તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુખનું સરનામું:જરા જો જો પ્રેમની સંભાળ લેવાનું ભૂલી ન જવાય...

21 દિવસ પહેલા
  • કૉપી લિંક

સમુદ્રની વચ્ચે આવેલા એક નાનકડા ટાપુ પર અહંકાર, લાલચ, હતાશા, આનંદ અને પ્રેમ સાથે મળીને રહેતા હતા. એકવાર સમુદ્રના પાણીની સપાટી વધવા લાગી અને પાણી ટાપુ પર આગળ વધવા લાગ્યું. બધાને થયું કે હવે કદાચ આ ટાપુ નહીં બચે. તેથી ટાપુ પર રહેતા દરેક સલામત જગ્યાએ જવાની તૈયારી કરવા લાગ્યા. બધા પોતપોતાનો સામાન પેક કરવાનું કામ કરી રહ્યા હતા ત્યારે પ્રેમ ટાપુના એક એક ખૂણે આંટો મારવા ગયો અને બધી જગ્યાને એણે બહુ વહાલ કર્યું, કારણ કે પ્રેમને ટાપુ સાથે બહુ લગાવ હતો.

પાણી આખા ટાપુ પર ફરી વળ્યું અને ઘુંટણ સુધી આવી ગયું. પ્રેમને લાગ્યું કે તેમણે હવે સલામત જગ્યાએ ખસી જવું જોઇએ. પોતાનો સામાન પેક કરીને ટાપુ પરથી વિદાય લેવા માટે પ્રેમ તૈયાર થયો ત્યારે બાકીના બધા સાથીઓએ પોતપોતાની વ્યવસ્થા કરી લીધી હોવાથી પ્રેમ એકલો પડી ગયો. એની પાસે તો કોઇ હોડી પણ નહોતી જેમાં બેસીને એ કિનારા સુધી પહોંચી શકે. હવે શું કરવું એની ચિંતામાં પ્રેમ માથે હાથ મૂકીને બેઠો હતો. બરાબર ત્યારે જ અહંકાર પોતાની હોડી લઇને ત્યાંથી નીકળ્યો. પ્રેમે પોતાના બે હાથ જોડીને અહંકારને હોડીમાં બેસવા દેવા વિનંતી કરી. એટલે અહંકારે કહ્યું , 'મારી હોડી તો સમૃદ્ધિથી છલોછલ ભરી છે. બેસવા માટે કોઇ જગ્યા જ નથી. હું તારા માટે મારી સંપત્તિનો ત્યાગ કરી શકું એમ નથી. એટલે હું તને મારી સાથે નહીં લઇ જઇ શકું.' પ્રેમ લાચાર બનીને અહંકારને એની નજર સામેથી પસાર થતો જોઇ રહ્યો.

થોડીવારમાં લાલચ ત્યાંથી પોતાની હોડી લઇને નીકળી. પ્રેમે લાલચને જોઈ એટલે એને જીવમાં જીવ આવ્યો. લાલચ ચોક્કસ મદદ કરશે એવી પ્રેમને આશા હતી. પ્રેમે લાલચને વિનંતી કરતા કહ્યું, 'બહેન, હું આ ટાપુને વહાલ કરવામાં રહ્યો એમાં બાકીના બધા મિત્રોએ સલામત સ્થળે જવા માટેની વ્યવસ્થા કરી લીધી. માત્ર હું એક બાકી રહી ગયો. હમણાં અહંકાર અહીંયાથી ગયો પણ મને એણે સાથે ન લીધો. મને વિશ્વાસ છે કે તું મને તારી સાથે લઇ જઇશ.' લાલચે કહ્યું, 'આપણે આટલો સમય સાથે રહ્યા એટલે હું તને મારી સાથે લઇ જવા માટે તૈયાર છું પણ એના બદલામાં તું મને શું આપીશ?' લાલચની વાત સાંભળીને પ્રેમને આંચકો લાગ્યો. પ્રેમે કહ્યું, 'હું આ છેલ્લી ઘડીએ ટાપુના કણ-કણને પ્રેમ કરવામાં વ્યસ્ત હતો એટલે હું જીવનજરૂરી વસ્તુઓ સિવાય બીજુ કંઇ મારી સાથે લઇ શક્યો નથી. તેથી, તને કંઇ આપી શકું એમ નથી.' લાલચને સમજાઈ ગયું કે આ તો લુખ્ખો છે એટલે એણે પણ પોતાની હોડી ભગાવી મૂકી.

હવે મારું શું થશે? એવા વિચારમાં ડુબેલા પ્રેમને કોઇના ગાવાનો અવાજ સંભળાયો. એણે જોયું તો આનંદ પોતાની હોડી લઇને જતો હતો. પ્રેમે બૂમ પાડીને આનંદને બોલાવ્યો પણ આનંદ તો જાણે કંઇ સાંભળતો જ ન હોય એમ આગળ વધી રહ્યો હતો. પ્રેમે આનંદને બોલાવવા માટે ખૂબ બરાડા પાડ્યા, પણ આનંદ પોતાની મસ્તીમાં મસ્ત હતો. તેથી, એને પ્રેમનો અવાજ સંભળાયો જ નહીં. થોડીવાર પછી હતાશા ત્યાંથી હોડી લઇને નીકળી. પ્રેમે એને પણ બૂમો પાડીને બોલાવી. પરંતુ એ મોટા અવાજે રડી રહી હતી. એનો રડવાનો અવાજ એટલો ઊંચો હતો કે એને પણ પ્રેમનો અવાજ ન સંભળાયો.

પ્રેમને થયું હવે એનું મોત નિશ્વિત છે. પોતે મોતથી નહોતો ડરતો, પણ સાવ એકલો પડી ગયો એનું એને દુ:ખ હતું. થોડીવાર પછી પ્રેમ રડવા લાગ્યો બરાબર એ જ સમયે એક અજાણ્યા માણસે આવીને પ્રેમને કહ્યું, 'અરે ભાઇ, રડવાનું બંધ કર. તારે કિનારા પર જવું છે ને? ચાલ મારી હોડીમાં બેસી જા. હું તને કિનારા પર પહોંચાડી દઉં.' પ્રેમ તો આ સાવ અજાણ્યા માણસને જોઇને આનંદમાં આવી ગયો. સાક્ષાત્ ભગવાન આજે મદદ કરવા આવ્યા હોય એવું પ્રેમને લાગ્યું. એ કૂદકો મારીને હોડીમાં બેસી ગયો. કાંઠે પહોંચ્યા પછી નીચે ઊતરીને સીધી ચાલતી પકડી. પ્રેમ એવા તો આનંદમાં હતો કે પોતાનો જીવ બચાવનાર એ ભલા માણસનું નામ પૂછવાનું જ ભૂલી ગયો.

ઘરે પહોંચ્યા પછી પ્રેમને ખૂબ પસ્તાવો થયો કે મારો જેણે જીવ બચાવ્યો મેં એની સાથે મુસાફરી દરમિયાન પણ કંઇ વાત ન કરી અને એનું નામ સુદ્ધાં પણ પૂછવાનું રહી ગયું. પ્રેમને આ વાત કોરી ખાતી હતી. તેથી, એ પોતાના મિત્ર જ્ઞાનના ઘરે ગયો અને આખી ઘટના જ્ઞાનને સંભળાવી. જ્ઞાને કહ્યું, 'તને બચાવનાર કોણ હતું એની મને ખબર છે.' પ્રેમ કહે, 'યાર, જલ્દી મને એનું નામ કહે એ મહાપુરુષ કોણ હતા જેણે મને એની હોડીમાં સ્થાન આપ્યું અને સહીસલામત કિનારા સુધી પહોંચાડી દીધો?’ જ્ઞાને કહ્યું, 'તને બચાવનાર સમય હતો કારણ કે, માત્ર સમય જ જાણે છે કે પ્રેમ શું છે અને એનું શું મહત્ત્વ છે!'

***

હમણાં જ આપણે સૌએ સાથે મળીને ભગવાન કૃષ્ણનો જન્મદિવસ ધામધૂમથી ઉજવ્યો. માત્ર હિંદુઓ જ નહીં, હવે તો બીજા ધર્મના લોકો પણ કૃષ્ણ જન્મોત્સવની ઉમંગથી ઉજવણી કરે છે. 5000 વર્ષ પછી પણ કૃષ્ણ આટલા લોકપ્રિય કેમ છે? કારણ કે, કૃષ્ણે પ્રેમની સંભાળ લેવાનું કામ કર્યું છે. એમના જીવનમાં આવનાર દરેકને એણે ભરપૂર પ્રેમ કર્યો છે. ગામડાંના અભણ ગોવાળિયાઓથી માંડીને વિદુર જેવા મહાપંડિત સૌ કોઇએ કૃષ્ણના પ્રેમનો પ્યાલો પીધો છે અને આ પ્રેમરસ બધાને બહુ જ મીઠો લાગ્યો છે. કૃષ્ણ બધાને પોતાના બનાવી શક્યા કારણ કે, એમણે અહંકારને ઓગાળી દીધો હતો. સોનાની દ્વારિકાના રાજા હોવા છતાં સામાન્ય બ્રાહ્મણ સુદામાના પગ ધોવામાં એમને જરાય સંકોચ નહોતો. લાલચ તો એનાથી જોજનો દૂર હતી. એટલે જ મામાનું રાજ્ય કાયદેસર રીતે જીત્યા પછી પણ એ નાનાજી ઉગ્રસેનને આપી દીધું. આનંદ કૃષ્ણનો પર્યાય હતો પણ ક્યારેય આનંદના અતિરેકમાં એમણે કોઇનું અપમાન નથી કર્યું અને હતાશાને અને કૃષ્ણને તો જાણે સાત જન્મોનું વેર હોય એમ ગમે તેવી કપરી પરિસ્થિતિમાં પણ એ હતાશ થયા નથી.

આપણે પણ પ્રેમનું મહત્ત્વ સમજીએ અને આપણા સ્નેહીજનોથી વિખૂટા ન પડી જઇએ એની તકેદારી રાખીએ. અહંકારની અવળચંડાઇમાં, લાલચના લગાવમાં, આનંદના અતિરેકમાં કે હતાશાની હૈયાવરાળમાં પ્રેમની સંભાળ લેવાનું ચૂકી ન જવાય એનું જરા ધ્યાન રાખવાની ખૂબ જરૂર છે કારણ કે, જો પ્રેમ ચાલ્યો જશે તો બધું જ હોવા છતાં ખાલીપો લાગશે અને પ્રેમ સાથે હશે તો કંઇ જ ન હોવા છતાં બધું જ હર્યુંભર્યું લાગશે.
(લેખક જાણીતા વિચારક અને વક્તા છે)

અન્ય સમાચારો પણ છે...