એક્સપ્લોર ઇન્ડિયા:જિમ કોર્બેટના વાઘની શાલીનતા અને વિશાળ જંગલમાં વાઘનાં કરતબોનો દિલધડક પરિચય

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

29મી જુલાઇ વિશ્વભરમાં ઇન્ટરનેશનલ ટાઈગર ડે તરીકે ઉજવાય છે. ખરેખર તો આપણે વાઘ વિશે અને એની શાલીનતા વિશે ખૂબ જ નહિવત્ જાણીએ છીએ. ગયા અઠવાડિયે જિમ કોર્બેટના વાઘની મોકફાઈટનો પરિચય કર્યા બાદ હવે આ અઠવાડિયે એ જ વાઘના શાલીન સ્વભાવને જાણીએ.

બીજા દિવસે સવારની ચા પીને તરત જ ખૂલતી સવારે મોસૂઝણું થાય એ પહેલાં જ જીપ્સી સાંભર રોડ પર નીકળી પડે કે તરત જ હૃદય એક અલગ જ રીતે ધબકવા લાગે. લોખંડના વીજળીના તારથી બનાવેલી ફેન્સિંગને ક્રોસ કરીએ કે તરત દરેકની નજર માર્ગની આજુબાજુ ચકોરતાથી કંઇક શોધવામાં લાગી જાય. એમાં પણ જે લોકો પહેલીવાર જંગલ સફારીમાં આવ્યા હોય એ લોકોને તો ચોક્કસ અજુગતું લાગે જ. ચાર રસ્તા આવે કે તરત ગાડી થોભાવીને ડ્રાઈવર પહેલા તો રસ્તા પરની માટીને ધ્યાનથી નીરખે અને પછી દૂરબીનથી ચારેકોર નજર દોડાવીને જંગલની પરિસ્થિતિ જુએ અને યોગ્ય દિશામાં ગાડી દોડાવી મૂકે. ફેબ્રુઆરીના વરસાદ પછીની ઊઘડેલી સવાર છે, જંગલ આખું ધોવાઈને સજ્જ થઇ ગયું છે. સાલનાં વૃક્ષો સાથે અફળાતો પવન, પર્ણોનું સંગીત, વહેતી રામગંગાનો મધુર ધ્વનિ, લક્કડખોદનું મધુર ગાન, પક્ષીઓનો કલરવ, વાંદરાઓ - હરણાઓનો સચેત કરતો ઊંચો ધ્વનિ. જૂનો સાલના લાકડાનો બનેલો પુલ પસાર કરીને રામગંગાને પેલે પર જવાનું જે રસ્તાને સાંભર રોડ તરીકે ઓળખવામાં આવે છે. સૂર્યના કિરણો ધુમ્મસને ઘમરોળતાં, વૃક્ષોનાં પર્ણોમાંથી ચારણી માફક ગળાઈને રસ્તા પર સોનેરી ઉજાસ પાથરી રહ્યા હતા. આ જંગલ માટે કોઈ કવિએ લખેલી કવિતાના શબ્દો પણ વામણા લાગે.

અમે ગઈકાલની ઘટનાને ધ્યાનમાં લઈને આજે સીધા જ સાંભર રોડ થઈને પાર વિસ્તારમાં પહોંચ્યા. ભાંગવાળી હાઈબેંક પર દૂરથી જ કોઈ ગાડી ન જણાતા અંદાજ લગાવ્યો કે ત્યાં તો વાઘ નથી જ. ગઈકાલ રાતની ઘટના માનસપટ પર તાજી થઇ, નક્કી એ લોકો શિકાર કરતાં કરતાં આ તરફ આવ્યા હોવા જોઈએ એવું અનુમાન લગાવી જિપ્સી જૂની ફોરેસ્ટ ચોકી તરફ આગળ વધારી. ધુમ્મસમય વાતાવરણમાં ભાગ્યે જ સામેનું કંઈ જોઈ શકાય એવામાં અચાનક જ ઘાસની એક તરફથી બંને બચ્ચાંઓ એક પુખ્તવયના હરણ તરફ ભાગી રહ્યા હતા અને હરણ અમારી જિપ્સીની જમણી તરફ ભાગ્યું. એક બચ્ચું જિપ્સીની સામે આવીને અટક્યું અને ફરી પાછું ભાગ્યું. અમે અંદાજ લગાવીને જિપ્સીને ઊભી રાખી. માત્ર ચૌદ મહિનાનું બિનઅનુભવી બચ્ચું કોઈ પણ રીતે પુખ્ત હરણનો શિકાર કરી જ નહીં શકે તો કેમ ભાગતું હશે પણ થોડીક જ ક્ષણોમાં એ વાતનો તાળો બેસી ગયો. હરણ જે દિશામાં ભાગ્યું ત્યાં પહેલેથી જ પારો વાઘણ છુપાઈને બેઠી હતી. બચ્ચાંઓ તો ખાલી એમની માને અનુસરી રહ્યાં હતાં અને યોજના પ્રમાણે હરણને ઘાસમાં ભાગી ન શકે એમ પારોની દિશામાં ધકેલી રહ્યા હતા અને આખરે એ આબાદ ઝડપાઈ ગયું, ફરી પાછી કારમી વેદનામય ચીસ અને આખું જ જંગલ શાંત. ત્રણે બચ્ચાંઓ અને માએ લગભગ એ આખો દિવસ શિકાર પર જ બેસી રહ્યા અને બસ અમે માત્ર એમની આછેરી ઝલકને જ કેમેરામાં કેદ કરી શક્યા. અમારાથી માત્ર પચાસ ફુટના અંતરે પણ ઘાસની ઊંચાઈ એટલી હતી કે ક્યારેક અપલક ઝલક દેખાઈ આવે. છેલ્લે અમે એને ત્યાં ને ત્યાં છોડીને બીજા વિસ્તારો તરફ ચક્કર મારવા નીકળી પડ્યા.

અહીં હું ઘણી બધી અચરજ પમાડે તેવી ઘટનાઓનો સાક્ષી રહ્યો છું. ઢીકાલાનો રંગ દરેક સફારીમાં, દરેક મુલાકાતમાં મેં અલગ અલગ જોયો છે અને માણ્યો છે. જ્યારે કુદરત જાતે જ કોઈ ધૂનની રચના કરે ત્યારે બધા જ સજીવ અને નિર્જીવ તત્ત્વોને પોતાના કામે લગાડી દે છે. મેં આ હંમેશાં દરેક જગ્યાએ અનુભવ્યું છે અને મારી નજરે નિહાળ્યું પણ છે. સવારે કરેલા શિકાર પછી અમે એક જ આશા લઈને ફરી પાછા એ જ જગ્યા પર પાછા આવ્યા જ્યાં તેમણે શિકાર કર્યો હતો, પણ ઘાસમાં ખાસ કશું કળી નહોતું શકાતું અને લગભગ બધું જ સાવ શાંત હતું. હવે ત્યાંથી પારો બચ્ચાંઓને લઈને કદાચ જામુનનાળા ગઈ હોય એવી શક્યતાઓ વધારે હતી. મંદમંદ વહેતા ઝરણાનાં નિર્મળ નીર પાસે અમે ગાડી એક જાંબુનાં ઝાડના છાંયડામાં ઊભી રાખી. છાંયડાની શીતળતા, જાંબુના ઝાડ પર વાંદરાઓની ચહલ પહલ, પક્ષીઓનો અદકેરો કલરવ, લક્કડખોદની અવિરત લયમાં સંભળાઈ રહેલી ધૂન, નાના એવા પથ્થરોની વચ્ચેથી મંદ ગતિએ વહેતા પાણીનું કર્ણપ્રિય સંગીત અને જંગલમાં ચોતરફ પારોની રાહમાં અમારી ચકોર દૃષ્ટિ ફરી રહી હતી. પારોની રાહ અહીં આ રીતે એક કલાક સુધી જોઈ હતી અને કાન માંડીને હરણાંઓના કોલ સાંભળવા પણ પ્રયત્ન કર્યો હતો કે કદાચ જ્યાં શિકાર કર્યો છે ત્યાં જ બહાર નીકળે તો પણ આજે ફરી એક ઝલક મળે. જંગલમાં વિહરતા વાઘને જોવો એક એવો નશો છે કે જેટલી વખત જુઓ એટલી વખત ફરીવાર જોવાની ઉત્કંઠા જાગ્યા જ કરે. એને જંગલમાં શોધવાનો રોમાંચ પણ એટલો જ કે એને શોધવાનો ચસકો લાગી જાય અને જેટલીવાર તમે નિષ્ફળ જાઓ એટલી જ વાર વધારે ને વધારે પ્રયત્ન કરવાની ઈચ્છા પ્રબળ થાય. ગમે તેટલા તોફાની હોવા છતાં વાઘનાં બચ્ચાંઓને માએ આપેલી શિસ્તની શીખને તેઓ એટલી હદે જાળવતા દેખાય કે મા ક્યાંક એમને મૂકીને જાય એ હદ તેઓ ક્યારેય પણ ના જ ઓળંગે. આખરે જંગલના દરેક ખૂણાને ખૂંદી વળવા માટે અમે ઠંડી સડક, કમરપટ્ટા વિસ્તાર જે ખુબ જ ગીચ સાલ કેનોપી ધરાવતો વિસ્તાર એમ બધે જ નજરો ફેરવી લીધી. બપોરના તડકાથી શરૂઆત કરીને ઢળતી સાંજ સુધી આખો રામગંગાનો કિનારો, જામુન નાળા, બંને હાઈબેંક એમ લગભગ બધે જ શોધ્યા પછી પણ પારો કે એનાં બચ્ચાં ક્યાંય પણ નજરે ન જ ચઢ્યાં. મેં અનુભવ્યું કે ખરેખર આપણે વાઘ વિશે ખૂબ જ ઓછા પ્રમાણમાં જાણીએ છીએ. એને મનમાં ન હોય તો તમે ગમે તેટલા પ્રયત્નો કરો એ સામે નહીં જ આવે. ખાલી હાથે આછેરી ઝલક પણ જોયા વિના ઢીકાલા ડેક પર પરત ફર્યા.

સાંજે કેમેરા મૂકી ફરી પાછો રામગંગા કિનારે મારી મનગમતી જગ્યાએ ગોઠવાયો અને જંગલ સામે નજર માંડી. સામાન્ય રીતે આપણે સહુ જંગલને ડરના માહોલ સાથે વધારે જોડતા હોઈએ છીએ અને જંગલમાં વસતાં પ્રાણીઓને પણ આપણા દુશ્મન જ માનીએ છીએ પણ ખરેખર તેઓની સૌમ્યતા અને પ્રકૃતિની હૂંફથી વિશેષ વૈભવ આખા વિશ્વમાં ગોત્યો ન જડે. ફરી એ સન્નાટાથી ભરેલી રાત આવી અને હું રોજની જેમ ઘાસ પર થોડુંક ચાલીને અમસ્તા જ લાકડાની બેન્ચ પર નદી કિનારે બેઠાં બેઠાં જંગલને સાંભળવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. ફરી પાછા વાંદરા અને હરણના ચેતવણીસૂચક કોલ્સ કાનના પરદા પર અથડાયા. જાણે વાઘ પોતાની હયાતીનો અણસાર આપતા હોય. સવારે વાઘની ઝલક મળશે જ એવી આશા પ્રબળ થઇ ગઈ. સવારે વહેલા ઊઠીને નાહી ધોઈને કેમેરા હાથમાં લઈને સીધો જ સફારી માટે તૈયાર. અહીં વાંદરાઓ ટાંપીને જ બેઠા હોય કે તમારી સહેજ નજર ચૂક થાય કે હાથમાંથી ખાવાની થેલી લઈને ઝાડ પર ચઢી જાય અને જે હોય એ બધું જ ઝાપટી જાય. મારાં સફરજન ગયાં! આજે સૌથી પહેલી જિપ્સી લઈને અમે નીકળ્યા સીધા સાંભર રોડ થઈને રામગંગા પાર. ગઈકાલ રાતનો કોલ અને સવારનું જંગલનું એકદમ શાંત વાતાવરણ એની હાજરીનો સ્પષ્ટપણે અનુભવ કરાવતું હતું. ધુમ્મ્સમય વાતાવરણને લઈને લગભગ 10 ફુટ પછીનું કંઈ જ જોઈ નહોતું શકાતું. દસ-પંદર મિનિટ જેટલી રાહ જોયા પછી આછેરો સૂર્યપ્રકાશ અચાનક જ આવ્યો અને એક સન્નાટો છવાઈ ગયો. ઊંચા ઘાસમાંથી જિપ્સીથી ખાલી 20 ફુટ જેટલા અંતરેથી જંગલની મહાસમ્રાજ્ઞીની જેમ ત્રણમાંથી એક ટાઇગ્રેસ મારી જિપ્સી જેટલી જ ઊંચાઈના એક ઢોળાવ પર બરાબર આંખ સામે ઝાડી ઝાંખરાંઓમાંથી દેખાઈ. સૂરજનું પહેલું કિરણ એના ચહેરા પર પડ્યું કે જાણે આખું જંગલ ખીલી ઊઠ્યું અને ત્યાંથી ઊઠીને હવે ખાલી પાંચથી સાત ફૂટના અંતરે આવીને આસાન જમાવ્યું જાણે મારા માટે જ, મને સાંભળવા માટે જ આવી હોય કે પછી એના ઘરમાં આવેલા તમામનું સ્વાગત કરવા. એની આંખો જાણે કંઇક કહી રહી હોય એવું દેખાતું હતું. એના હાવભાવ એટલા સૌમ્ય છતાં પણ એની તાકાતની ચાડી ખાઈ રહ્યા હતા. વાઘ એટલે સામાન્ય રીતે જંગલનો સેલિબ્રિટી. આમ તો આપણે કોઈને સેલિબ્રિટી કહીએ એટલે કે હોય કે ના હોય પણ ચણાના ઝાડ પર ચોક્કસ ચઢી જાય. વાઘ સાથે એવું જરાયે નથી. વીસ પચ્ચીસ ગાડીઓ હોય તો પણ એ તો રાજા કે રાણીની માફક પસાર થઇ જશે અને બેઠો હશે તો રસ્તા પરથી એના મૂળ પ્રમાણે જ હટશે. સવાર સવારમાં સૂરજની પહેલી કિરણ સાથે જ એક સરસ મજાના ઊંચા પથ્થરોના ઢોળાવ પર બે બચ્ચાંઓ આવીને મજાથી વિહરી રહ્યા છે અને એક રાણીની જેમ ઢોળાવ પર બેસીને ફોટોગ્રાફ પડાવે છે. ફોટોગ્રાફર્સ શક્ય એટલી તસવીરો ઝડપવા માટે કોશિશ કરી રહ્યા છે એ મૂંઝવણ સાથે કે ત્રણમાંથી કોનો ફોટોગ્રાફ લેવો. કેમેરા શટરના અવાજથી વાતાવરણ ગુંજી ઊઠ્યું. જંગલમાં વાઘ દેખાય ત્યારે કંઈક આવું જ દૃશ્ય સર્જાય છે. અહીંયા કોઈને પોતાના ફોટો કે સેલ્ફીનો મોહ નથી પણ વાઘની એક ઝલક પણ છૂટી ન જાય એ મોહ જરૂર છે. થોડીવાર બેઠા પછી એક પછી એક ત્રણે ટાઇગર્સ આગળના દિવસે જ્યાં શિકાર કર્યો હતો એ દિશામાં ઊંચા ઘાસના કિનારે કિનારે ચાલવા લાગ્યા. ત્રણમાંથી એક જે સૌથી વધારે ચપળ લાગે છે એની જિજ્ઞાસાવૃત્તિ પણ કંઈક વધારે પડતી જ છે આજે એનો અનુભવ થયો. એક સાલના તૂટેલા ઝાડ આસપાસ જિજ્ઞાસાથી ચક્કર લગાવીને ધીરે ધીરે આગળ વધ્યું અને સૌના આશ્ચર્ય વચ્ચે અચાનક જ સાલના કે જાબુંના ઝાડ પર ચઢી ગયું અને ડાળીના ટોચ પર આવીને એ રીતે સ્થાન જમાવ્યું જાણે કોઈ મહારાણી સભાને સંબોધવાની હોય! સામાન્ય રીતે વાઘ ઝાડ પર ચઢતા નથી હોતા પણ માત્ર જિજ્ઞાસા ખાતર આ વાઘ ઝાડ પર ચઢીને નિજાનંદ માણવા લાગ્યા. એ સફારી પુરી થયા બાદ અમે પરત ડેક પર ફર્યા અને વધારે રસપ્રદ કંઇક મળશે એવી આશામાં સાંજની સફારી માટે નીકળ્યા.

બપોર પછીના સમયે એ સવારે જે જગ્યાએ અમે તેઓને મૂકીને ગયા એ જગ્યા સૂમસામ હતી. છેલ્લે અમે 'સીધી હાઈ બેંક' તરફ ગયા અને દૂર નદીના રેતાળ પટ પરના ઘાસિયાં મેદાનો છે જેમાં વાઘ સરળતાથી છુપાઈને શિકાર પર નજર રાખી શકે છે અને તક શોધીને શિકાર પર ત્રાટકે છે ત્યાં બચ્ચાંઓ બેઠેલાં દેખાયાં. પારો કદાચ શિકાર માટે નીકળી હશે. અહીં પારોનાં ત્રણે બચ્ચાંઓ એકબીજા સાથે ઘાસમાં પકડદાવ રમી રહ્યાં હતાં અને તેમનાથી સહેજે દૂર એક પુખ્તવયનું સાંભર ઘાસમાં ઊભું રહીને વાઘની હાજરીનો ક્યાસ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યું હતું. સાંભરની દૃષ્ટિ સામાન્ય રીતે જરાક નબળી હોય છે અને સ્વભાવે પણ ભોળું એટલે કદાચ વાંદરો વાઘની હાજરીનો સંકેત આપે તો પણ આ ભાઈ જરાક ચેક કરવા માટે સામે જાય અને એમાં જ આસાનીથી શિકાર થઇ જાય. જો કે, આ બચ્ચાંઓ અનુભવ વિના સાંભરને કોઈ પણ રીતે પકડી શકે એમ નહોતાં, પણ મસ્તીખોર સ્વભાવના લીધે સાંભર પાછળ દોડીને પણ સંભારને હંફાવવા પ્રયત્ન કર્યો ખરો. છેલ્લે સૂરજ ઢળતાં ઢળતાં એના સોનેરી કિરણો વિશાળ રામગંગાના પટ પર પાથરી રહ્યો છે અને પ્રકૃતિનું સંગીત ચોતરફ કાનમાં ગુંજી રહ્યું છે. રામગંગાનો વિશાળ પટ આવી તો કેટલીયે ઘટનાઓનો સાક્ષી રહ્યો હશે.

આવનારા ભવિષ્યમાં પણ હું આ રીતે જ પ્રકૃતિના પથ પર રખડતો રહીશ, ભલે મને આર્થિક રીતે કશું ખાસ વળતર મળે કે ના મળે. હું ખરેખર અનુભવી શકું છું કે હું કુદરત પાસેથી એટલું બધું કમાયો છું કે આજે હું કુદરતની વાર્તા કરવા બેસું કે જંગલના અનુભવોને શબ્દો આપવા બેસું તો કદાચ સમય ખૂટી પડશે, પણ વાતો નહીં.
creativearyans3@gmail.com
(‘આરણ્યક’ તરીકે જાણીતા કૌશિક ઘેલાણી અલગારી રખડપટ્ટી કરીને કુદરતને પોતાના અસ્સલ મિજાજમાં જોતા અને કેમેરામાં કેદ કરતા વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર છે)

અન્ય સમાચારો પણ છે...