• Gujarati News
  • Magazine
  • Rangat sangat
  • Keshavanand Bharti Judgment Sustained Parliamentary Democracy In India ... That Is Why He Became Immortal In The World Of Law And In The Protection Of Constitutional Democracy

ઈતિહાસ ગવાહ હૈ:કેશવાનંદ ભારતી ચુકાદાએ ભારતમાં સંસદીય લોકશાહી ટકાવી... એટલે જ તો તેઓ કાયદાના વિશ્વમાં અને બંધારણીય લોકશાહીના જતનમાં અમર થઇ ગયા

12 દિવસ પહેલા
  • કૉપી લિંક
કેરળના મઠાધીશ સ્વામી કેશવાનંદ ભારતીયે કેરળ સરકાર થકી મઠની સંપત્તિને સર્વોચ્ચ અદાલતમાં પડકાર્યું અને તેના ચુકાદાએ તેમને કાયદાના વિશ્વમા અને લોકશાહીના જતનમાં અમર બનાવી દીધા - Divya Bhaskar
કેરળના મઠાધીશ સ્વામી કેશવાનંદ ભારતીયે કેરળ સરકાર થકી મઠની સંપત્તિને સર્વોચ્ચ અદાલતમાં પડકાર્યું અને તેના ચુકાદાએ તેમને કાયદાના વિશ્વમા અને લોકશાહીના જતનમાં અમર બનાવી દીધા
  • કેરળના મઠાધીશ સુપ્રીમમાં કેસ હારીને અમર
  • બંધારણના મૂળભૂત માળખામાં ફેરફાર નહીં
  • પાલખીવાળાનો ઇન્દિરાને પત્ર નિર્ણાયક ઠર્યો

ભારતમાં બંધારણ સર્વોચ્ચ છે. સંસદને બંધારણની જોગવાઈઓમાં સુધારાનો અધિકાર ખરો પણ એના મૂળભૂત માળખા (બેઝિક સ્ટ્રક્ચર)ને બદલવાનો અધિકાર નથી એવો ચુકાદો દેશની સર્વોચ્ચ અદાલતે 24 એપ્રિલ, 1973ના રોજ આપ્યો. આ ચુકાદાના પ્રતાપે જ સંસદીય લોકશાહી (પાર્લામેન્ટરી ડેમોક્રસી), મૂળભૂત અધિકારો (ફંડામેન્ટલ રાઈટ્સ), અદાલતી સમીક્ષા (જયુડિશિયલ રિવ્યૂ), ધર્મનિરપેક્ષતા (સેક્યુલરિઝમ) સહિતના બંધારણના મૂળભૂત માળખાનું જતન કરવાનું ઐતિહાસિક યોગદાન શક્ય બન્યું છે. કેરળના એક મઠના મઠાધીશ સ્વામી કેશવાનંદ ભારતીએ કેરળ સરકાર થકી મઠની સંપત્તિના અધિગ્રહણને સીધું જ સર્વોચ્ચ અદાલતમાં પડકારવાનું પસંદ કર્યું. 6 સપ્ટેમ્બર, 2020ના રોજ આ સ્વામી આ દુન્યવી સંસારને છોડી ગયા પણ એમના કેસમાં સુપ્રીમ કોર્ટની 13 ન્યાયાધીશોની ખંડપીઠે 7 વિરુદ્ધ 6થી આપેલા ચુકાદાને લીધે એ કાયદાના વિશ્વમાં અને બંધારણીય લોકશાહીના જતનમાં અમર થઇ ગયા.

સ્વામી કેશવાનંદ ભારતીએ મઠની સંપત્તિ બચાવવા માટે માગેલી દાદ એમને મળી નહીં પણ લોકશાહીનું હનન કરવાવાળી એ બ્લેક ઈમર્જન્સી પૂર્વે કેશવાનંદ ભારતી ચુકાદાના લીધે જ ભારતીય સંસદીય લોકશાહી અને વ્યક્તિસ્વાતંત્ર્ય બચવા પામ્યું છે. આ ચુકાદાની સમીક્ષા કરવા માટે એ વેળાનાં વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીના કહ્યાગરા મનાતા દેશના મુખ્ય ન્યાયાધીશ એ.એન.રે થકી નવેમ્બર 1975માં એટલે કે ઈમર્જન્સી દરમિયાન 13 ન્યાયાધીશોની સમીક્ષા ખંડપીઠ રચાઈ, બે દિવસ એની સુનાવણી ચાલી પણ ખરી. ક્યારેક શ્રીમતી ગાંધીના ધારાશાસ્ત્રી રહેલા પણ 25 જૂન, 1975ની મધરાતે એકાએક ઈમર્જન્સી લાદીને વિપક્ષી નેતાઓને જેલમાં ઠૂંસી દેવાનું બિનલોકશાહી કામ કરવા બદલ આ 'કટોકટી' સામે વિરોધ નોંધાવનાર એ જ નાની પાલખીવાળાનો વડાપ્રધાન ઇન્દિરા ગાંધીને 9 નવેમ્બર, 1975ના રોજ લખાયેલો એક પત્ર આ સમીક્ષા ખંડપીઠને એકાએક બરખાસ્ત કરીને દેશની લોકશાહીને બચાવવાનું નિમિત્ત બન્યો. આ લાંબા પત્રમાં નાનીએ અલાહાબાદ હાઇકોર્ટના ચુકાદા સામે સુપ્રીમમાં ઇન્દિરા ગાંધીને મળેલી રાહત અંગે અભિનંદન આપવાની સાથે જ લખ્યું હતું કે કેશવાનંદ ભારતી ચુકાદાને બદલવાના સરકારી પ્રયાસોને તમે થંભાવી દો. સંસદને બંધારણ બદલવાની અમર્યાદ સત્તા આપતાં તો દેશ તૂટવાના સંજોગો નિર્માણ થશે.

સૌથી મોટી ન્યાયાધીશોની ખંડપીઠ
મુખ્ય ન્યાયાધીશ સર્વ મિત્ર સીકરીની અધ્યક્ષતાવાળી સૌથી મોટી 13 ન્યાયાધીશોની ખંડપીઠે અગાઉના જાણીતા ગોલકનાથ કેસના ચુકાદાની અસર નષ્ટ કરતો સર્વોચ્ચ અદાલતે આપેલો કેશવાનંદ ભારતી ચુકાદો દૂરગામી પરિણામો લાવનાર સાબિત થયો. જસ્ટિસ સીકરી ઉપરાંત જસ્ટિસ કે.એસ. હેગડે, જસ્ટિસ એસ.એન. મુખરજીઆ, જસ્ટિસ જે.એમ. શેલત, જસ્ટિસ એ.એન.ગ્રોવર, જસ્ટિસ જગમોહન રેડ્ડી અને જસ્ટિસ એચ.આર.ખન્નાએ બહુમતી ચુકાદો આપ્યો. એની સામે જે 6 ન્યાયાધીશો ભિન્નમત ધરાવતા હતા. તેમાં જસ્ટિસ એ.એન. રે, જસ્ટિસ ડી.જી. પાલેકર, જસ્ટિસ એમ.એચ. બેગ, જસ્ટિસ એસ.એન. દ્વિવેદી અને જસ્ટિસ યશવંત ચંદ્રચૂડ હતા. આ ચુકાદાની અસર એવી થઇ કે કેન્દ્ર સરકારે સૌથી વરિષ્ઠ જસ્ટિસ શેલતને મુખ્ય ન્યાયાધીશ બનાવવાને બદલે ચોથા ક્રમે આવતા જસ્ટિસ રેને મુખ્ય ન્યાયાધીશ બનાવાયા. એને પરિણામે જસ્ટિસ શેલત, જસ્ટિસ ગ્રોવર અને જસ્ટિસ હેગડેએ રાજીનામાં આપ્યાં. કેશવાનંદ ભારતી ચુકાદો ઈમર્જન્સી દરમિયાન બંધારણ સાથે ચેડાં કરવા સમાન સુધારાઓ સામે સુરક્ષા કવચ સાબિત થયો.

ભારતના બંધારણના 24, 25, 26 તથા 29મા સુધારાઓને વૈધ જાહેર કરતો તથા મૂળભૂત અધિકારો સહિતના બંધારણના કોઈપણ અનુચ્છેદમાં સુધારા કરવાની સંસદની સત્તાને બહાલી આપતો આ શકવર્તી ચુકાદો છે. આ કેસની વિગત મુજબ હિઝ હોલિનેસ કેશવાનંદ ભારતી શ્રીપાદગુલવરુ અને અન્ય વિરુદ્ધ કેરળ રાજ્ય વગેરેના કેસમાં અરજદારોએ બંધારણના અનુચ્છેદ 25, 26, 14, 19 (I)(F) અને 31 દ્વારા ભારતના નાગરિકોને આપવામાં આવેલા મૂળભૂત અધિકારોની અમલ-બજવણી થાય તે હેતુથી અને તેના અનુસંધાનમાં તે અધિકારોનો ઉચ્છેદ કરતો 1963નો કેરળ જમીનસુધારા કાયદો તથા તે કાયદામાં સુધારાને લગતો 1969નો કાયદો ગેરબંધારણીય જાહેર કરવા માટે 1970માં સર્વોચ્ચ અદાલતમાં રિટ અરજી દાખલ કરી બંધારણના અનુચ્છેદ 32 અન્વયે દાદ માગી હતી. તે દરમિયાન સુધારા સાથેનો કેરળ જમીનસુધારા કાયદો 1971માં પસાર થયો અને તેને રાષ્ટ્રપતિએ બહાલી પણ આપી. પરિણામે આ નવી સર્જાયેલી પરિસ્થિતિમાં અરજદારોએ તેમની મૂળ અરજીમાં જરૂરી ફેરફાર કરી 1971નો કેરળ જમીનસુધારા કાયદો પણ ગેરબંધારણીય જાહેર કરવા માટે સર્વોચ્ચ અદાલત સમક્ષ વધારાની દાદ માગી હતી. અરજદારોની મૂળ અરજીમાં ફેરફાર કરવાની વધારાની માગણી સર્વોચ્ચ અદાલતે માન્ય રાખી હતી. અગાઉ શંકરીપ્રસાદ વિ. ભારતીય સંઘ રાજ્યના કેસમાં સર્વોચ્ચ અદાલતે એવો ચુકાદો આપ્યો હતો કે, બંધારણમાં સુધારા કરવાને લગતા અનુચ્છેદ 368 હેઠળ સંસદે વિધિસર રીતે પસાર કરેલો કોઈ પણ કાયદો, બંધારણના ભાગ-3 હેઠળ બહાલ કરવામાં આવેલા કોઈપણ મૂળભૂત અધિકારોનો ઉચ્છેદ કરતો હોય તો પણ તે કાયદો વૈધ ગણાય. સજ્જનસિંહ વિ. રાજસ્થાન કેસમાં સર્વોચ્ચ અદાલતે ફરી પોતાના આ મંતવ્યને ભારપૂર્વક બહાલી આપી હતી. પરંતુ તે પછીના જાણીતા આઈ. સી. ગોલકનાથ વિ. પંજાબ રાજ્ય કેસમાં સર્વોચ્ચ અદાલતે ઉપર્યુક્ત મંતવ્ય ફગાવી દઈને એવો નવો ચુકાદો આપ્યો કે બંધારણના ભાગ-૩ હેઠળ બક્ષવામાં આવેલા કોઈ પણ મૂળભૂત અધિકારોનો ઉચ્છેદ કરે કે તેના પર કાપ મૂકે એવો કોઈપણ કાયદો, બંધારણના અનુચ્છેદ 368 હેઠળ પસાર કરવાની સંસદને કોઈ સત્તા નથી.

સંસદસત્તા અંગે ગોલકનાથ ચુકાદો
ગોલકનાથ કેસના આ ચુકાદાની અસર વિસર્જિત કરવા માટે બંધારણમાં 1971માં સંસદની બહાલીથી 24મો સુધારો દાખલ કરવામાં આવ્યો અને તે અન્વયે મૂળભૂત અધિકારો સહિત બંધારણની કોઈપણ જોગવાઈમાં સુધારા કરવાની સત્તા અસંદિગ્ધપણે સંસદને બહાલ કરવામાં આવી. આ ઉપરાંત, આ સુધારા હેઠળ બંધારણના અનુચ્છેદ 368 અન્વયે કરવામાં આવતા સુધારાઓને અનુચ્છેદ 13ની અસરથી મુક્ત કરવામાં આવ્યા. ગોલકનાથ કેસનો ચુકાદો યથાવત રહે ત્યાં સુધી આ જ ચુકાદા અન્વયે બંધારણના 24મા સુધારાને પણ પડકારી શકાય. આટલું જ નહીં, બંધારણના ભાગ-3 અન્વયે ભારતના નાગરિકોને બહાલ કરવામાં આવેલા મૂળભૂત અધિકારોને લગતા અનુચ્છેદમાં જ્યારે પણ કોઈ સુધારા દાખલ કરવામાં આવે ત્યારે તેને પણ પડકારી શકાય એવી રમૂજી પરિસ્થિતિ સર્જાઈ. તેથી, કેશવાનંદ ભારતી કેસમાં સર્વોચ્ચ અદાલત સમક્ષ એવો મુદ્દો ઉપસ્થિત થયો કે ગોલકનાથ કેસનો ચુકાદો યથાવત રાખવો કે તે ફગાવી દઈ નવેસરથી બધી જ આનુષંગિક બાબતો પર ફેરવિચારણા કરી નવો ચુકાદો આપવો. કેસની સુનાવણી માટે સર્વોચ્ચ અદાલતના 13 ન્યાયાધીશોની એક ખાસ ખંડપીઠ રચવામાં આવી હતી. કેશવાનંદ ભારતી કેસ બંધારણના અનુચ્છેદ 13 અને અનુચ્છેદ 368 વચ્ચેના સંબંધની સ્પષ્ટતા કરી આપે છે. અનુચ્છેદ 368માં બંધારણમાં ફેરફાર કરવા માટે અનુસરવાની કાર્યવાહીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અનુચ્છેદ 13માં જે કાયદાથી મૂળભૂત અધિકારો છીનવાઈ જતા હોય કે તેમનો વ્યાપ ઓછો થતો હોય, તે કાયદા તેટલે અંશે બંધારણવિરુદ્ધ ગણાશે તેવી જોગવાઈ છે. વધુમાં તેમાં ‘કાયદો’ શબ્દની વ્યાખ્યા આપવામાં આવી છે.

કેશવાનંદ ચુકાદાની જોગવાઈઓ
કેશવાનંદ ભારતી વિ. સ્ટેટ ઓફ કેરાલામાં બંધારણમાં ફેરફાર કરતા આ 24મા સુધારાને પડકારવામાં આવતાં સુપ્રીમ કોર્ટે તેના ચુકાદામાં ઠરાવ્યું હતું કે, (1) સંસદની સામાન્ય ધારામાં ફેરફાર કરવાની સત્તા અને તેની બંધારણમાં ફેરફાર કરવાની સત્તા પરસ્પર ભિન્ન છે. અનુચ્છેદ 13માં આપેલી ‘કાયદો’ શબ્દની વ્યાખ્યા માત્ર સામાન્ય ધારામાં ફેરફાર કરવાની સત્તાનો ઉપયોગ કરીને ઘડાયેલા ધારાને જ લાગુ પડે છે. તેમાં બંધારણમાં ફેરફાર કરવાની સત્તાનો ઉપયોગ કરીને ઘડાયેલા ધારાનો સમાવેશ થતો નથી. (2) અનુચ્છેદ 368 અન્વયે સંસદ બંધારણમાં ફેરફાર કરવાની વ્યાપક સત્તા ધરાવે છે. સંસદ આ સત્તાનો ઉપયોગ કરીને બંધારણના દરેક અનુચ્છેદમાં યથેચ્છ ફેરફાર કરી શકે છે. (3) તેમ છતાં સંસદ આ સત્તાનો ઉપયોગ બંધારણના મૂળભૂત માળખા હચમચાવે તેવો ધારો ઘડવા માટે કરી શકે નહીં. જો સંસદ સમાજનાં ભૌતિક સાધનોની માલિકી અને તેની ઉપરના અંકુશને સાર્વજનિક કલ્યાણના હેતુ માટે નિયંત્રિત કરતો ધારો ઘડે, અગર સમાજનાં ઉત્પાદનનાં સાધનો તેમજ સંપત્તિ માત્ર અમુક લોકોના હાથમાં જ ન આવી જાય તે માટે ધારો ઘડે તો તેવા ધારાથી નાગરિકના મિલકત ધારણ કરવાના તેમજ સમાનતાના અધિકાર સહિતના અન્ય સ્વાતંત્ર્યલક્ષી અધિકારોનો ભંગ થાય છે એવા કારણસર પેલો ધારો બંધારણ વિરુદ્ધ બનતો નથી. આમ, કેશવાનંદ કેસનો ચુકાદો ગોલકનાથના ચુકાદાની અસરને નષ્ટ કરી સંસદની બંધારણમાં ફેરફાર કરવાની સત્તાને બહાલ રાખતી ગોલકનાથ ચુકાદા પૂર્વેની બંધારણીય ભૂમિકાને પુન:સ્થાપિત કરે છે. તેમ છતાં સંસદ બંધારણના મૂળભૂત માળખામાં પરિવર્તન આવે તેવા ધારા ઘડવાની સત્તા ધરાવતી નથી એ પણ પ્રતિપાદિત કરે છે. મૂળભૂત માળખાંને વિસ્તારીને અદાલતો વ્યાખ્યાયિત કરે એવું અપેક્ષિત ગણાયું છે. જો કે, સંસદીય લોકશાહી, મૂળભૂત અધિકારો, અદાલતી સમીક્ષા અને ધર્મનિરપેક્ષતા એના મુખ્ય મુદ્દા ગણાયા છે.
haridesai@gmail.com
(લેખક વરિષ્ઠ પત્રકાર, કટારલેખક અને રાજકીય વિશ્લેષક છે)

અન્ય સમાચારો પણ છે...