સુખનું સરનામું:પિતાની કમાણીને વેડફવાને બદલે વાપરતા શીખવું

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

એક શેઠને ત્યાં લગ્નજીવનનાં ઘણાં વર્ષો બાદ દીકરાનો જન્મ થયો. શેર માટીની ખોટ પુરાવાથી શેઠ-શેઠાણી ખુબ ખુશ હતાં. શેઠ દીકરાનું ખુબ ધ્યાન રાખતા અને એની તમામ જરૂરિયાતો પૂરી કરતા. દીકરો પાણી માગે અને દૂધ હાજર કરવામાં આવે. શેઠે ઘરમાં બધાને સૂચના આપેલી કે મારા દીકરાને કોઇ પ્રકારની તકલીફ ન પડવી જોઇએ. એની દરેક માગ તાત્કાલિક સંતોષાવી જોઇએ. શેઠના આદેશ પ્રમાણે રાજકુમારની જેમ એના દીકરાનો ઉછેર થવા લાગ્યો. દીકરો જેમ જેમ મોટો થવા લાગ્યો તેમ તેમ વધુ પડતા લાડકોડના કારણે ઉડાઉ બનવા લાગ્યો. પૈસાને પાણીની જેમ વાપરે. શેઠે વિચાર્યું કે દીકરાને રૂપિયાનું મૂલ્ય તો સમજાવવું પડશે, નહીંતર ભવિષ્યમાં છોકરો બધી જ સંપત્તિ ખતમ કરી નાખશે. જો દીકરાને રુપિયાનું મૂલ્ય નહીં સમજાય તો તનતોડ મહેનત કરીને મેં જે તિજોરીઓ ભરી છે એ તિજોરીઓ આ ખાલી કરી નાખશે.

એક દિવસ શેઠે દીકરાને પોતાની પાસે બેસાડીને કહ્યું, ‘બેટા, હું જે કંઇ કમાયો છું, એ બધી જ સંપત્તિ તારી છે અને મારે એ તને જ સોંપવાની છે. તું મારો એકનો એક દીકરો છે એટલે મારી સંપત્તિમાં ભાગ પડાવનાર પણ બીજું કોઇ નથી. મારું જે કંઇ પણ છે એ બધું માત્ર અને માત્ર તારું જ છે. પરંતુ મારી એક શરત છે કે આ માટે તારે લાયક બનવું પડશે. મારી એક નાની પરીક્ષામાંથી તારે પાસ થવું પડશે. તું તારી મહેનતથી એક રૂપિયો કમાઇને બતાવ તો મારી સંપત્તિ તને મળશે, નહીંતર હું બધી જ સંપત્તિ સદકાર્યો માટે કોઇ સંસ્થાને દાનમાં આપી દઇશ.’

બીજા દિવસે છોકરાએ એક રૂપિયાનો સિક્કો પિતાના હાથમાં મૂક્યો અને કહ્યું, ‘લો, આ મારો કમાયેલો રૂપિયો.’ શેઠે રૂપિયાને બારીમાંથી બહાર ફેંકી દીધો અને કહ્યું, ‘મને ખબર છે કે આ રૂપિયો તું તારી મમ્મી પાસેથી લાવ્યો છે. આ રૂપિયો તારો નહીં, મારો કમાયેલો છે. મારે તો તારો પોતાનો કમાયેલો રૂપિયો જોઇએ છે.’ ત્રીજા દિવસે છોકરાએ એની પિતરાઇ બહેન પાસેથી રૂપિયો લઇને શેઠને આપ્યો. શેઠે એ રૂપિયો પણ બહાર ફેંકી દીધો અને કહ્યું, ‘મારી શરત એ છે કે તારે તારી મહેનતથી રૂપિયો કમાવાનો છે. કોઇ સંબંધનો ઉપયોગ કરીને વગર મહેનતે લાવેલો આ રૂપિયો ના ચાલે.’ ચોથા દિવસે છોકરાએ એના મિત્ર પાસેથી એક રૂપિયો ઉછીનો લઇને શેઠને આપ્યો, તો શેઠે એ રૂપિયો પણ બારીમાંથી બહાર ફેંકી દીધો અને સહેજ ઊંચા અવાજે કહ્યું, ‘હું તને સમજાવું છું એમાં સમજ નથી પડતી? મારે તારી કમાણીનો રૂપિયો જોઇએ છે, ઉછીનો નહિ! ઉછીના જ ભેગા કરવા હોય તો તો લાખો ભેગા થઇ શકે. તું તારી મહેનતથી કમાઇને રૂપિયો લઇ આવ.’

છોકરાને લાગ્યું કે હું જ્યાં સુધી મારી મહેનતથી રૂપિયો નહીં કમાઉં ત્યાં સુધી પિતાજી મારો પીછો છોડવાના નથી. એટલે પાંચમા દિવસે સવારે વહેલો જાગીને તૈયાર થઇ કામની શોધમાં નીકળી પડ્યો. કામનો કોઇ અનુભવ તો હતો નહીં, એટલે એક હોટલમાં એને સામાન્ય કામ મળ્યું. આખો દિવસ કામ કર્યું ત્યારે સાંજે હોટેલના માલિકે છોકરાને મહેનતાણા તરીકે એક રૂપિયો આપ્યો.

આજે પોતાની મહેનતથી કમાઇને રૂપિયો લાવ્યો હતો એટલે છોકરો ખૂબ આનંદમાં હતો. આખો દિવસના કામનો થાક પણ અદૃશ્ય થઇ ગયો હતો. ઘરે આવીને એણે હરખાતાં હરખાતાં એક રૂપિયાનો સિક્કો શેઠના હાથમાં મૂક્યો. શેઠે તો રોજની જેમ સિક્કો બારીમાંથી બહાર ફેંકી દીધો. છોકરો તો લાલ-પીળો થઇ ગયો. રોજ શેઠ સિક્કો બહાર ફેંકતા અને છોકરો જોયા કરતો, પણ આજે તો એ બહાર જઇને સિક્કો પાછો લઇ આવ્યો. ગુસ્સા સાથે એણે શેઠને કહ્યું, ‘આ રૂપિયો મારી જાત મહેનતનો છે. રૂપિયો કમાવા માટે મને કેવી તકલીફ પડી એની તમને શું ખબર પડે? તમે તો સહજતાથી રૂપિયાને ફેંકી દીધો, પણ આ રૂપિયો કમાવા માટે મેં આજે આખો દિવસ પરસેવો પાડ્યો છે.’

પિતાએ દીકરાના માથા પર પ્રેમથી હાથ પસવારતાં કહ્યું, ‘બેટા, તારો કમાયેલો એક રૂપિયો મેં બહાર ફેંકી દીધો, તો તને કેટલું દુ:ખ થયું! તું મારી કાળી મજૂરીની કમાણી રોજ બહાર ફેંકી દે છે તો મને દુ:ખ નહીં થતું હોય?’ છોકરાને પિતાની વાત હૃદય સોંસરવી ઊતરી ગઇ. પિતાજી પાસે સંપત્તિ હોય તો એ એની કમાયેલી છે. એની કમાયેલી સંપત્તિ જરૂરિયાત વગર વાપરવાનો આપણને સંતાન તરીકે પણ કોઇ અધિકાર નથી. પિતાજીએ રાત-દિવસના ઉજાગરા કરીને ભેળી કરેલી સંપત્તિ આપણે વગર જરૂરિયાતે પાણીની જેમ વાપરીએ તો એમનું હૃદય કેવું દુ:ખી થતું હશે! પૈસા વાપરતા પહેલાં કમાતા શીખીએ.

આજના યુવાનોને પાણીની જેમ રૂપિયા વાપરવા છે, પણ રૂપિયા કમાવા માટે કોઇ મહેનતનું કામ નથી કરવું. ગામડાંમાંથી કે નાનાં નાનાં શહેરોમાંથી અભ્યાસ માટે મોંટા શહેરોમાં આવતી આવતી કેટલીયે યુવતીઓ અને યુવકો વૈભવી જીવન જીવવાનાં સપનાંઓ જુએ છે. આ માટે ખૂબ પૈસાની જરુર પડે, જે ઘરેથી મળી શકે તેમ ન હોય એવા સંજોગોમાં અનૈતિક કામો કરીને પણ પૈસા પેદા કરતા થઇ ગયા છે. ગામડે મા-બાપ સપનાંઓ જોતાં હોય કે દીકરો અને દીકરી શહેરમાં ભણીગણીને એમનાં સપનાંઓ પૂરાં કરશે અને અહીંયા દીકરો કે દીકરી મા-બાપનાં સપનાં પૂરા કરવાનાં તો એક બાજુ રહ્યાં, ઊલટાના આબરુ જાય એવાં કામ કરતાં હોય છે. જે મા-બાપ આર્થિક રીતે સમૃદ્ધ છે એ પણ સંતાનોને પરસેવો પાડીને પૈસા પેદા કરવાનું જ્ઞાન આપવાને બદલે વગર મહેનતે જે જોઇએ એ બધું આપીને સંતાનોના ભવિષ્ય સાથે રમતો રમે છે. હું સાંજે મારી ઓફીસ પૂરી કરીને રેસકોર્સ રિંગ રોડ પર વૉકીંગ કરવા માટે જાઉં. મને રોજ એક વૈભવી કાર રોડ પર આડેધડ પાર્ક થયેલી જોવા મળે. ટ્રાફિકમાં અડચણરૂપ થાય એવી રીતે ગાડી પાર્ક કરીને ગાડીનો માલિક એના મિત્રો જોડે બેઠો બેઠો ગપ્પાં મારતો હોય. આ ગાડીના માલિકે પોતાના પૈસાથી ગાડી ન લીધી હોય, પણ પૂજ્ય પિતાશ્રીએ જરૂરિયાત ન હોવા છતાં ગાડી અપાવી હોય. ગાડીની નંબર પ્લેટ પર લખેલા હોદ્દા પરથી જ સમજાઈ જાય કે આ ભાઇ પોતાના પગ ઉપર ઊભા રહી શકે તેમ જ નથી. માત્ર પિતાના નામ અને દામના સહારે જ જીવી રહ્યા છે અને રોફ જમાવી રહ્યા છે.

માતા-પિતાએ સંતાનોને વારસામાં સંપત્તિ આપવાને બદલે સંપત્તિ પેદા કરવાની ક્ષમતા આપવી જોઇએ. યુવાનોએ પણ પોતાના પગ પર ઊભા રહીને જીવન જીવવાની મજા લેવી જોઇએ. મહેનતથી કમાયેલો પૈસો વાપરતી વખતે એનો આનંદ પણ અલગ પ્રકારનો જ હશે.

(લેખક જાણીતા વિચારક અને વક્તા છે)