ડિજિટલ ડિબેટ:ખિસ્સાંમાં આગ લગાડતા પેટ્રોલ-ડીઝલના ભાવ સહન કર્યે જ છૂટકો છે?

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ડિબેટના નામે ચાલતા ઘોંઘાટ અને હૂંસાતૂંસીથી પર જઈને અઠવાડિયાના સળગતા, ચર્ચાતા અને આપણને સૌને સ્પર્શતા મુદ્દાઓ પર તલસ્પર્શી ડિબેટ રજૂ થશે આ વિભાગમાં. ડિજિટલ પ્લેટફોર્મ પર પહેલી જ વાર પક્ષ અને પ્રતિપક્ષના અભિપ્રાયને મુદ્દાસર ગોઠવીને પત્રકારત્વનાં મંજાયેલાં વ્યક્તિત્વો માંડશે ‘ડિજિટલ ડિબેટ’.

***
પેટ્રોલ પંપનાં જૂનાં મશીનોમાં ત્રણ આંકડાની વ્યવસ્થા નથી, એટલે મશીનોએ 100 રૂપિયાનો ભાવ સ્વીકારવાની ના પાડી! પરંતુ અસહાય નાગરિકોનો છૂટકો નથી બોજ ખમ્યા સિવાય. વાસ્તવિકતા એ પણ છે કે દેશની વેરામાંથી થતી આવકને કોરોના ગ્રસી ગયો છે ત્યારે થોડો સમય સૌએ ભોગવવું પડશે.

નીલેશ રૂપાપરા કહે છે કે ભાવવધારાથી મધ્યમ વર્ગ ગૂંગળાઈ રહ્યો છે, પણ દિલીપ ગોહિલની દલીલ છે કે એક હદથી વધુ નીચા ભાવમાં દેશનું અર્થતંત્ર પણ ગૂંગળાવા લાગશે.

નીલેશ રૂપાપરા (NR) - ભાજપના જ નેતા સુબ્રમણિયમ સ્વામીએ કહ્યું કે, સરકાર લોકોનું મોન્યુમેન્ટલ એક્સપ્લોઇટેશન કરી રહી છે. પેટ્રોલનો ભાવ હવે સદી વટાવી ગયો છે ત્યારે શું કહીશું? - પ્રજાનું કાળઝાળ શોષણ? નાગરિકોના ખિસ્સાંમાં સળગતા કાકડા? પેટ્રોલ-ડીઝલના ભાવ એટલા વધી ગયા છે કે લાગે છે કે હવે માત્ર કાર માટે જ નહીં, પેટ્રોલ-ડીઝલ માટે પણ લોન લેવી પડશે! વાત હસવાની નથી, ઈંધણના ભાવોમાં લાગેલી આગથી મધ્યમ વર્ગ ગૂંગળાઈ રહ્યો છે.

દિલીપ ગોહિલ (DG) - પેટ્રોલિયમ પદાર્થો પરની સબસિડી નાબુદીનો સૈદ્ધાંતિક નિર્ણય લેવાયો તે પછી સારાં અને નરસાં બંને પરિણામો પ્રજાએ ભોગવવા પડશે તેનો ખ્યાલ હતો જ. ક્રૂડ ઓઈલની આયાત માટે સરકારી તિજોરી ખાલી કરવી પડે છે. વર્ષ 2018-19માં 12 અબજ ડોલરનું ક્રૂડ આયાત થયું. વર્ષ 2019-20માં (લોકડાઉનને કારણે) તેમાં 9% ઘટાડો થયો, તેમ છતાં 10.8 અબજ ડોલર ચૂકવવા પડ્યા હતા અને હવે ડિસેમ્બર 2020માં ફરીથી આયાત વધીને 50 લાખ બેરલ પર પહોંચી ગઈ હતી.

પ્રજાએ લોન લેવી પડશે કે કેમ ખબર નહીં, પણ સરકારે બેલેન્સ ઓફ પેમેન્ટ જાળવવા જંગી લોન લેવી પડશે. લોકડાઉનને કારણે વેરાની આવકમાં 25 લાખ કરોડ રૂપિયાથી વધારેનું ગાબડું પડ્યું છે. અર્થતંત્રને ચાલતું રાખવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાછળનો ખર્ચ સરકારે અટકાવ્યો નથી. તેના કારણે જ્યાંથી પણ આવક મળી શકે તેમ હોય તે મેળવવી આ વર્ષે જરૂરી બની હતી. એટલે કહી શકાય કે મધ્યમ વર્ગની સાથે આ વખતે તો સરકારો પણ ગૂંગળાઈ રહી હતી.

NR - ભાવવધારા માટે જવાબદાર છે કેન્દ્ર તથા રાજ્ય સરકારોના કરવેરા, તમારી ચૂકવણીમાંથી કેન્દ્ર સરકાર પેટ્રોલમાં 32.98 રૂપિયા અને ડીઝલમાં 31.83 રૂપિયા એક્સાઈઝ ડ્યુટીના નામે સેરવી લે છે. રાજ્યો વેટના નામે (ગુજરાતમાં 17%, મહારાષ્ટ્રમાં 25%નો) વધારાનો બોજ નાખે. આવા તોતિંગ કરવેરા સરકાર કેમ ઘટાડતી નથી એ સવાલ મધ્યમ વર્ગને દઝાડી રહ્યો છે.

DG - સવાલો સહેલા હોય, જવાબો અઘરા હોય. રાજ્ય સરકારો માટે પણ આવકનો મોટો સવાલ ઊભો થયો છે. હકીકતમાં GSTના અમલ પછી રાજ્ય સરકારો પાસે મહેસૂલના સ્રોતો મર્યાદિત થયા છે. મોદી સરકાર સેસ લગાવવાની ચાલાકી કરે છે, જેમાંથી રાજ્યોને હિસ્સો મળતો નથી. એટલે પેટ્રોલિયમ પદાર્થો પર વેટ નાખવો પડે. રાજસ્થાનના શ્રીગંગાનગરમાં પેટ્રોલે 100ની સરહદ પાર કરી કારણ કે, રાજસ્થાનમાં સૌથી વધારે 38% વેટ લેવાય છે. એ 40% હતો, જેમાં 2% ટકા ઘટાડો કરાયેલો પણ હવે કેન્દ્રનો સેસ લાગ્યો એટલે હતા ત્યાંના ત્યાં! વિપક્ષો ટીકા કરે છે પણ વિપક્ષની સરકારો રાજ્યોમાં છે ત્યાં ભાવ કેમ ઘટાડાતા નથી? કેમ કે રાજ્યોને પણ આવકની જરૂર છે અને અત્યારે પેટ્રોલ-ડીઝલ GSTની બહાર હોવાથી તેમાંથી જ મહેસૂલ મેળવવા સિવાય રાજ્યોનો છૂટકો નથી.

NR - સરકાર ભાવ ઘટાડી શકે તેમ છે એની સાબિતી છે ઈથેનોલનું ઉદાહરણ. ઈથેનોલ શેરડીમાંથી નીકળતું કુદરતી બળતણ છે તથા એની કિંમત લિટરે 47-48 રૂપિયા જેટલી છે. ભારતમાં અત્યારે દર લિટર પેટ્રોલમાં લગભગ 6% જેટલું ઈથેનોલ ઉમેરાયેલું હોય છે. તેની કિંમત પણ પેટ્રોલ સમાન ગણીને જ વસૂલ કરાય છે. પેટ્રોલ અને ઈથેનોલના ભાવફરકનો ફાયદો ભલે મામૂલી હોય પણ એ તમને અપાતો નથી. આવું કેમ?

DG - ઈથેનોલ ઉમેરવા પાછળનો ઈરાદો ક્રૂડની આયાત ઓછી કરવાનો છે. ઈથેનોલ વધારે મળે તે માટે શેરડીના પ્રોત્સાહક ભાવો આપવા પડે. આમ પણ અત્યારે ખેડૂતોમાં અસંતોષ છે ત્યારે શેરડીના ભાવ ઓછા કરીને ઈથેનોલ સસ્તું કરી શકાય તેમ નથી. ઈથેનોલનું ઉત્પાદન વધે તે લાંબાગાળે દેશના હિતમાં છે. એટલું ખનીજ તેલ ઓછું આયાત થશે.

NR - લોકો સિટી બસ, લોકલ ટ્રેન જેવા જાહેર પરિવહનનો વધારે લાભ લે તે માટે ભાવ થોડા ઊંચા રખાય તો ચાલે એવી દલીલ દાઝ્યા પર ડામ જેવી છે. ભારતના ભીડથી ઊભરાતા શહેરોમાં કઈ જગ્યાએ સારી બસ કે લોકલ ટ્રેન મળે છે? જાહેર પરિવહનમાં પ્રવાસ કરવો એ પણ નાગરિકોને સજા છે. તેના કરતાં ભાવવધારો સહન કરવો સારો. વૈકલ્પિક યોગ્ય સુવિધા ન હોય ત્યાં સુધી લોકોને ખાનગી વાહનોનો ઉપયોગ કરતાં રોકી ન શકાય.

DG - નાગરિકોને વાહનોનો ઉપયોગ ઓછો કરવાની આદત પાડવી જરૂરી છે. પરવડતું હોય તે લોકો બહુ ઓછી એવરેજ આપતી SUVમાં ફર્યા કરે, ટ્રાફિક જામ કર્યા કરે અને આપણું સૌનું વિદેશી હુંડિયામણ નાહકનું બળતું રહે! ડીઝલની જૂની ટ્રકો પણ વધારે બળતણ વાપરે છે. તેમને પણ ફરજ પાડવી જરૂરી છે કે નવી ટ્રક્સ ખરીદી ઓછું ડીઝલ વાપરે. ઈલેક્ટ્રિક વાહનો તરફ ઝડપથી આગળ વધીએ તેમાં સૌને ફાયદો છે. અત્યારે ઈલેક્ટ્રિક વાહનો મોંઘાં છે, પણ મોંઘા પેટ્રોલ-ડીઝલ સામે ઈલેક્ટ્રિક વાહનો માટે લોકો વિચારતા થાય તેવા સ્વાર્થ ખાતર પણ થોડો સમય ભાવો ઊંચા રહે તો ખોટું નથી. કોરોનાની અસર ઓછી થશે અને સરકારની આવક વધશે ત્યારે એક્સાઇઝ ઓછી થશે તેમ ધારી શકાય.

NR - છેલ્લે, એ ખરું કે ઘણા મુદ્દે અગાઉની સરકારોની નીતિઓની ટીકા થઈ શકે. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તો આ ભાવવધારા માટે પણ અગાઉની સરકારની નીતિઓનો વાંક કાઢ્યો, જે ઉચિત નથી. વૈકલ્પિક ઊર્જાસ્રોતો માટે દેશ આત્મનિર્ભર ન બને ત્યાં સુધી પેટ્રોલ-ડીઝલ પરના તોતિંગ કરવેરા ઘટાડવા એ સરકારની જવાબદારી છે. મધ્યમ વર્ગ ભાજપની મોટી વોટબેંક છે, છતાં ડામ આપ્યા. રાજકારણને બાજુ પર રાખીને કહી જ શકાય કે એક્સાઇઝ ઘટાડીને અન્ય લક્ઝરી ચીજો પર વેરો વધારી શકાય તેમ છે - જો સરકારમાં ઈચ્છાશક્તિ હોય તો.

DG - લક્ઝરી ટેક્સ સારો વિકલ્પ છે, પણ નાગરિકો એફિશિયન્ટ બને અને જૂની કરકસરની ટેવ પાછી લાવે એમાં સૌનો પોતાનો ફાયદો છે. બિઝનેસ પર્પઝથી વાહનો વાપરનારા વધેલો ખર્ચ ખિસ્સાંમાં નથી રાખતા, પાસ ઓન કરે છે. ઓનલાઇન ખરીદીની ડિલિવરીનો ખર્ચ વધશે તે વસ્તુના ભાવમાં ઉમેરાઈ જશે. બીજી ડિલિવરી કરનારા પણ ઈંધણનો ખર્ચ બીજા પર નાખશે. અર્થાત વધેલા ભાવ ખિસ્સામાંથી ઓછા કરવાનું એના ભાગે જ આવે, જે કામના કામ સિવાય વાહન લઈને ફરતા હોય અથવા પરવડતું હોય. મોંઘું પડે તેમાં કરકસર કરવી મધ્યમ વર્ગની કુશળતા બનવી જોઈએ. વધુ લોકો જાહેર પરિવહન વાપરે તો એટલા વધુ મતદારોને ખુશ કરવા નેતાઓએ સુવિધા વધારવા વિચારવું પડશે! ઊંધા હાથે કાન પકડવો જરૂરી બન્યો છે...
(દિલીપ ગોહિલ અને નીલેશ રૂપાપરા બંને વરિષ્ઠ પત્રકારો છે)