ડિજિટલ ડિબેટ:કાશ્મીરઃ દિલની દૂરી, દિલ્હીની દૂરી દૂર થશે ખરી?

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

હરિ દેસાઇ (HD): ત્રણ વર્ષ કેન્દ્રશાસિત પ્રદેશના વહીવટનો અનુભવ કરાવીને જમ્મુ-કાશ્મીરમાં પ્રસ્થાપિત નેતાગીરીને પોતાના તાલે નર્તન કરાવી શકાય એવી અવસ્થામાં લાવી શકાઈ. કાશ્મીરના રાજકીય પક્ષોના નેતાઓને કેટલાક મહિનાઓ જેલવાસ કે નજરકેદમાં રખાયા અને તેમના પક્ષોમાં ફૂટ પડાતી રહી. ભૂતકાળમાં ભાજપની દોસ્તીનો પણ અનુભવ કરી ચૂકેલા કાશ્મીરી નેતાઓને એટલો અહેસાસ તો થઈ ગયો કે અત્યારના દિલ્હીના શાસક ના અટલ બિહારી વાજપેયી છે કે ના કાશ્મીરીઓ સમક્ષ નતમસ્તક થઈને એમની વાતને કાન દે તેવા છે.
દિલીપ ગોહિલ (DG): કદાચ એવો અહેસાસ કરાવવો જરૂરી પણ હતો. કાશ્મીર અભિન્ન અંગ છે એવા સૂત્ર કરતાંય ત્યાં નક્કર કાર્યવાહી કરીને એક હદથી વધારે ભાંગફોડ સહન કરવામાં નહીં આવે તે મેસેજ બહુ પહેલેથી આપવાની જરૂર હતી. કલમ 370ને ધીમે-ધીમે અર્થહિન બનાવાતી રહી હતી. પરંતુ એક સિમ્બોલ તરીકે તે લટકતી હતી એટલે તેને દૂર કરવા સાથે ઘણાંય સિમ્બોલિઝમ જતાં રહ્યાં અને કદાચ તેના કારણે જ દિલ્હીમાં થયેલી આ બેઠક શક્ય બની અને સમાધાન માર્ગે આવો એવો માહોલ પણ બની શક્યો.

HD: 24 જૂન, 2021ના રોજ આ સંવેદનશીલ રાજ્યના મુખ્ય પક્ષોના 14 નેતાઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં પોતાને અનુકૂળ કોરસગાન માટે તેડાવ્યા. વાંસળીવાદક જેમ પોતાની પાછળ ગામને ઘેલું કરે એમ વડાપ્રધાન મોદીએ જમ્મુ-કાશ્મીરના નેતાઓને અપેક્ષા મુજબની વાત કરવા પ્રેર્યા. બધાએ રાજ્યને બહાલ કરવાની માગણી કરી. 370નો ઉલ્લેખ થયો પણ અગાઉ સાથી રહેલા નેતાઓએ એ મુદ્દાને સુપ્રીમમાં ન્યાય પ્રવિષ્ઠ (સબજ્યુડિસ) ગણાવીને ચર્ચા ટાળી. દિલ્હી અને દિલનો પ્રાસ મેળવીને વડાપ્રધાને આ નેતાઓનાં દિલને જીતવાની વાત કરી. જો કે, તેમણે રાજ્યના દરજ્જાને ફરી બહાલ કરવાની વાત કરી ત્યારે વડાપ્રધાને સીમાંકન બદલાય પછી સત્વરે વિધાનસભા ચૂંટણીનું વચન આપ્યું.
DG: સીમાંકનનો મુદ્દો કદાચ આગળના રોડ મેપ માટે અગત્યનો બની ગયો છે. 7 બેઠકો વધારવામાં આવી છે તે જમ્મુ પ્રદેશમાં વધશે કે ખીણ પ્રદેશમાં તે સ્પષ્ટ નથી. પરંતુ જમ્મુમાં વધે તો રાજકીય સમીકરણો બદલાઈ શકે છે. ભૂતકાળમાં ભાજપે પ્રયત્નો કરેલા કે જમ્મુમાંથી વધુમાં વધુ બેઠકો મેળવવી અને ખીણમાં મુખ્ય પક્ષોમાં ભાગલા પડે એટલે ટેકા સાથે સરકાર બનાવવી. સીમાંકન પછી જમ્મુમાંથી જ સરકાર બનાવવા જેટલી બહુમતી કદાચ મળી શકે. તેથી જ સીમાંકનનો વિરોધ થયો હતો અને હજીય માત્ર પ્રક્રિયામાં ભાગ લેવાની હા થઈ છે. જો કે, દિલ્હીનું વલણ જોતાં આ સીમાંકન થઈ રહ્યું છે, સ્વીકારો તો ઠીક, ન સ્વીકારો તો તમારી મરજી એવું થશે તેમ લાગે છે.

HD: સમય લાગશે કારણ કે, સાત દાયકાની મડાગાંઠ એમ ચપટીકમાં ન ઉકલે. હજુ વધુ બેઠકો થશે ત્યારે કંઈક નિષ્પન્ન થવાનું અપેક્ષિત છે. બંધારણના અનુચ્છેદ 370ને અપ્રભાવી કરીને સોગઠી માર્યાની સાથે જ રાજ્યના બે ટૂકડા કરી કેન્દ્રશાસિત પ્રદેશ બનાવાયા. વિશ્વાસુ ગવર્નર થકી પોલીસતંત્ર અને લશ્કરી દળોને સંયુક્ત રીતે આતંકવાદનો ખાત્મો બોલાવવા કામે લગાવાયાં. એક સંદેશ જરૂર ગયો કે દિલ્હીની લાલ આંખ કોઈને છોડશે નહીં.
DG: એ સંદેશ પહોંચી ગયો છે એમ માનીને જ કદાચ મોદી સરકારે હવે આગળનો સંદેશ આપવા માટે આ બેઠક બોલાવી હતી. પ્રદેશ વિશાળ છે એટલે તેને કેન્દ્રશાસિત રાખી શકાય નહીં. પરંતુ રાબેતો સ્થપાય તે પછી જ રાજ્યનો દરજ્જો અપાશે તે સ્પષ્ટ થયું છે. તે પહેલાં સીમાંકને અને ચૂંટણી બંને શાંતિમય રીતે પૂર્ણ થવા જરૂરી છે. ખાસ તો મુફ્તી અને અબ્દુલ્લા, લોન અને એવા બીજા સ્થાપિત પરિવારોને સંદેશ છે કે તમારું રાજકારણ લાંબું ચાલશે નહીં અને ચલાવવું હોય તો ભારતના બીજા પ્રાદેશિક પક્ષો જેવા બનવું પડે. પાકિસ્તાન-રાગ બેસૂરો નહીં, ગળું ખરાબ કરનારો સાબિત થશે.

HD: પરંતુ એ જુઓ કે અગાઉ 'શેર હમારા મારા હૈ, શેખ અબદુલ્લાને મારા હૈ'નું ગાન કરનારા સંઘ-જનસંઘ-ભાજપના નેતાઓએ પછી શું કર્યું. ડૉ. શ્યામાપ્રસાદ મુકરજીની હત્યા કરાવનારા મનાતા શેખના પરિવાર સાથે સત્તાસુંદરીનો ભોગવટો કરવામાં જરાય છોછ થયો નહોતો. વાજપેયી સરકારમાં શેખના પૌત્ર ઓમર અબદુલ્લા વિદેશ રાજ્યમંત્રી હતા. પ્લે-બોયની છબી ધરાવતા ઓમરના પિતા ડૉ. ફારુક અબદુલ્લા મુખ્યમંત્રી હતા. વાજપેયી યુગના આ પ્રિસિડેન્ટ પછી મોદી યુગમાં મુફ્તી મહંમદ સઈદ સાથે સત્તા ભોગવવા છોછ શાને? સઈદના ઇન્તકાલ પછી મહેબૂબા મુફ્તી મુખ્યમંત્રી બન્યાં, ભાજપના નેતા એમના ડેપ્યુટી રહ્યા. ખરેખર વર્ષ 1973-74માં ગુજરાતમાં થયું હતું એવું મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલ સામે જંગે ચડનાર જનસંઘ અને સંઘ પરિવારને 1975માં એ જ ચીમનભાઈના કિમલોપના ટેકે રચાયેલી બા.જ.પટેલની સરકારમાં જોડાવામાં કે 190માં એ જ ચીમનભાઈના નેતૃત્વવાળી સરકારમાં સામેલ થવાનો છોછ નહોતો.
DG: રાજકારણમાં સ્ટ્રેન્જ બેડ ફેલોઝ નવી વાત નથી. કાશ્મીરમાં સત્તામાં બેસીને તંત્રને પારખી લેવાની જરૂર હતી તેવી દલીલો થતી રહી છે. આગળ કહ્યું એમ જમ્મુમાંથી મેક્સિમમ બેઠકો અને ખીણમાંથી થોડા ટેકા સાથે હિંદુ CM રાજ્યમાં રહેવો જોઈએ એવી કલ્પના કદાચ હતી. સીમાંકન મારફત પણ કદાચ એ જ કલ્પના સાકાર કરવાની કોશિશ હશે અને થશે.

HD: જમ્મુ-કાશ્મીરને ખાસ સંજોગોમાં ભારત સાથે જોડવા માટે સરદાર પટેલે જ મંજૂર કરેલા રાજ્યને વિશેષ દરજ્જો આપનારા બંધારણના અનુચ્છેદ 370 (મુસદ્દામાં 306-A)ને દૂર કરવાની વાત કરનારાઓને PDP-ભાજપ સરકારનાં મુખ્યમંત્રી મહેબૂબા 'રાષ્ટ્રદ્રોહી' ગણાવતાં હતાં ત્યારે એમનાં ઓવારણાં લેનારા ભાજપના નેતાઓ માટે મહેબૂબા સરકારને ઉથલાવાની સાથે જ મહેબૂબા મુફ્તી દેશદ્રોહી અને આતંકવાદીઓનાં સમર્થક બની ગયાં! પાકિસ્તાન ચીનનું આંગળિયાત બન્યા પછી ચીનમાં તારણહારનાં દર્શન કરનારા લોકસભા સભ્ય ડૉ. અબદુલ્લાને સ્વાભાવિક રીતે દેશદ્રોહી ગણાવાય.
DG: એમ તો બેઠકમાં આવતાં પહેલાં અને બેઠક પૂરી થયા પછી મહેબૂબાએ પાકિસ્તાન- પાકિસ્તાનનો પોકાર કર્યો જ! એટલે કદાચ આ રાજકીય વાસ્તવિકતા છે તેનો સ્વીકાર કરીને જમ્મુ-કાશ્મીરમાં હિંદુ CM આવતા રહે એવી ગોઠવણ કરવાની ગણતરી છે. આવા ‘દેશદ્રોહીઓ’ પણ જોઈએ દેખાડવા માટે! બીજું કે, એકવાર સ્થિતિ રાબેતા મુજબની થાય, ટુરિઝમ વધે, ખીણનો આમ આદમી પણ મુખ્યધારામાં વહેવાનું વિચારે, ત્રાસવાદીઓનો ભય ઓછો થાય ત્યારે આ કથિત ‘દેશદ્રોહી મુસ્લિમ નેતાગીરી’ દેખાડીને, ‘રાષ્ટ્રવાદી મુસ્લિમ નેતાગીરી’નો વિકલ્પ પસંદ કરવાનો પ્રચાર થઈ શકે છે.

HD: જો કે, એ પણ ખરું કે 24 જૂનની બેઠકમાં આ નેતાઓ ભારતીય બંધારણ પ્રત્યે વફાદારી વ્યક્ત કરતા રહ્યા. છેલ્લાં ત્રણ વર્ષ દરમિયાન સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે અનુકૂળ વાતાવરણ તૈયાર કરીને દિલ્હીએ ત્યાંના રાજકીય પક્ષોના છાપેલાં કાટલાં જેવા નેતાઓની પ્રતિષ્ઠા ખરડવાનું અને પોતાની વગ વધારવાનું કામ જરૂર કર્યું. કાશ્મીરી પ્રજાને બંદૂકના નાળચે પોતીકી કરી શકાય નહીં. સદગત વડાપ્રધાન વાજપેયીના શબ્દો, જમ્હૂરિયત, ઈન્સાનિયત અને કશ્મીરિયતમાં જ સાત દાયકા જૂની કાશ્મીરી મડાગાંઠનો ઉકેલ મળી શકે છે.
DG: એ જ આશા છે કે વાજપેયી જેવી વિશાળ દૃષ્ટિ સાથે આગળ વધવામાં આવશે અને સાત દાયકા જૂની મડાગાંઠ ઉકેલાશે. આ વખતની બેઠક પ્રથમ પગલું ગણી શકાય.
(હરિ દેસાઈ અને દિલીપ ગોહિલ બંને વરિષ્ઠ પત્રકારો અને રાજકીય વિશ્લેષક છે)