• Gujarati News
  • Magazine
  • Rangat sangat
  • Introduction Of Positivity In Relationships: Reduces Sweetness And Increases Incontinence .... So It Is Always Necessary To Give Space To The Partner !!

ઇટ્સ કોમ્પ્લિકેટેડ:સંબંધોમાં પઝેસિવનેસનો પ્રવેશઃ મધૂરપ ઘટાડે અને અધૂરપ વધારે... એટલે પાર્ટનરને હંમેશાં સ્પેસ આપવી જરૂરી!

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

લેખનો પ્રારંભ રવીન્દ્રનાથ ટાગોરના એક વિચારબિંદુથી કરીએ. એક કવિતામાં તેઓ કહે છેઃ યુક્ત થવા માટે મુક્ત થવું જરૂરી છે. જો સ્ત્રી અને પુરુષે, પત્ની અને પતિએ એકબીજામાં ઓગળવું હોય, એક થવું હોય, પરસ્પર હળી-મળી જવું હોય તો તેમણે એકબીજાને પૂરતી સ્વતંત્રતા આપવી જોઈએ.

પતિ-પત્ની જેટલી એકબીજાને મુક્તિ આપે, છૂટ આપે, મોકળાશ આપે એટલા જ તેઓ એકબીજાથી વધુ નજીક આવે. ઉમાશંકર જોશીએ એક નવદંપતીને આશીર્વાદ આપતાં કહ્યું હતું કે, જેટલાં સમાજનાં થશો એટલાં જ એકબીજાનાં થઈ શકશો. એ જ રીતે સ્ત્રી-પુરુષ જેટલી એકબીજાને સ્વતંત્રતા આપે તેટલાં જ પરસ્પર વધુ પાસે આવી શકે. એકબીજાની વધુ નજીક આવવા માટે થોડું દૂર જવું જ પડે છે. જેમ દોડવીર દોડતાં પહેલાં થોડો પાછો જઈને પછી દોડ શરૂ કરે છે તેમ.

કંઇક પામતાં પહેલાં કંઇક છોડવું પડે છે. કંઇક પામતાં પહેલાં કંઇક આપવું પડે છે. કંઇક પામતાં પહેલાં કંઇક જતું કરવું પડે છે. એ જ રીતે કોઈની પાસે જતાં પહેલાં તેની નિકટતાની પ્રતીતિ કરવી હોય તો પહેલાં દૂર જવું પડે છે. આ જ આદર્શ સ્થિતિ છે. જો કે, આવી સ્થિતિ વાસ્તવિકતામાં અમલમાં લાવવી સહેલી નથી. એમાંય પતિ-પત્નીના સંબંધમાં તો ઘણા અંતરાય આવે છે.

સ્ત્રી-પુરુષના સંબંધમાં તેમાંય ખાસ કરીને પતિ-પત્નીની બાબતમાં પઝેસિવનેસ સૌથી મોટી સમસ્યા ગણાય છે. અમારા એક મિત્ર કહે છે કે, જો સ્ત્રી અને પુરુષના સંબંધમાંથી પઝેસિવનેસને બાદ કરી દેવામાં આવે તો સંબંધોમાં ઊભી થતી પચાસ ટકા સમસ્યાઓનો ઉકેલ આવી જાય.

આ છે શું પઝેસિવનેસ?
પઝેસિવનેસ એટલે પોતાને ગમતી વ્યક્તિ પરનો એકાધિકાર. પોતાને ગમતી વ્યક્તિ બીજા કોઈ સાથે સંવાદ કરે તો ચોક્કસ પ્રકારની ઈર્ષા થાય. અસલામતી પણ અનુભવાય. ના ગમે. તેને રોકવાનું અને ટોકવાનું મન થાય. પઝેસિવનેસ એક જાતની મનોસ્થિતિ છે. એક અવસ્થા છે. સ્ત્રી અને પુરુષ બંને તેનાથી પીડાતાં હોય છે.

અમારા એક મિત્ર છે. મયુર તેમનું નામ. ભણેલા-ગણેલા અને સમજદાર છે. તેમણે પ્રેમલગ્ન કર્યાં છે. લગ્ન પછી પણ તેમનો પ્રેમ ટકી રહ્યો છે. સુખી લગ્નજીવન છે. એક જ તકલીફ. અમારા મિત્ર તેમનાં જીવનસાથી માટે એટલા બધા પઝેસિવ છે કે ના પૂછો વાત. તેમનાં પત્ની કોઈની જોડે વાત કરે તો પણ તેમને ન ગમે. તેમને એવું જ છે કે પોતાની પત્ની આ પૃથ્વી પર માત્ર તેમના અને માત્ર તેમના માટે જ જન્મી છે. પ્રારંભમાં તો પત્નીને ખૂબ જ સારું લાગ્યું. જો કે, પછી તેમને ચીડ ચડવા લાગી. આ શું? પતિ આખો દિવસ જોડે ને જોડે, ચોંટેલો ને ચોંટલો. તેમને એવું પણ થવા લાગ્યું કે જાણે પતિ પોતાની ચોકી કરે છે. પત્ની કોઈની જોડે વાત કરે તો મયુરને સહેજે ના ગમે. એ તરત જ પોતાનો અણગમો વ્યક્ત કરે.

મયુરના કેટલાક મિત્રોએ મયુરને ચેતવ્યો હતો કે આવી માનસિકતા યોગ્ય નથી. તારી પત્ની તારી જ છે, કોઈ તેને લઈને ભાગી નહીં જાય. તું તારો સ્વભાવ અને અપ્રોચ બદલ. જો કે, મયુર એ ન કરી શક્યો. છેવટે બંને વચ્ચે અંતર પડતું ગયું. મયુરને માનસિક પ્રશ્નો પણ થયા. જો કે, સમજદાર સ્વજનો, હૂંફાળા મિત્રો અને ખાસ તો સ્વસ્થ અને પરિપક્વ પત્નીના સહકારને કારણે મયુર તેમાંથી બહાર આવ્યો.

જો કે, દરેક કિસ્સામાં આવું બનતું નથી. ક્યાંક તકલીફ પણ પડે છે. પઝેસિવનેસ સંપૂર્ણ ખોટી અને ખરાબ જ બાબત છે એવું પણ નથી. કોઈ મનગમતી વ્યક્તિ પોતાના માટે પઝેસિવ હોય તે ગમતું હોય છે ઘણાને. એકાધિકારપણું ઘણાને માફક આવતું હોય છે. પરંતુ એ સ્થિતિ આવકારવા જેવી તો નથી જ. તેમાંથી બચવું જ જોઈએ.

ખલીલ જિબ્રાનનું એક વિશ્વખ્યાત પુસ્તક છેઃ ધ પ્રોફેટ. તેનો ગુજરાતી અનુવાદ 'વિદાય વેળાએ' નામથી થયો છે (અનુવાદક છેઃ કિશોરલાલ મશરૂવાળા). તેમાં પતિ-પત્નીને સંબોધન કરીને લેખક એવી સરસ વાત કરે છે કે જો તેને સમજી લેવામાં આવે તો પઝેસિવનેસનો પ્રશ્ન જ ઉકલી જાય.

તેમાંનો એક અંશ જોઈએઃ
તમે બંને (દંપતી તરીકે) સાથે જન્મ્યાં અને સદાને માટે સાથે જ રહેશો. હિમ-શી મૃત્યુની પાંખો તમારો યોગ તોડી નાખે ત્યારેય તમે સાથે જ રહેવાનાં છો. સાચે જ, પરમેશ્વરની શાંત સ્મૃતિમાંયે તમે સાથે જ રહેશો. તોયે તમારા સહવાસમાં ગાળા (સ્પેસ) રાખજો અને તમારી વચ્ચે આકાશના વાયુઓને વિહરવા દેજો. તમે પરસ્પર ચાહજો ખરાં પણ તમારા પ્રેમની બેડી ન બનાવશો. તમારા બેઉના આત્મારૂપી કાંઠાની વચ્ચે ઘૂઘવતા સાગર જેવો એને રાખજો. તમે એકબીજાની પ્યાલીઓ ભરી દેજો પણ બેય વચ્ચે એક જ પ્યાલી મોઢે માંડશો નહીં. એકબીજાને પોતાના રોટલામાંથી ભાગ આપજો, પણ એક જ રોટલો સાથે ખાશો નહીં. સાથે ગાજો, નાચજો તથા હર્ષથી ઊભરાજો પણ બંને એકાકી જ રહેજો.... જેમ વીણાના તારો એક જ સંગીતથી કંપતા છતાં પ્રત્યેક તાર છૂટો રહે છે તેમ. તમારાં હૃદય એકબીજાને અર્પજો પણ એકબીજાને તાબામાં સોંપશો નહીં....અને સાથે ઊભાં રહેજો પણ એકબીજાને અડોઅડ નહીં. જુઓ, મંદિરના થાંભલા અલગ અલગ જ ઊભા રહે છે અને દેવદાર અને સાગ એકબીજાની છાયામાં ઊગતાં નથી. ખલીલ જિબ્રાનની વાત અહીં પૂરી થાય છે.

થોડા શબ્દોમાં તેમણે પતિ-પત્ની વચ્ચે પઝેસિવનેસને કારણે ઊભી થતી સમસ્યાઓનો રામબાણ ઉકેલ સૂચવી દીધો છે. સ્ત્રી અને પુરુષ એકબીજા વિના અધૂરાં છે અને એકબીજા સાથે મધુરાં છે. અલબત્ત, તેમાં જ્યારે પઝેસિવનેસનો પ્રવેશ થાય છે ત્યારે મધૂરપ ઘટે છે અને અધૂરપ વધે છે.

દરેક સંબંધમાં સ્પેસ હોય તે આવશ્યક નથી અનિવાર્ય છે. દરેક વ્યક્તિનું પોતાનું અલાયદું આંતરિક વિશ્વ હોય છે. દરેક વ્યક્તિ સમૂહમાં હોય કે સમાજમાં છેવટે તો અંદરથી એકલી હોય છે. દરેકને પોતાની રીતે અને પોતાની પ્રીતે રહેવું, હળવું-મળવું કે જીવવું ગમતું હોય છે. જ્યારે કોઈપણ બહાને આ સ્પેસમાં ઘટાડો થાય ત્યારે સંબંધની તાજગી ઘટે છે. દરેકના અંતરમાં પોતપોતાનું આકાશ હોય છે. આકાશ એટલે અવકાશ. આ આંતરિક અવકાશ અને હાશને સાવ જ સીધો સંબંધ છે. જેને પોતાને અપેક્ષિત હોય તેવો આંતરિક અવકાશ પ્રાપ્ત થાય છે તેને જ અંદરથી સાચો હાશકારો મળે છે.

પઝેસિવનેસ જ્યારે શૂન્ય પર જઈને અટકે છે ત્યારે જીવન સોળે કળાએ ખીલે છે.
positivemedia2015@gmail.com
(લેખક વરિષ્ઠ પત્રકાર, કટારલેખક અને ‘RAA પોઝિટિવ મીડિયા’ના સ્થાપક છે)