તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુખનું સરનામું:સંપત્તિની સાથે સંતાનને પણ પ્રેમ કરતા શીખીએ

19 દિવસ પહેલા
  • કૉપી લિંક

એક નાનું બાળક ઘરમાં આમથી તેમ દોડા-દોડી કરી રહ્યું હતું. પપ્પા એના કામમાં વ્યસ્ત હતા અને મમ્મી રસોડામાં રસોઇ બનાવી રહી હતી. બાળક સાથે રમનારું બીજુ કોઇ નહોતું એટલે એ બિચારું એકલું દોડાદોડી કરતું હતું. અચાનક એનો પગ ડ્રોઇંગ રૂમમાં રાખેલી કાચની ફુલદાની સાથે અથડાયો. ફુલદાની નીચે પડી અને તેના ટુકડા ટુકડા થઇ ગયા. ફુલદાની ખુબ કિમતી હતી. બાળકના પિતાનું ધ્યાન ગયું એટલે એણે બરાડા પાડવાના શરૂ કરી દીધા. બાળક પર પોતાનો ગુસ્સો ઠાલવતાં કહ્યું, 'ડોબા, તે આ કિમતી ફૂલદાની તોડી નાખી. આટલી સરસ ફુલદાની માંડ મળી હતી. ઘરમાં ટાંટિયો વાળીને બેસતા શું થાય છે? તારા બાપે પાઇ-પાઇ બચાવીને આ ફુલદાની ખરીદી હતી અને માત્ર બે સેકન્ડમાં તો તે એનું 'રામ નામ સત્ય' કરી નાખ્યું. તારા જેવા દીકરા ઘરમાં હોય પછી ક્યાંથી બરકત આવે?'

નાના બાળકને તો એના પિતા શું બોલી રહ્યા છે એની કંઇ સમજ પડતી નહોતી. એ બિચારો સુનમુન થઇને આ બધુ સાંભળી રહ્યો હતો. એને તો એટલી ખબર પડતી હતી કે પપ્પા ખીજાઇ રહ્યા છે એટલે એની આંખમાંથી આંસુ પણ ચાલુ થઇ ગયાં. જેમ-જેમ પપ્પાનો અવાજ વધતો ગયો તેમ-તેમ બાળકની આંખમાંથી નીકળતાં આંસુ પણ વધતાં ગયાં. પતિને રાડારાડી કરતા સાંભળીને રસોડામાં કામ કરતી પત્ની બહાર આવી. ઘરમાં તૂટેલી ફૂલદાની જોઇને એને આખી ઘટના સમજાઈ ગઈ. એ સીધી જ બાળક પાસે ગઇ અને બાળકના માથા પર પ્રેમથી હાથ ફેરવ્યો. બાળક તો માની સાડીના પાલવમાં માથું છુપાવીને માને ભેટી પડ્યો અને હિબકા ભરીને રડવા લાગ્યો.

બાળકના પિતાએ આ દૃશ્ય જોયું એટલે એની પત્નીને પણ ખીજાઇને કહ્યું, 'તું જ આ છોકરાને ચડાવે છે અને તે જ એને બગાડી મૂક્યો છે. આ કુંવરસાહેબે કિમતી ફુલદાની તોડી નાખી છે અને તું એના માથા પર હાથ ફેરવીને એને પ્રોત્સાહન આપે છે.' પત્નીએ બધું જ સાંભળી લીધું. સામે કંઇ બોલી નહીં. બાળકના માથા પર હાથ ફેરવતાં ફેરવતાં કહ્યું, 'બેટા, આ ફૂલદાની બહુ કિમતી હતી. પપ્પાની પ્રિય હતી. હવે બીજી વખત ધ્યાન રાખજે બેટા. જા તારા રૂમમાં જઇને મોઢું ધોઈ આવ.'

બાળક જેવો રૂમમાં ગયો કે પત્નીએ પતિ પાસે જઇને ધીમા અવાજે કહ્યું, 'તમારી વાત સાચી છે કે છોકરાએ નુકસાન કર્યું. ફૂલદાની તુટી જાય એની તમને ચિંતા અને દુ:ખ છે પણ તમારા એકના એક દીકરાનું દિલ તુટી જાય એની તમને ચિંતા નથી! ઘરની ચીજ વસ્તુઓને સાચવવી જરૂરી છે કારણ કે, એ આપણી સંપત્તિ છે પરંતું સંતાન તો આપણી સૌથી મોટી સંપત્તિ છે માટે એને સાચવવું વધુ મહત્ત્વનું છે. જરા શાંતિથી વિચારો, ફૂલદાની તો ઘરમાં બીજી પણ આવશે પણ બીજો દીકરો ક્યાંથી લાવશો?'

આપણી સૌથી મોટી સંપત્તિ આપણાં સંતાનો છે. આપણી સ્થુળ સંપત્તિનું જેટલું જતન કરીએ છીએ, જેટલું ધ્યાન રાખીએ છીએ અને જેટલો પ્રેમ કરીએ છીએ એવું સંતાન માટે થાય છે ખરું? વાસ્તવિકતાઓ એ છે કે મોટાભાગના માતા-પિતાને સંતાનની સાચવણીની બાબતમાં કોઇ સમજ જ નથી. જે.કૃષ્ણમૂર્તિએ કહ્યું છે કે, ‘આપણે કોઇપણ કામ કરતાં પહેલાં તે બાબતની તાલીમ લઇએ છીએ. ડોક્ટર, ઇજનેર કે શિક્ષક તરીકે કામ કરતાં પહેલાં એ અંગેની તાલીમ લેવી પડે છે. પરંતુ દુ:ખની વાત એ છે કે આ દુનિયામાં સૌથી અઘરામાં અઘરું કામ મા-બાપ તરીકેનું છે અને આ માટેની કોઇ તાલીમ લેવામાં કે આપવામાં આવતી જ નથી.’ આપણે માત્ર શારીરીક રીતે મા-બાપ બની જઇએ છીએ પણ બાળકના જન્મ બાદ આપણી મનોવૈજ્ઞાનિક જવાબદારીઓ શું છે એની કોઇ સમજ જ નથી હોતી. મા-બાપની ભૂમિકાને પૂર્ણ રીતે સમજ્યા વગર બાળકને જન્મ આપવો એ પણ મોટો અપરાધ છે.

સંસ્કૃતમાં એક સુભાષિત છે ‘લાલયેત પંચવર્ષાણી, દસ વર્ષાણી તાડયેત, પ્રાપ્તેમ તું સોલસેવર્ષે પુત્રમિત્રવદાચરેત.’ બાળક પાંચ વર્ષનું હોય ત્યાં સુધી તેને લાડ લડાવવા જોઇએ, પછીના દસ વર્ષ જરૂર પડે તો હળવી સજા પણ કરવી અને સોળમાં વર્ષમાં પ્રવેશ થતાની સાથે બાળક સાથે મિત્ર જેવું વર્તન રાખવું.' આ સુભાષિત પ્રમાણે નાના બાળકને લાડ લડાવવાની અને એને સાચવવાની વાત કરેલી છે. આપણે સંતાનોને પ્રેમ આપવામાં ઊણા ઊતરીએ છીએ કારણ કે, ઘણીવખત સંતાન કરતાં પણ સંપત્તિને અજાણતા જ વધુ મહત્ત્વ અપાઇ જાય છે. બાળકના કુમળા માનસ પર આપણી કઠોર વાણી બહુ મોટા ઉઝરડા પાડી દે છે એ આપણને નથી ખબર. નાના બાળકને બહુ નિરાશ ન કરવું.

ડો. એ.પી.જે અબ્દુલ કલામ તા. 20મી જુન 2015ના રોજ સાળંગપુર પધાર્યા હતા. પ.પૂ.પ્રમુખસ્વામી મહારાજ સાથેની આધ્યાત્મિક યાત્રા પર એમણે લખેલા પુસ્તક 'ટ્રાન્સેન્ડન્સ'નું પ્રમુખસ્વામી મહારાજના હસ્તે વિમોચન કરાવવા તેઓ ખાસ દિલ્હીથી સાળંગપુર આવ્યા હતા. પ્રમુખસ્વામી મહારાજ સાથેની મુલાકાત બાદ એક સભા થઇ, જે બપોરે 2 વાગે પૂરી થઇ. સભા પૂરી કરીને ડો. કલામ બહાર નીકળી રહ્યા હતા ત્યારે ગામડાનો એક સાવ સામાન્ય છોકરો સલામતી કોર્ડન તોડીને ભીડમાંથી આગળ આવ્યો. ડો. કલામનું ધ્યાન ગયું એટલે એણે આ ગામડીયા છોકરાને નજીક બોલાવ્યો. છોકરાએ પોતાના પેન્ટના ખિસ્સામાંથી ડૂચો વાળેલો એક કાગળિયો કાઢ્યો અને ડો. કલામના હાથમાં આપીને ઓટોગ્રાફ આપવા વિનંતી કરી. ડો. કલામે ડૂચો વાળેલો એ કાગળ હાથમાં લઇને એને ખોલ્યો. બીજા પાસેથી પેન લીધી અને દીવાલ પર કાગળ રાખીને એના પર ઓટોગ્રાફ આપ્યા. કાગળ બાળકના હાથમાં આપ્યો એટલે એણે તો પાછો કાગળનો ડૂચો વાળીને ખિસ્સાંમાં મૂકી દીધો. બધાને આ છોકરા પર ખૂબ ગુસ્સો આવ્યો પણ ડો. કલામે એને સ્માઇલ આપી.

બાજુમાં જ ઊભેલા બ્રહ્મવિહારી સ્વામીને ડો. કલામે કહ્યું, 'નાનાં બાળકને ક્યારેય નિરાશ ન કરવું કારણ કે, આ ધરતી પરના એના શરૂઆતના દિવસો હોય છે. જો બાળક સાથે ખરાબ વર્તન કરીએ તો એને એવી છાપ ઊભી થાય કે દુનિયા ખરાબ છે માટે એની સાથે પ્રેમપૂર્વક જ વર્તવું જોઇએ.'

ડો. કલામ તો અપરિણીત હતા અને છતાં બાળક સાથે કેવી રીતે વર્તવું એ જાણતા હતા. સંતાનોનાં માતા-પિતાએ પણ આ સનાતન સત્ય સમજી લેવાની જરૂર છે નહીંતર સંપત્તિ ઘણી હશે, પણ સંતાન સાથે નહીં હોય.
(લેખક જાણીતા વિચારક અને વક્તા છે)

અન્ય સમાચારો પણ છે...