મનન કી બાત:જોકરઃ મનુષ્યની ડર અને સમાજની નગ્નતાઓને એક્સપોઝ કરીને આનંદ માણતું પાત્ર

6 મહિનો પહેલા
  • કૉપી લિંક

વર્ષ 2019માં આવેલી ટોડ ફિલિપ્સની ફિલ્મ ‘જોકર’ ખૂબ જ હિટ ગઈ અને એણે બોક્સ ઓફિસના ઘણા રેકોર્ડ તોડયા. જોકરનું પાત્ર કોઈપણ મનોચિકિત્સક માટે ખૂબ જ રોમાંચભર્યું છે. ડીસી કોમિકસે છેલ્લા દાયકામાં ખૂબ જ પ્રયોગો કર્યા. પરંતુ માર્વેલ જેટલા સફળ પિક્ચર્સ ન બનાવી શકી. ડીસી અને માર્વેલના ફેન્સ વચ્ચે સતત ઝઘડાઓ થતા પણ આપણે જોયા છે. પરંતુ ડીસી કોમિક્સે જોકરમાં એક એવું પાત્ર મેળવ્યું કે જેને ખૂબ લોકપ્રિયતા અને સફળતા મળી.

જોકરના આ પુનર્જન્મની શરૂઆત બેટમેન ફિલ્મ 'ધ ડાર્ક નાઈટ'થી થઈ. ક્રિસ્ટોફર નોલને આ પિક્ચરમાં જોકરને એક સિલી કેરેક્ટરને બદલે ઘણાં બધાં લેયરવાળાં કેરેક્ટર બનાવીને લખ્યું. હિથ લેજરે આ કિરદાર ખૂબ લગન અને મેહનતથી સખત સુંદર રીતે ભજવ્યું. આ પાત્ર પ્રખ્યાત થવાનું હતું એની અપેક્ષા ત્યારથી થવા માંડી હતી જ્યારથી પિક્ચરનું ટ્રેલર બહાર પડ્યું અને લોકો બેટમેનના પાત્ર કરતાં જોકરનાં પાત્રની ચર્ચા વધુ કરી રહ્યા હતા. આ દરમિયાન એક દિવસ અચાનક હીથ લેજરનું શબ મળ્યું અને મૃત્યુનું કારણ ડ્રગ ઓવરડોઝ બહાર આવ્યું. હીથ લેજર પાત્રમાં એટલા ઘૂસી ગયા હતા કે એ ક્યાંક વાસ્તવિકતાની ભાન ગુમાવી બેસ્યા હતા. પરંતુ પિક્ચર રિલીઝ થયું અને હીથ લેજરના કામે બધાને મંત્રમુગ્ધ કરી દીધા. એમનું કામ એટલું સારું હતું કે એમને ઓસ્કાર જેવો બેસ્ટ એક્ટર પુરસ્કાર તો મળ્યો જ. પરંતુ આજની તારીખમાં સૌથી સારાં ભજવાયેલાં પાત્રોની જ્યારે પણ યાદી બને છે તો એમાં એમના આ પાત્રનું નામ આવે જ છે.

નોલને લખેલા આ પિક્ચરના કેટલાક સીન જોકરના મનોવિજ્ઞાનને ખૂબ જ સરસ દર્શાવે છે. એક સીનમાં જોકર બે મોટી શિપમાં લોકોને ભરે છે, જેમાંથી એક શિપમાં જેલના એવા બંદીઓ હોય છે, જેમણે લૂંટફાટ, મર્ડર વગેરે ખરાબ કામો કર્યાં છે અને બીજી શિપમાં ગામના નામી લોકો જે સારા નાગરિકો તરીકે ઓળખાય છે. બંને શિપમાં એ માઇક વડે કહે છે કે, તમારી શિપમાં બોમ્બ છે અને સામેની શિપના બોમ્બનું બટન તમારી શિપમાં છે. જે શીપના લોકો સામેવાળી શિપને ઉડાવશે એ બચશે. જોકર મનુષ્યની ડર અને સમાજની નગ્નતાઓને એક્સપોઝ કરવામાં ખૂબ આનંદ માણતો બતાવવામાં આવે છે. આ પ્રયોગમાં 2 વસ્તુઓ જોવા મળે છે. એક કે એને લોકો અથવા એમના દુ:ખ માટે કોઈ એમ્પથી નથી અને બીજું કે એને ડર સાથે રમવું અને લોકોને એવી પરિસ્થિતિમાં મૂકવા જ્યાં એમના સર્વાઇવલ ઇન્સ્ટિંક્ટ બહાર આવે એમાં ખૂબ આનંદ મહેસૂસ થાય છે. આ વસ્તુ એ બતાવે છે કે નાનપણમાં એની પોતાની જોડે સામાજિક વસ્તુઓના નામે ખૂબ ખરાબ આને ખોટું થયેલું છે. ટોડ ફિલિપ્સના 2019માં આવેલા પિક્ચરમાં આ વિસ્તારમાં બતાવવામાં આવ્યું છે, જેમાં બતાવ્યું છે કે જોકરનું પાત્ર નાનું હોય છે ત્યારે એને રેડિયેટર સાથે બાંધીને મારવામાં આવે છે.

સામાન્યપણે જે લોકોમાં આપણે ઓછી એમ્પથી જોઈએ છીએ એમનું બાળપણ ખૂબ અઘરું ગયું હોય છે. એ ફિલ્મમાં એવું પણ બતાવવામાં આવે છે કે એને એના પોતાનાં બાયોલોજીકલ માતા-પિતા વિશે કોઈ જ્ઞાન નથી હોતું અને અલગ-અલગ ફોસ્ટર હોમમાં એની જોડે ખૂબ ખરાબ વર્તન થાય છે. એક પોએટિક રીતે એ પણ બતાવવામાં આવે છે કે વાસ્તવમાં જોકર બેટમેનના જ પિતાનો નાજાયઝ પુત્ર હોય છે. જેથી એવું કહેવાનો પ્રયત્ન કરાયો છે કે ક્યાંક જોકર અને બેટમેન એક જ સિક્કાના બે પેહલું છે. એક રીતે જોઈએ તો એ બંને પાત્ર એટલા એકબીજામાં મળેલાં છે કે એક બીજા વિના એમનું જીવન ખાલી લાગે.

નોલનનો જોકર એક બીજા સીનમાં એ પણ કહે છે કે, એના ફોસ્ટર પિતાએ એકવાર જ્યારે એ રડતો હતો ત્યારે ચપ્પુ વડે એના હોઠ ફાડી નાખ્યા અને કહ્યું કે હવે તું સદા હસતો રહીશ. બાળપણમાં આવું ખરાબ અબ્યુઝ સહન કરેલા લોકો ચોક્કસ મોટા થઈને કંઇક ને કંઇક તકલીફમાં ચોક્કસ મૂકાતા હોય છે.

ત્યાં ટોડ ફિલિપ્સના જોકરને એની માતાના ઘરમાં રહેતા બતાવવામાં આવ્યો છે. જ્યાં નોલનનો જોકર ડાયનેમિક અને આત્મવિશ્વાસુ છે ત્યાં ટોડ ફિલિપ્સનો જોકર એક લૂઝર બતાવવામાં આવ્યો છે. એણે સ્ટેન્ડઅપ કોમેડી કરવાના નિષ્ફળ પ્રયાસો કરતો બતાવવામાં આવ્યો છે, પોતાના જોકર તરીકેના કામમાં પણ ખૂબ ખરાબ હોવાનું બતાવવામાં આવ્યો છે અને અંતે જ્યારે એ ખૂબ ત્રાસી જાય છે અને પોતાની માનસિક અવસ્થાની દવા લેવાનું બંધ કરે છે ત્યારે લોકોને મારતા બતાવવામાં આવ્યો છે. જે વ્યક્તિના શોમાં જવાનું એનું સદેવ સપનું રહ્યું છે એમાં એ જઈને એના હોસ્ટનું મર્ડર કરી નાખે છે.

જોકરમાં નાર્સિસ્ટિક પર્સનાલિટી ડિસઓર્ડર, સ્કિઝોફ્રેનિયા (ચિતભ્રમ), ડિપ્રેશન, એન્ટિ સોશિયલ પર્સનાલિટી ડિસઓર્ડર વગેરે માનસિક બીમારીનાં લક્ષણો અલગ-અલગ સમયે બતાવવામાં આવ્યાં છે. પરંતુ એક ચોક્કસ માનસિક બીમારીમાં એક કાલ્પનિક પાત્રને બેસાડવું એ પાત્ર અને બીમારી બંને જોડે અન્યાય થશે.

ઘણા લોકો એવું કહે છે કે, જોકર જેવી ફિલ્મોને કારણે માનસિક બીમારી માટે લોકોમાં રહેતો ડર અને માન્યતાઓ બગડશે. લોકોમાં માનસિક બીમારી એટલે પાગલપન અને ડેન્જર એ માન્યતા વધશે. વૈજ્ઞાનિક રીતે માનસિક બીમારીથી પીડાતા વ્યક્તિઓ હિંસાનો શિકાર વધુ થતા હોય છે.

મન : એક મનોવૈજ્ઞાનિક અને મનોચિકિત્સક તરીકે આને સૌથી વધારે ફિલ્મોના ફેન તરીકે જોકરના પાત્રને હું ખૂબ રોમાંચથી જોઉં છું અને જોતો રહીશ. તમારું આ પાત્રના મનોવિજ્ઞાન વિશે શું માનવું છે? મને જણાવો mananrthakrar@gmail.com પર.
(લેખક સાઇકાયટ્રિસ્ટ અને અચ્છા સ્ટેન્ડઅપ કોમેડિયન છે)