• Gujarati News
  • Magazine
  • Rangat sangat
  • Kunal's Mobile Rang. 'Yeah ... I Don't Even Care Outside! In Fifteen Minutes I'll Be At My Door! ' When The Mobile Was Finished, He Got Up ... Ran To The Door !!

મારી વાર્તા:‘પંદર જ મિનિટમાં હું મારા ઘરના દરવાજે હોઇશ’ એવું બોલતાં જ કુણાલ ઊભો થઇને બારણા બાજુ ભાગ્યો...

23 દિવસ પહેલા
  • કૉપી લિંક

'વાઉ ભાભી! ક્યા ખૂબ! કહેવું પડે હોં, સેવખમણી તો તમારી જ!' કુણાલ છલકાતી ચમચી મોં ભણી લઇ જતાં એવા જ મલકાટથી છલકાતા મોઢે દર્શિતાભાભીની વાનગીનાં વખાણ કરી રહ્યો હતો. સીમા-કુણાલ, હેમંત-દર્શિતાને ત્યાં પહોચ્યાં, ને... એ લોકો સેવખમણીની ડિશ સાથે ડાઇનિંગ ટેબલ પર બેઠાં હતાં.

'અલ્યા હેમંતિયા, સેવખમણીનો પ્રોગ્રામ કરે છે ને અમને ગપચાવે છે! લાવ ચલ, ભાભી સ્પેશિયલ!'

કુણાલ તો સેવખમણીના રસસાગરમાં સેલારા લેવા માંડ્યો. સીમાએ પર્સમાં હાથ સેરવી કાર્ડને અડી લીધું. તેણે જોયું કે કુણાલ ભૂલી જ ગયો છે કે તે લોકો સીમાના હેન્ડ પ્રિન્ટેડ સાડી, ડ્રેસ મટિરિયલ, દુપટ્ટા વગેરેનાં પ્રદર્શન-કમ-સેલના ઉદઘાટનનું કાર્ડ આપવા આવ્યાં હતાં. છેલ્લાં છ મહિનાથી તે તેની પાછળ મંડેલી હતી. હર્ડલ રેસની જેમ કેટલી ઝંઝટ આવતી રહી! અણધાર્યા પરદેશથી મહેમાનો... કુણાલની માંદગી... સાસુજીને ફ્રેક્ચર થતાં અમદાવાદ જવાનું થયું... સીધા ચઢાણવાળા દાદરા પર ચઢવામાં જે મુશ્કેલી પડે એ તેણે આ સમયગાળો સંભાળ્યો હતો! લગ્ન અને NRI સીઝન ધ્યાનમાં રાખવી પડે તેમ હતી! કલાત્મક કામ ત્યારે જ નજરે ચઢે! જાતે આપવા જવું પડે એવાં બે-ચાર ઘરનો આજે મેળ પડ્યો હતો અને... એનો નવલિયો સેવખમણીની જ્યાફત ઉડાવી રહ્યો હતો... હજી બે ઘેર જવાનું બાકી હતું. તેણે યાદ કરાવવાનું ટાળી રાહ જોવાનું પસંદ કર્યું... ભલે ત્યારે ભાઈબંધને ત્યાં બે ઘડી મોજ માણી લે! બીજું શું! કુણાલની સેવખમણી સાથેની ચીટ-ચેટ પૂરી થવાની રાહ જોતી બેઠી રહી...

કુણાલનો મોબાઈલ એ જ વખતે રણક્યો. સેવખમણી કનેક્શન હોલ્ડના મોડમાં આવી ગયું. ફોન તો સૌથી મોટો રાજ્જા! 'હા... છું તો બહાર, પણ ડોન્ટ વરી! પંદર મિનિટમાં હું મારા ઘરના દરવાજે હોઇશ!' મોબાઇલ પૂરો થતાં મોંમાં છેલ્લી ચમચી નાખી તે ઊભો થઈ ગયો... ને ભાગ્યો બારણાં બાજુ.

'સીમા ચલ ઊઠ!'

સીમા ઊભી થઈ ગઈ. બહાર નીકળ્યાં... લિફ્ટનું બારણું ખેસવતાં કુણાલ ખુશ થયો, 'વાઉ! આપણે આવ્યાં ત્યારની લિફ્ટ અહીં જ છે! સીમાનો હાથ હજી પર્સમાં હતો... કાર્ડને અડતો! તેણે કાર્ડ બહાર કાઢ્યું.

'અરે ભાભી! ઇન્વિટેશન... એક્ઝિબિશન-કમ-સેલ! તમારી ટેલેન્ટ તો કહેવું પડે... વન વુમન શો, ભાભી! આવી જઇશું ડોટ પાંચ વાગે.'

'સીમા ચલને મોડું થાય છે' હેમંત બોલી રહે તે પહેલાં અધીરાઈથી કુણાલ બોલ્યો. હેમંતને જવાબ આપવા જતી સીમા હાથ હલાવી આવજો કરતાં લિફ્ટમાં ઘુસી. લિફ્ટના ખડખડાટ જોડે જુગલબંધી કરતો કુણાલનો ધમધમાટ ચાલ્યો...

'કાર્ડ તો પછી ય અપાત, બે મિનિટ અમથી ગઈ! લાડલો દિયર પાછો ભાભીને ઊછળી ઊછળીને કોમ્પલિમેન્ટ્સ આપ્યા વગર રહી જાય ને!'

'હોય હવે, કોઈ વાઉ વાઉ કરી ભાભીની સેવખમણીના બુકડા મારે, ને કોઈ ભાભીનાં વન વુમન શોનાં વખાણ કરે! ને બે મિનિટમાં વળી તારે શું ખાટું મોળું થઈ જવાનું છે!'

'તારી આ જ તકલીફ! કંઇક કહીએ કે સામું ગણાવીને જ રહે!'

કુણાલની સાથે આ જ તો તકલીફ હતી! ઘેરથી કેવો ઉત્સાહ સાથે નીકળ્યો હતો! પણ... એનું કંઇક કામ વચ્ચે નીકળે તો ખલાસ! બીજું બધું બાજુએ જ હડસેલાઈ જાય! ઘરેથી નીકળ્યાં ત્યારે ને... હવે જુઓ એના મિજાજની મોસમ બદલાઈ છે!

લિફ્ટ સાતમે માળેથી ભોંયતળિયે પહોંચી.

'પેલો આવી જશે. કેટલો ખાસ સપ્લાયર છે ખબર છે!' કહેતાં તે રિમોટ કંટ્રોલથી કાર લોક ખોલી સ્ટિયરિંગ સંભાળતો બેઠો... ચાવી ફેરવી મશીન ચાલુ કર્યું. સીમાએ પર્સમાંથી ઘરની ચાવી કાઢી તેનાથી કાર વિંડોના કાચ પર ઠક ઠક કર્યું. કારની બારીનો કાચ થોડો નીચો ઉતારી તે ચિડાઇને બોલ્યો, 'શું છે? બેસને કારમાં!'

'સાંભળ, બે અપાર્ટમેન્ટ છોડીને રિતુનું ઘર છે. ત્યાં ને પછી મેનનને ત્યાં કાર્ડ હું આપી આવું છું. આવી જઈશ રિક્ષામાં ઘેર.'

'વોટ નોનસેન્સ! નાટક છોડ! પેલાને પાણી, નાસ્તો, ચા હું આપું!?'

ઓહ! તો આ વાત છે! કાલે રાતે સીમાની સ્કૂલના આર્ટ ટીચર પ્રદર્શનનું જાણી હરખાતા આવ્યા હતા. એમને તો... સીમાએ આ ભગીરથ આર્ટ વર્ક કેવી રીતે પાર પાડયું એ જ જાણવું હતું! ખૂબ વાતો કરવી હતી. નાસ્તો, જૂસ વગર કંઈ સરને જવા દેવાય? પણ એક નેપકિન આપવાય કુણાલ બંદો હાલ્યો ચાલ્યો હોય તો! ને અત્યારે... સીમા જોઈ રહી કુણાલના તેવરને!

કારની બારીની નજીક જઈ તેણે કહ્યું, 'કુણાલ એક્ઝિબિશન પરમ દિવસે છે... મારે તો કેટલુંય જોવું પડશે. એટલે હું કાર્ડ અત્યારે જ આપી આવું. તું કરી લેજે તારે જે રીતે કરવું હોય'... ને પછી બોલી, 'લે પકડ ઘરની ચાવી! હો જાય ત્યારે તારો ય વન મેન શો!'
(તમારી વાર્તાઓ આ સરનામે મોકલી આપોઃ marivarta.divyabhaskar@gmail.com શરત એટલી કે તમારી વાર્તાઓ સંપૂર્ણપણે મૌલિક, અપ્રકાશિત અને ટાઇપ થયેલી હોવી જોઇએ. વાર્તાની સાથે તમારી કોન્ટેક્ટ ડિટેલ્સ પણ મૂકશો.)

અન્ય સમાચારો પણ છે...