તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Magazine
  • Rangat sangat
  • It Is Like Enjoying A Tour Of Beautiful Monasteries In The Highest And Heterogeneous Region Of The World Which Offers A Unique Glimpse Of Buddhist Culture !!

એક્સપ્લોર ઇન્ડિયા:વિશ્વના સૌથી ઊંચા અને વિષમ પ્રદેશ લદ્દાખમાં બૌદ્ધ સંસ્કૃતિની અનન્ય ઝાંખી કરાવતી સુંદર મોનેસ્ટ્રીઝનો પ્રવાસ માણો!

25 દિવસ પહેલા
  • કૉપી લિંક

લદ્દાખને કુદરતે જેટલી અપાર સુંદરતા બક્ષી છે એટલી જ વિષમતાઓ પણ આપી છે. માઈનસ ડિગ્રીમાં રહેતું તાપમાન, પ્રતિકૂળ આબોહવા, નહીંવત વરસાદ, સૂકી રેતાળ માટી, ઉબડખાબડ રસ્તાઓ, પહાડીઓ આ દરેક વિપરીત પરિસ્થિતિને કોઈએ ખૂબ જ સહજતાથી અપનાવી હોઈ તો એ લદ્દાખ જ છે. સુંદરતા અને વિષમતાના આ સંગમમાં અપાર શાંતિ છે, સૂકુન છે, એવા તરંગો છે જે ઊંડાણ સુધી સ્પર્શે છે. એટલે જ કદાચ ભૂતકાળમાં લામાઓ દ્વારા ધ્યાન માટે આ સ્થળની પસંદગી કરી હશે અને તેનો વારસો આજે પણ લદ્દાખના મઠમાં સચવાયેલો છે. આગળના ભાગમાં આપણે સ્તકના, થિકસે અને શેય મોનેસ્ટ્રીની મુલાકાત લીધી હતી. આજે એ મુસાફરીને આગળ વધારી પ્રેમ અને કરુણાનો સંદેશો આપતા શાંતિ અને અસીમ સુંદરતાના પ્રદેશનો પ્રવાસ ખેડીએ.

હેમીસ ફેસ્ટિવલમાં લામાઓ દ્વારા વિવિધ પ્રકારના રંગબેરંગી મુખોટાં પહેરીને પરંપરાગત વસ્ત્રો ધારણ કરી ભવ્ય નૃત્ય કરવામાં આવે છે
હેમીસ ફેસ્ટિવલમાં લામાઓ દ્વારા વિવિધ પ્રકારના રંગબેરંગી મુખોટાં પહેરીને પરંપરાગત વસ્ત્રો ધારણ કરી ભવ્ય નૃત્ય કરવામાં આવે છે

હેમીસ મોનેસ્ટ્રી
લદ્દાખની સૌથી મોટી અને જોતા જ આકર્ષિત થઇ જવાય એવી એકદમ કલરફુલ મોનેસ્ટ્રી એટલે હેમિસ મોનેસ્ટ્રી. કાષ્ઠકળાના સુંદર નમૂના અહીં હેમીસ મઠમાં જોઈ શકાય. વિશાળ પ્રાંગણની ફરતે લાકડાંના સ્તંભો અને ઉપર રંગોની વિવિધતાવાળી સુંદર બાલ્કની જેમાં ખૂબ જ સુંદર ચિત્રાંકન થયેલું છે. હેમીસ મઠને લદ્દાખનો સૌથી ધનિક મઠ માનવામાં આવે છે, જેને બૌદ્ધ ધર્મના ડ્રુકપા સંપ્રદાય દ્વારા સંચાલિત કરવામાં આવે છે. તિબ્બતી શૈલીની વાસ્તુકલા મુજબ બંધાયેલો આ મઠ વિશાળ પહાડીઓની વચ્ચે જાણે કોઈ ઘટાદાર વૃક્ષ પર પક્ષીના નાનકડા પરંતુ સુંદર માળા જેવો લાગે. મઠની સફેદ રંગની દીવાલો વચ્ચે તેના ઝરૂખા અને કાષ્ટકામ પરના રંગો ખૂબ જ સુંદર રીતે ઉપસી આવે છે. મઠને મુખ્ય બે ભાગમાં વહેંચવામાં આવેલા છે. એક ભાગ દુખાંગ જેનો સભા ભવન તરીકે ઉપયોગ કરવામાં આવે છે અને બીજો ભાગ શોન્ગખાંગ, જ્યાં મઠનું મુખ્ય મંદિર આવેલું છે. મઠની દીવાલો પર સુંદર ધાર્મિક ચિત્રાંકન થયેલું છે. જેમાં મુખ્ય ચિત્ર જે જીવનનાં ચક્ર દર્શાવે છે તે કાળચક્ર તરીકે ઓળખાય છે. આ ઉપરાંત, ભગવાન બુદ્ધની સુંદર તાંબાની પ્રતિમા છે જેને બે ઘડી જોઈ માત્ર જ અપાર શાંતિ અનુભવી શકાય. હેમીસ મોનેસ્ટ્રીમાં દર વર્ષે ઊજવાતો હેમીસ ફેસ્ટિવલ તેની આગવી ઓળખ છે. દર વર્ષે દેશ-વિદેશમાંથી અનેક લોકો આ ઉત્સવને માણવા આવે છે. આ તહેવાર ગુરુ પદ્મનાથસંભવને સમર્પિત છે. તેમની જન્મતિથિના નિમિત્તે આ ઉત્સવનું આયોજન થાય છે. આ તહેવાર અવગુણો અને દુષ્ટ તત્ત્વો પર વિજયનું પ્રતીક છે. આ સમગ્ર લદ્દાખનો સૌથી વધુ લોકપ્રિય તહેવાર છે. આ ઉત્સવમાં લામાઓ દ્વારા વિવિધ પ્રકારના રંગબેરંગી મુખોટાં પહેરીને પરંપરાગત વસ્ત્રો ધારણ કરી, રાક્ષસોની ભૂમિકા માટે શીંગડાંવાળા માસ્ક પહેરીને ઢોલ, મંજીરા અને લાંબી પાઇપ જેવા તિબેટીયન સંગીતના વાદ્યો સાથે ભવ્ય નૃત્ય કરવામાં આવે છે. સ્થાનિકો માટે પણ આ તહેવાર સુખાકારી અને આધ્યાત્મ સાથે જોડાયેલો છે. બીજી એક ખાસ વાત કે અહીંની એક થાનગકા પેઇન્ટિંગ દર બાર વર્ષે એકવાર સ્થાનિકો અને અન્ય લોકો માટે જોવા બહાર કાઢવામાં આવે છે. અહીં હેમીસ મ્યુઝિયમની પણ તમે મુલાકાત લઈ શકો છો. તેમજ, અહીંથી થોડા અંતરે જ હેમીસ નેશનલ પાર્ક પણ આવેલો છે જે હિમદિપડા અને બીજાં અઢળક હિમાલયન પ્રાણીઓ અને પક્ષીઓ માટે પ્રખ્યાત છે.

દરેક બૌદ્ધ મઠમાં અનેક પ્રેયર વ્હીલ હોય છે, જેને ઘડિયાળની દિશામાં ફેરવવામાં આવે છે
દરેક બૌદ્ધ મઠમાં અનેક પ્રેયર વ્હીલ હોય છે, જેને ઘડિયાળની દિશામાં ફેરવવામાં આવે છે

સ્પિતુક મોનેસ્ટ્રી
સ્પિતુક શબ્દનો અર્થ અનુકરણીય થાય છે. આ મઠ ખૂબ જ આદરભર્યું સ્થાન ધરાવે છે. લેહ શહેરમાં ફલાઇટ પ્રવેશે કે સિંધુ નદીનાં તટ પર આગવી સુંદરતા સાથે આ મઠ સૌથી પહેલો દૃષ્ટિગોચર થાય. દરેક ધર્મમાં અલગ અલગ સંપ્રદાય જોવા મળે છે તેમ આ મઠ યલો હેટ (પીળી ટોપી - માથા પરની ટોપીના રંગ દ્વારા સંપ્રદાયની ઓળખ જેવું) જેનું બીજું નામ જેલુગ્યા સંપ્રદાયના હેઠળ આવે છે. બૌદ્ધ ધર્મમાં યલો હેટ, રેડ હેટ, વ્હાઈટ હેટ, બ્લેક હેટ જેવા અલગ અલગ સંપ્રદાય આવેલા છે. આ મોનેસ્ટ્રીની ખાસ વાત એ છે કે, અહીં કાલીમાતાનું મંદિર આવેલું છે. સ્પિતુક મોનેસ્ટ્રી ઘણી ઊંચાઈ પર સ્થિત છે. રસ્તામાં સીડીઓ પાસે મોટું પ્રેયર વ્હીલ છે. જેને ઘડિયાળની દિશા તરફ ફેરવવામાં આવે છે. આ વ્હીલની અંદર 'ૐ મણિ પદ્મે હૂં' પ્રાર્થનાઓ અંકિત કરવામાં આવે છે. જે જેટલી વખત નજર સામેથી પસાર થશે એટલી વખત એ પ્રાર્થના વ્યક્તિ દ્વારા કરી ગણાશે તેમજ આત્માના શુદ્ધિકરણ સાથે પણ આ આધ્યાત્મિક મંત્રો જોડાયેલા છે. સ્પિતુક મોનેસ્ટ્રીની ખાસ વાત એ છે કે, અહીં તિબેટની રાજધાની લ્હાસાથી લાવેલી ભગવાન બુદ્ધની કેટલીક પ્રતિમાઓ છે. આ ઉપરાંત, મઠની દીવાલો પર ખૂબ જ જૂના ભીંતચિત્રો આવેલા છે. દરેક મોનેસ્ટ્રીની જેમ અહીં પણ વાર્ષિક તહેવાર ગુસ્તોરની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. જેમાં મુખોટાં નૃત્ય આકર્ષણનું કેન્દ્ર હોય છે. આ તહેવારો મોનેસ્ટ્રીના વિશાળ પ્રાંગણમાં ઉજવવામાં આવે છે અને તે દરમિયાન લોકોને બેસવા માટે આસપાસ જે ગલીયારા બનાવવામાં આવે છે તે ખૂબ જ આકર્ષક હોય છે. મઠની ઉપર છત પરથી આસપાસના રમણીય નજારા જોઈ શકાય. એ જ છત પર ગૌતમ બુદ્ધની સુંદર પ્રતિમા આવેલી છે જેની એકબાજુ લેહ શહેરનો નજારો જોઈ શકાય તો બીજી તરફ સિંધુનો પ્રવાહ અને તેને કાંઠે આવેલા ખેતરોનો સુંદર નજારો જોઈ શકાય છે. આજુબાજુના પહાડો પર જાણે કોઈએ વાદળોનો ઢગલો કરી દીધો હોઈ એવું દૃશ્ય સર્જાય. સૂર્યાસ્ત સમયે આ જગ્યાએ હાજર હોઇએ તો બુદ્ધ પોતે જ આંગળી પકડીને સૃષ્ટિની તમામ સુંદરતા બતાવતા હોય એવું સ્પષ્ટપણે અનુભવી શકાય.

વિશાળકાય ગગન નીચે ભગવાન બુદ્ધની વિશાળ પ્રતિમા
વિશાળકાય ગગન નીચે ભગવાન બુદ્ધની વિશાળ પ્રતિમા

અલચી મોનેસ્ટ્રી
લદ્દાખ વિસ્તારની સૌથી જૂની મોનેસ્ટ્રી અલચી ગણાય છે. અલચીની ખાસ વાત એ છે કે, આપણે અત્યાર સુધી જોયું કે દરેક મઠ પહાડીઓ પર બનેલા આ એક મઠ એવો છે જે જમીન પર આવેલો છે. અલચી ગામ લેહથી સાઠ કિમી જેટલું દૂર હશે. રસ્તામાં ટ્રાન્સ હિમાલયના પર્વતો અને સિંધુનો સંગાથ જાણે પુરાણી સંસ્કૃતિ અને સભ્યતાની માંડીને વાર્તા કહેતો હોય એવું અનુભવી શકાય. સિંધુ કાંઠે વસેલું અલચી ખૂબ જ સુંદર અને સાદગીવાળું ગામડું છે. આસપાસ નજર કરો તો વિશાળ પર્વત અને એક બાજુ ખળખળ વહેતી સિંધુના પાણીથી તૃપ્ત થયેલા એપ્રિકોટ એટલે કે જરદાલુના ફળથી લચી પડેલાં વૃક્ષો, ત્યાંના સ્થાનિકોનો હસતો ચહેરો, તેમનો પ્રેમભાવ, તેમની સાદગી જોઈને વારંવાર આ સ્થળની મુલાકાત લેવા માટે મન લલચાય. અલચી ગામમાં અલગ અલગ મોનાસ્ટ્રી પરિસર આવેલા છે, જેમાં મળી આવતા કાશ્મીર અને તિબેટીયન શૈલીના મિશ્રણવાળા ભીંતચિત્રો અને મૂર્તિઓ તેને અલગ અને ખાસ બનાવે છે. આ મઠના પરિસર અગિયારમી સદી આસપાસના છે, જે લાકડાં અને માટી વડે બંધાયેલા છે, જેમાં સભા ભવનમાં આવેલું સુમતસેક અને મંજુશ્રી મંદિર મુખ્ય છે. અહીં પણ માતાજીનું એક મંદિર છે અને વિશાળકાય ગગન નીચે ભગવાન બુદ્ધની વિશાળ પ્રતિમા છે.

ફયાંગ મોનેસ્ટ્રીના મ્યુઝિયમમાં નૌસો વર્ષ જૂની લિપિ, મૂર્તિઓ, શાસ્ત્રો, થાનગકા, તિબેટીયન અને મોંગોલિયન હથિયારો તેમજ ભીંતિચિત્રો સચવાયેલા છે
ફયાંગ મોનેસ્ટ્રીના મ્યુઝિયમમાં નૌસો વર્ષ જૂની લિપિ, મૂર્તિઓ, શાસ્ત્રો, થાનગકા, તિબેટીયન અને મોંગોલિયન હથિયારો તેમજ ભીંતિચિત્રો સચવાયેલા છે

ફયાંગ મોનેસ્ટ્રી
લાકડાંની સુંદર કોતરણીવાળા રંગીન બારણાઓ, રંગોની વિવિધતા સાથે બારીક ચિત્રકામ કરેલા સ્તંભો, સુંદર ઝરૂખાવાળી લાકડાની બારીઓ આ મઠની શોભામાં વધારો કરે છે. ફયાંગ નામનો અર્થ વાદળી પહાડી એવો થાય છે. મોનેસ્ટ્રીની ઉપરથી બેકગ્રાઉન્ડમાં ફયાંગ વિલેજનો વ્યૂ કલાકો સુધી બેસીને જોઈ શકાય. હાલમાં આ મઠ રેડ હેટ સંપ્રદાય અંતર્ગત આવે છે. અહીં રત્નશ્રી સ્કૂલ, મહાકાલ મંદિર વગેરે પણ જોવા લાયક છે. અહીંના મ્યુઝિયમમાં નવસો વર્ષ જૂની લિપિ, મૂર્તિઓ, શાસ્ત્રો, થાનગકા, તિબેટીયન અને મોંગોલિયન હથિયારો તેમજ ભીંતિચિત્રો સચવાયેલા છે. ફયાંગ મોનેસ્ટ્રીથી એકદમ નજીક ડો. સોનમ વાંગચૂક દ્વારા કૃત્રિમ આઈસ સ્તૂપ બનાવેલું છે જે પાણીની સમસ્યાનાં નિવારણ માટે બનાવેલું છે.

લદાખના અલગ અલગ વિસ્તારોમાં આવા મનમોહક બૌદ્ધ મંદિરોની મુલાકાત બૌદ્ધ સંસ્કૃતિની અનન્ય ઝાંખી કરાવીને એની સાદગીનો પરિચય કરાવે છે. આ બધા જ સ્થળની મુલાકાત લેવાનો સરળ રસ્તો લેહ શહેર જ છે. લેહ શહેરથી જ અહીં આ બધાં સ્થળો પર સરળતાથી પહોંચી શકાય છે.
creativearyans3@gmail.com
(‘આરણ્યક’ તરીકે જાણીતા કૌશિક ઘેલાણી અલગારી રખડપટ્ટી કરીને કુદરતને પોતાના અસ્સલ મિજાજમાં જોતા અને કેમેરામાં કેદ કરતા વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર છે)

અન્ય સમાચારો પણ છે...