ઇટ્સ કોમ્પ્લિકેટેડ:પતિ-પત્નીમાં વિશ્વાસની ખોટ: લગ્નજીવનમાં મૂંઝવણ અને ગૂંચવણ ઊભું કરનાર મૂળ બને છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

મયુરિકા સુરતની અલ્લડ યુવતી. જીવનને ઉજવી નાખવામાં માને. બાર સાયન્સ કર્યા પછી તેની ઈચ્છા એમબીબીએસ કરીને ડૉક્ટર બનવાની હતી પણ ઘરના સંજોગો એવા હતા કે તેણે નોકરી કરવી પડે. કૉમર્સમાં ભણી તો સીએ થઈ. નોકરી કરતાં કરતાં, ટ્યુશનો કરીને તેણે પોતાનો શૈક્ષણિક ખર્ચ કાઢ્યો હતો. તેનાં માતા-પિતાને તેના માટે ગૌરવ હતું. આવી તેજસ્વી દીકરી માટે કયા માતા-પિતાને ગૌરવ ના હોય?

મયુરિકાએ લગ્ન માટે પોતાની મેળે જ છોકરો શોધવાનું નક્કી કર્યું હતું. વિવિધ મેટ્રિમોનિયલ વેબસાઈટની તે સભ્ય બની અને નિયમિત રીતે છોકરાઓની વિગત ચેક કરતી રહેતી. છેવટે અમદાવાદનો આકાશ નામનો એક છોકરો તેને ગમ્યો. એમ.બી.એ. થયો હતો. અમેરિકા પણ ભણી આવેલો.

એક મલ્ટિનેશનલ કંપનીમાં અમદાવાદમાં નોકરી કરતો હતો. ઘણું સારું પેકેજ હતું. તેનાં માતા-પિતા ગામડે રહેતાં હતાં અને તેઓ અમદાવાદ આવવા માગતાં નહોતાં. આકાશ એકનો એક પુત્ર હતો.

મયુરિકા અને આકાશ બંને પહેલીવાર અમદાવાદમાં મળ્યાં, મયુરિકા પોતાની મિત્રને ત્યાં આવી. એક રેસ્ટોરન્ટમાં થયેલી તેમની પહેલી મુલાકાત ત્રણ કલાક ચાલી હતી. બંનેએ ખૂબ વાતો કરી, બંને એકબીજાને ગમ્યાં.

નક્કી થયું કે હજી એકવાર મળીએ. આ વખતે આકાશ સુરત ગયો. બંને બહાર મળ્યાં, સાથે જમ્યાં. એ પછી આકાશ મયુરિકાના ઘરે તેનાં માતા-પિતા અને પરિવારના સભ્યોને મળવા પણ ગયો.

છેવટે મયુરિકા અને આકાશનું લગ્ન થયું. મયુરિકા સુરત છોડીને અમદાવાદ આવી. લગ્ન પછી બંને હનિમૂન કરવા યુરોપ ગયા હતાં.

લગ્નના છ મહિના પછી એક એવી ઘટના બની જે બિલકુલ અપેક્ષિત નહોતી. આકાશને તેની કંપનીએ અમેરિકા બોલાવ્યો. આકાશે મયુરિકા સાથે કોઈ પણ પ્રકારની ચર્ચા કર્યા વિના અમેરિકા જવાની હા પાડી એટલું જ નહીં, તેણે બધી પ્રોસેસ પણ કરી દીધી.

જ્યારે મયુરિકાને ખબર પડી ત્યારે તેને ખૂબ જ માઠું લાગ્યું. પહેલી વાત તો એ હતી કે તે ભારત છોડવા માગતી નહોતી. લગ્ન પહેલાં તેણે આકાશ સાથે ચર્ચા કરી હતી. આકાશે એવી કોઈ વાત કરી નહોતી કે લગ્ન પછી તે અમેરિકા જશે.

મયુરિકાને થયું કે ચાલો અમેરિકા જવામાં વાંધો નથી, પણ આકાશે તેની સાથે કોઈ ચર્ચા જ કરી નહીં એ બાબતનો તેને મોટો આઘાત લાગ્યો. આવડો મોટો નિર્ણય કરવાનો હોય અને પતિ તેની પત્ની સાથે ચર્ચા જ ના કરે એ કેવી રીતે ચાલે?

હજી લગ્નને માંડ છ મહિના થયા હતા અને આકાશ તથા મયુરિકાનું લગ્નજીવન મુશ્કેલીમાં મુકાઈ ગયું. આકાશે મયુરિકાને કહ્યું કે હું અમેરિકા જઈને ખૂબ ઝડપથી તને બોલાવી લઈશ. જો કે મયુરિકાનું હૃદય નંદવાયું હતું. કદાચ તે અમેરિકા જવા તૈયાર પણ થઈ હોત, પરંતુ આકાશનો એટિટ્યૂડ તેને સહેજે ગમ્યો નહીં. તેણે એમ પણ વિચાર કર્યો કે અમેરિકા ગયા પછી આનાથી પણ વધારે સંવેદનશીલ પરિસ્થિતિ ઊભી થાય તો પોતે પારકી ભૂમિ પર શું કરી શકે?

મયુરિકાએ આકાશથી છૂટા પડવાનો નિર્ણય કર્યો. આકાશ એવું વિચારતો હતો કે મયુરિકા આ બાબતને સહજતાથી અને હળવાશથી લેશે. મયુરિકા આ બાબતને પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવી દેશે તેવી તો આકાશને કલ્પના પણ નહોતી. મયુરિકાનાં માતા-પિતાએ મયુરિકાને સમજાવી. તેમણે એમ પણ કહ્યું કે તું છૂટા પડવાની ઉતાવળ ના કરીશ. એવું પણ બને કે આકાશ અમેરિકાથી પરત આવી જાય, તું એક વર્ષનો સમય લે. જો કે મયુરિકા આ માટે તૈયાર નહોતી. તેની એક જ દલીલ હતી કે જે વ્યક્તિ આટલી ગંભીર બાબત માટે મારી સાથે ચર્ચા ન કરે એ વ્યક્તિ સાથે હું આખું જીવન ન રહી શકું. આજના સમયકાળમાં પતિ અને પત્ની બંને સાથે મળીને જ નિર્ણયો કરતાં હોય છે. આકાશે આવી ચૂક શા માટે કરી તેની પણ તેને નવાઈ લાગતી હતી.

આકાશ જે જ્ઞાતિમાંથી આવતો હતો એ જ્ઞાતિમાં પુરુષો પરિવારમાં એકાધિકાર ભોગવતા હતા. જો કે સમયને કારણે તેમાં થોડો ફરક આવ્યો હતો પરંતુ આકાશ પોતે એવું માનતો હતો કે તમામ નિર્ણયો માટે પત્નીને વિશ્વાસમાં લેવી જરૂરી નથી.

એક મહિના પછી જ્યારે આકાશ નોકરીના ભાગરૂપે અમેરિકા ગયો ત્યારે મયુરિકાએ અમદાવાદથી સુરતનો રસ્તો પકડ્યો. જો કે હવે એ પરણેલી નહોતી. તેણે છૂટાછેડા લઈ લીધા હતા.

***

જે મયુરિકાના જીવનમાં બન્યું એ બીજી ઘણી યુવતીઓનાં જીવનમાં પણ બને છે. સમય બદલાયો છે એ વાત સાવ સાચી છે પરંતુ આજે પણ પુરુષોનું આધિપત્ય ઓછું થયું નથી. અનેક કિસ્સાઓમાં પુરુષો સ્ત્રીઓને મહત્ત્વના નિર્ણયોમાં ભાગીદાર બનાવતા નથી. અમદાવાદના એક બેન્ક મેનેજરની દીકરી લગ્ન કરીને સિડની ગઈ હતી. લગ્ન પહેલાં જે કહેવામાં આવ્યું હતું તે પુરુષ પક્ષે નહોતું. ઘણું ખોટું બોલીને છોકરીને છેતરવામાં આવી હતી. સિડની ગયા પછી એ છોકરીને ખૂબ હેરાન કરવામાં આવેલી. એ છોકરીને ક્યારેય એવું ફીલ થયું નહોતું કે પોતે પત્ની છે. જાણે કે તેનો ઉપયોગ થતો હોય તેવું તેને લાગતું હતું, એ નોકરી કરતી હતી. એનો પગાર પતિ અને સાસુ લઈ લેતાં હતાં. કોઈ બાબતે તેને પૂછવામાં આવતું નહોતું. ત્રણ વર્ષ સુધી આવી પરિસ્થિતિ સહન કરીને એ દીકરી અમદાવાદ પરત આવી. માતા-પિતાને વાત કરી. એવું નક્કી થયું કે છૂટા પડવું. જો કે જમાઈએ સમાધાન કર્યું, તેણે માફી માગી. વિશ્વાસ રાખીને દીકરી ફરીથી સિડની ગઈ. જો કે પુનઃ જેવી સ્થિતિ હતી તેવી જ સ્થિતિનું નિર્માણ થયું. છેવટે એ દીકરીએ કાયદેસર રીતે છૂટાછેડા લેવા માટે પ્રોસિજર કરી.

આવું વારંવાર બને છે. પુરુષોનો અહમ હવે ખાસ દેખાતો નથી એવું માનવામાં આવે છે, એ વાતમાં વજુદ પણ છે. હવે સ્ત્રી અને પુરુષો એકસરખી સ્વતંત્રતા ભોગવી રહ્યાં છે. ઘણા કિસ્સાઓમાં તો સ્ત્રીઓ વધારે પડતી મુક્તિનો ઉપયોગ કરતી હોય તેવું સમાજને પ્રતીત થતું હોય છે. આમ છતાં એ કબુલ કરવું જોઈએ કે ઘણાં કિસ્સાઓમાં આજે પણ સ્ત્રીઓ પુરુષોના ધણીપણાનો, તેમના અભિમાનનો, તેમના એકાધિકારનો ભોગ બને છે. મયુરિકા જેવા અનેક કેસો છે. અનેક શિક્ષિત પતિઓ પણ એવું માને છે કે દરેક બાબતમાં સ્ત્રીને પૂછવાની કે તેને વિશ્વાસમાં લેવાની જરૂર હોતી નથી. આવા સંજોગોમાં જે ગૂંચવણ ઊભી થાય છે તે સંબંધોને પ્રદૂષિત કરે છે.

આવો જ એક મુદ્દો આર્થિક બાબતો અને સંપત્તિને લગતો છે. ધંધો-રોજગાર કે નોકરી કરતા પુરુષો પોતાની પત્નીને સંપત્તિ વિશે કોઈ માહિતી આપતા નથી. ઉપર ઉપરથી માહિતી આપે પરંતુ વિગતવાર માહિતી હોતી નથી. તેમની પાસે કુલ સંપત્તિ કેટલી છે? જમીન-જાયદાદ કેટલાં છે? શેર કેટલા છે? બેન્કમાં ફિક્સ ડિપોઝિટ કેટલી છે? લેણાં-દેવું કેટલું છે? ભાગીદારી હોય તો કઈ રીતે, કઈ શરતે ભાગીદારી છે અને તેનું સ્ટેટસ શું છે આવી કોઈ માહિતી પુરુષો પત્નીને આપતા નથી. જો પુરુષને અચાનક કશું થઈ જાય તો પત્નીને બધું મેનેજ કરવાનું ખૂબ જ અઘરું પડે છે.

અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં રહેતા એક ઉદ્યોગપતિનું દસેક વર્ષ પહેલાં અચાનક અવસાન થયું. ધંધાનો પથારો ઘણો મોટો હતો. અનેક જગ્યાએથી પૈસા લેવાના હતા અને અનેક જગ્યાએ આપવાના હતા. કેટલીક વિગતો નોંધાયેલી હતી તો કેટલીક વિગતો બિલકુલ ચોપડામાં નહોતી. એમની ફેક્ટરીનો મેનેજર વિશ્વાસુ નહોતો. તેણે પૈસા ખાવાનો પ્રયત્ન કર્યો. જો કે ઉદ્યોગપતિનાં પત્ની હોશિયાર હતાં. તેમણે પોતાના પતિના મૃત્યુના માત્ર 15 દિવસ પછી જ કારખાને જવાનું શરૂ કરી દીધું. તેમણે ખૂબ ધીરજથી તમામ હિસાબો ચેક કર્યા. તેમની બહેનની દીકરી સી.એ. થયેલી હતી. તેનો સાથ લીધો. આમ છતાં સ્થિતિને સમજતાં અને થાળે પાડતાં તેમને આશરે એક વર્ષ થયું. જો પતિએ પોતાની પત્નીને અગાઉથી જ તમામ વિગતો આપી રાખી હોત તો આટલી તકલીફ ન પડત. આર્થિક રીતે જે નુકસાન થયું તેમાંથી પણ તે પરિવાર બચી શક્યો હોત. કેટલીક પરંપરાઓને સમયની સાથે બદલવી જ જોઈએ. રિયાલિસ્ટિક એન્ગલથી નિર્ણયો કરવા જોઈએ. સ્ત્રી જુદી રીતે વિચારે છે એટલે તેને દરેક નિર્ણયમાં સામેલ ન કરવી જોઈએ તેવું માનનારા પુરુષોએ પોતાની ભૂલ સુધારવાની જરૂર છે. પુરુષ અને સ્ત્રીની નિર્ણય કરવાની પ્રક્રિયામાં ફરક હોય છે. તેઓ જુદી જુદી રીતે નિર્ણયો કરે છે કારણ કે બંને જુદાં જુદાં પરિબળોને ધ્યાનમાં રાખીને નિર્ણય કરે છે. પુરુષો સાહસની દિશા પકડે છે તો સ્ત્રીઓ સલામતી તરફ આગળ વધતી હોય છે. આવી સ્થિતિમાં સહિયારા નિર્ણયો લેતી વખતે ચોક્કસ મતભેદ થાય. એનો ઉકેલ એ નથી કે કોઈ એક પક્ષની ઉપેક્ષા કરીને નિર્ણય કરવો. એ ખોટો અને જોખમી રસ્તો છે. સાચો રસ્તો એ છે કે સાથે બેસીને તમામ પરિબળોનો વિચાર કરીને નિર્ણય કરવો. સામેના પાત્રને પોતાનો દૃષ્ટિકોણ ધીરજથી સમજાવવો. એક મિટિંગમાં નિર્ણય ન આવે તો વારંવાર મળવું. જ્યાં સુધી બંને પાત્રો સહમત ન થાય ત્યાં સુધી સંવાદ ચાલુ રાખવો જોઈએ.

જેમ પતિઓના કેસમાં હોય છે એ જ રીતે ઘણીવાર પત્નીઓ પણ મનસ્વી રીતે, પતિને વિશ્વાસમાં લીધા વગર નિર્ણયો કરે છે. એને કારણે પણ મૂંઝવણ અને ગૂંચવણ ઊભી થતી હોય છે.

પત્ની હોય કે પતિ બંનેએ એકબીજાને વિશ્વાસમાં લઈને જ આગળ વધવું જોઈએ. મહત્ત્વના નિર્ણયો તો સાથે મળીને જ કરવા જોઈએ.

જતી વેળાનું સ્મિત: ‘એમાં વળી એને શું પૂછવાનું?’ આવું કહેતા પતિઓ અને ‘એમને પૂછીને પછી તમને કહીશ’ આવું કહેતી પત્નીઓ મોટાભાગે સાચું બોલતાં હોતાં નથી.

positivemedia2015@gmail.com
(લેખક વરિષ્ઠ પત્રકાર, કટારલેખક અને ‘RAA પોઝિટિવ મીડિયા’ના સ્થાપક છે)

અન્ય સમાચારો પણ છે...