તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઇટ્સ કોમ્પ્લિકેટેડ:કામિની મુગ્ધવયે પ્રેમમાં પડી, પોતાના પ્રેમી પાછળ તે પાગલ હતી... પણ જિંદગીએ એવી રમત રમી કે એ રીતસરની પાગલ બની ગઈ

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાતના એક નગરની યુવતી અવારનવાર સુરત પોતાના સગાંને ઘરે જતી હતી. ત્યાં તે અલ્પેશ નામના છેલબટાઉ યુવકના પરિચયમાં આવી. અલ્પેશ સોહામણો યુવક હતો. અલ્પેશ રંગે રૂડો અને રૂપે પૂરો હતો. જીન્સનું પેન્ટ, ગ્રીન કલરનું ટી-શર્ટ અને ગોગલ્સ પહેરીને તે પોતાના બાઈક પરથી પસાર થતો ત્યારે છોકરીઓ તેને જોતી જ રહી જતી. 15 વર્ષની કામિની પણ તેના તરફ ખેંચાઈ. અલ્પેશને પણ આ વાતની ખબર પડી ગઈ. એક દિવસ મોકો મળતા અલ્પેશે તેનો ફોન નંબર લઈ લીધો.

બસ, પછી તો બંને વચ્ચે ચેટિંગ શરૂ થયું. જો કે, કામિનીને ખબર નહોતી કે ચેટિંગની સાથે સાથે તેની સાથે ચીટિંગ પણ થઈ રહી છે. મુગ્ધતાની લપસણી ભૂમિ પર એ તો સરરરરર કરતી લપસતી હતી. દિવસ અને રાત તેને તો અલ્પેશ સિવાય બીજું કોઈ દેખાતું જ નહોતું. એના મનમાં પાક્કું જ હતું કે અલ્પેશ સાથે જ તેનાં લગ્ન થશે.

અલ્પેશ કામિનીને મળવા અવાર-નવાર અમદાવાદ આવતો. કામિની કોઈપણ બહાનું કાઢીને પોતાના નગરથી અમદાવાદ માસીને ઘરે આવતી. અલ્પેશ સુરતથી અમદાવાદ આવતો. તેનાં પણ ઘણાં સગા અમદાવાદમાં રહેતાં હતાં. તેઓ બંને શહેરની જુદી જુદી રોસ્ટોરાં જમતાં, ફિલ્મો જોતાં અને વધારે નજીક આવતાં.

આવા સંબંધોમાં નજીક આવવામાં મર્યાદા ચૂકાઈ જતી હોય છે. એક દિવસ એવું જ થયું. અલ્પેશ જબરજસ્તી કામિનીને એક હોટેલમાં લઈ ગયો અને તેમણે શરીર સંબંધ બાંધ્યો. જો કે, કામિની બિલકુલ એવું ઈચ્છતી નહોતી. લગ્ન કર્યાં પછી જ પતિ-પત્નીએ શરીર સંબંધ બાંધવો જોઈએ તેવું તેનું દૃઢપણે માનવું હતું પણ અલ્પેશના પ્રેમ અને આગ્રહ આગળ તેનું કશું જ ન ચાલ્યું. અલ્પેશે કહ્યું કે, આપણે લગ્ન કરવાનાં જ છીએ પછી ચિંતા કરવાની શું જરૂર છે? કામિની માની ગઈ.

એ પછી તો તેઓ અમદાવાદ અને સુરતની જુદી જુદી હોટેલમાં પતિ-પત્ની તરીકે રોકાવા લાગ્યાં. સમય વહેતો ગયો. કામિની ઉંમરલાયક થતાં તેનાં પરિવારજનોએ યોગ્ય મુરતિયો શોધવા માંડ્યો. કામિની નાની હતી ત્યારે તેના પિતાનું મૃત્યુ થયું હતું. જો કે, તેમના પરિવારને ત્રણ મામાઓની મોટી હૂંફ હતી. મામાઓ આર્થિક અને પ્રતિષ્ઠા બંને રીતે સદ્ધર હતા.

કામિનીએ એક દિવસ પોતાની માતાને કહી દીધું કે તે કોઈના પ્રેમમાં છે. તેની મમ્મીએ કહ્યું કે, અમને કોઈ વાંધો નથી. જો છોકરો યોગ્ય હોય, સારું કમાતો હોય તો અમે લગ્ન કરાવી આપીશું. કામિનીએ કહ્યું કે છોકરો બધી જ રીતે સરસ છે. સુરતમાં તેનું પોતાનું કારખાનું છે. 20-25 લોકો નોકરી કરે છે. સારું કમાય છે. દેખાવડો અને ડાહ્યો પણ છે.

કામિનીએ અલ્પેશને કહ્યું કે તમારે મારી મમ્મીને મળવાનું છે. અલ્પેશે કહ્યું. ચોક્કસ. મને મળવાનું ગમશે. એમને મળીને આપણાં લગ્નની વાત પાકી કરી લઈએ. જો કે, અલ્પેશના મનમાં બીજું જ કંઈ ચાલતું હતું. તે બોલવામાં ખૂબ પાવરધો હતો. એટલું મીઠું બોલતો કે ભલભલાને શીશામાં ઉતારી શકતો. તેના મિત્રો તો તેને મજાકમાં કહેતા કે તારી સાથે વધારે વાત કરવામાં જોખમ છે. અમને ડાયાબિટીસ થઈ જાય. ડાયાબિટીસ થાય તેનો કોઈ વાંધો નહીં, પણ અલ્પેશને કારણે કામિની ગાંડી થઈ જવાની હતી.

અલ્પેશ કામિનીની મમ્મીને મળવાનું કોઈને કોઈ કારણ આપીને ટાળતો રહ્યો. કામિનીને નવાઈ લાગતી. એક વખત તો તેણે ખૂબ ગુસ્સો કર્યો, રીતસરની જીદ કરી ત્યારે તે મળવા તૈયાર થયો. અમદાવાદમાં કામિનીનાં માસીને ત્યાં મીટિંગ ગોઠવાઈ. અલ્પેશ માંડ માંડ પાંચ મિનિટ માટે મળવા આવ્યો.

મીટિંગ સારી રહી, પણ કામિનીનાં મમ્મીને દાળમાં કંઈ કાળું લાગ્યું. તેણે કામિનીને કહ્યું કે બેટા તું આ છોકરાના પ્રેમમાં છે પણ તેને મળ્યા પછી મને સારાં વાઈબ્રેશન આવતાં નથી. કામિનીનાં માસીએ પણ આવું જ કહ્યું.

કામિનીએ ભોળા ભાવે આ વાત અલ્પેશને કહી દીધી. અલ્પેશ સખત નારાજ થયો. જબરજસ્ત ગુસ્સે થયો. કામિની માટે આ સ્થિતિ એકદમ નવી હતી. નવાઈ ભરેલી હતી. તેણે અલ્પેશને આ મિજાજમાં ક્યારે જોયો નહોતો. અલ્પેશે કહી દીધું કે જો તારા મમ્મીને હું ના ગમતો હોઉં તો આપણે આ સંબંધ પર પૂર્ણવિરામ મૂકી દઈએ. કામિની તો હબક જ ખાઈ ગઈ.

તેણે અલ્પેશને શાંત પાડ્યો. અલ્પેશ ઉપકાર કરતો હોય એ રીતે માન્યો. અલબત્ત, એ પછી અલ્પેશનું વર્તન બદલાયું. એ કામિનીના ફોન ઓછા રિસીવ કરતો. ધીમે ધીમે તો ફોન ઉપાડવાનું જ તેણે બંધ કરી દીધું. કામિની સ્તબ્ધ થઈ ગઈ.

તેના મન પર અસર થવા લાગી. તેની નજીકની મિત્રનો ભાઈ એક અખબારમાં પત્રકાર હતો. એણે પોતાના સુરતના સંપર્કનો ઉપયોગ કરીને અલ્પેશની માહિતી મેળવી. એ માહિતી સામે આવતાં કામિની બેભાન થઈ ગઈ. તે માની જ ના શકે તેવી હકીકત સામે આવી.

અલ્પેશે કામિનીને આપેલી તમામ વિગતો ખોટી હતી. અરે, તેનું નામ પણ ખોટું હતું. તે વિધર્મી હતો અને તેનાં લગ્ન પણ થયેલાં હતાં. તેના ઘરે પતંગિયા જેવી સરસ ત્રણ વર્ષની દીકરી હતી. એને છોકરીઓ પટાવવાનો શોખ હતો. પોતાના સુંદર દેખાવના જોરે તેણે ઘણી છોકરીઓને ફસાવી હતી. કામિની પણ તેના માટે એક ફસાયેલી છોકરી જ હતી. એનાથી વિશેષ કશું જ નહીં. પ્રેમ કે લાગણીની વાત તો યોજનો દૂર હતી.

કામિની માટે આ આઘાત સહેવો અઘરો હતો. તે હેવી ડિપ્રેશનમાં આવી ગઈ. એ જે નગરમાં રહેતી હતી ત્યાં તો યોગ્ય સ્તરની માનસિક સારવાર શક્ય નહોતી. તેનાં મમ્મીએ અમદાવાદમાં ઘર ભાડે લીધું. પોતાની દીકરીને સાજી કરવા કામિનીનાં મમ્મીએ જબરજસ્ત ભોગ આપ્યો. ત્રણ વર્ષ સુધી કામિનીની દવા ચાલી.

જો બનાવટી પ્રેમ વ્યક્તિને પાગલ કરી શકે છે તો સાચો પ્રેમ ગાંડી વ્યક્તિને સાજી પણ કરી શકે છે. એક માતાનો નિર્વાજ્ય અને નિર્ભેળ પ્રેમ રંગ લાવ્યો. ધીમે-ધીમે કામિની હતાશામાંથી બહાર આવી. બાળપણથી તેનું ચિત્ર ખૂબ સારું હતું. ચિત્રની કળાએ પણ તેને નોર્મલ કરવામાં ખૂબ મદદ કરી. એક માતાનો પ્રેમ કેવો ચમત્કારિક હોઈ શકે તે કામિનીનાં મમ્મીએ સાબિત કર્યું.

કામિનીમાં પુનઃ ચેતન આવ્યું. જિંદગીને માણવાનો ઉમંગ આવ્યો. એક સમયે તેને વિચાર આવતો હતો કે જિંદગીને એક ક્ષણમાં પૂરી કરી દઉં. હવે તેને એવો વિચાર આવતો હતો કે જિંદગીની એક-એક ક્ષણને જીવી લઉં. કામિની પોતાના પર આવેલા આઘાતને ખમી ગઈ.

જે ખમે છે તે પામે છે. જે ખમે છે તે જીતે છે. ખમી જવું એ મોટો ગુણ છે. કામિની જિંદગી પાસેથી શીખી, કેટલા પ્રહાર ખમી લેવાના હોય છે. ભૂતકાળને ભૂલીને સુંદર જિંદગી જીવી શકાય છે એની કામિનીને પ્રતીતિ થઈ. તેણે પોતાની જિંદગી સાથે નવેસરથી ઓળખાણ કરી. તેણે પોતાની જિંદગીને કહ્યું, મારે તેને બરાબર માણવી છે. હું તને પ્રેમ કરું છું. હું તને ચાહું છું. હું તારી એક-એક ક્ષણને ઉજવવા માગું છું. કામિનીનો આ મિજાજ જોઈને તેનાં મમ્મી ખૂબ રાજી થયાં હતાં. તેમણે એ દિવસે કામિનીને કહ્યું, બેટા, લાગે છે કે આજે તારો બીજો જન્મ થયો છે.

કામિનીએ પોતાની મમ્મીના ખોળામાં પોતાનું માથુ નાખતાં કહ્યું હતું.. મને આનંદ એ વાતનો છે કે મને બીજો જન્મ પણ તે જ આપ્યો છે. કામિનીની મમ્મીએ કોઈ જ જવાબ આપ્યા વિના હેતથી તેના માથા પર હાથ ફેરવેલો. એ દૃશ્ય જોઈને ખુદ વિધાતા પણ રાજી થયા હશે... મા-દીકરીના રળિયામણા અને હૂંફથી ભરેલા એક સંબંધે એક યુવતીને સુંદર જિંદગી સાથે મુલાકાત કરાવી હતી.

કામિનીને સમજાયું કે નવો સંબંધ બાંધતી વખતે ખૂબ કાળજી રાખવી જોઈએ. કિશોરીઓ અને યુવતીઓ દેખાવને જોતી હોય છે. એક તો કુદરતી રીતે જ વિજાતીય અને શારીરિક આકર્ષણ હોય જ, તેમાં સુંદર દેખાવનો મોહ ઉમેરાય. તેના કારણે ભૂલ થઈ જતી હોય છે. કામિનીને પ્રતીતિ થઈ કે લગ્ન માટેનો સંબંધ બાંધતી વખતે ખૂબ કાળજી રાખવી જોઈએ. કોઈની વાતો પર તરત જ ભરોસો મૂકીને નવો સંબંધ ના બાંધવો જોઈએ.

એને એ પણ સમજાયું કે આખી દુનિયામાં માતા-પિતાનો સંબંધ જ સૌથી વધારે મહત્ત્વનો પુરવાર થતો હોય છે. ગમે તેવી કઠણ પરિસ્થિતિમાં, વિકટ સંજોગોમાં સંતાનો માટે છેવટે તો માતા અને પિતા જ ખડે પગે અને ભરેલા હૃદયે ઊભાં રહેતાં હોય છે.
positivemedia2015@gmail.com
(લેખક વરિષ્ઠ પત્રકાર, કટારલેખક અને ‘RAA પોઝિટિવ મીડિયા’ના સ્થાપક છે)

અન્ય સમાચારો પણ છે...