સુખનું સરનામું:ઘરને ઘર જ રહેવા દઈએ, ઓફિસ ન બનાવીએ

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

એક ખેડૂતે પોતાના ફાર્મહાઉસ પર પાઇપનું રિપેરિંગ કરવા માટે એક પ્લમ્બરને બોલાવ્યો. પ્લમ્બરે આવીને જોયું તો ઘણાં વર્ષોથી આ ફાર્મહાઉસ બંધ હોય એવું લાગ્યું. પ્લમ્બરે પાઇપને ખોલવાના ખૂબ પ્રયાસ કર્યા પાઇપ તો ના ખૂલ્યો ઊલ્ટાનાં પ્લમ્બરનાં પાનાં-પકડ તૂટી ગયાં. પાઇપ કટાઈ ગયો હતો આથી થોડું વધુ બળ લગાડ્યું તો પાઇપ જ તૂટી ગયો. પ્લમ્બર પહેલીવાર આવી મુશ્કેલીમાં મુકાયો. જે પાઇપ રિપેર કરવાનો હતો એ જ તૂટી ગયો એમણે ફાર્મહાઉસના માલિકને કહીને નવો પાઇપ મંગાવ્યો અને પોતાની કામગીરી ચાલુ કરી.

થોડીવાર પછી કામ કરતાં કરતાં એના હાથ પર જ હથોડી વાગી. હથોડી વાગવાથી આંગળીનું લોહી મરી ગયું અને પારાવાર પીડા થતી હતી, પણ કામ રાખેલું એટલે એ પૂરું પણ કરવાનું હતુ. એ ગુસ્સામાં કંઇક બડબડ કરતો રહ્યો અને માંડ માંડ પોતાનું કામ પૂરું કર્યું. જે કામ માત્ર 2 કાલાકનું હતું, એ કામ પૂરું કરતાં આખો દિવસ નીકળી ગયો. હવે તો એ ખૂબ થાકી ગયો હતો અને સાંજ પણ પડી ગઇ હતી. આથી એ ઝડપથી પોતાનો સરસામાન લઇને પોતાના વાહન પાસે આવ્યો. એણે જોયું તો તેના સ્કૂટરમાં પણ પંચર હતું. ફાર્મહાઉસ પરથી ઘરે જવા માટે બીજું કોઇ વાહન મળવું મુશ્કેલ હતું. આથી એણે ફાર્મ હાઉસના માલિકને પોતાના ઘરે મૂકી જવા માટે વિનંતી કરી એટલે ફાર્મ હાઉસનો માલિક એને પોતાની કાર લઇને ઘેર મૂકવા ગયો.

રસ્તામાં કાર માલિકે જોયું કે પેલો પ્લમ્બર ખૂબ જ ગુસ્સામાં હતો. આજનો આખો દિવસ એના માટે ખરાબ રહ્યો હતો એ ગુસ્સામાં કંઇ બોલતો પણ ન હતો, પણ એના ચહેરા પરની તંગ રેખાઓ બતાવતી હતી કે એ ખૂબ જ ગુસ્સામાં છે. પ્લમ્બરનું ઘર આવ્યું એટલે એણે પેલા ખેડૂતને પોતાના ઘરમાં આવવા માટે નિમંત્રણ આપ્યું. ખેડૂતે નિમંત્રણનો સ્વીકાર કર્યો અને એની સાથે જ દરવાજામાં પ્રવેશ કર્યો.

ઘરના મુખ્ય દરવાજામાં પ્રવેશ કરે એ પહેલાં એ પ્લમ્બર ફળિયામાં આવેલાં એક ઝાડ પાસે ગયો. એણે ઝાડને પ્રેમથી સ્પર્શ કર્યો અને એના ચહેરા પરના ભાવ બદલાવા લાગ્યા. ધીમે-ધીમે ક્રોધનું સ્થાન શાંતિએ લીધું. એનો ગુસ્સો જાણે કે અદૃશ્ય થઇ ગયો અને ચહેરા પર સ્મિત આવી ગયું. સંપૂર્ણ સ્વસ્થ થયા પછી એણે ડોરબેલ વગાડી દરવાજો ખૂલતાં જ એ હસતા ચહેરે અંદર પ્રવેશ્યો અને પોતાના બાળક તથા પત્નીને પ્રેમથી ભેટ્યો. નાના બાળકને તેડી લીધું અને પછી પ્રેમથી એના કપાળ પર એક ચુંબન આપ્યું. આ બધું જોઇને ખેડૂત વિચારમાં પડી ગયો. આખા દિવસનો થાકેલો અને કંટાળેલો માણસ ઘરમાં પ્રવેશતાની સાથે જ સાવ અચાનક આટલો બધો બદલાઇ ગયો? ખેડૂતે જોયું હતું કે ઘરના ફળિયામાં રહેલા ઝાડને અડવાથી જ આ ચમત્કાર થયો હતો. જ્યારે ચા-પાણી પીધા પછી પ્લમ્બર ખેડૂતને એની કાર સુધી મૂકવા આવ્યો ત્યારે એ પ્લમ્બરને પૂછ્યા વગર ન રહી શક્યો કે આ ઝાડમાં એવી તે શું જાદુઇ શક્તિ હતી કે એને સ્પર્શ કરતાં જ તારા ચહેરા પરનો ગુસ્સો સ્મિતમાં પલટાઇ ગયો? પ્લમ્બરે કહ્યું, ‘શેઠ, હું કામ પરથી જ્યારે ઘરે આવું છું ત્યારે મારી સાથે અનેક સમસ્યા અને પ્રશ્નોનાં પોટલાં પણ લાવું છું. પરંતુ મારી આ સમસ્યાઓ કે પ્રશ્નોની અસર મારા પરિવારના બીજા સભ્યો પર ન પડે તેની પણ તકેદારી રાખુ છું અને એટલે જ ઘરમાં પ્રવેશતાં પહેલાં મારા તમામ પ્રશ્નો આ ઝાડ પર જ ટાંગી દઉં છું અને સવાર સુધી એ પ્રશ્નો પ્રભુના હવાલે કરી દઉં છું. આનંદની વાત તો એ છે કે જ્યારે સવારે ઝાડ પર ટાંગેલા મારા પ્રશ્નોનું પોટલું લેવા માટે જાઉં ત્યારે મોટા ભાગના પ્રશ્નો તો પોટલામાંથી ભાગી પણ ગયા હોય છે અને ક્યારેક તો પોટલું સાવ ખાલી હોય છે.’

મિત્રો, આપણા પારિવારિક પ્રશ્નોનું એક મહત્ત્વનું કારણ એ પણ છે કે આપણે આપણી નોકરી, ધંધો કે વ્યવસાયને ઘર સુધી લાવીએ છીએ. જ્યારે વ્યાવસાયિક અને પારિવારિક જીવન એક થાય ત્યારે પ્રશ્નો ઊભા થાય જ છે અને એટલે જ એક સારો મેનેજર ઘણીવાર એક સારો પિતા કે પતિ બની શકતો નથી. બિઝનેસમાં અત્યંત સફળ વ્યક્તિ પુત્ર તરીકે સાવ નિષ્ફળ નીવડે છે.

ફિલ્મનો એક જ અભિનેતા જાત જાતની ભૂમિકાઓ ભજવતો હોય છે. અભિનેતા તો ઘણા હોય પણ શ્રેષ્ઠ અભિનેતા એ જ બની શકે છે જે એમને સોંપાયેલા પ્રત્યેક રોલને બખૂબીથી નિભાવે. ઘણીવાર એવું પણ બને કે કોઇ અભિનેતા એક સાથે બે ફિલ્મોમાં કામ કરતો હોય અને બંને ફિલ્મોમાં એનાં કિરદાર સાવ જુદાં હોય. સવારે એક ફિલ્મના સેટ પર કામ કરે જેમાં એની ભૂમિકા એક અલ્લડ શહેરી યુવકની હોય અને સાંજે કોઇ બીજી ફિલ્મના સેટ પર કામ કરે એમા એને એક વૃદ્ધની ભૂમિકા ભજવવાની હોય. હવે સવારે યુવક તરીકે ભજવેલી ભૂમિકામાંથી એ સાંજે બહાર જ ન આવી શકે તો શું થાય? કહેવાની જરૂર જ નથી કે બીજી ફિલ્મ સુપર ફ્લોપ જાય. બસ આવી જ રીતે સવારે ધંધો કે વ્યવસાય વખતે જે રોલ ભજવતા હોઇએ એ સાંજે ઘરે આવીએ ત્યારે ભજવવાનું ચાલુ જ રાખીએ તો કૌટુંબિક જીવનની ફિલ્મ પણ સુપર ફ્લોપ જ જાય.

સફળ જીવન માટે ઓફિસમાં હોઈએ ત્યારે ઘર ભૂલી જવું અને ઘરમાં હોઇએ ત્યારે ઓફિસ ભૂલી જવી. ઓફિસની સમસ્યાઓ અને પ્રશ્નો ઘરે લઇને આવીએ તો એ ઉકલવાના તો નથી જ ઊલટાના પરિવારના સભ્યોને પણ વગર કારણે ટેન્શનમાં નાખીશું.

એવું નથી લાગતું કે આપણે પણ આ પ્લમ્બરની જેમ આપણા પ્રશ્નોને ઘરના દરવાજાની બહાર જ ટાંગવા માટે એક નાનો છોડ કે ખીંટીની જરૂર છે?!

(લેખક જાણીતા વિચારક અને વક્તા છે)