનંદ ઓસરી જાય છે. આપણે ફરીથી આપણી બોરિંગ લાઇફમાં જોડાઇ જઇએ છીએ અને હવે પછી આવનારી દિવાળીની રાહ જોઇએ છીએ. દિવાળીની ઉજવણીનો આ આનંદ થોડા દિવસ ટકવાને બદલે કાયમી ટકી રહે તો કેવી મજા આવી જાય? ખરેખર, જો આપણે ઇચ્છીએ તો દિવાળીની મજા માત્ર થોડા દિવસો માટે જ નહીં. પરંતુ જીવનભર માણી શકાય એમ છે. વર્ષમાં માત્ર એક જ વાર નહીં રોજેરોજ દિવાળીની ઉજવણી કરી શકાય તેમ છે. વર્ષના 365 દિવસ જો દિવાળીની મજા માણવી હોય તો ઉપરોક્ત પંક્તિઓને આત્મસાત્ કરવી પડે.

દિવાળી એટલે પ્રકાશનું પર્વ. આ પ્રકાશના પર્વની ઉજવણી કરવા માટે આપણે દીવડાઓ પ્રગટાવીએ છીએ અને પ્રગટાવવા જ જોઇએ કારણ કે, જ્યારે ઘરમાં દીવડાઓ પ્રગટાવવામાં આવે ત્યારે સામાન્ય એવું ઘર પણ કેવું રૂડું રૂપાળું લાગતું હોય છે. ગામડાંની દિવાળી મને હંમેશાં શહેર કરતાં વધુ આકર્ષક લાગી છે, કારણ કે શહેરમાં તો ઝગમગાટ કાયમ દેખાય છે પણ ગામડાંઓમાં દિવાળીના દિવસોમાં ઘરના ટોડલે મૂકેલા દીવાઓના પ્રકાશથી બધા ઘર અદભુત શોભી ઊઠે છે. દરેક યુવાન પોતે જ પ્રકાશપૂંજ છે. અગણિત સૂર્યનો પ્રકાશ પ્રત્યેક યુવાનમાં છે, પણ એ પ્રકાશને હતાશા અને નિરાશાનાં વાદળોએ ઢાંકી દીધો છે. નાની-નાની બાબતોમાં પણ ઉદાસી આપણા પર આધિપત્ય જમાવી દે છે. આ દિવાળીએ સંકલ્પ કરીએ કે ઉદાસીના બધા ફટાકડાઓ ફોડી નાખવા છે અને જેવી રીતે ફુલઝડી બળીને પણ મસ્તીથી હસતી હોય છે એમ તકલીફો અને પડકારોની વચ્ચે પણ સદાય હસતા જ રહેવું છે. જીવન છે એટલે સમસ્યાઓ આવવાની જ છે. સ્વામી વિવેકાનંદ પણ કહેતા કે જ્યારે ‘તમારા જીવનમાં સમસ્યાઓ કે પ્રશ્નો આવતા બંધ થઇ જાય ત્યારે સમજી જજો કે તમે મૃત્યુ પામ્યા છો.’ સમસ્યા કે પ્રશ્નો મરેલા માણસને ન હોય આપણે તો જીવીએ છીએ માટે એ તો રહેવાના જ છે પણ એની સામે ઘૂંટણિયે પડી જાય એ યુવાન નહીં. સાચો યુવાનનો અગવડતાના પર્વતને ઓળંગી જાય અને સાહસના સથવારે સાત સમંદરને પણ કૂદી જાય. જે હિંમતપૂર્વક સમસ્યાઓનો સામનો કરે છે એ ચોક્કસપણે સમસ્યાઓને હરાવવામાં સફળ પણ થાય છે.

આપણે જીવનની મજા દિવાળીની જેમ નથી લઇ શકતા એનું બીજું કારણ એ છે કે આપણે પ્રેમમાં પણ હિસાબ કરતા થઇ ગયા છીએ. કેટલાય યુવાનોને મેં એવી ચર્ચા કરતા સાંભળ્યા છે કે ‘મારે બે-ત્રણ ગર્લફ્રેન્ડ છે પણ હવે કોની સાથે આગળ વધવું તે સમજાતું નથી. ફલાણી છે એ જોબ કરે છે અને સરકારી નોકરી છે તો જો એની સાથે આગળ વધુ તો મારે કાયમ માટે આર્થિક સમસ્યાનું નિવારણ થઇ જાય પણ બીજી છે એ દેખાવડી બહુ છે એટલે આ બંને વચ્ચે કન્ફ્યુઝ છું.’ આવી જ વાતો કદાચ યુવતીઓ પણ કરતી જ હશે. આ પ્રેમ નથી વાસના છે અને જ્યાં વાસના હોય ત્યાં દુ:ખ આવે જ. પ્રેમ તો સુખનો પર્યાય છે. પ્રેમ હોય ત્યાં ક્યારેય દુ:ખ ન આવે, કારણ કે પ્રેમમાં પ્રાપ્તિ કરતાં પણ સમર્પણનું મહત્ત્વ વધુ હોય છે. રાધાને કાનુડો નથી મળ્યો અને છતાંય રાધા ક્યારેય દુઃખી નથી થઇ. હા, જુદા જુદા કવિઓ એની કલ્પનામાં રાધાને દુ:ખી બતાવે એ વાત જુદી છે. 'વીરઝારા' ફિલ્મ મને બહુ ગમેલી. ભલે એ ફિલ્મ હી પણ પ્રેમની સાચી પરિભાષા એ ફિલ્મ જોઇને સમજાઈ. આપણે દરેક સંબંધમાં સ્વાર્થ જોતા થઇ ગયા છીએ. સંબંધોની જરૂરિયાત કેવી છે એ વિચારવાને બદલે જરૂરિયાતના સંબંધો ક્યા-ક્યા છે એ વિચાર આપણને પહેલા આવે છે અને પરિણામે બધું જ હોવા છતાં પણ આનંદ કે મોજથી વંચિત રહી જઇએ છીએ. આપણે સાવ અંગત સગાં-વહાલાંને ત્યાં લગ્નપ્રસંગે જવાનું હોય ત્યારે પણ એની સાથેના સંબંધોને ધ્યાનમાં લેવાના બદલે આપણા લગ્નપ્રસંગમાં આવ્યા ત્યારે શું ભેટ લાવ્યા હતા એની યાદી કાઢીએ છીએ અને એ મુજબ જ એના માટે ભેટની વ્યવસ્થા કરીએ છીએ. આપણે જ્યારે કારણ વગર એકમેકને પ્રેમ કરતા થઇશું ત્યારે રોજે રોજ દિવાળીની અનુભૂતિ થશે અને જો સ્વાર્થ કે કારણ સાથેનો પ્રેમ હશે તો થોડા દિવસ દિવાળી જેવું લાગશે પણ પછી એ હોળીનું સ્વરૂપ ધારણ કરશે.

આનંદ કે ખુશી કાયમ ન ટકી રહેવાનું ત્રીજું કારણ એ છે કે આપણે ખુદ આપણી શક્તિઓથી જ અજાણ છીએ. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે, ‘જે પોતાની જાતને નથી ઓળખતો તે આ જગતનો સૌથી મોટામાં મોટો મૂરખ છે.’ આ વ્યાખ્યાને ધ્યાનમાં લેતા કેટલાક અપવાદોને બાદ કરતા આપણે બધા જ મહામૂર્ખમાં ગણાઇએ એવા છીએ કારણ કે, આપણને આપણો સાચો પરિચય જ નથી. જેવી રીતે દરેક પથ્થરમાં એક મૂર્તિ છુપાયેલી હોય છે એવી જ રીતે આપણા દરેકમાં પણ એક મહાન માણસ છુપાયેલો જ હોય છે. એને શોધીને બહાર લાવવાનું કાર્ય એટલે જ દિવાળીની સાચી ઉજવણી. આપણને આપણી અંદર પડેલી શક્તિઓ એટલા માટે નથી દેખાતી કારણ કે, આપણે બીજાની શક્તિઓને જોઇને અભિભૂત થઇ ગયા છીએ અને સતત એની જ શક્તિઓના ગુણગાન ગાયા કરીએ છીએ પરંતુ એની જેમ હું પણ આ કાર્ય કરી શકું છું એવો વિચાર આવતો નથી.

લગભગ 10 વર્ષ પહેલાં હું રાજકોટ જિલ્લા પંચાયતમાં હિસાબી અધિકારી તરીકે નોકરી કરતો હતો. મને જિલ્લા નિરંતર શિક્ષણાધિકારીનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો. ચાર્જ સંભાળ્યા બાદ મેં જિલ્લામાં નિરંતર શિક્ષણનું કામ કરતા પ્રેરકોને મળવા માટે મીટિંગો બોલાવી. પડધરી ખાતે 4 તાલુકાના પ્રેરકોની મીટિંગ હતી અને આ મીટિંગમાં ટંકારા તાલુકાના ટોળ ગામમાં રહેતો એક યુવક મળ્યો. એનું નામ હતું મુસ્તાક બાદી. પ્રેરક તરીકે દર મહિને 700 રૂપિયાનું માનદ વેતન મળે અને મહિને 3000 જેવા ટ્યુશન કરીને પરિવારને મદદ કરે. મીટિંગ પૂરી થયા પછી અમારે ઘણી વાતો થઇ. મારી જેમ એને પણ અધિકારી બનવાની ઇચ્છા થઇ. પરિસ્થિતિ ખૂબ સામાન્ય, પણ કંઇક કરવાની તમન્ના હતી. પછી તો જીલ્લા પંચાયતમાં આવીને પણ મને મળે અને પરીક્ષાના સંદર્ભમાં જાતજાતના સવાલો કરે. મળવા આવે ત્યારે પ્રશ્નોની લાંબી યાદી લઇને જ આવે અને બધા જ પ્રશ્નોના જવાબ ન મળે ત્યાં સુધી એને સંતોષ ન થાય. બીજાની સફળ કારકિર્દી જોઇને અભિભૂત થયેલો આ યુવાન માત્ર બેસી ન રહ્યો. પરંતુ પોતાની જાતને પણ જેનાથી અભિભૂત થયેલો એની જગ્યાએ પહોંચાડવા માટે કમર કરી. મુસ્તાક બાદી આજે ગુજરાત સરકારના નાણાવિભાગમાં ક્લાસ-1 અધિકારી છે.

જો યુવાન ધારે તો શું કરી શકે એનું આ ઉદાહરણ છે. મિત્રો. માત્ર દીવાઓ પ્રગટાવવાથી, ફટાકડાઓ ફોડવાથી કે રંગોળીઓ બનાવવાથી જ દિવાળીની ઉજવણી પૂરી થઇ જતી નથી. આ તો બાહ્ય ઉજવણી છે, જે ક્ષણિક આનંદ આપે છે. પરંતુ રોજેરોજ દિવાળીનો આનંદ લેવા માટે તો દીવાની જેમ સ્વયં પ્રગટવું પડે. વિક્રમ સંવત 2078નું આગમન આપણને ખુદને પ્રગટાવનારું બની રહે એવી પ્રભુને પ્રાર્થના સાથે દિવાળીપર્વની શુભેચ્છાઓ.
(લેખક જાણીતા વિચારક અને વક્તા છે)

અન્ય સમાચારો પણ છે...