અમદાવાદમાં રહેતા રવજીભાઈ વસાણી નામના સદ્ ગૃહસ્થે હમણાં 75 વર્ષ પૂર્ણ કર્યાં. તેમના સમગ્ર બૃહદ પરિવારે ધામધૂમથી તેમનો અમૃત મહોત્સવ ઉજવ્યો. આ ઉત્સવની વિશેષતા હતો સંયુક્ત પરિવાર. આજકાલ ભેળા રહેવાનું ઘટી રહ્યું છે અને વિભક્ત રહેવાનું વધી રહ્યું છે ત્યારે, સને 2022ના વર્ષમાં અમદાવાદ જેવા મહાનગરમાં સંયુક્ત પરિવારનું શ્રેષ્ઠ ઉદાહરણ કહી શકાય તેવું વાતાવરણ હોય તે જાણીને આનંદ થાય.
રવજીભાઈ મૂળે તો અમરેલીના મોટી કુંકાવાવ તાલુકાના જંગર ગામના. દાદા માયાભાઈ, પિતા પોપટભાઈ અને માતા રળિયાતબાની પાસેથી સાથે રહેવાની, બીજાને સતત મદદ કરવાના સંસ્કાર તેમને મળ્યા હતા. ગરીબ અને ખેડૂત પરિવારનો આ છોકરો સૌરાષ્ટ્રનાં જુદાં જુદાં ગામ-નગરોમાં ભણીને 1966માં અમદાવાદ ભણવા આવ્યો. શ્રીસૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળ સંચાલિત છાત્રાલયમાં રહીને અમદાવાદની પ્રતિષ્ઠિત એચ.એલ. કૉમર્સ કૉલેજમાં તે ભણ્યો. નોકરી નહીં કરવાનો સંકલ્પ કર્યો. પોતે ધંધો કરે તો પોતાના ચાર ભાઈઓને પણ થાળે પાડી શકાય તેવી લાગણીથી પ્રેરાઈને રવજીભાઈએ 1971માં ધંધો શરૂ કર્યો.
પહેલાં સંબંધોનો પરિઘ વ્યક્તિલક્ષી નહોતો, પરિવારલક્ષી હતો. કોઈ પણ આયોજન કરાતું ત્યારે સમગ્ર પરિવારને ધ્યાનમાં રાખવામાં આવતો. શક્ય હોય તો પરિવારના સભ્યોને વિશ્વાસમાં લેવાતા. લોકો માત્ર પોતાની પ્રગતિનો વિચાર ના કરતા. બીજાની પ્રગતિનો પણ પહેલો કરતા.
વલ્લભભાઈ પટેલને લંડન ભણવા જવું હતું, વિઝા વગેરે આવી ગયું, પણ જ્યારે તેમને ખબર પડી કે મારા મોટા ભાઈ વિઠ્ઠલભાઈ પટેલને ભણવા જવું છે, તો તેમણે તરત હા પાડી. અરે, બેરિસ્ટર તરીકે વકીલાત કરીને તેમને ભણાવ્યા પણ ખરા. આ છે સંબંધોમાં જતું કરવાનું શ્રેષ્ઠ ઉદાહરણ.
એક જમાનામાં આખા ભારતમાં લોકો આ રીતે જ જીવતા. બીજાનો વિચાર પ્રથમ થતો. વ્યક્તિગત પ્રગતિ જેવો કન્સેપ્ટ જ નહોતો. પરિવારની પ્રગતિને લોકો સાચી પ્રગતિ માનતા. રવજીભાઈ પણ પરિવારને વરેલા જણ હતા. પરિવારને આગળ લાવી શકાય, તમામ ભાઈઓને સેટ કરી શકાય તે માટે તેમણે અમરેલીમાં પોતાને મળતી બેન્કની નોકરી પણ જતી કરી હતી. તેમણે યોગ્ય સમયે પોતાનાં ધર્મપત્ની સવિતાબહેન અને બે પુત્રો (કિરણ અને હરેશ)ને અમદાવાદ બોલાવ્યા. એ પછી સવિતાબહેન અને રવજીભાઈએ નક્કી કર્યું કે ગામડેથી બધા ભાઈઓને વારાફરતી અમદાવાદ બોલાવવા અને સેટ કરવા.
સવિતાબહેન અને રવજીભાઈએ વારાફરતી કાનજીભાઈ, બાબુભાઈ અને મધુભાઈને અમદાવાદ બોલાવ્યા. સવજીભાઈએ કહ્યું કે હું માતા-પિતા સાથે ગામડે રહીશ. વસાણી બંધુઓએ જુદી જુદી વસ્તુઓની દુકાનો કરી. કટલરી, નોવલ્ટી અને જનરલ સ્ટોર કર્યા. ભેળા રહેવાની ભાવનાનું અજવાળુ સંઘર્ષની અંધકારને કાપતું રહ્યું. એક રૂમ-રસોડામાં 10-12 વ્યક્તિ અત્યંત પ્રેમથી રહેતી.
ભેળા રહેવાનો આનંદ પ્રેમના પાયા પર જ ઊભો હોય છે. રવજીભાઈએ બાંધકામનો વ્યવસાય અપનાવ્યો. આકરો પરિશ્રમ કર્યો. સાહસિક નિર્ણય કર્યો. સફળ થયા પછી તેઓ સાર્થકતાના પ્રદેશમાં પ્રવેશ્યા. સમાજને પાછું વાળવાનું શરૂ કર્યું. કોઈ પણ રાષ્ટ્રનું ઉત્થાન શિક્ષણની મદદથી જ થાય તેવું દૃઢપણે માનતા રવજીભાઈએ શિક્ષણ ક્ષેત્રે તન-મન અને ધનથી મોટું પ્રદાન કર્યું. કરોડો રૂપિયાનાં અનુદાન આપ્યાં.
એ મહત્ત્વની વાત તો ખરી જ પણ એનાથી પણ વધારે મહત્ત્વની વાત તે બૃહદ વસાણી પરિવારને એક રાખવો. ભેળા રહેવાની પરંપરાને જીવતી રાખી. વસાણી ફેમિલી બિઝનેસને તેમણે બરકરાર રાખ્યો. આ વાત ખૂબ જ મહત્ત્વની છે. આખા પરિવારને બાંધી રાખવો, સાથે રાખવો અને ફેમિલી બિઝનેસ પણ કરવો. રવજીભાઈ સંતોષ અને ગૌરવથી કહે છે કે મને આનંદ એ વાતનો છે કે અમારો વસાણી પરિવાર સાથે રહ્યો, ભેળો રહ્યો. માયાદાદા, પોપટબાપા, રળિયાતબા અને સવિતબહેનનાં પ્રેમ-મમતા-વાત્સલ્ય અને સમર્પણની મદદથી રવજીભાઈ આ બધું કરી શક્યા. મહત્ત્વનું એ છે કે તેઓ કરી શક્યા.
‘મારું શું?’ અને ‘મારે શું?’ જેવા હળાહળ જમાનામાં એક પરિવારના સભ્યો ભેળા રહે, ભેગો ધંધો કરે.
વસાણી પરિવારના 10થી વધુ સભ્યો આર્કિટેક્ટ, એન્જિનિયર કે બાંધકામના વ્યવસાયને માટે જરૂરી હોય તેવું ઉચ્ચ શિક્ષણ મેળવીને ફેમિલી બિઝનેસમાં જોડાયા છે. ભેળા રહેવાના અનેક લાભ હોય છે, તેનાથી ધંધો પણ ઝડપથી વિકસે છે. સંયુક્ત પરિવારમાં રહેવું ફરજિયાત નથી પણ ભેળા રહેવા માટેનો પ્રેમ અકબંધ રહે તો છૂટા રહીને પણ ભેળા રહેવાના ફાયદા મેળવી શકાય. છૂટા પડવું, જુદા રહેવું એ કંઈ નકામી કે જોખમી વાત નથી.
કેટલાક મહત્ત્વના મુદા
1. જ્યારે પરિવાર ભેળો હોય, સંયુક્ત હોય, બૃહદ હોય ત્યારે ઘરની સ્ત્રીઓ પર કામનું ભારણ વધુ આવે તેવું ના બનવું જોઈએ. ખરેખર તો ભારતીય સમાજમાં પુરૂષોએ પ્રગતિશીલ થઈને ઘરકામમાં સહયોગ કરવાની ટેવ પાડવા જેવી છે. આ ટેવ પડે તો સ્ત્રી-પુરુષ, પરિવારના તમામ સભ્યો અને સમાજને પણ મોટો ફાયદો થાય.
2. સંયુક્ત પરિવારમાં દરેક સભ્યને પ્રાયવસી મળે, સ્વતંત્રતા મળે તે પણ ઈચ્છનીય છે. હા, તેમાં અતિરેક ના થાય તેનું ચોક્કસ ધ્યાન રાખવું જોઈએ. તેમાં જેન્ડર બાયસ પણ ના હોવા જોઈએ. ઘરનાં છોકરી-છોકરા બન્નેને સમાન તકો મળવી જોઈએ. ક્યાંક તો છોકરીઓને હવે વધારે પડતું ધ્યાન અપાય છે તે પણ જોખમી છે.
3. ઘરમાં દીકરીઓ અને પુત્રવધૂઓને સરખો પ્રેમ અને તક મળે તે જોવું જોઈએ. જોકે પ્રગતિશીલ પરિવારોમાં હવે આ સમસ્યા જોવા મળતી નથી.
4. જે પરિવારમાં પુત્રવધૂઓને પૂરતી અને જરૂરી સ્વતંત્રતા મળે છે એ પરિવારો સંયુક્ત ભાવનાનો શ્રેષ્ઠ લાભ લઈ શકે છે.
5. સંબંધોની કસોટી ભેળા રહેવામાં વધારે થતી હોય છે. વ્યક્તિ જ્યારે ભેળી રહે છે અથવા થોડા સમય માટે પણ ભેળી થાય છે ત્યારે સંબંધોનું માપ નીકળતું હોય છે. જેમ પ્રેમનું શુદ્ધ સ્વરૂપ ત્યાગ અને સમર્પણમાં તેવું જ સંબંધનું હોય છે. સંયુક્ત પરિવારમાં કે પછી ભેળા રહેવામાં. વ્યક્તિએ બીજાનો સતત ખ્યાલ કરવો પડે છે, વહેંચવું પડે છે, બીજાનો વિચાર કરવો પડે છે.
6. સંયુક્ત પરિવારની આજની સ્થિતિમાં સ્ત્રીઓને પૂરતી સ્વતંત્રતા મળે છે. તેમને તક પણ મળે છે. આવી સ્થિતિને આવકારવી જોઈએ.
7. નવી પેઢીને જોઈન્ટ ફેમિલીની વ્યવસ્થા ઓછી અનુકૂળ આવે છે એવી છાપ અધકચરી છે. ખરેખર તો માણસ માત્ર પ્રેમનો ભૂખ્યો હોય છે. સ્વાર્થ કરતાં પ્રેમ કાયમ ચડિયાતો જ પુરવાર થાય છે. દરેક વ્યક્તિને સુખી થવું હોય છે, તો સાથે સાથે બીજાને સુખી કરવાની ભાવના પણ તેનામાં હોય જ છે. જો એ ભાવનાને વ્યક્ત કરી શકાય તેવું વાતાવરણ મળે તો માણસ સોળે કળાએ ખીલી શકે છે.
જતી વેળાનું સ્મિતઃ પુરુષ જ્યારે થાકી જાય છે, ત્યારે તે સ્ત્રી પાસે આવે છે. પુરુષ જ્યારે ચારે બાજુથી ઘેરાઈ જાય છે, ત્યારે તે સ્ત્રી પાસે આવે છે. પુરુષ જ્યારે તૂટી પડે છે ત્યારે તે સ્ત્રીને શોધે છે, આ વાતને સાદી રીતે કહીએ તો થાકેલા, ઘેરાયેલા અને તૂટેલા પુરુષને છેવટે સ્ત્રીઓ જ સંભાળી લે છે.
positivemedia2015@gmail.com
(લેખક વરિષ્ઠ પત્રકાર, કટારલેખક અને ‘RAA પોઝિટિવ મીડિયા’ના સ્થાપક છે)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.