તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Magazine
  • Rangat sangat
  • Jayawardena Said, 'Jayu! Make Ginger Tea. It Feels Like A Cold ... Word Spread In The Society And Relatives That Joyvardanbhai Kovid Is Positive !!

મારી વાર્તા:જયવર્દનભાઈએ કહ્યું, ‘જયુ! આદુવાળી ચા બનાવ. શરદી જેવું લાગે છે... જોતજોતામાં સોસાયટી અને સંબંધીઓમાં જયવર્દનભાઈ કોવિડ પોઝિટિવ છે એવી વાત પ્રસરી ગઈ!’

14 દિવસ પહેલા
  • કૉપી લિંક

રઘુવન હાઉસમાં નિત્યક્રમ પ્રમાણે જયંતિબેન અને જયવર્દનભાઈ ટી અને બ્રેકફાસ્ટ લઈને પોતાનાં નાનકડાં ઉપવનમાં હિંચકે બેઠાં. મંદ-મંદ ગુલાબી પવન અને ગુલમહોરની સુગંધના સંગ વચ્ચે આછોઆછો સોનેરી તડકો એ બંનેને વિટામિન ડી અને હૂંફ આપી રહ્યો હતો. મીઠડી કોયલના ટહુકારે અને ચહેકતી ચકલીઓનાં વચાળે જયંતિબેન વ્હોટ્સએપ સ્ક્રોલ કરતાં કરતાં બોલ્યાં, 'સવાર-સવારમાં એટલી બધી વિશીસ આવતી હોય કે આખો દિવસ બાગબાગ થઈ જાય અને આખો દિવસ વ્હોટ્સએપના ફોરવર્ડ મેસેજીસનો એટલો ભરમાળો હોય કે દિવસ ક્યાંય પસાર થઈ જાય એ ખબર પણ ન રહે.' જયવર્દનભાઈ ન્યૂઝપેપરમાંથી માથું ઊંચું કરી બોલ્યા 'જયુ! આ કોરોના મહામારી તો કાળીનાગ સમું ઝેર ચોતરફ ઓકી રહ્યું છે. સુરત સહિત અનેક મહાનગરોમાં કંપાવી દે અને હૃદય થંભાવી દે એટલા કેસીસ વધી રહ્યા છે. હવે તો ગામડે-ગામડે કોરોનાનો પ્રકોપ વ્યાપી રહ્યો છે.' ત્યાં જ મોબાઈલ રણક્યો. પોતપોતાનાં કરિયર માટે ઓસ્ટ્રેલિયા સ્થાયી થયેલ દીકરા-દીકરીનો કોન્ફરન્સ કોલ હતો. દીકરા-દીકરીએ આ મહામારી સામે સાવચેત રહેવા અને ગાઈડલાઈન પ્રમાણે રહેવા જણાવ્યું અને કહ્યું, ‘ન કરે નારાયણ’ને કંઈ અજુગતું થાય તો અમારી ઈચ્છા હોવા છતાં પણ અમે તમારી મદદે આવી શકીશું નહીં. તમે જ અમને બાળપણમાં શીખવ્યું હતું, ‘આપણે જ આપણો દીવો’ એ હવે તમારે અનુસરવાનું છે. પોતાની કાળજી પોતે જ લેવી જ પડશે. બીજો કોઈ ઉપાય જ નથી.' જયંતિબેન બોલ્યા, 'હા બેટા! હું તો ઘરની બહાર નીકળતી જ નથી. નાની-મોટી ચીજવસ્તુઓ ઓનલાઈન મંગાવી લઉં. પણ પપ્પાએ જરૂરી કામકાજ માટે થોડું તો બહાર નીકળવું જ પડે છે. જુઓને, ગઈકાલે પેન્શન માટે બેંકમાં જવું પડ્યું હતું. તમે નાહકની ચિંતા નહીં કરશો અમારી.' જયવર્દનભાઈએ પોતાની વકીલાત કરતાં કહ્યું, 'હું સેનિટાઈઝર સાથે જ રાખું છું. સોશિયલ ડિસ્ટન્સ રાખું છું અને ગાઈડલાઈન પ્રમાણે વર્તું છું. આખરે તો હું સાયન્સ ટીચર તો ખરોને.... હા....હા....' મમ્મી-પપ્પાનાં આત્મવિશ્વાસથી દીકરા-દીકરી ખુશ થયાં. બાય કહી બધાએ ફોન મૂક્યો.

બપોરે જયવર્દનભાઈએ કહ્યું, 'જયુ! જરા, આદુવાળી ચા બનાવ. શરદી જેવું લાગે છે. માથું ભારે-ભારે લાગે છે. ત્યાં તો એમને ત્રણ-ચાર છીંક ઉપરાછાપરી આવી ગઈ. સાંજે જયવર્દનભાઈએ અજમો અને કારવોલ ટેબલેટ નાખી નાસ પણ લીધો. શરીરમાં જરા ઢીલાશ વર્તાતાં જયવર્દનભાઈ રોજ કરતાં વહેલાં સૂઈ ગયા. અડધી રાત્રે જયવર્દનભાઈને ખાંસી આવતાં જયંતિબેનને ધ્રાસકો પડ્યો. જયવર્દનભાઈ બોલ્યા, 'તું પણ શું! ઊંઘમાં પણ તને જપ નથી. સિઝન બદલાય તો જરા થાય પણ ખરું. તારો આવો ચિંતાવાળો સ્વભાવ ક્યારે બદલાશે? ચાલ, શાંતિથી સૂઈ જા. આરામ કર.' પણ, સવાર પડતાં જયવર્દનભાઈનું શરીર તપતું હતું.

જયંતિબેને જરાપણ સમય બગાડ્યા વિના પેથોલોજીકલ લેબમાં RTPCR રિપોર્ટ માટે કોલ કર્યો અને બીજી બાજુ ફેમિલી ફિઝિશિયનને પણ જયવર્દનભાઈ હિસ્ટ્રી જણાવી દીધી. જયવર્દનભાઈનો RTPCR રિપોર્ટ પોઝિટિવ આવ્યો. SPO2 અને પલ્સ નોર્મલ હતા અને ફેમિલી ફિઝિશિયનની દવાથી તાવ પણ ન હતો એટલે ફેમિલી ફિઝિશિયને હોમ આઈસોલેશનની સલાહ આપી. કોર્પોરેશન રઘુવન હાઉસની વોલ પર ‘હોમ આઈસોલેસન’ વિસ્તારનું બોર્ડ લગાવી ગયા. જોતજોતામાં સોસાયટી અને સગાવ્હાલામાં જયવર્દનભાઈ કોવિડ પોઝિટિવ છે એવી વાત પ્રસરી ગઈ.

ચાર દિવસ વીતી ગયા. જયંતિબેન બોલ્યાં, 'જ્યારથી તમે કોવિડ પોઝિટિવ જાહેર થયા ત્યારથી બધાના વ્હોટ્સએપ મેસેજ આવતા પણ બંધ થઈ ગયા છે.' રમૂજ સ્વભાવના જયવર્દનભાઈ બોલ્યા, 'તારા મોબાઈલમાંથી કોવિડ વાઇરસના પણ વાયરા વાતા હશે એટલે બધાં દૂર ભાગે છે.' બંને ખડખડાટ હસી પડ્યાં. બધું બરાબર ચાલી રહ્યું હતું. પરંતુ સાતમે દિવસે જયવર્દનભાઈને ફરીને હાઈગ્રેડ ફીવર આવ્યો. સાથે ડી-ડાઈમર પણ ઘણું હાઈ થઈ ગયું હતું. ડૉક્ટર ડી-ડાઈમરનાં ઇન્જેક્શન જયવર્દનભાઈને આપતાં હતાં. જયંતિબેન પણ ચાર દિવસ પછી જયવર્દનભાઈ સાથે તે પણ કોવિડમાં સપડાયા. એ પણ કોવિડ પોઝિટિવ આવ્યા. જયવર્દનભાઈનો ફીવર ચઢ-ઊતર થતો હતો.

હવે હોસ્પિટલમાં એડમિટ થયા સિવાય કોઈ રસ્તો ન હતો. કોઈપણ હોસ્પિટલમાં બેડ મળતા ન હતા. હવે તો જયંતિબેનનાં માથે આભ તૂટી પડ્યું. એમની હિંમત તૂટતી જતી હતી. અનેક પ્રયત્ન પછી બે દિવસ પછી ઘરથી લગભગ પંદરેક કિલોમીટર દૂર હોસ્પિટલમાં બેડ મળ્યો. જયવર્દનભાઈને હોસ્પિટલમાં દાખલ કર્યા. જયંતિબેન પણ ઘરમાં ક્વોરન્ટીન હોવાથી તેઓ બેંકમાં જઈ શકતાં ન હતાં. હોસ્પિટલમાં પચાસ હજાર ડિપોઝિટ ભરવાના હતા. છતે પૈસે જયંતિબેનને પોતાની લાચારી અનુભવાઇ. દીકરાએ ઓસ્ટ્રેલિયાથી ઓનલાઈન હોસ્પિટલની બધી પ્રોસિજર કરી.

હવે પ્રશ્ન ઊભો થયો જયવર્દનભાઈને હોસ્પિટલમાં જમવાનું પહોંચાડવાનો. કોઈનો સાથ સહકાર મળ્યો નહીં. આખરે જયંતિબેનને યાદ આવ્યું એમણે ક્યારેક ‘ટિફિન’ નામે એક નંબર મોબાઈલમાં સેવ કર્યો હતો. જયંતિબેને ફોન જોડ્યો સામેથી એક બેનનો અવાજ સંભળાયો. જયંતિબેનને આખી વાતની જાણ કરી. એ અજાણ્યાબેને એક ક્ષણનો વિલંબ કર્યા વિના કહ્યું 'બેન! હું છું ને. હું બે ટાઈમ જમવાનું, ચા-નાસ્તો બધું ભાઈને પહોંચાડીશ. તમે નિશ્ચિંત થઈ જાઓ.' જયંતિબેન ઘાય-ઘાયમાં એ અજાણ્યા બહેનનું નામ પણ પૂછવાનું ભૂલી ગયાં. પરંતુ એ બહેન સમયસર જયવર્દનભાઈને બધું જ પહોંચાડતા હતા. આ ઉપરાંત, નાની-મોટી કોઈ વસ્તુ જેમ કે, વિક્સ, ફ્રૂટ વગેરે વસ્તુઓ પણ પહોંચાડતા હતા. જયંતિબેને હાશકારો લીધો.

ત્યાં તો બીજી કટોકટી સર્જાઇ. જયવર્દનભાઈને એક્ટિવ કોવિડ ડાયગ્નોસ થયો. રેમેડિસિવિર ઈન્જેક્શનની તાતી જરૂર ઊભી થઈ. શહેર કે શહેર બહાર ક્યાંય રેમેડિસિવિર ઈન્જેક્શન મળતાં ન હતાં. આટલી કફોડી પરિસ્થિતિમાં જ્યોતિબેને બધાં સગાંવ્હાલાં અને મિત્રમંડળને ઈન્જેકશન મેળવવા માટે ફોન કર્યા. પણ કોઈ સગાંવ્હાલાંએ પોતાના પ્રયત્નો બતાવ્યા નહીં કે ન હૂંફ આપી. 'તમે ચિંતા નહીં કરો બધું સારાવાનાં થઈ જશે' એટલાં શબ્દો પણ કહ્યા નહીં. જયંતિબેન અને ઓસ્ટ્રેલિયાથી દીકરા-દીકરી અનેક જગ્યાએ રેમેડિસિવિર ઈન્જેક્શન માટે અનેક ટેલિફોનિક કોન્ટેક્ટ કરતાં રહ્યા. ‘રામ રાખે એને કોણ ચાખે’ મહાપ્રયત્ને ઈન્જેક્શન બીજા દિવસે મળ્યાં. છ ઈન્જેક્શનનો કોર્સ પૂરો કરી જયવર્દનભાઈ હેમખેમ ઘરે આવ્યા.

પરંતુ જયંતિબેનનાં દિલને ખૂબ મોટો ઝાટકો લાગ્યો. શું ખરેખર! કોઈનું કોઈ જ નહીં હોય? સગાંવ્હાલાં ફક્ત કહેવા માટે જ હોય? સમજાય કે આ ચેપી મહામારીમાં કોઈ રૂબરૂ મદદે આવી ન શકે. પરંતુ શું ફોનથી પણ મદદ ન કરી શકે? કે હિંમત આપવાનું કામ પણ ન કરી શકે? ફોર્માલિટી ખાતર પણ કોઈએ એકવાર પણ ન કહ્યું કે કંઈ જરૂર હોય તો કહેજો. અમે બેઠા છીએ. વાઇરસ હિંમત આપવાથી કે ફોન પર હૂંફ આપવાથી નથી ફેલાતો એવું શું નહીં સમજી શકતા હોય? જયવર્દનભાઈ એમનાં સાલસ, ઉદાર અને રમુજી સ્વભાવથી જયંતિબેનનું બ્રેનવોશ કરતાં બોલ્યા, 'અરે મારી વ્હાલી ગાંડી! રામ રાખે એને કોણ ચાખે! આપણે આપણા માળામાં ફરી હેમખેમ છીએ ને! છોડને લોકોની ભાંજગડ!' પરંતુ જયંતિબેનનાં મગજમાં એક જ વાત ઘર કરી ગઈ કે માણસાઈ મરી પરવારી છે.

ચૌદ દિવસ પછી ક્વોરન્ટીન સમય પૂરો થયો. જયવર્દનભાઈ અને જયંતિબેનનો પણ જાણે ચૌદ દિવસનો વનવાસ પૂરો થયો. ક્વોરન્ટીન સમય પૂરો થતાં સગાવ્હાલાનાં ફોનની જાણે રમઝટ જામી. બધાની જીભ સુકાતી ન હતી. અને કહેતા, 'વાહ! તમે એકલે હાથે જંગ જીત્યા.' જયતિબેનનાં બળતાં હૈયે તેલ રેડાતું હતું. એમને સણસણતો જવાબ આપવાની ઈચ્છા થઈ આવતી, 'શું આટલા દિવસ મોબાઈલનું નેટવર્ક ન હતું કે ટેલિફોન એક્સચેન્જ હળતાળ પર ગઈ હતી?' પરંતુ એમણે એવું કશું જ ન કર્યું કારણ કે, તેઓ સાંસારિક અથડાઅથડીમાં સત્યને સમજી ગયાં. એમને ટિફિન અને બધી જરૂરી ચીજવસ્તુ હોસ્પિટલે નિયમિત પહોંચાડનારા પેલા અજાણ્યા બહેન યાદ આવ્યાં. એનાથી એમના દિલને કંઇક હાશ થઈ. પોતાના નહીં તો પરાયાએ એમની કાળજી લીધી! માનવતા મરી પરવારી નથી. તેમની અંદરની ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા જાગૃત થઈ આવી. એમને એમના રાઘવ પર પુરેપુરી આસ્થા હતી. આથી તેઓ બધાને સ્વસ્થ મને અને હસતાં મોઢે એક જ ઉત્તર આપતા રહ્યાં, ‘રાઘવ છે રઘુવનમાં.’
(તમારી વાર્તાઓ આ સરનામે મોકલી આપોઃ marivarta.divyabhaskar@gmail.com શરત એટલી કે તમારી વાર્તાઓ સંપૂર્ણપણે મૌલિક, અપ્રકાશિત અને ટાઇપ થયેલી હોવી જોઇએ. વાર્તાની સાથે તમારી કોન્ટેક્ટ ડિટેલ્સ પણ મૂકશો.)

અન્ય સમાચારો પણ છે...