• Gujarati News
  • Magazine
  • Rangat sangat
  • Ladakh Is A Region With A Glimpse Of Buddhism, Flags Of Vibrant Colors And Snow capped Mountains ... Here You Will Find A Message Of Love And Compassion With Peace

એક્સપ્લોર ઇન્ડિયા:બૌદ્ધિસત્ત્વ, વાઇબ્રન્ટ કલર્સના ફ્લેગ્સ અને બરફાચ્છાદિત પર્વતોની ઝાંખી કરવતો પ્રદેશ એટલે લદ્દાખ... અહીં શાંતિ સાથે પ્રેમ અને કરુણાનો સંદેશો મળશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જીવનમાં યાદગાર ક્ષણો એકઠી કરવી હોય તો એકવાર લદ્દાખની મુલાકાત જરૂરથી લેવી જોઈએ. લદ્દાખ માટે એવું ચોક્કસથી કહી શકાય કે જે લદ્દાખમાં છે તે બીજે ક્યાંય નથી. એ પછી ફોટોગ્રાફર હોય, એડવેન્ચરહોલિક પર્સન હોય, પરિવાર સાથે હોય, બાઈક રાઇડર હોય કે પછી એવી વ્યક્તિ કે જે શાંતિની શોધમાં એકલો મુસાફર બનીને નીકળી પડ્યો હોય. જેને પોતાના માટે સમય જોઈતો હોય તે દરેક માટે લદ્દાખ એવું સ્થળ છે જે કોઈને ક્યારેક નિરાશ કરતું નથી. વિશાળ પહાડીઓમાં એનાથી પણ વધુ વિશાળ દિલ ધરાવતા અહીંના લોકો, ત્યાંની નદીઓ જેવા નિર્મળ લામાઓ આજે પણ પ્રેયર ફલેગ દ્વારા વિશ્વમાં પ્રેમ અને કરુણાનો સંદેશો ફેલાવી રહ્યા છે. આજે લદાખની લામાયુરૂ, લીકીર, નુબ્રાવેલીની ડીસ્કિત અને ફોટગુલ મોનેસ્ટ્રીની મુલાકાત લઈએ.

દૂર દૂર સુધી દેખાતી પહાડીઓ અને સ્વચ્છ આકાશ પર કોઈ પહાડી પર બેસીને ક્ષિતિજ પર નજર ફેરવીએ તો એમ જ લાગે જાણે ચંદ્ર પર પહોંચી ગયા છીએ
દૂર દૂર સુધી દેખાતી પહાડીઓ અને સ્વચ્છ આકાશ પર કોઈ પહાડી પર બેસીને ક્ષિતિજ પર નજર ફેરવીએ તો એમ જ લાગે જાણે ચંદ્ર પર પહોંચી ગયા છીએ

લામાયુરુ મોનેસ્ટ્રી
જાણે ચંદ્રમાના પટનો કોઈ ટુકડો પૃથ્વી પર લાવીને મૂકી દીધો હોય એવો આભાસ કરાવતું આ સ્થળ. સ્થાનિકો આ જગ્યાને 'મૂનલેન્ડ' કહે છે કારણ કે, તેની વિશિષ્ટ લેન્ડસ્કેપ ચંદ્રની સપાટીથી દેખાવમાં મળતી આવે છે. લામાયુરુ મોનેસ્ટ્રી મડ માઉન્ટ પર સ્થિત છે. દૂરથી નજર કરતા એમ જ સવાલ થાય કે આવી પહાડીઓ ઉપર આટલાં વર્ષો સુધી આ મઠ હજી પણ અકબંધ કઈ રીતે હોઈ શકે. દૂર દૂર સુધી દેખાતી પહાડીઓ અને સ્વચ્છ આકાશ પર કોઈ પહાડી પર બેસીને ક્ષિતિજ પર નજર ફેરવીએ તો એમ જ લાગે જાણે ચંદ્ર પર પહોંચી ગયા છીએ. લામાયુરુ મઠ લદ્દાખના પ્રાચીન મઠમાંનો એક છે. બહારથી જૂની લાગતી આ મોનેસ્ટ્રી અંદરથી ખૂબ જ વાઈબ્રન્ટ છે. શ્રીનગર- લેહ હાઇવે પર લેહથી 120 કિમી જેટલી દૂર આવેલી છે. એવું કહેવાય છે કે અગિયારમી સદીમાં અરહંત મધ્યાતિકાએ લામાયુરુ મઠની સ્થાપના અંગે ભવિષ્યવાણી કરી હતી. સમય વિતતાં મહાસિદ્ધ નરોપા અહીં આવ્યા અને અહીંની એક ગુફામાં ધ્યાન કર્યું, એ સમયે અહીંની ઝીલ સુકાઈ ગઈ અને ત્યાં મઠની સ્થાપના થઇ. તે સમયે અહીં પાંચ બિલ્ડીંગ હતા. હાલ એક જ છે. નરોપાએ જે ગુફામાં મેડિટેશન કર્યું હતું એ ગુફા પણ હાલ મોજુદ છે. અહીંના લુનાર લૅન્ડસ્કેપને ફોટોગ્રાફર એમની ફ્રેમમાં લેવાનું ચૂકતા નથી. દરેક મોનેસ્ટ્રી જેમ અહીં પણ વાર્ષિક ઉત્સવ ઉજવાય છે જેને યુરૂ કાલગ્યાત તરીકે ઓળખવામાં આવે છે. મઠના એસેમ્બલી હૉલની દીવાલો ખૂબ જ જટિલ અને રસપ્રદ થન્ગકા આર્ટથી સજાવેલી છે.

આ ફ્લેગ્સ પવનમાં જેટલા લહેરાય એટલા તેમાં લખેલી પ્રાર્થના અને આશીર્વાદ જીવમાત્ર સુધી પહોંચે છે અને શાંતિનો સંદેશો ફેલાય છે
આ ફ્લેગ્સ પવનમાં જેટલા લહેરાય એટલા તેમાં લખેલી પ્રાર્થના અને આશીર્વાદ જીવમાત્ર સુધી પહોંચે છે અને શાંતિનો સંદેશો ફેલાય છે

હિમાલયન વિસ્તારોમાં જઈએ એટલે ઠેર ઠેર રંગબેરંગી હવામાં મસ્તીમાં ઊડતા ફ્લેગ્સ, ક્યાંય બ્રિજની બંને બાજુ પર, પહાડીઓની ટોચ ઉપર, રસ્તાઓ પર, બાઈકના હેન્ડલ પર, ગામડાંઓમાં, મોનેસ્ટ્રીમાં હવામાં ફરફરતા આવા રંગીન ધ્વજ જોવા મળશે જ. આ ફ્લેગ્સ મૂળ રીતે પ્રાર્થના ધ્વજ છે. જે હંમેશાં પાંચ રંગોના સેટમાં બનેલા હોય છે અને ડાબી બાજુએથી જમણી બાજુ પર બાંધવામાં આવે છે. જે અનુક્રમે વાદળી, સફેદ, લાલ, લીલા અને પીળા રંગના હોય છે. દરેક રંગ કોઈ તત્ત્વ સાથે જોડાયેલા છે. વાદળી રંગ આકાશ અને શાંતિ, સફેદ રંગ હવા, લાલ રંગ આગ, લીલો રંગ પાણી અને પીળો રંગ ધરતી તત્ત્વ સાથે જોડાયેલા છે. આ ફ્લેગ્સ એવી જગ્યાએ બાંધવામાં આવે છે જ્યાંથી તે સતત લહેરાયા કરે. તે જમીનને સ્પર્શે એ અશુભ માનવામાં આવે છે. તે પવનમાં જેટલા લહેરાય એટલા તેમાં લખેલી પ્રાર્થના અને આશીર્વાદ જીવમાત્ર સુધી પહોંચે છે અને શાંતિનો સંદેશો ફેલાય છે. તેમજ, હવા દ્વારા વાતાવરણને શુદ્ધ અને પવિત્ર કરે છે. કોઈ નજીકના વ્યક્તિ દ્વારા આ ફ્લેગ્સનું ગિફ્ટમાં મળવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.

લિકિર મોનેસ્ટ્રી
સિંધુ નદીના કાંઠે વસેલા લિકિર ગામની મોનેસ્ટ્રી રાષ્ટ્રીય સ્મારક તરીકે જાહેર કરવામાં આવી છે અને પુરાતત્ત્વ વિભાગ હેઠળ તેની દેખરેખ થાય છે. આ મોનેસ્ટ્રીના એસેમ્બલી હોલમાં બૌદ્ધિસત્વ, અમીતાભા અને મૈત્રેયની વિશાળ પ્રતિમા આવેલી છે. મોનેસ્ટ્રીની છત પર વિશાળ મૈત્રેય બુદ્ધાનું સ્ટેચ્યુ છે, જે દૂરથી મોનેસ્ટ્રીની ટોચ પર દૃશ્યમાન થાય છે. અહીં ખૂબ જ જુના છતાં સુંદર ઝરૂખા, લાકડાં પરનું સુંદર નકશીકામ ભીંતિચિત્રો, થાન્ગકા ચિત્રો મોનેસ્ટ્રીના ભવ્ય ભૂતકાળની સાક્ષી પૂરે છે.

ખુલ્લાં વ્યોમ નીચે એક પહાડી પર આવેલી પ્રતિમા જોઈને આપોઆપ 'બુદ્ધમ શરણમ ગચ્છામી'ના નાદ સંભળાઈ શકે છે
ખુલ્લાં વ્યોમ નીચે એક પહાડી પર આવેલી પ્રતિમા જોઈને આપોઆપ 'બુદ્ધમ શરણમ ગચ્છામી'ના નાદ સંભળાઈ શકે છે

ડિસ્કીટ મોનેસ્ટ્રી
રેતીનાં રણ, ચોતરફ ઉત્તંગ બરફાચ્છાદિત શિખરો, ખૂબ જ વિશાળ પટમાં વેહતી શ્યોક નદી ઘડીભર થંભી જવા માટે કોઈને પણ મજબૂર કરી દે એટલી આગવી એની સુંદરતા. નાનકડાં રોડ પર વિવિધરંગી પહાડો અને દરેક પહાડોમાં વિવિધતા તો ખરી જ. થોડે આગળ વધીએ કે નાનકડું ગામ, ખેતરો, એપ્રીકોટ અને સફરજનનાં વૃક્ષોની લીલોતરી સાથે કુદરતે પ્રેમથી સજાવ્યું હોય એવું ડિસ્કિટ ગામ અને વિશાળ હિમાલયમાં શાંતિનો સંદેશો ફેલાવતી ભગવાન બુદ્ધની 106 ફૂટની વિશાળ પ્રતિમા જેનું મુખ શ્યોક નદી તરફ છે, જે આ વિસ્તારની શાંતિ અને ખુશહાલી માટે બનાવવામાં આવ્યું છે. ખુલ્લાં વ્યોમ નીચે એક પહાડી પર આવેલી પ્રતિમા જોઈને આપોઆપ 'બુદ્ધમ શરણમ ગચ્છામી'ના નાદ સંભળાય અને આંખો તથા મનના દરવાજા આપોઆપ ખૂલી જાય. આ મૂર્તિ ખૂબ જ દૂરથી સ્પષ્ટપણે જોઈ શકાય એમાં પણ સૂર્યાસ્ત સમયે કુદરતનાં રંગોની કારીગરી અહીંયા કોઈને પણ આકર્ષે છે.

નુબ્રા વેલીમાં સ્થિત આ મોનેસ્ટ્રી યલો હેટ સંપ્રદાય હેઠળ આવે છે. સમુદ્રતળથી 10,300 ફૂટ ઊંચાઈ પર સ્થિત ડિસ્કીટ મોનેસ્ટ્રીમાં તિબેટીયન શૈલીની ખૂબ જ સુંદર વાસ્તુકલા જોઈ શકાય. ડિસ્કીટ નુબ્રા વેલીનો સૌથી મોટો મઠ છે. સુંદર મુરાલ પેઈન્ટિંગ સાથે અનેક પ્રાચીન ગ્રંથો અહીં સચવાયેલા છે. અહીં નુબ્રા વેલીના બાળકોને આધુનિક શિક્ષણ મળી શકે તે માટે શાળા પણ ચલાવવામાં આવે છે. અહીંનાં લોકો પણ બુદ્ધ જેટલા જ નિર્મળ અને ભાવુક છે.

ફૂગ્ટલ મોનેસ્ટ્રી
ઝંસ્કાર રેંજમાં આવેલ આ મોનેસ્ટ્રી લદ્દાખની સૌથી એકાંત પ્રદાન કરતી મોનેસ્ટ્રી કહી શકાય. આ મોનેસ્ટ્રી એવી છે જ્યાં ટ્રેકિંગ કરીને જ જઈ શકાય એવા દૂરસ્થ વિસ્તારમાં સ્થિત છે.બારમી સદીની આસપાસ પહાડીને કાપીને આ મઠ બનાવવામાં આવ્યો છે. હિમાલયના એવા દુર્ગમ વિસ્તારમાં આ મોનેસ્ટ્રી આવેલી છે કે જ્યાં હજી માંડ ચાર કે પાંચ વર્ષ પહેલાં સોલાર દ્વારા વીજળી પહોંચી છે. પહાડી પર જાણે મધપૂડો લટકતો હોઈ એવું જ કંઈક બાંધકામ અને પહાડી નીચે વહેતી ત્સારાપ નદી વિસ્તારને વધુ આકર્ષક બનાવે છે. મઠમાં ઘણા પ્રાચીન લાકડાં અને માટીના બાંધકામ જોવા મળે છે. અહીંના એક સ્તૂપમાં મઠના સ્થાપક તશેરાપ ઝાનગ્યોના અવશેષો છે એવું માનવામાં આવે છે. અહીં પહોંચવા માટે એક કે બે દિવસનો ટ્રેક કરવો પડે છે. અહીંની ખાસ વાત એ છે કે અહીં તિબેટીયન પરંપરાનું ચિકિત્સાલય આવેલું છે જેમાં આસપાસના લોકો તેમની સ્વાસ્થ્યની સમસ્યાઓ દૂર કરવા માટે આવે છે.

આ ઉપરાંત તાકટોક મોનેસ્ટ્રી , શંકર ગોમ્પા, હેનલે ગોમ્પા, મુલબેખ મોનેસ્ટ્રી, રંગડુમ મોનેસ્ટ્રી, વાનલા મોનેસ્ટ્રી, રિઝોન્ગ મોનેસ્ટ્રી, મઠો મોનેસ્ટ્રી, લિંગશેડ મોનેસ્ટ્રી, સુમદા ચું મોનેસ્ટ્રી વગેરે ઉપરાંત નાની મોટી અનેક મોનેસ્ટ્રીઓ આવેલ છે. બુદ્ધનાં આવા મઠોમાં જઈને ધ્યાન ધરવું એ લગભગ પોતાની જાતને ઢંઢોળવા જેવું છે. શાંતિ અને સૌમ્યતા અપનાવવાનો આનાથી સરળ રસ્તો મેં હજુ સુધી જોયો નથી.
creativearyans3@gmail.com
(‘આરણ્યક’ તરીકે જાણીતા કૌશિક ઘેલાણી અલગારી રખડપટ્ટી કરીને કુદરતને પોતાના અસ્સલ મિજાજમાં જોતા અને કેમેરામાં કેદ કરતા વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર છે)

અન્ય સમાચારો પણ છે...