હાલમાં જ એક 70 વર્ષનાં સાસુ મારી જોડે શેર કરી રહ્યાં હતાં કે એમની વહુ ઘરનું ધ્યાન નહોતી રાખતી. આ તારણ ઉપર તેઓ કેવી રીતે પહોંચ્યાં? કારણ કે, તેમની વહુ ઘરકામ નહોતી કરતી! તેમનો દીકરો જ હતો જે કપડાં ધોતો, રસોઈ કરતો અને બાળકોને ખવડાવવાનું કામ પણ કરતો. તેમણે દુઃખી થઈને મને કહ્યું, 'તમે વિચારો તો ખરા... મારો બિચારો દીકરો આખો દિવસ ઓફિસમાં ખૂબ કામ કર્યા પછી સાંજે ઘરે આવીને અને રજાના દિવસે પણ રસોઈ કરવામાં અને ઘર અને બાળકોની સંભાળ રાખવામાં બિઝી રહે છે. મારી વહુ તો રસોઈ જ નથી કરતી!' મેં એમને ધીમેથી યાદ અપાવ્યું કે તેમની વહુ પણ ફુલ-ટાઈમ નોકરી કરે છે અને કદાચ એ રસોઈ એટલે પણ નહોતી કરતી કારણ કે તેના વરને (એટલે તે બેનના દીકરાને) રસોઈ કરવામાં મજા આવતી હતી. મેં તેમને મશ્કરીમાં કહ્યું કે આ જ બનાવ જો તેમની પોતાની દીકરી જોડે થયો હોત - એટલે કે જો તેમની દીકરીના વર રસોઈ કરતા હોત તો કદાચ તેઓ ગર્વથી કહેત કે તેમનો જમાઈ ખૂબ જ સરસ છે!
જેન્ડર સ્પેશિયલ રોલમાં સ્ટિરિયોટાઇપ થતાં વાલીઓ...
મોટાભાગે આપણે આપણાં મા-બાપ પાસેથી તેમના જેન્ડરના અનુરૂપ ચોક્કસ ભૂમિકા નિભાવવાની અપેક્ષા રાખીએ છીએ અને આ અપેક્ષાનું મૂળ આપણા ઉછેર અને આપણી આજુબાજુ જોયેલા મોડલમાં છે. વાલી તરીકે બંને મા અને પિતાની ભૂમિકા ખૂબ જ મહત્ત્વની છે. બંનેએ જુદો રોલ નિભાવવાનો છે પણ બહુ બધી પરિસ્થિતિમાં એવું જોવા મળે છે કે મા અને બાપ જેન્ડર સ્પેશિયલ રોલમાં સ્ટિરિયોટાઇપ થઇ જતાં હોય છે. જો ભણતરને લગતી કોઈ વાત હોય તો બાળકના સ્કૂલે જવાની જવાબદારી માતાના ભાગે આવે છે. જો કોઈ નાણાંકીય બાબત હોય તો તે બાપનું ઉત્તરદાયિત્વ બની જાય છે. જો કોઈ બાળકના ભાવનાત્મક કે સ્વાસ્થ્ય સાથે સંકળાયેલ મુદ્દો હોય તો માતાએ આગળ આવાનું રહે છે અને જો બાળકે કંઈ ખોટું કર્યું હોય તો પિતા એ ઘરમાં પણ મોટા નાણાંકીય નિર્ણયો (પૈસાના ઇન્વેસ્ટમેન્ટ બાબતે) પિતા લે છે, જ્યારે માતા રસોડું સાંભળે છે.
સાચી વાત છે કે જવાબદારી વહેંચવી તે સામાન્ય છે પણ મોટાભાગે બાળકોને અજાણતાં જ એવો મેસેજ મળે છે કે આ જવાબદારીઓ મા-બાપના જેન્ડર પ્રમાણે નક્કી થાય છે. એટલે વધુ પડતાં સ્ત્રીલક્ષી કામ જેમ કે, પોષણ અને ભણતર એ માતાના ભાગે આવે છે અને નાણાંકીય જવાબદારીઓ અને સત્તાની વપરાશ જેવા પુરુષલક્ષી કામો બાપે ઉપાડવાનાં રહે છે.
બાળક માટે શું હિતાવહ છે?
બાળકને બંને ખૂંટની જરૂરિયાત છે - મેટર્નલ (માતૃ પક્ષનું) અને પેટર્નલ (પૈતૃક). પેટર્નલ ખૂંટ - શું કરી શકાય અને શું ન કરી શકાય - તે સીમારેખા દર્શાવે છે. આનો અર્થ એ છે કે બાળક આ ખૂંટ થકી એક સત્તા ધરાવતા વ્યક્તિ સાથે સંકળાશે, જે તેને તેની સામાજિક સીમારેખાઓ વિશે જાણવામાં મદદરૂપ થશે. આ ખૂંટ બાહ્ય સંસારથી સંરક્ષણનું પ્રતીક પણ છે. બીજીબાજુ મેટર્નલ ખૂંટ એ પોષણ, જતન અને લાગણી દર્શાવે છે. બાળક આ બંને ખૂંટ વચ્ચે ઉછરે છે. પણ એ જરૂરી નથી કે આ ખૂંટ જેન્ડર્ડ જ હોય. પિતા પોષણ અને જતન કરનારની ભૂમિકા ભજવી શકે છે અને માતા કડકાઈની ભૂમિકા અપનાવી બાળક માટે સીમારેખાઓ બાંધી શકે છે. આવું માળખું આપણે થોડાં કુટુંબોમાં જોઈ શકીએ છીએ, જ્યાં માતા એમ કહે છે કે 'મારા ઘરમાં હું 'પેન્ટ્સ પહેરું છું' (એટલે ઘરના બધા મોટા અને જરૂરી નિર્ણય લઉં છું)!'
સુમેળભર્યા જોડામાં બની રહે છે સંતુલન
સામાન્ય રીતે એક સુમેળભર્યું જોડું હોય ત્યાં બંને ખૂંટો વચ્ચે સંતુલન બનેલું રહે છે. બંને બાળકને સંરક્ષણ અને પોષણ આપી સપોર્ટ કરે છે અને સીમારેખાના પરવાનગીપાત્ર લાડ પણ કરે છે. પણ હા, આ સંતુલનના અભાવમાં બાળકની ઉપર આડ અસર થાય છે. દાખલા તરીકે, માતાની વધુ પડતી સંભાળ ખોટા લાડનું સ્વરૂપ લઇ લે છે કારણ કે, તે બાળકની સાચી-ખોટી બધી ઈચ્છાઓની પૂર્તિ કરવા માંડે છે અને જો સીમારેખાવાળો ખૂંટ ન હોય તો બાળક બગડી જાય છે અને મોટું થઈને એવી ગેરસમજમાં રહે છે કે તે આખા બ્રહ્માંડનું કેન્દ્ર છે! બીજીબાજુ, જે બાળકનો ઉછેર વધુ પડતી સખ્તી અને કાયદાથી થાય છે અને જેની આજુબાજુ સંભાળ અને લાગણી આપનાર વ્યક્તિઓની અછત હોય છે તે કોલ્ડ (ઉષ્માવિહોણું) અને એકલપંડું થઇ જાય છે. બંને પરિસ્થિતિઓમાં બાળક સંતુલનરહિત થઇ જાય છે.
સિંગલ પેરેન્ટ્સે શું કરવું જોઈએ?
સૌથી આકરું કામ છે સિંગલ પેરેન્ટ્સનું કારણ કે, તેમણે બંને ખૂંટોનાં કાર્યો પૂર્ણ કરવાનાં રહે છે. જ્યારે એક પેરેન્ટ વધુ પડતું કડક હોય અને બાળકને તે ગેરવાજબી લાગે ત્યારે તેની પાસે બીજા પેરન્ટ પાસે જવાનો વિકલ્પ હોય છે. પરંતુ કમનસીબે આ વિકલ્પ સિંગલ પેરેન્ટવાળા કુટુંબોમાં ઉછરી રહેલા બાળક પાસે નથી. આવી સ્થિતિમાં જરૂરી છે કે સિંગલ પેરેન્ટ એક સંતુલિત ભૂમિકા ભજવવાનું શીખે.
વાલીએ શું કરવું જોઈએ?
પેરેન્ટિંગમાં આવો જેન્ડર સ્ટિરિયોટાઇપ બાળકના કોમળ મન ઉપર ખોટી છાપ છોડશે અને તે પણ ભવિષ્યમાં આ જ પ્રમાણે વર્તશે. એટલે જ વર્ષોથી ચાલી રહેલી આ રૂઢિબદ્ધ ધારણાને તોડવી ખૂબ જરૂરી છે અને આના માટે એક જવાબદાર અને પ્રગતિશીલ વાલી તરીકે આપણે પહેલ કરીને આપણાં બાળકોને બધા કાર્યો શીખવા માટે પ્રોત્સાહન આપવું જોઈએ. આપણી દીકરીઓએ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ (નાણાકીય વ્યવસ્થાપન) શીખવું જેટલું જરૂરી છે એટલું જ અગત્યનું છે આપણા દીકરાઓ માટે રસોઈ અને કપડાં ધોતા શીખવવું, આ બધી એ પાયાની લાઈફ સ્કિલ્સ છે, જે શીખવાની અપેક્ષા દર વાલી પોતાના બાળક પાસેથી રાખે છે. જેથી, તે મોટું થઈને ક્યારેય બીજા ઉપર આશ્રિત ન રહે.
વળી, આપણે તો મહાત્મા ગાંધીની વિચારધારાવાળા દેશમાં રહીએ છીએ, જે પોતે કોઈપણ કામને જેન્ડર આધારિત નહોતા ગણતા. તો પછી શું આપણું આવું કરવું ગેરવ્યાજબી નથી? અને તે પણ એવા સમયકાળમાં જ્યારે આપણે આપણા બાળકના મૂલ્યો ને સિંચવાના છે અને તેને આત્મનિર્ભર બનાવવાનું છે. આશા રાખું છું કે આનો જવાબ તમે પોતે જ આપશો અને તે જવાબ જરાય જેન્ડર આધારિત નહીં હોય!
(લેખિકા જાણીતાં શિક્ષણવિદ્ અને મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદનાં સ્થાપક છે)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.