પોઝિટિવ પેરેન્ટિંગ:બાળકને સોશિયલ મીડિયાથી દૂર રાખવાં એ કોઈ ઉકેલ નથી, પ્રાઇવસી અને સીમારેખાની મહત્તા સમજાવવી પણ જરૂરી

6 મહિનો પહેલા
  • કૉપી લિંક

આ બનાવ લગભગ 10 વર્ષ પહેલાંનો છે. મારો પેરિસમાં ફિલ્મમેકિંગ ભણતો ભત્રીજો પોતાના લેપટોપ ઉપર કામ કરી રહ્યો હતો અને તેણે તેના લેપટોપ કેમેરા ઉપર ટેપ મારેલી હતી. આ જોઈને મેં જ્યારે નવાઈ પામતા તેને પૂછ્યું, 'કેમ?' તો એણે મને જણાવ્યું કે ઘણા વિદ્યાર્થીઓ એવું ખાસ પ્રકારનું સોફ્ટવેર વાપરે છે જે તમારા લેપટોપને હેક કરી તમે જે પણ પ્રવૃત્તિ લેપટોપ ઉપર કરતા હો તેનું નિરીક્ષણ કરે છે. એટલે સામાન્ય રીતે બધાએ પોતાના કમ્પ્યૂટરના કેમેરા બ્લોક રાખવા જોઈએ.

આજે જાણે આ બધું એક રમત જ છે! આપણે માનવ ઉત્ક્રાંતિની એવી ક્ષણમાં છીએ જ્યાં આપણી ઉપર સતત નજર રાખવામાં આવી રહી છે, આપણને ટ્રેક કરવામાં આવી રહ્યા છે, આપણને રેકોર્ડ કરવામાં આવી રહ્યા છે અને આપણું વર્ગીકરણ કરવામાં આવી રહ્યું છે. આપણને જરાય કલ્પના નથી કે આપણા ઉપર કોણ નજર રાખી રહ્યું છે અને કઈ રીતે આપણને શું વિચારવું, શું કરવું અને શું ખરીદવું તેના માટે ચાલાકીથી મેનિપ્યુલેટ કરવામાં આવી રહ્યા છે.

નજર રાખવી એટલે શું?
નજર રાખવી એ કંઈ નવીન વાત નથી. માનવ ઇતિહાસ સાક્ષી છે કે સદીઓથી સ્ત્રીઓ એકબીજા ઉપર નજર રાખે છે; પુરુષો એકમેકને સ્પર્ધાત્મક કારણોસર ટ્રેક કરે છે અને વાલીઓ પોતાના બાળકોને સુરક્ષાના કારણોસર તેમની નજર હેઠળ રાખે છે અને વળી, રાજ્ય કે સત્તા ધરાવનાર પણ પ્રજા ઉપર નજર રાખે છે કે પછી એમની વાતચીત સાંભળે છે અથવા રેકોર્ડ કરે છે. સિક્યોરિટી કારણોસર સમાજ ઉપર પણ નજર રાખવામાં આવે છે અથવા તેને નિયંત્રણમાં રાખવાના ધ્યેયથી પણ નજર રાખવામાં આવતી હોય છે. અહીં જે નજર રાખી રહ્યા છે જરૂરી નથી કે તેઓ સામાન્ય માણસો હોય. ઘણા માણસો ઉપર જાસૂસ નજર રાખી રહ્યા હોય છે અને તેમની દરેક પ્રવૃત્તિને રેકોર્ડ કરવામાં આવી રહી હોય છે. પાછા એવા પણ માણસો હોય છે કે જેઓ ખૂબ જ મહત્ત્વના હોય કે પછી ક્રિમિનલ હોય કે પછી તેઓ સત્તા પર બેઠેલી વ્યક્તિ માટે એક જોખમ હોય.

આજે લગભગ દરેક વ્યક્તિ ભલે ને તે ગમે તે દેશ (ડેવલપ્ડ કે ડેવલપિંગ)નો હોય, તેના ઉપર કેમેરા થકી સતત નજર રાખવામાં આવી રહી છે અને ટેક્નોલોજીના માધ્યમથી તેની દરેક મૂવમેન્ટ (ચળવળ)ને ટ્રેક કરવામાં આવી રહી છે. તો તમે કેશ વિથડ્રો કરો કે પછી ઓનલાઇન ખરીદી કરો કે પછી ક્રેડિટ કાર્ડ થકી કોઈ ચૂકવણી કરો કે પછી દવાઓ ખરીદો, તમારો ડેટા કલેક્ટ કરવામાં આવી રહ્યો છે. ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં પબ્લિકમાં ફોટા કે ફિલ્મ પાડવાને લઈને ખૂબ જ કડક નિયમો છે. દાખલા તરીકે, વાલી પોતાના બાળકની સ્કૂલની કોઈ ઇવેન્ટનો ફોટો કે વીડિયો ન લઇ શકે...કેમ? કારણ કે, તેમાં બીજા બાળકો પણ ભાગ લઇ રહ્યાં હોય છે.

શું બધા પોતાની પ્રાઇવસીનું રક્ષણ કરવા બાબતે જાગૃત છે?
બધા પોતાની પ્રાઇવસીને લઈને જાગૃત નથી. ઘણા કિશોરવયનાં બાળકો નિયમિત રીતે પોતાના ફોટા પાડીને ઓનલાઇન પોસ્ટ કરે છે કે પછી એકમેક જોડે શેર કરે છે. આજે લગભગ બધા પાસે સ્માર્ટફોન છે તો ભીડભાડવાળી જગ્યાઓમાં કોને ખબર કોણ કોનો ફોટો પાડી રહ્યું છે કે તેની વાતચીત રેકોર્ડ કરી રહ્યું છે? એક કિશોરવયના બાળકે મને નિખાલસતાથી એકવાર કહ્યું, 'મારી પાસે સંતાડવા જેવું કંઈ નથી તો મારે શું કરવા ચિંતા કરવાની?' પણ અહીં વાત આપણી પારદર્શિતાની નથી. અહીં મુદ્દો એ છે કે આપણો ડેટા કોણ વાપરશે અને કયા પ્રયોજનથી વાપરશે. એટલે એક વાલી તરીકે જો તમે કોઈને તમારો કે તમારા બાળકનો ફોટો કે વીડિયો પાડતા જુઓ તો તેમને તરત જ રોકી લો અને તેમણે પાડેલો ફોટો કે વીડિયો ડિલિટ કરી દો.

કોઈ આપણા ઉપર નજર રાખે તો તેના પ્રત્યાઘાતો...
પ્રાઇવસીના મુદ્દા આવા સમયમાં વધુ મહત્તા ધરાવે છે જ્યારે સોશિયલ મીડિયાની માલિકી ધરાવતી મલ્ટિ-નેશનલ કંપનીઓ આપણા બધાના ડેટાનું માઇનિંગ કરી રહી છે. રોજિંદા ચેટ મેસેજથી લઈને પોસ્ટ સુધી ડગલે-ને-પગલે ડેટા માઇનિંગ થઇ રહ્યું છે અને આપણા બાળકો પણ આ જોખમથી સાવ અજાણ છે. 'બિલોન્ગ' કરવાની જરૂરિયાત એટલી મોટી છે કે યુવાનો જાતજાતના ગ્રુપના મેમ્બર બની જાય છે અને તે પણ તે ગ્રુપના બીજા મેમ્બરો વિશે કંઈ જાણ્યા વગર.

કમનસીબે આવી પરિસ્થિતિ માટે વાલીઓ અથવા શિક્ષકો કોઈપણ સજ્જ નથી. તો વાલીઓએ શું કરવું જોઈએ? વાલી તરીકે ખૂબ જ જરૂરી છે કે આપણે આપણા બાળકને પ્રાઇવસી અને સીમારેખાની મહત્તા વિશે શિક્ષિત કરીએ.

વળી, ઘણાં વાલીઓને એવી ગેરસમજ છે કે પોતાના બાળકોને સોશિયલ મીડિયાથી દૂર રાખીને તેઓ તેમનું સંરક્ષણ કરી રહ્યા છે. કદાચ આ એક અંશે સાચું છે પણ આવું કરવાથી તેઓ પોતાના બાળકને જરૂરી કૌશલ મેળવવાની અને પડકારો જોડે ડીલ કરવાની તકથી પણ વંચિત રાખી રહ્યા છે.

વાલીઓ અને શિક્ષકો આ બાબતે નીચે આપેલાં પગલાં લઇ શકે છે

  • બાળકોને એમના સોશિયલ મીડિયા અકાઉન્ટનાં પ્રાઇવસી સેટિંગ વિશે માહિતગાર કરાવો.
  • બાળકોને શિખવાડો કે કોઈનો ફોટો કે વીડિયો લેતાં પહેલાં તેની પરવાનગી લે અને એ જ રીતે જો કોઈ બાળકની પરવાનગી વગર તેને કેમેરામાં કેદ કરવાનો પ્રયત્ન કરે તો તેને રોકે.
  • જો કોઈ અજાણી વ્યક્તિ તમારા બાળકનો ફોટો કે વીડિયો લે તો બાળકને શિખવાડો કે તે આ વસ્તુની ફરિયાદ જવાબદાર વ્યક્તિને કરે.
  • બાળકોને કહો કે ફોટા પોસ્ટ કરતા પહેલાં અને પોતાના અભિપ્રાયો વ્યક્ત કરતા પહેલાં બે વાર વિચારે કે આવું કરવાથી શું ભવિષ્યમાં તેના માટે કોઈ પ્રોબ્લેમ ઊભો થશે?
  • કિશોરવયના બાળકો ખૂબ જ ઈમ્પલ્સિવ (ઉત્તેજનાપૂર્ણ) હોય છે. એટલે તેઓ કોઈપણ વસ્તુના રિએક્શનમાં તરત જ કોઈપણ મેસેજ પોસ્ટ કરી દે છે. આ વયનાં બાળકોને શિખવાડો કે કંઈ પણ પોસ્ટ કરતા પહેલાં તેને એક વાર લખે. આવું કરવાથી તેઓ તે ક્ષણિક આવેશમાંથી બહાર નીકળીને શાંતિથી વિચારી શકશે.
  • બાળકોને શિખવાડો કે કંઈપણ પોસ્ટ કરતા પહેલાં તેને બે વાર વાંચે અને ખાસ ધ્યાન રાખે કે તેમનું લખાણ કોઈનું પણ સામાજિક કે સાંસ્કૃતિક અપમાન નથી કરી રહ્યું.

બધા જાણે છે તેમ ડેટા એનાલિટિક્સના ગાણિતિક નિયમો (એલ્ગોરિધમ્સ)ના ઈન-બિલ્ટ વલણ થકી બાળકો જે પણ ઈન્ટરનેટ ઉપર જુએ છે કે વ્યક્ત કરે છે તેના પરથી તેમની પ્રોફાઈલ બને છે. ઉપર આપેલાં પગલાં અપનાવવાથી વાલી તરીકે તમે ખાતરી કરી શકશો કે તમારા બાળકો ફક્ત પોતાની પ્રાઇવસી જ નહીં પણ બીજાની સીમારેખાઓનું પણ માન રાખી શકશે.

(લેખિકા જાણીતાં શિક્ષણવિદ્ અને મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદનાં સ્થાપક છે)