ઈતિહાસ ગવાહ હૈ:કાબુલ અને કાશ્મીરમાં ક્યારેક ક્ષત્રિય લોહાણાઓ શાસક હતા

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાશ્મીરમાં સાડા ત્રણસો વર્ષ લોહરાણા વંશનું શાસન રહ્યું હતું
  • વીરદાદા જસરાજે માંગોલ ચંગીઝ ખાન (બૌદ્ધ) સામે જંગ ખેલ્યો
  • લવના વંશજ ઈ.સ.1300 લગી ક્ષત્રિય રહ્યા પછી વૈશ્ય થયા
  • ગુરુ નાનકથી લઈને ઠક્કરબાપા સુધીનાં વ્યક્તિત્વોનો સમાવેશ

રઘુવંશી લોહાણાઓ વેપાર-ધંધા માટે દુનિયાભરમાં મશહુર પ્રજા. એ ક્યારેક ક્ષત્રિય અને રાજવી હતા એ વાત હવે તો ભૂતકાળની ગર્તામાં ધરબાઈ ગઈ છે. ઈતિહાસકાર સ્ટેન્લી વોલ્પર્ટે લખેલા ‘Jinnah of Pakistan’માં પાકિસ્તાનના સર્જક મોહમ્મદ અલી ઝીણાના પૂર્વજો પર્શિયા (આજના ઈરાન)માંથી ક્યારે કનડગતના પ્રતાપે ભારત ભણી સ્થળાંતરિત થયાની વાત અજાણતાં દર્શાવી હતી. એ વાતે લોહાણા અને ઈસ્માઈલી આગાખાની ખોજાઓના ઈતિહાસની ભીતર સુધી જવાની તાલાવેલી પેદા કરી. ઝીણાના પૂર્વજ તો લોહાણા ઠક્કર હતા. સૌરાષ્ટ્રના મોટી પાનેલીમાં વસવાટ દરમિયાન મચ્છીનો ધંધો કરતા. નિયમિત રીતે હવેલીએ જનારા ઝીણાના દાદા પૂંજાભાઈ ઠક્કરે ઈસ્લામ કબૂલવાની ફરજ પડી હતી. દ્વિધાપૂર્ણ સંજોગો હતા. જો કે, એ જ ઝીણાના પ્રતાપે બ્રિટિશ ઈન્ડિયાના ભાગલા પડ્યા. એ પાકિસ્તાનના રાષ્ટ્રપિતા લેખાયા. હિંદુ લોહાણા, ખોજા અને મેમણ બધાયનું ગોત્ર તો પર્શિયામાં અને લોહાણામાં જ મળે છે. પર્શિયામાં ધાર્મિક કનડગતને પરિણામે જ હિંદુ લોહાણા અને ઈસ્લામ કબૂલ કરનારા મેમણ અને ખોજા પરિવારોએ ભારત ભણી ઉચાળા ભરવા પડ્યા હતા. આજે દુનિયામાં ભાગ્યે જ કોઈ એવો દેશ હશે જ્યાં લોહાણા વેપાર-ધંધો કરતા જોવા નહીં મળે. હજી આજે પણ દુનિયાભરના લોહાણાઓના શ્રદ્ધાસ્થાન એવા વીરપુરના જલારામ બાપાએ તમામ લોહાણાઓને એકસૂત્રે બાંધવાનું પ્રેરકબળ પૂરું પાડ્યું. આજે દુનિયાભરમાં 25 લાખ જેટલી લોહાણા વસ્તી હોવાનું લંડનના ચેમ્બર ઓફ કોમર્સના અધ્યક્ષ રહેલા સુભાષ ઠકરારનો અંદાજ છે.

લોહાણા-અસ્મિતાની જાગૃતિ
પોરબંદરના લબ્ધપ્રતિષ્ઠ સાહિત્યકાર નરોત્તમ પલાણ કને વર્ષ 2013માં શ્રી લોહાણા મહાપરિષદના પ્રમુખ યોગેશ લાખાણીએ ‘રઘુવંશી લોહાણા જ્ઞાતિનો ઈતિહાસ’ નામની સો પાનાંની પુસ્તિકા તૈયાર કરાવીને પ્રગટ કરાવી. એ જ વર્ષે ષષ્ટમ્ વૈશ્વિક રઘુવંશી મહાઅધિવેશન નિમિત્તે સ્મારિક ગ્રંથ ‘રઘુવંશી-અસ્મિતાનો ઉન્મેષ’ (સંપાદનઃ કનુ આચાર્ય) પણ પલાણ સાહેબના માર્ગદર્શનમાં બહાર પડ્યો. બંનેમાં લોહાણાઓના ભવ્ય ભૂતકાળની છૂટીછવાઈ વાતોનો અભ્યાસ કરવાની તક મળી. સ્વયં પ્રા. પલાણ નોંધે છેઃ 'સંપૂર્ણ વૈજ્ઞાનિક ઢબે ‘લોહાણા જ્ઞાતિનો ઈતિહાસ’ લખાવો જોઈએ.'

પ્રા.પલાણ અને આચાર્ય પાસે સંપાદન-લેખનનું કામ મહાપરિષદે કરાવીને દુનિયાભરમાં વસતા રઘુવંશીઓને ઢંઢોળવાનો પ્રયાસ જરૂર કર્યો છે. આ વિશ્વસંસ્થા લોહાણા-અસ્મિતાને ઢંઢોળવાના વૈશ્વિક પ્રયાસ અને એનું સંયોજન કરવા તત્પર છે. પૌરાણિકથી આધુનિકકાળ સુધીના લોહાણાના ઈતિહાસને ફંફોસવાના પ્રયાસો અગાઉ પણ ઘણા મહાનુભાવોએ કર્યા છે. જામ ખંભાળિયાના કાનજી ઓધવજી હિંડોચા થકી 6 વર્ષ સુધી બળદના એકામાં ગામડે-ગામડે ફરી શ્રી લોહાણા મહાપરિષદનાં 1910માં મંડાણ થાય એનું પુણ્યકાર્ય કર્યું. આ સમાજે અફઘાનિસ્તાન-પશ્ચિમ ભારતમાં અનેક રાજવીઓ અને કચ્છ-સૌરાષ્ટ્રનાં અનેક રજવાડાંના દીવાનો પણ આપ્યા છે. 1938માં હરિપુરા ખાતે મળેલા કોંગ્રેસના અધિવેશનમાં હરુભાઈ ઠક્કર ‘સરહદના ગાંધી’ ખાન અબ્દુલ્લ ગફાર ખાનને મળ્યા. તેમને અફઘાનિસ્તાનના હિંદુ પઠાણોમાંના વઝિરિસ્તાનના લોહાણાઓનો સંપર્ક થયો. પ્રા.પલાણની પુસ્તિકા પૂર્વસૂરિઓના પ્રયાસોનાં વધામણાં કરીને નવી પેઢીને રઘુવંશી ઈતિહાસને હાથવગો કરી આપે છે.

શ્રી રામના પુત્ર લવના વંશજ
‘વાયુપુરાણ’ જે વંશાવળી આપે છે તે મુજબ સૂર્યવંશની મુખ્ય શાખા ઈક્ષ્વાકુવંશના રાજા રઘુથી ‘રઘુવંશ’ શરૂ થયો. રાજા રઘુના પૌત્ર એટલે અયોધ્યાનરેશ રાજા દશરથ. એમના જયેષ્ઠપુત્ર રામના બંને પુત્રોના વંશો ચાલ્યા છે. જેમાંથી કુશનો કુશવંશ અને લવનો લવવંશ. લવના વંશજ એ ઈ.સ. 1300 લગી રાજવી અને ક્ષત્રિય રહ્યા ત્યાં લગી એ લોહરાણા ગણાયા. એ પછી એ ક્રમશઃ ક્ષત્રિયમાંથી વૈશ્ય થયા એટલે લોહરાણાને બદલે લોહાણા ગણાયા. પાંચેક હજાર વર્ષ પહેલાં સૂર્યવંશી ભગવાન શ્રીરામચંદ્રજીના પુત્ર લવના વંશજ લોહરાણા ‘ક્ષત્રિય’ છે, તે છેલ્લાં હજાર વર્ષમાં ધીરે-ધીરે ‘વૈશ્ય’માં પરિવર્તન પામ્યા છે. કાશ્મીર સિવાયના પ્રદેશમાં ખાસ કરીને સિંધમાં આ પરિવર્તન દસમી-અગિયારમી સદીથી આરંભાઈ ગયું છે. પંજાબમાં બારમી સદીથી અને કાશ્મીરમાં ઈ.સ. 1340ના છેલ્લાં લોહાર રાજવી સંગ્રામજી અને તેણે દત્તક લીધેલા રામજીના પતન પછી કોઈ લોહાણો ‘ક્ષત્રિય’ રહ્યો નથી. પ્રા. પલાણ નોંધે છે કે ‘દરિયાલાલ’ અને ‘દરિયાપીર’ જેવા વિશેષણોથી જે આજે પણ પૂજા-અર્ચના પામે છે તે સંત ઉડેરાલાલ, ‘ક્ષત્રિય’માંથી ‘વૈશ્ય’માં ગણના પામવા લાગેલી ‘લોહાણા જ્ઞાતિ’ના આદ્યપુરુષ છે. સુપ્રસિદ્ધ લોહાણાઓમાં શીખ ધર્મના સંસ્થાપક ગુરુ નાનક (મૂળ અટક ચંદારાણા), સંત જલારામબાપા, સંત લાલબાપુ, ભિક્ષુ અખંડઆનંદ, યોગીજી મહારાજથી લઈને ઠક્કરબાપા અને નાનાજી કાળીદાસ મહેતા કે મૂળજીભાઈ માધવાણી સુધીનાં અનેક વ્યક્તિત્વોનો સમાવેશ છે.

લોહારાણામાંથી લોહાણા
‘લોહારાણા’ અને ‘લોહાણા’ વચ્ચેનો ફરક સમજવા જેવો છે. લવના વંશજો જ્યાં સુધી ‘ક્ષત્રિય’ છે ત્યાં સુધી ‘લોહરાણા’ છે. જ્યારથી ‘વૈશ્ય’માં પરિવર્તન પામ્યા છે ત્યારથી ‘લોહાણા’ છે. વીરદાદા જસરાજે માંગોલ લડાકુ ચંગીઝ ખાન (બૌદ્ધ) સામે જંગ ખેલ્યો અને ગઝનીના સુલતાન સબકતગીનને કાબૂલમાં એના દરબારીઓની હાજરીમાં જ મોતને ઘાટ ઉતાર્યો. એ વીરદાદા જશરાજ ‘લોહરાણા’ છે અને સંત ઉડેરાલાલ ‘લોહાણા’ છે. ઈ.સ. 1300 પૂર્વે ‘લોહારાણા’ છે. એ પછી ક્રમશઃ ‘લોહાણા.’ સબકતગીન મૂળ હિંદુ ગુલામ શાક્તસિંહ હતો એવું સોમનાથ ટ્રસ્ટે પ્રકાશિત કરેલા પ્રસિદ્ધ ઇતિહાસવિદ અને સદગત IAS અધિકારી શંભુપ્રસાદ હરપ્રસાદ દેશાઈલિખિત 'પ્રભાસ અને સોમનાથ'માં પણ નોંધવામાં આવ્યું છે. એણે ઈસ્લામ કબૂલ્યો હતો. એનો દીકરો મહમૂદ ગઝની સોમનાથને લૂંટવા અને નષ્ટ કરવા અનેકવાર ચડાઈ કરતો રહ્યો હતો. એણે કાબુલના હિંદુ રાજવીઓને પરાસ્ત કરવા માટે પણ ચડાઈઓ કરી હતી. એમાં સફળ રહ્યા પછી કાશ્મીર પર જ્યારે લોહરાણાનું રાજ હતું ત્યારે એને કબજે કરવાનો નિષ્ફળ પ્રયાસ પણ એણે કર્યો હતો. અત્યારના ઉઝબેકિસ્તાનમાં આવેલું સમરકંદ-બુખારા પણ રઘુવંશી લોહાણાઓના અખત્યાર હેઠળ હતું.

રાણી દિદ્ધા થકી લોહાણા વંશ
કાશ્મીરમાં રાજા ક્ષેમગુપ્ત (ઈ.સ. 950-958)નું શાસન હતું ત્યારે લોહરાણા રાજવીની રાજકુમારી દિદ્ધા સાથે એમનાં લગ્ન થયાં હતાં. અત્યારના પાકિસ્તાનનું લાહોર એ વેળા લોહરગઢની રાજધાની હતું. શ્રી રામના પુત્ર લવના નામે આ શહેરનું નામ લાહોર પડ્યાનું અને એ લવની રાજધાની હોવાનું પાકિસ્તાનની સત્તાવાર વેબસાઈટ્સ પર પણ સ્વીકારવામાં આવે છે. અત્યારે પાકિસ્તાનના પંજાબની રાજધાની એવા લાહોરને શીખ મહારાજા રણજીતસિંહની રાજધાની તરીકે પણ ઓળખવામાં આવે છે. ઈ.સ. 1798થી 1839 સુધી મહારાજા રણજીતસિંહનું શાસન હતું. લોહરગઢની રાજકુમારી દિદ્ધાનાં કાશ્મીરના રાજા સાથે લગ્ન થતાં તેની સાથે એનો ભત્રીજો સંગ્રામજી પણ કાશ્મીર ગયો હતો. રાણીએ પચાસ વર્ષ સુધી કાશ્મીરમાં પોતાનો પ્રભાવ પાડ્યો એની નોંધ જમ્મૂ-કાશ્મીરના રાજ્યપાલ અને વાજપેયી સરકારમાં કેબિનેટ પ્રધાન રહેલા જગમોહને પોતાના પુસ્તકમાં વિગતે લીધી છે. કાશ્મીર પર ત્રણેક સદી સુધી લોહરાણા વંશનું શાસન ચાલતું રહ્યું. એ પછી કાશ્મીર લડાખના બૌદ્ધ શાસક રિંચાનાના હાથમાં આવ્યું પણ એણે પાછળથી ઈસ્લામ કબૂલ્યો. એણે કાશ્મીરના સરસેનાપતિ સહદેવની હત્યા કરીને એમની દીકરી કોટા રાણી સાથે લગ્ન કર્યાં હતાં. સુલતાન સદરુદ્દીન નામ ધારણ કરીને એણે ઈ.સ. 1315માં શાસન સાંભળ્યું એટલે કાશ્મીરમાં લોહાણા કે લોહાર વંશનો અસ્ત થતાં ઈસ્લામી શાસન સ્થપાયું હતું. કાશ્મીરના ઇતિહાસમાં રાણીઓ વિજેતાઓ સાથે લગ્ન કરવાના અને સત્તા પોતાના હાથમાં લેવાના ઘણા ઘટનાક્રમ જોવા મળે છે. ઈ.સ. 1764માં કચ્છ પર ગુલામ શાહ કોરાએ આક્રમણ કર્યું ત્યારે લોહાણા પુરુષોની સાથે જ લોહાણીઓએ પણ એનો પ્રતિકાર કરવામાં ઝોરાના યુદ્ધમાં સામેલ થઈને પોતાની બાહોશીનો પરિચય આપ્યો હતો. હવે વૈશ્ય ગણાતા લોહાણા સમાજની ક્ષત્રિય જેવી બાહોશીની ગવાહી હજુ પણ ખાંભીઓ પૂરે છે.
haridesai@gmail.com
(લેખક વરિષ્ઠ પત્રકાર, કટારલેખક અને રાજકીય વિશ્લેષક છે)

અન્ય સમાચારો પણ છે...