ભક્તકવિ નરસિંહ મહેતાનું એક અતિ પ્રસિદ્ધ ભજન છે, ‘વૈષ્ણવજન તો તેને રે કહીએ.’ આ આખે આખું ભજન જાણે કે પ્રમુખસ્વામી મહારાજ માટે લખાયું હોય એવું સ્વામીબાપાનું જીવન જોતા લાગે. શબ્દ મર્યાદાને લીધે અહીંયા તો માત્ર ભજનની પ્રથમ કંડીકા 'વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઇ જાણે રે...’ની જ વાત કરવી છે. સાચા સંતની આ એક લાક્ષણિકતા છે કે એ જગતના તમામ જીવોની પીડા સમજે છે અને પીડાનું નિવારણ પણ કરે છે. આજે પ.પૂ.પ્રમુખસ્વામી મહારાજનો 96મો જન્મ જયંતિ મહોત્સવ છે. સુરતમાં આ ઉત્સવ સ્વામીબાપાના આધ્યાત્મિક અનુગામી પ.પૂ.મહંત સ્વામી મહારાજની હાજરીમાં ઉજવાઇ રહ્યો છે ત્યારે પ.પૂ.પ્રમુખસ્વામી મહારાજના કેટલાક એવા પ્રસંગોની સ્મૃતિ કરવી છે જે એમની આ ‘પીડ પરાઇ જાણે રે...’ની લાક્ષણિકતાનો આપણને પરિચય કરાવે છે.
મહારાષ્ટ્રના કરજતમાં BPS સંસ્થાના તમામ સંતોની શિબિર હતી. બધા સંતોના ઉતારા પર્વત પર રાખેલા અને નીચે તળેટીમાં સભા હતી. આયોજક સંતો જ્યારે પ્રમુખસ્વામી મહારાજને આયોજન બતાવવા ગયા ત્યારે સ્વામીજીએ પૂછ્યું, 'જેમને મુશ્કેલી હોય એવા સંતો પર્વત પરથી કેવી રીતે નીચે આવી શકશે?' આયોજક સંતોએ કહ્યું, 'બાપા, માત્ર અડધો કિલોમીટરનું જ અંતર છે તેમ છતાં અમે વડીલ સંતોનો વિચાર કરીને એમના માટે ગાડીની વ્યવસ્થા કરી છે'. સ્વામીજીએ કહ્યું, 'હું વડીલ સંતોની વાત નથી કરતો એના માટે તો તમે વ્યવસ્થા કરી જ હોય પણ જે યુવાન સંતોને કોઇને કોઇ શારીરિક તકલીફ છે એમનું શું? એમના માટે પણ વ્યવસ્થા કરો.' વ્યવસ્થાપક સંતોએ માફી માગતાં કહ્યું, 'બાપા, એ સાવ ભુલાઇ ગયેલું.' તપાસ કરી તો ખબર પડી કે 12 જેટલા સંતોને શારીરિક તકલીફ હતી. આ બધા સંતો માટે વાહનની વ્યવસ્થા થઇ પછી સ્વામીજીને નિરાંત થઇ.
માત્ર સંતો જ નહીં હરીભક્તોની પીડા પણ સ્વામીજી સમજી શકે છે. ઇડર પાસેના મૈત્રાલ નામના ગામમાં સ્વામીજીની પધરામણી હતી. હરીભક્તોએ પધરામણીની બધી જ તૈયારી કરી રાખેલી પરંતું આગળનો કાર્યક્રમ લંબાવવાથી સ્વામીજી બપોરના અઢી વાગે મૈત્રાલ પહોંચ્યા. હરીભક્તોએ ગામમાં શોભાયાત્રા કાઢવાની તૈયારી કરી રાખી હતી. પરંતુ તડકો બહુ હતો અને સ્વામીજીને હજી જમવાનું પણ બાકી હતું. એક સંતે સ્વામીબાપાને કહ્યું, 'બાપા, આપણે શોભાયાત્રા કેન્સલ કરીએ અને સીધા જ ઉતારે જઇએ'. સ્વામીજીએ બીજું કંઇ કહેવાને બદલે એ સંતનો હાથ ઉપાડીને બાજુમાં ઊભેલા કાળીદાસભાઇ નામના એક કરીભક્તના માથા પર મૂક્યો. હરીભક્તને માથે ટાલ હતી અને ઉનાળાના સખત તાપને લઇને ટાલ ગરમ થઇ ગઇ હતી એટલે પેલા સંત તુરંત હાથ પાછો ખેંચી લીધો. સ્વામીજીએ એ સંતને કહ્યું, 'જરા વિચારો તો ખરા, આ બધા આકરા તાપમાં આપણી રાહ જોતા હતા. આમની ઇચ્છા પૂરી કરવાની હોય, જમીશું નહીં તો ચાલશે પણ ભક્તોનો ભાવ પૂરો થાય એ જરૂરી છે'. પછી ભર બપોરે તડકામાં નગરયાત્રા નીકળી. હરીભક્તોને રાજી કરવા માટે ગમે તેવી તકલીફ સહન કરવી પડે તેમ હોય તો એ તકલીફ સહન કરવાની એમની તૈયારી હંમેશાં રહેતી અને તકલીફ સહન પણ કરતા.
1987ની સાલમાં પ.પૂ.પ્રમુખસ્વામી મહારાજ સારંગપુરમાં બિરાજમાન હતા. સારંગપુરમાં ચીકુના ઝાડનો બગીચો બનાવેલો છે જેને ચીકુની વાડી તરીકે ઓળખવામાં આવે છે. આ બગીચામાં લગભગ 100થી વધુ ચીકુનાં ઝાડ છે. આ બગીચમાં વોકિંગ કરતી વખતે સ્વામીજીને કોઇ વિચાર આવ્યો અને એ વોકિંગ કરતાં કરતાં જ ઊભા રહી ગયા. સ્વામીજીએ પૂછ્યું, 'આ બગીચાની સંભાળ કોણ રાખે છે?’ સંતોએ કહ્યું, 'બાપા, ઘનશ્યામપ્રકાશ સ્વામી બગીચો સંભાળે છે.' સ્વામીજીએ એમને બોલાવી લાવવા કહ્યું. બધા વિચારવા લાગ્યા કે આ સાવ અચાનક સ્વામીબાપાએ બગીચાની સંભાળ રાખનારને કેમ યાદ કર્યા હશે! ઘનશ્યામપ્રકાશ સ્વામી આવ્યા એટલે બાપાએ એમને કહ્યું, 'આ ચીકુડી પરથી હવે ચીકુ ના ઉતારતો. બધા જ ચીકુ એમ જ ઝાડ પર રહેવા દેજે' કોઇને એ નહોતું સમજાતું કે બાપા આવું શા માટે કહી રહ્યા છે! સ્વામીજીએ સ્પષ્ટતા કરતાં કહ્યું, 'અત્યારે દુકાળ છે. કોઇ જગ્યાએ કોઇ પ્રકારનાં વાવેતર નથી. બિચારાં પક્ષીઓ ક્યાં ખાવા જાય ? આપણી આ ચીકુડીમાં સારાં ચીકુ આવ્યાં છે તો આ બધા જ ચીકુ પક્ષીઓ માટે અનામત રાખો અને પાણીના કુંડીયા પણ મૂકી દો એટલે એને પાણી શોધવા પણ બીજે ન જવું પડે.' સ્વામીજી માત્ર માણસની જ નહીં પક્ષીઓની પીડા પણ સમજી શકે છે.
1991ની સાલમાં ન્યૂ જર્સીમાં પ્રમુખ સ્વામી મહારાજે ભારતીય સાંસ્કૃતિક મહોત્સવનું આયોજન કર્યું હતું. સફેદ કબુતરને ઉડાડીને આ મહોત્સવનો પ્રારંભ કરવાનો હતો. સ્વામીજીએ કબુતર ઉડાડ્યાં એમાં એક કબુતર સહેજ ઊડીને સ્ટેજના જ ઉપરના ભાગે બેસી ગયું. બીજા દિવસે કાર્યક્રમ વખતે સ્વામીજીની ચકોર નજર એ પારખી ગઇ કે કબુતર હજુ ત્યાં જ બેઠું છે. એમણે વ્યવસ્થાપકને બોલાવીને કહ્યું, 'આપણે જે કબુતરને ઉડાડ્યું હતું એ હજી અહીંયા જ બેઠું છે. જો એણે કંઇ ખાધું-પીધું પણ નહીં હોય. મને લાગે છે કે એને કોઇ બીમારી હશે. તમે આના નિષ્ણાત ડૉક્ટરને બોલાવીને એની સારવાર કરાવો.' આ વિષયના નિષ્ણાત ડોકટરને બોલાવીને તપાસ કરાવડાવી ત્યારે ખબર પડી કે કબુતર બીમાર છે. એની બીમારીની સારવાર પાછળ તે સમયે 1000 ડૉલર જેટલો ખર્ચ કરાવીને પણ કબુતરને સાજુ કરાવ્યું હતું.
આવા તો અગણિત પ્રસંગો છે જેમાં તમામ યોનિના જીવોને સ્વામીજીની કરુણાનો અનુભવ થયો હોય. પ્રમુખસ્વામી મહારાજના જીવનપ્રસંગો વર્ણવવા બેસીએ તો ગ્રંથોના ગ્રંથો ભરાય. સર્વજીવોની પીડાને સમજી શકનાર પ.પૂ.પ્રમુખસ્વામી મહારાજ ભલે આપણી વચ્ચે આજે હયાત નથી પરંતું એમનું જીવન આપણને માનવતાના માર્ગે પ્રયાણ કરવા સતત પ્રેરતું રહેશે. આજથી 5 વર્ષ પહેલાં 13મી ઓગસ્ટ, 2016ના રોજ એમણે આ જગતમાંથી પ્રયાણ કર્યું. એમની પુણ્યતિથીએ ભગવાનને એટલી જ પ્રાર્થના કરીએ કે ‘હે પ્રભુ, પ્રમુખસ્વામી મહારાજના પથ પર ચાલીને અમે માનવતાની સેવા દ્વારા આપના પ્રિય બનીએ એવી કૃપા વરસાવજો.’
(લેખક જાણીતા વિચારક અને વક્તા છે)
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.