તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇટ્સ કોમ્પ્લિકેટેડ:કેસરે વહાલથી મમ્મીને કહ્યું, તેં મને બચાવી લીધી...

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

રિલેશનશિપની વ્યાખ્યાના જવાબમાં કાયમ ‘ઇટ્સ કોમ્પ્લિકેટેડ’ જેવું જ લાગે છે? ડોન્ટ વરી, આ કોલમ સંબંધોની ગૂંચની એકેક ગાંઠ દર શનિવારે ઊકેલી આપશે.
***
ગુજરાતના એક નગરની આ સત્યકથા છે. કેસર નામની યુવતી. ભણ‌‌વામાં ખૂબ તેજસ્વી. સાયન્સમાં તો તેના સિક્કા પડે. તેનાં માતા-પિતાને ગૌરવ પોતાની દીકરી પર. એકની એક દીકરી હતી. પ્રગતિશીલ વિચારનાં માતા-પિતાએ માત્ર એક દીકરીથી સંતોષ માનેલો. દીકરો જોઈએ જ તેવા રૂઢિવાદી વલણમાં તેઓ નહોતાં માનતાં.

કેસરનો ઉછેર માપસરના લાડકોડમાં થયો હતો. ઘણી વખત એકના એક સંતાનનો ઉછેર વધારે પડતા લાડકોડથી કરવાથી સંતાનનું યોગ્ય ઘડતર થતું નથી. માતા-પિતા સંતાન પાણી માગે ત્યારે દૂધ હાજર કરીને ગૌરવ અનુભવે, પણ સંતાનને પાણી કે દૂધનું અને તેની પાછળના શ્રમનું ભાન ન થાય.

કેસરનાં માતા-પિતા જાગૃત માતા-પિતા હતાં. પૈસે-ટકે સમૃદ્ધ ઘર હતું. ઉછેરમાં કોઈ તકલીફ પડે તેમ નહોતી, તો પણ તેઓ કેસરને પૈસા આપવામાં સંયમ રાખતાં. સંતાનને વધારે પડતી છૂટ આપો કે માગે તેટલા પૈસા આપો તો ઘણી વખત તેની અવળી અસર પડતી હોય છે. માતા-પિતા સંતાનનું ભલુ કરવા જાય પણ સરવાળે સંતાનને જ નહીં આખા પરિવારને નુકસાન થાય.

જો કે કેસરનો ઉછેર પરિપક્વ અને સ્વસ્થ રીતે થઈ રહ્યો હતો. તેમ છતાં કેસર લપસી પડી. તેનું પોતાની માતા ઉર્વીબહેન સાથે એક બહેનપણી જેવું સખત ટ્યુનિંગ હોવા છતાં તે માતાને ખબર ન પડે તે રીતે એક છોકરાથી વધારે પડતી નજીક જતી રહી. એવું થવાનાં બે કારણ હતાં. એક તો જોડે ભણતી સહાદ્યાર્થી બહેનપણીઓનો આધુનિક અને મુક્ત સંગ. બીજું કારણ હતું ટેક્નોલોજી.

કોલેજમાં છોકરીઓને બોયફ્રેન્ડ હોવા સહજ હતા. બોયફ્રેન્ડ ન હોય તે છોકરી 'દેશી' કે 'મણિબહેન' ગણાતી. જાણે કે તેનામાં કંઈ ખૂટતું હોય તેવું જણાતું. કેસર મુગ્ધાવસ્થામાંથી પસાર થઈ રહી હતી. આ વય એવી હોય જ્યારે છોકરો હોય કે છોકરી તેમને વિજાતીય આકર્ષણ સહજ રીતે થતું હોય છે. કેસર ફેસબુક પર મલય નામના એક છોકરાના પરિચયમાં આ‌વી. એ છોકરો કેસરની કોલેજની બાજુમાં જ રહેતો હતો. પહેલી જ નજરે ગમી જાય એવો દેખાવડો, સ્મિત કરે ત્યારે શ્રીકૃષ્ણ યાદ આવે. શરૂઆતમાં કેસર અને મલયનો પરિચય થયો. ધીમે-ધીમે બંને જણ એકબીજાને પોતાના વિચારો જણાવતાં થયાં અને પછી એકબીજાની અંગત માહિતી પણ શેર કરવા લાગ્યાં.

પરિચય, મિત્રતામાં પરિણમ્યો અને મિત્રતા નીકટતામાં. બંને જણ ક્યારે એકબીજાના પ્રેમમાં પડી ગયાં તેની બેમાંથી એકેયને ખબર ના પડી. આ બધું એકદમ ખાનગીમાં થતું હતું. બંને જણ પ્રેમમાં એવાં ગળાડૂબ હતાં કે રાતોની રાતો, ચેટિંગ કરતાં તો પણ ધરાતાં નહીં. કેસર પોતાના રુમમાં મોડી રાત સુધી મલય સાથે ચેટિંગ કર્યા કરતી. કેસરનાં માતા-પિતાને તો એવું કે દીકરી મન દઈને ભણી રહી છે. ખૂબ જ મહેનત કરી રહી છે. એમને સહેજે ખબર નહોતી કે એ તો દિલ દઈને ચેટિંગ કરી રહી છે. થોડા મહિના પ્રેમાલાપ ચાલ્યો. એ પછી એવું કંઈક થયું કે કેસર મૂંઝવણમાં મૂકાઈ. આગળ જતાં આ મુંઝવણ ગૂંચવણ બની જવાની હતી.

બધા કોમન મિત્રો એક-બે પાર્ટીમાં ભેગા થયા ત્યારે મલયે ડ્રિંક્સ લીધું. કેસરને નવાઈ લાગી. તેને ખબર જ નહોતી કે મલય દારુ પીવે છે. મલયે કહ્યું કે મને દારુ પીવાની ટેવ નથી, પણ કેઝ્યુઅલી ક્યારેક મિત્રો સાથે પી લઉં છું. તેણે તો કેસરને પણ કહ્યું કે તારે પણ પીવું જોઈએ. એ પાર્ટીમાં જેટલી છોકરીઓ હાજર હતી તેમાંથી મોટાભાગની છોકરીઓ ડ્રિંક્સ કરવામાં જોડાઈ હતી. કેસરને ન ગમ્યું આ બધું. પછી તો તેને ખબર પડી કે કેટલાક છોકરા-છોકરી ડ્રગ્સ પણ લે છે. ખાનદાન પરિવારમાં ઉછરેલી કેસરને આ બધું ખૂંચતું. જો કે, મલય માટેનો સાચો પ્રેમ તેને ખેંચી રાખતો.

એક વખત બધા મિત્રોએ એક રિસોર્ટમાં પિકનિક માટે જવાનું નક્કી કર્યું. એમાં કેસર અને મલય પણ જોડાયાં હતાં. અહીં મલયે કેસર સાથે શરીર સંબંધ બાંધવાની માગણી કરી. કેસર પર તો જાણે કે વીજળી પડી. તેના માટે આ એક અણધારી વાત હતી. તે તરત જ કોઈ બહાનું કાઢીને ઘરે આવી. બે-ચાર દિવસ એ મલય સાથે બોલી પણ નહીં. મલયે માફી માગીને તેને સાચવી અને મનાવી લીધી. અલબત્ત, મલયનું સ્પષ્ટ કહેવું હતું કે જો આપણે ભવિષ્યમાં લગ્ન કરવાનાં હોઈએ તો શરીર સંબંધ બાંધવામાં વાંધો શો છે ? તે દલીલ કરતો હતો કે 90 ટકા છોકરા-છોકરીઓ હવે સેક્સની બાબતમાં મુક્ત વલણ ધરાવે છે. જૂની પરંપરાઓ છોડીને હવે નવી રીતે વિચારવું જોઈએ અને નવી રીતે જીવવું જોઈએ.

કેસરનું મન માનતું નહોતું. તે અપસેટ થઈ. કેસરનાં મમ્મી ઉર્વીબહેન પામી ગયાં કે દીકરીના મનમાં કંઈક ગડમથલ છે અથવા ગરબડ છે. તેમણે દીકરીને સીધું પૂછવાને બદલે વાતાવરણ ઊભું કર્યું. તેની સાથે વધુ ને વધુ સમય સ્પેન્ડ કરવા લાગ્યાં. તેને લઈને એક-બે વાર ખરીદી કરવા ગયાં. એક-બે સંબંધીને ત્યાં મળવા ગયાં ત્યાં પણ કેસરને સાથે લઈ ગયાં.

એક દિવસ ઉર્વીબહેને કેસરને સ્ત્રી-પુરુષના સંબંધનો એક વીડિયો મોકલ્યો. ખૂબ સુંદર સંદેશ આપતો એ વીડિયો કેસરને ગમ્યો. ધીમ-ધીમે ઉર્વીબહેન પોતાની લાડકીનાં મન-હૃદય સુધી પહોંચ્યાં. એક સાંજે ઘરમાં મા-દીકરી એકલાં હતાં. ઉર્વીબહેન કેસરના માથામાં તેલ નાખીને તેના વાળ ઓળી આપતાં હતાં. એ વખતે કેસરે મલય સાથેના પરિચય-મૈત્રી અને પ્રેમની વાત કરી.

ઉર્વીબહેને આખી વાત શાંતિથી, પ્રેમથી, ધીરજથી સાંભળી. એ પછી મલયની માગણી અંગે પણ કેસરે મમ્મીને જણાવ્યું. ઉર્વીબહેને તેને સમજાવ્યુંઃ જો બેટા, કૌમાર્ય એ કોઈ પણ સ્ત્રી દ્વારા પોતાના પતિને અપાતી ઉત્તમ ભેટ હોય છે. લગ્ન પહેલાં એવો સંબંધ બાંધવાની કોઈ જરૂર નથી હોતી. વળી, જો તું જે છોકરાના સાચા પ્રેમમાં હોય એ છોકરો પણ જો તને સાચો પ્રેમ કરતો હોય તો તે પણ તારી વાત સમજે અને સ્વીકારે જ. સાચા પ્રેમમાં સંયમ અને સમર્પણનું ખૂબ જ મહત્ત્વ હોય છે. તું ઉતાવળ ના કરીશ. રાહ જો.

કેસરે મમ્મીની વાત માની. ખિન્ન થયેલા મનને પ્રસન્ન કરવા માટે તેણે સંગીત શીખવામાં પોતાનું મન પરોવીને મનમાં ઊગેલા અજંપાને શાંત કર્યો. તે રોજ મમ્મી જોડે નિયમિત યોગ પણ કરવા લાગી. જો કે મલય સાથેનો સંબંધ તેણે તોડ્યો નહીં. એ મલયને સમજાવતી રહી. મલયનું મન ન માન્યું. 'તું મને સાચો પ્રેમ કરતી નથી, એટલે મારી વાત માનતી નથી' એવો આક્ષેપ કરીને તેણે કેસર સાથેના સંબંધ ઓછા કર્યા. કેસરને હતું કે મલયને સાચી વાત સમજાશે ત્યારે તે ફરી પોતાની પાસે આવશે.

સાચી વાત કંઈક જુદી જ હતી. મલય છેલબટાઉ અને સ્ત્રીઓનો શોખીન યુવાન હતો. કેસર ઉપરાંત, તે બીજી ઘણી છોકરીઓના પ્રેમમાં હતો. પ્રેમમાં નહોતો, પ્રેમમાં છે તેવું સુંદર નાટક કરતો હતો. એક યુવતીએ હિંમત કરીને તેનો ભાંડો ફોડ્યો ત્યારે હકીકત બહાર આવી.

કેસરને થયું તે બચી ગઈ. તેણે પોતાની મમ્મીને, નાનું બાળક વળગી પડે એ રીતે વળગી પડીને કહ્યું, 'મમ્મી, તેં મને બચાવી લીધી... ખરેખર હું ખૂબ હેરાન થાત અને પછી પેટ ભરીને પસ્તાત.' ઉર્વીબહેન બોલ્યાં, 'બેટા, પોતાના પેટમાંથી આવેલા સંતાનને પેટ ભરીને પસ્તાવું ન પડે તેનું ધ્યાન રાખવાની જવાબદારી દરેક માંની હોય છે. મને અંદાજ આવી ગયો હતો કે તું મુંઝવણ અને ગૂંચવણમાં છે. મેં તો મારી ફરજ બજાવી...'

'આઈ લવ યુ મમ્મી', કેસરે લાડથી મમ્મીને કહ્યું. તેના કપાળ પર ચુંબન કરતાં ઉર્વીબહેન બોલ્યા, 'આઈ લવ યુ ટુ, બેટા'.
positivemedia2015@gmail.com
(લેખક વરિષ્ઠ પત્રકાર, કટારલેખક અને ‘RAA પોઝિટિવ મીડિયા’ના સ્થાપક છે)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો