મનન કી બાત:શું પુરુષત્વ એક ખરાબ વસ્તુ છે?

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

મહેન્દ્ર એક 45 વર્ષની વ્યક્તિ છે, જે મનોચિકિત્સક પાસે આવીને કહે છે કે 'સાહેબ હવે હું થાકી ગયો છું. મારા અને મારી પત્ની વચ્ચે ખૂબ ઝઘડાઓ થાય છે. એની અપેક્ષા પ્રમાણે હું બધું જ કરું છું. પરંતુ તો પણ અમારા વચ્ચે સંબંધ સારા નથી. ક્યારેક મને એવું લાગે છે કે મહેનત કરવી જ વ્યર્થ છે. અમે એક મોડર્ન કપલ છીએ. ઘરકામમાં અને રસોઈમાં હું એને સહકાર આપું છું. મને એવું લાગે કે આખો દિવસ કામ કર્યા બાદ ઘરે આવીને હું જયારે રસોઈ અને વાસણ ઘસવામાં એને મદદ કરીશ તો અમારો પ્રેમ વધશે અને એને ગમશે. કાલે ઘરે પહોંચ્યા બાદ મેં 2 કલાક ઘરકામ કર્યું એની જોડે તો પણ અંતે એ વઢી પડી કે તમે કપડાં સૂકવવાની પીનો લાવવાનું ભૂલી ગયા.'

આપણે ભારતીય સંસ્કૃતિમાં વૈવાહિક જીવન વિશે હસી-મજાક કરીને ખૂબ આનંદ માણતા હોઈએ છીએ. 'તમારા પતિ પતિ, મારા પતિ વનસ્પતિ', 'મારી પત્ની તો દેવી છે દેવી.. મારે દેવી છે પરંતુ એના ઘરનાને પછી ક્યાં લેવી છે!' જેવા જોક્સ આપણે બધાએ સાંભળેલા છે. વૈવાહિક કપલમાં મહેન્દ્રભાઈ જેવા પ્રોબ્લેમ લઇને આવનારા કપલ્સ બહુ કોમન છે. આવા કપલમાં પુરુષ ફ્રસ્ટ્રેટેડ હોય કે હું બધું જ કરું છું પરંતુ એને પ્રેમથી મારા માટે કંઈ કરવાની ઈચ્છા નથી થતી. પરંતુ સ્ત્રીનું મંતવ્ય ખૂબ રસપ્રદ હોય છે. મોટાભાગની સ્ત્રીઓ જોડે વાત કરીએ તો એમનું મંતવ્ય હોય છે કે મારે એક 'પુશઓવર' પતિ નથી જોઈતો. મોટાભાગની સ્ત્રીઓને એ જ વસ્તુ નથી ગમતી હોતી કે પુરુષનું પોતાનું કોઈ મંતવ્ય નથી રહેતું અને એ સ્ત્રીનું કહ્યું કરીને ખુશીની અપેક્ષા રાખતો હોય છે.

સ્ત્રીઓ નેચરથી ડોમિનેટિંગ નથી હોતી. એમની કોઈને કોઈ મજબૂરી હોય છે જેથી એમણે ડોમિનન્ટ બનવું પડે છે અથવા કોઈ એવા પહેલાના અનુભવો હોય છે જેથી એ એવી ભૂલો પાછી કરવા નથી માગતી હોતી. આપણે આ પેઢીમાં એવી ઘણી સ્ત્રીઓ જોઈએ છીએ કે પોતાના ઘરમાં તે પહેલી પ્રોફેશનલ વુમન છે. સામાન્યપણે આવા ઘરોમાં એ સ્ત્રીના વ્હાલાજનો એ સ્ત્રીને ચેતવવામાં એને મૂળભૂત રીતે તો ડરાવી દેતા હોય છે. વ્હાલાજનોએ આપણા દાદા દાદીની પેઢીને એક એવી અવસ્થામાં જોયા હોય છે જ્યાં દાદીનો કોઈ અવાજ નથી હોતો. આ કારણે જાણતાં અજાણતાં જ 'પહેલી પ્રોફેશનલ વુમનને' એટલી ડરાવવામાં આવે છે કે 'આપણે તો એવો જ છોકરો શોધવો જે…' આ વાક્ય પછી હજારો લાઈનો બોલવામાં આવે છે. એક ડરેલી સ્ત્રી પોતાની રીતે પ્રેમ માણી નથી શકતી અને એવો છોકરો પસંદ કરી લે છે જે મૂળભૂત એની ચોઈસનો નથી હોતો.

પુરુષનો વાંક આમાં ક્યાંય ઓછો નથી! આપણે અમિતાભ બચ્ચનના એન્ગ્રી યંગ મેનવાળા અવતારથી લઇને સલમાન ખાનના ચુલબુલ પાંડેના અવતાર સુધી બધા હીરોગીરી કરતા જ રોલ પસંદ કરીએ છીએ. મોટાભાગની સ્ત્રીઓને પણ એવા જ હીરો પસંદ હોય છે જે આલ્ફા હોય. પોપ કલ્ચર અને મનોવિજ્ઞાનમાં આલ્ફા અને બીટા ટર્મનો ઉપયોગ થતો હોય છે. આલ્ફા મેલ એટલે સામાન્ય શબ્દોમાં કહીએ તો હીરો. અમિતાભ બચ્ચનના એંગ્રી યંગ મેનવાળા કેરેક્ટર આલ્ફા મેલ કહેવાય, જ્યારે ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’નું શાહરૂખનું કેરેક્ટર બીટા મેલ કહેવાય. પરંતુ એક ભ્રમણા મોટાભાગના પુરુષોમાં છે કે 'હું કહ્યું માનીશ અથવા કહેશે એમ કરીશ તો હું છોકરીને ગમીશ અને એની મારી પાસેથી જે અપેક્ષા છે એ એ પૂરી થશે' આવા વિચાર ધરાવતા પુરુષો મોટાભાગે કુંવારા મરતા હોય છે કારણ કે, છોકરીઓને એક એવો પુરુષ સામાન્યપણે આકર્ષિત કરે છે કે જેનો પોતાનો અવાજ અને પોતાનું મગજ હોય.

એક સ્ત્રીએ મને એક ખૂબ સરસ વાક્ય કહ્યું હતું કે, 'સર જો એનો પોતાનો ઘરમાં અવાજ નહીં હોય તો એ મારા માટે એના ઘરમાં કેમનો અવાજ ઉઠાવી શકશે? હું મારું બધું મૂકીને એના ઘરે કયા ભરોસે આવું!?'

હાઇપરઅલર્ટ ફેમિનિઝમવાળી સ્ત્રીઓની ચોક્કસ એક અલગ વાત છે કારણે કે, મોટા ભાગની સ્ત્રીઓ એવી નથી હોતી. હાઇપરઅલર્ટ ફેમિનિઝમવાળી સ્ત્રીઓએ કદાચ બધી સ્ત્રીઓ માટે જીવન અઘરું બનાવી દીધું છે. એ લોકોના પોતાના જીવનના કપરા અનુભવો ચોક્કસ રહ્યા હશે. પરંતુ એવા કપરા અનુભવોનો બદલો એ જાણતા અજાણતા દરેક વ્યક્તિ જોડે લઇ રહ્યા હોય છે અને આ આખી પ્રક્રિયામાં પોતાને પણ દુઃખી જ કરતા હોય છે. એમને પોતાને ક્યાંય શાંતિ નથી મળતી હોતી.

એક એવો પુરુષ જે...

  • જાતે કમાય અને માતા-પિતા પર નિર્ભર ન હોય
  • પોતાના શરીરનું ધ્યાન રાખે
  • પોતાના પરિવારનું ધ્યાન રાખે
  • પોતાનું ઘર અને પોતાની કામની જગ્યાનું ધ્યાન રાખે અને
  • પોતાના નિર્ણયો પોતાના કોન્ફિડન્સથી લઇને અને ભૂલો પણ પચાવી શકે એવો પુરુષ મોટાભાગની સ્ત્રીઓને ગમશે અને એવો પુરુષ બનવું કોઈ ગુનો નથી.

મન: આપણા સમાજમાં સતત સ્ત્રી અને પુરુષ ઈક્વલ હોવાની વાત ચાલતી હોય છે. પરંતુ એક મિનિટ માટે શાંતિથી વિચારીએ કે ઈક્વલ બનવા કરતાં ઓરિજિનલ બનવામાં વધુ ખુશી નથી?
mananrthakrar@gmail.com
(લેખક સાઇકાયટ્રિસ્ટ અને અચ્છા સ્ટેન્ડઅપ કોમેડિયન છે)