• Gujarati News
  • Magazine
  • Rangat sangat
  • It Is Not Easy To Get Out Of An Unpleasant Relationship ... But If You Have The Courage, Strength, Faith And Belief, You Will Find A Way To Reach A Lovely Relationship

ઇટ્સ કોમ્પ્લિકેટેડ:અણગમતા સંબંધમાંથી છૂટા પડવું સહેલું નથી... પણ જો હિંમત, તાકાત, વિશ્વાસ અને શ્રદ્ધા હશે તો મનગમતા સંબંધ સુધી પહોંચવાનો રસ્તો મળી જશે

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

એક ગુજરાતી નવલકથામાં નાયિકા નાયકને કહે છેઃ ‘પ્રત્યેક ખોટું સ્મિત વ્યક્તિના આયુષ્યને થોડું ઓછું કરે છે.’ વિચારવા જેવી વાત છે. બનાવટી સ્મિત વ્યક્તિને નુકસાન કરે એ વાત એકદમ સાચી છે. દરેક વ્યક્તિએ પોતાનું જીવન બને એટલું સાચુકલું રાખવું જોઈએ. જેટલી બનાવટ ઓછી એટલું જીવન શુદ્ધ. જેટલી નિખાલસતા વધારે એટલું જીવન પ્રસન્ન. જીવન સહજ, સરળ અને આનંદિત હોવું જોઈએ. જો કે, જીવન કંઈ સહેલી વાત નથી. જીવનનો સ્વભાવ જ એવો છે કે તેમાં સતત આરોહ-અવરોહ આવ્યા જ કરે છે. આવી સ્થિતિમાં દરેક વ્યક્તિએ સતત સતર્ક રહીને, સભાન રહીને જીવન જીવવું પડે છે. જીવન એ સાધના છે. જીવન જીવનારી દરેક વ્યક્તિએ પ્રત્યેક ક્ષણે જાગૃત રહેવું પડે છે. વિમલાતાઈ ઠકાર કહેતાં કે, જીવન નાની-નાની બાબતોમાં પડેલું છે. જે નાની-નાની બાબતોને સાચવી શકે છે તે જ મોટાં-મોટાં કાર્યો કરી શકે છે.

એક યુવતી કહે છે કે, અણગમતા સંબંધો સાચવવામાં થાકી જવાય છે. આ વાત ખૂબ જ સાચી છે. સાચો સંબંધ થાક આપનારો નહીં, પરંતુ થાક ઘટાડનારો હોય છે. આપણે આપણા જીવનમાં જે સંબંધો નિભાવતા હોઈએ છીએ તેમાં ત્રણ પ્રકારના સંબંધો સવિશેષ હોય છે. એક મનગમતા સંબંધો, બીજા વ્યાવહારિક અને મધ્યમ સંબંધો અને ત્રીજા અણગમતા સંબંધો. સંબંધો વગર જીવન જીવાતું નથી. કેટલાક સંબંધો લોહીના હોય છે અને કેટલાક સંબંધો ઋણાનુબંધના હોય છે. લોહીના સંબંધો જ્યારે લોહી ઉકાળાના સંબંધો બની જાય ત્યારે તે અણગમતા સંબંધોનું સ્વરૂપ ધારણ કરે છે.

એક સુવિચાર એવો છે કે, આ પૃથ્વી પર જે વ્યક્તિને મનગમતું કાર્ય કરવાની તક મળે એ વ્યક્તિ સદનસીબ છે અને જે વ્યક્તિ પોતાને મળેલાં કાર્યને મનગમતું કરી નાખે તેનાથી વધારે સદનસીબ વ્યક્તિ વિશ્વમાં બીજી કોઈ નથી. આ સુવિચાર કાર્યને લાગુ પડે એટલો સંબંધને લાગુ પડે ખરો? તેનો જવાબ હામાં આપી શકાતો નથી. આદર્શ રીતે ભલે એમ કહીએ કે, અણગમતા સંબંધને આપણે મનગમતો કરવો જોઈએ. નફરતને સતત ચાહી- ચાહીને પ્રેમમાં પરિવર્તિત કરવી જોઈએ. કવિ સુંદરમે કહ્યું છે તેમ વિશ્વમાં જે-જે અસુંદર છે તેને હું ચાહી-ચાહીને સુંદર કરું. આ બધી વાતો આદર્શમાં બહુ સારી લાગે. પરંતુ વ્યવહારમાં એવું કરી શકાય ખરું? જો કરવામાં આવે તો કેટલીવાર લાગે? ખાસ તો કેટલો થાક લાગે?

પચાસ વર્ષનાં એક પ્રૌઢ મહિલા પોતાના જીવનનો અનુભવ વહેંચતાં કહે છે કે, આટલે આવ્યા પછી મને સમજાયું કે અણગમતા સંબંધો સાચવવામાં હું ખૂબ થાકી ગઈ. મારું હૃદય નબળું પડી ગયું. જે સંબંધોમાં કોઈ રસકસ જ નહોતો, જે સંબંધોમાં પ્રેમ નહોતો, જે સંબંધોમાં સત્ત્વ નહોતું એ સંબંધોને સતત જીવતા રાખવા માટે મેં દિવસ-રાત એક કર્યાં. જો કે, પરિણામે મારા હાથમાં સંબંધો તો ન જ રહ્યા. પરંતુ હું શરીર અને મન બંનેથી હારી ગઈ. થાકી ગઈ. હવે મને એવું લાગે છે કે જો મેં સમયસર આવા સંબંધોથી થોડું અંતર કરી નાખ્યું હોત તો સારું હતું.

હમણાં એક અજબ કિસ્સો બન્યોઃ પરણવા માટે જાન લઈને આવેલા વરરાજાને પોંખવા સાસુમા આવ્યાં. રિવાજ પ્રમાણે તેમણે વરરાજાનું નાક પકડવાનો પ્રયત્ન કર્યો. એમાં હુંસાતુંસી થઈ ગઈ. નાની વાતે મોટું સ્વરૂપ લીધું. જાનવાળા ખૂબ ગુસ્સે થયા. તેમણે સાસુમાનું અપમાન કર્યું. એ પછી વરરાજાને હાર પહેરાવવા આવેલી કન્યાએ એવો નિર્ણય કર્યો જેની કોઈ કલ્પના પણ ન કરી શકે. એ કન્યાએ પરણવાની સ્પષ્ટ અને ધરાર ના પાડી દીધી. બધાં ડઘાઈ ગયાં. કન્યાએ કહ્યું કે, જે લોકો મારી માતાનું સન્માન નથી જાળવી શકતા તે લોકો મને શું સાચવી શકશે?

ક્યા બાત હૈ. ખૂબ સરસ. આ આખી વાત સમજવા જેવી છે. ઈતિહાસમાં કદાચ પ્રથમ વખત કોઈ કન્યાએ આવો બોલ્ડ અને શીઘ્ર નિર્ણય કર્યો હશે. આપણા સમાજમાં મહિલાઓનું કામ નિર્ણયોનો અમલ કરવાનું છે, નિર્ણયો કરવાનું નથી. આ ઘટનામાંથી આપણને સમજાય કે હવે યુવતીઓ સ્વતંત્ર રીતે નિર્ણય કરતી પણ થઈ છે. સ્ત્રીઓ નિર્ણયો લેવામાં ઢીલી હોય છે એવી છાપ છે. તેઓ સમયસર નિર્ણય નથી કરી શકતી. એ વાતમાં તથ્ય પણ છે. જો કે, અહીં દીકરીએ તરત જ નિર્ણય કર્યો. તેને અભિનંદન આપવાનું મન થાય. બીજો મુદ્દો છે અણગમતા સંબંધોને મૂળમાંથી કાપી નાખવાનો. આદર્શ રીતે એવું લાગે કે, દીકરીએ ગંભીર ભૂલ કરી. તેણે આવું કરવું નહોતું જોઈતું. સમાજમાં ખરાબ દેખાય. સગા-સંબંધીઓ વાતો કરે. હવે દીકરીને કદાચ યોગ્ય પાત્ર ન પણ મળે. આવી ઢગલો દલીલો કરી શકાય. જો કે, દીકરીનો નિર્ણય ભવિષ્યમાં થનારી અનેક હોનારતોથી ઘણા લોકોને બચાવી લેનારો કહેવાય. ધારો કે, આ સંબંધ બંધાયો હોત તો એ દીકરીએ ડગલે ને પગલે બાંધછોડ કરવી પડત. પ્રતિક્ષણ તેણે સહન કરવું પડત. સહન કરવાનો વાંધો નથી. વિશ્વની દરેક વ્યક્તિએ સહન કરવું જ પડે છે. સહન કર્યા વિના જીવનમાં વહન કરી શકાતું જ નથી. જે સહન કરે છે તે જ વહન કરે છે. જો કે, સતત અને સખત સહન કરવાનો તકાદો ઊભો થાય છે ત્યારે ક્યારેય મનગમતા સંબંધો મળતા નથી.

આ પૃથ્વી પરની પ્રત્યેક વ્યક્તિની ઝંખના એક સુંદર, એક સ્વસ્થ, એક નિખાલસ, એક પ્રિય સંબંધની હોય છે. આવો સંબંધ તેને જિંદગી જીવવા માટે પ્રીતિ અને ગતિ આપે છે. જ્યારે વ્યક્તિને આવો સંબંધ નથી મળતો ત્યારે વ્યક્તિનું જીવન ડહોળાઈ જાય છે. અણગમતા સંબંધોને કારણે ઘણા ગેરફાયદા થાય છે. એક તો આવા સંબંધોને નિભાવવામાં ખૂબ મહેનત કરવી પડે છે. ડગલે ને પગલે આવા સંબંધો ટકાવી રાખવા માટે વ્યક્તિએ મથવું પડે છે. ગમે કે ના ગમે પણ સતત કાળજી રાખીને સંબંધ લીલોછમ છે એવો દંભ અને દેખાડો કરવો પડે છે.

જો આ સ્થિતિથી બચી જવાય તો જીવન સારી રીતે જીવી શકાય. આદર્શ રીતે ઘણા લોકો એમ માને છે કે, અણગમતા સંબંધને મનગમતો કરી નાખવામાં જ શાણપણ છે. એમ જ કરવું જોઈએ. એ વાત સાવ ખોટી નથી. જો કે, દરેક સંબંધમાં આ વાત લાગુ કરી શકાતી નથી. ધારો કે, પતિ-પત્નીનો સંબંધ હોય એમાં તમે અનિવાર્ય હોય તો આ વાતને લાગુ પાડી શકો. પરંતુ એમાં પણ જો બચી શકાતું હોય તો બચી જવું જોઈએ.

ડીસાની એક દીકરીનાં લગ્ન આણંદમાં થયાં. ગોઠવાયેલું લગ્ન હતું. જો કે, દીકરી પરણીને સાસરે ગઈ અને તેને ખબર પડી ગઈ કે, હું એકદમ ખોટા સરનામે આવી ગઈ છું. તેને તરત જ ખ્યાલ આવી ગયો કે આખું જીવન હું અહીં નહીં જ કાઢી શકું. આમ છતાં, માતા-પિતાની પ્રતિષ્ઠાને તકલીફ ન પડે એ માટે તેણે ચાર મહિના સુધી સાસરામાં પોતાની જાતને ગોઠવવાનો પ્રયત્ન કર્યો. સાચા દિલથી પ્રયત્ન કર્યો. જો કે, તેમાં તેને સફળતા ન મળી. શું કર્યું એ યુવતીએ? પોતાના પતિને સામે બેસાડીને, ખૂબ જ નમ્રતા અને ધીરજથી, પ્રેમપૂર્વક તેણે કહ્યું કે, આપણે સાથે જીવન નહીં જીવી શકીએ. તમારા વિચારો અને મારા વિચારો હળતા-મળતા કે ભળતા નથી. મરી-મરીને જીવન જીવવું પડશે તેના કરતાં છૂટા પડવામાં ડહાપણ છે. અલબત્ત, તેનો પૈસાવાળો પતિ આ વાત સાથે સહમત નહોતો. તેનું કહેવું હતું કે આવું વિચારવાનું જ ન હોય. સ્ત્રીનું કામ ઘર સંભાળવાનું, બાળકો પેદા કરવાનું અને બાળકોને મોટા કરવાનું છે. એમાં વિચાર ક્યાં આવ્યો? એ યુવતી અત્યારે પોતાના પિયરમાં છે. હવે એક નવી સ્થિતિનું નિર્માણ થયું છે. એ યુવતીને લાગવા માંડ્યું છે કે, મારાં માતા-પિતા અને ભાઈ મારા ભારથી દબાઈ ગયા છે. મારી હાજરી તેમને ખાસ ગમતી નથી. હું છૂટાછેડા લઈને ઘરે આવેલી વ્યક્તિ છું. એ યુવતીએ હવે પોતાના પગ પર ઊભા રહેવાનો સાહસિક નિર્ણય કર્યો છે. તે પ્રતિભાશાળી છે. જીવનના ઝંઝાવાતોનો સામનો કરી શકે એવું સામર્થ્ય તેનામાં છે. હવે તેણે નક્કી કર્યું છે કે, હું સ્વતંત્ર રીતે મારી જિંદગીનું ઘડતર કરીશ.

એક અણગમતા સંબંધથી બચવા માટે તેણે પ્રયત્ન કરવો પડશે. એટલું યાદ રાખવાની જરૂર છે કે અણગમતા સંબંધમાંથી છૂટા પડવું સહેલું નથી હોતું. એના માટે હિંમત જોઈએ છે. એના માટે અંદરની તાકાત જોઈએ છે. એના માટે જાતમાં વિશ્વાસ જોઈએ છે. એના માટે મનગમતા સંબંધો રસ્તામાં મળવાના છે એવી શ્રદ્ધા જોઈએ છે. એના માટે મથવું પડે છે, ઝઝૂમવું પડે છે. જો કે, એની જ મજા છે. મનગમતા સંબંધ સુધી પહોંચવાનો એક રસ્તો હોય છે. એ રસ્તા પર દરેકે ચાલવું પડે છે. મનગમતા સંબંધો કંઈ સામેથી આવતા નથી. તેને શોધવા પડે છે. એ હોય છે. એ મળે પણ છે. બસ, તેના માટે પ્રયાસ કરવો પડે છે.

અણગમતા સંબંધોને બે હિસ્સામાં વહેંચીને વ્યક્તિએ તેની સાથે પનારો પાળવો જોઈએ. એક એવા અણગમતા સંબંધો જેને તમારે નિભાવ્યા વગર છૂટકો જ નથી. એ અનિવાર્ય છે. ક્યાંક તેમાં લોહીના સંબંધો છે અથવા તો એવી સ્થિતિવાળા સંબંધો છે જે સાચવવા જ પડે તેમ છે. તો સાચવી લેવાના. પરંતુ એમાં લાગણીશીલતા, લાગણીવેડા અને લાગણીને બદલે પ્રેમ તથા સંવેદનાનું સંયોજન કરવાનું. તરત પાણીમાં નહીં બેસી જવાનું. દરેક સંબંધ માત્ર પ્રેમ અને શ્રદ્ધાના બળ પર જ નભે છે એવું માનવાની ભૂલ નહીં કરવાની. ક્યારેક તેમાં તર્ક અને બુદ્ધિ ભેળવવી જ પડે છે.

એવા અણગમતા સંબંધો કે જે રાખવા અનિવાર્ય નથી. બસ, એવા સંબંધોથી તો જેમ બને તેમ ઝડપથી અંતર કરી દેવાનું. એમાં કંઈ ખોટું નથી. એમનો સમય બગડે અને તમારો પણ સમય બગડે એવું નહીં કરવાનું. તમારું હૃદય ઢીલું પડે અને એમનું મન ડહોળાઈ જાય એવું શા માટે કરવું. દરેક સંબંધને ઓળખ મળેલી હોય છે. ઘણી વખત ઓળખને બદલીને પણ અણગમતા સંબંધને મનગમતો કરી શકાય. ઘણાં પતિ-પત્નીને લાગે છે કે, આપણે પતિ-પત્ની તરીકે સાથે નહીં રહી શકીએ. પરંતુ મિત્ર તરીકે ચોક્કસ સંબંધ રાખી શકીશું. એ લોકો પતિ-પત્ની મટીને ઉત્તમ મિત્રો બન્યા છે. નકામા પતિ-પત્ની બનવા કરતાં ઉત્તમ મિત્રો બનવાનું વધારે સારું છે.

દરેક સંબંધ વ્યક્તિને જીવન જીવવાનો રસ્તો બતાવે છે. દરેક સંબંધ વ્યક્તિને આનંદ આપે છે. દરેક સંબંધ વ્યક્તિને હૂંફ આપે છે. નિરાશા અને હતાશાને સંબંધ નામની સંજીવની ખૂબ મદદ કરે છે. એવી સ્થિતિમાં અણગમતા સંબંધોને મનગમતા બનાવવાની કવાયતની સાથે સાથે ક્યારેક પ્રેક્ટિકલ બનીને એવા સંબંધોથી અંતર કરીને પોતાની જાતના અંતરને ખુશ રાખવામાં ડહાપણ હોય છે.
positivemedia2015@gmail.com
(લેખક વરિષ્ઠ પત્રકાર, કટારલેખક અને ‘RAA પોઝિટિવ મીડિયા’ના સ્થાપક છે)

અન્ય સમાચારો પણ છે...