મનન કી બાત:શું પાછલા જન્મમાં ફરીથી જઈ શકાય? એ માટેની ‘પાસ્ટ લાઈફ રિગ્રેશન થેરાપી’ શું હોય છે?

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

આપણે ઘણી બધી ફિલ્મો અને સિરીયલોમાં જોઈએ છીએ કે હીરો કે હિરોઈન જ્યારે ખૂબ જ મૂંઝવણમાં પડી જાય ત્યારે કોઈક પીર, બાબા ફકીર પાસે જઈને પોતાના પહેલાંના જન્મની તકલીફો અને એના વિશેની વાતો જાણવાની કોશિશ કરતા હોય છે. પહેલાંના જન્મમાં થયેલી તકલીફોનું નિરાકરણ કાઢવાથી આ જન્મની તકલીફો પણ દૂર થઈ જતી હોય છે. શાહરૂખ ખાનની ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’માં પણ આ વસ્તુ બતાવી હતી કે એના નવા જન્મમાં એને ઘણી એવી તકલીફો પડે છે કે જે એના જૂના જન્મ સાથે જોડાયેલી છે. આવી જ વસ્તુ ‘કરણ અર્જુન’ અને ‘કહો ના પ્યાર હૈ’ જેવી ફિલ્મોમાં પણ જોવા મળી હતી. આ બધી વસ્તુ જોઈ આપણા મનમાં પણ એવો વિચાર આવતો હોય છે કે શું આપણું ‘પહેલાં’નું જીવન આપણા અત્યારના જીવનને બગાડી કે સુધારી શકે? અને જો હા, તો એના પર આપણે કઈ રીતે નિયંત્રણ મેળવી શકીએ?

ઘણા બધા લોકો એવું માનતા હોય છે કે ‘પાસ્ટ લાઈફ રિગ્રેશન’નો મતલબ અગાઉના જન્મમાં જઈ અને એમાં રહેલી તકલીફો જાણવી અને એનાં નિરાકરણ કાઢવાં. પાસ્ટ લાઈફ એટલે કે પહેલાંનું જીવન અને રિગ્રેશન એટલે કે પહેલાંની અથવા જૂની અવસ્થામાં પાછું જવું. આ એક એવી થેરાપી છે કે જેમાં થેરાપિસ્ટ તમને તમારા જીવનની જૂની અને પહેલાંની અવસ્થામાં પાછા લઈ જાય છે. પાછા લઈ જવા પાછળનું મુખ્ય કારણ હોય છે એ અવસ્થામાં તમે સામનો કરેલી તકલીફોને જાણવી અને પછી એનું નિરાકરણ કરવું. કાલ્પનિક અથવા ફિલ્મોમાં બતાવેલી પાસ્ટ લાઈફ રિગ્રેશન અને વાસ્તવિક જીવનમાં પાસ્ટ લાઈફ રિગ્રેશનમાં ફેર એટલો જ હોય છે કે આ પૂર્વજન્મ માટે નહીં, પરંતુ આ જ જન્મમાં પહેલાંની અવસ્થા પર ધ્યાન આપતું હોય છે.

આપણા બાળપણમાં અથવા જીવનના અત્યારથી પહેલાંના સમયકાળમાં થયેલી નાની-મોટી વસ્તુઓ આપણા આજના જીવનને ખૂબ જ મોટા પાયે બદલતી હોય છે. બાળપણમાં થયેલી નાનામાં નાની વાત જેમ કે ટોઇલેટ ટ્રેનિંગ એક વ્યક્તિના જીવનમાં ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવતી હોય છે. એવું જોવામાં આવ્યું છે કે જે બાળકોને ટોઇલેટ ટ્રેનિંગના સમયે ખૂબ જ કટુતા અને ગુસ્સાથી આ વસ્તુ શીખવવામાં આવે છે એ બાળકોને મોટા થઇને ઓબ્સેસિવ એટલે કે નાની નાની વસ્તુમાં ખૂબ જ ચીવટ રાખવાની આદત પાડે છે. આ ચીવટ સારી અથવા સાચી નહીં, પરંતુ પોતાના માટે હાનિકારક પુરવાર થાય છે.

એવી જ રીતે આપણા બાળપણમાં થયેલા અમુક અનુભવો જેમકે આપણે જોયેલાં મા-બાપ વચ્ચે થતા ઝઘડા, આપણા જીવન પર એક ખૂબ લાંબી અસર છોડી જતા હોય છે. જે પણ વિષય પર આપણે આપણાં મા-બાપ ને ઝઘડતાં જોયાં હશે એ વિષય પર આપણે આપણા સંબંધોમાં પણ તકલીફ અનુભવીશું, કારણ કે આપણે એને એક હેલ્ધી રીતે જોઈ અથવા સ્વીકારી નહિ શકીએ.

પાસ્ટ લાઈફ રિગ્રેશન થેરાપી આવી જ બધી વસ્તુઓ માટે સર્જાયેલી છે. આ થેરાપીમાં થેરાપિસ્ટ આપને અમુક કક્ષાના હિપ્નોસિસમાં રાખી અને આપને બાળપણના આવા અનુભવોમાં એક વૈજ્ઞાનિક અને સુરક્ષિત રીતે પાછા લઈ જાય છે. થેરાપિસ્ટ એ માહોલ આપના મનમાં પાછો સર્જવાની કોશિશ કરે છે. એ માહોલમાં આપને શું મહેસુસ થતું એ પાછું મહેસુસ કરાવવાની કોશિશ કરે છે. એકવાર તમે એ વાતાવરણમાં પહોંચી ગયા પછી એ અનુભવો સાથે એક હેલ્ધી રીતે કઈ રીતે વર્તવું અને આપણા જીવનમાં આગળ વધવાની તાકાત કઈ રીતે મેળવવી તેના પર કામ કરતા હોય છે.

આ રીતે આપણા જીવનના અમુક કડવા અનુભવો આપણા જીવનની મુખ્ય ધારા ન બને અને આપણા જીવનમાં લેવાયેલ દરેક મોટા નિર્ણય પાછળનું ખરાબ કારણ ન બને એના માટે થઈ અને પાસ્ટ લાઈફ રિગ્રેશન થેરાપીનો ઉપયોગ થતો હોય છે.

મન : આપે હિપ્નોસિસવાળા આર્ટિકલ પર ખૂબ જ પ્રેમ આપ્યો અને ખૂબ રિસ્પોન્સ આપ્યા એના માટે ધન્યવાદ. આ આર્ટિકલમાં પણ હિપ્નોસિસ વિશે થોડું વધારે કહેવાની કોશિશ કરી છે. તમને બીજા કયા વિષય પર વાંચવું ગમશે મને જણાવો નીચેના email id પર.

mananrthakrar@gmail.com

(લેખક સાઇકાયટ્રિસ્ટ અને અચ્છા સ્ટેન્ડઅપ કોમેડિયન છે)

અન્ય સમાચારો પણ છે...