ઈતિહાસ ગવાહ હૈ:સિક્કિમને ભારતમાં ભેળવવાનું સરદારનું સ્વપ્ન ઇન્દિરાએ સાકાર કર્યું

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
સિક્કિમનું 17,800 ફીટની ઉંચાઇએ આવેલું વિખ્યાત ‘ગુરુદોંગમાર’ લેક - Divya Bhaskar
સિક્કિમનું 17,800 ફીટની ઉંચાઇએ આવેલું વિખ્યાત ‘ગુરુદોંગમાર’ લેક
  • વલ્લભભાઈ ૧૯૪૭માં ગંગટોક લેવા તત્પર હતા, પણ જવાહરલાલે વાર્યા હતા
  • ઈમર્જન્સી લાદવાના આગલા મહિને શ્રીમતી ગાંધીએ બટુક દેશ મેળવ્યો હતો
  • પ્રજાના જનમતથી સિક્કિમ ભારત સાથે જોડાયું છતાં મોરારજીએ એને ભૂલ કહી

હમણાં ચોફેર ચર્ચા પાકિસ્તાન અને બાંગલાદેશને ભારતમાં ભેળવીને અખંડ ભારતના સ્વપ્નને પુનઃ સાકાર કરવાની ચાલે છે ત્યારે અગાઉ આઝાદીનાં ૨૮ વર્ષ પછી એક બટુક દેશ ભારતમાં જોડાઈને આપણા રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યાની વાતનું સહજ સ્મરણ થઇ આવે છે. ચોગિયાલ તરીકે ઓળખાતા બૌદ્ધ ધર્મગુરુ -રાજવી દ્વારા શાસિત માત્ર ૭૦૯૬ ચોરસ કિલોમીટર વિસ્તારમાં પથરાઈને પડેલા સિક્કિમ નામક બટુક રજવાડાનું વ્યૂહાત્મક મહત્વ ખૂબ રહ્યું છે. છેક ઈ.સ. ૧૮૯૦થી એ બ્રિટિશ ઇન્ડિયાનું દેશી રજવાડું હતું. અંગ્રેજો ૧૯૪૭માં ભારત છોડી ગયા ત્યારથી ભારત, ભૂટાન અને તિબેટ (હવેનું ચીન) સરહદે આવેલા આ રજવાડાને ભારતમાં સામેલ કરવાનો નાયબ વડાપ્રધાન અને રિયાસત ખાતાના પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ અને બંધારણ સભાના સલાહકાર સર બી.એન. રાવનો આગ્રહ હતો, પરંતુ વડાપ્રધાન અને વિદેશમંત્રી પંડિત જવાહરલાલ નેહરુએ એને ભારતીય સુરક્ષા કવચ હેઠળના અલાયદા રાજ્ય-દેશ તરીકે જાળવવાનું હિતકર લેખાવ્યું હતું. જોકે આવા સિક્કિમને પંડિત નેહરુનાં પુત્રી અને વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીએ ખૂબ જ સૂઝબૂઝ વાપરીને, ભારતીય આંતરરાષ્ટ્રીય ગુપ્તચર સેવા ‘રૉ’ (RAW-રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ)ના અધિકારીઓને ખાસ મિશન સુપરત કરીને, મે ૧૯૭૫માં સિક્કિમની પ્રજાના જનમતને પગલે, ભારતમાં ભેળવ્યું ત્યારે એ દેશનું ૨૨મું રાજ્ય બન્યું હતું.

ઇમર્જન્સીનો ઓછાયો નડ્યો
આ ઐતિહાસિક ઘટના પછીના જ મહિને ૧૨ જૂનના રોજ અલાહાબાદ હાઇકોર્ટના ચુકાદાને પગલે વડાંપ્રધાન શ્રીમતી ગાંધીની રાયબરેલી મતક્ષેત્રમાંથી લોકસભામાં ચૂંટણી રદ કરાઈ હતી. જોકે એ વેળા સ્વયં ઇન્દિરા ગાંધી તો હોદ્દેથી રાજીનામું આપવા તૈયાર થયાં હતાં, પરંતુ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સિદ્ધાર્થ શંકર રે, મુંબઈના રજની પટેલ સહિતના બેરિસ્ટરોની તેમની કિચન કેબિનેટ અને રાજકીય વારસ મનાતા નાના પુત્ર સંજય ગાંધીના દુરાગ્રહે એમને અટકાવ્યાં હતાં. (સંદર્ભ: ઇન્દિરાનાં અંતરંગ સખી પુપુલ જયકાર લિખિત જીવનકથા). સુપ્રીમ કોર્ટમાંથી અલાહાબાદના ચુકાદા સામે શરતી મનાઈ હુકમ મેળવીને ૨૫ જૂન, ૧૯૭૫ના રોજ ઈમર્જન્સી અમલમાં આણીને ઇન્દિરા ગાંધી દુનિયાભરમાં બદનામ થયાં હતાં. કદાચ એટલે જ સિક્કિમને ભારતમાં સામેલ કરવા જેવી ઐતિહાસિક ઘટના ઝાઝી ચર્ચામાં આવી નહીં, પરંતુ સરદાર પટેલના સ્વપ્નને મોડેમોડે પણ સાકાર કરવાનું કરેલું કામ નાનુંસૂનું નહોતું. ૩૦-૪૦ વર્ષ ચૂંટણી નહીં કરાવવાના મતના પુત્ર સંજય ગાંધીના દુરાગ્રહ (સંદર્ભ: કુલદીપ નાયરને સંજયે આપેલી મુલાકાત)ને અવગણીને અને પોતાનો પક્ષ હારી જશે એ જાણતાં હોવા છતાં પણ ઇન્દિરા ગાંધીએ લોકસભાની ચૂંટણી જાહેર કરી હતી. માર્ચ ૧૯૭૭માં એ, સંજય અને એમનો પક્ષ હાર્યો,પણ ૧૯૮૦ની લોકસભાની ચૂંટણી પછી એ ફરી સત્તારૂઢ થયાં હતાં.

‘રૉ’ના વડા કાઓ અને સિદ્ધુ
વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીના આંખ અને કાન લેખાતા રામેશ્વર નાથ કાઓ ભારતીય ગુપ્તચર સંસ્થા ‘રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ’ (રૉ)ના વડા હતા. વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીએ સિક્કિમના ૧૨મા ચોગિયાલ (રાજા) સામે ત્યાંની પ્રજાના અસંતોષને ધ્યાને લઈને સિક્કિમને ભારતમાં ભેળવવાના પ્રોજેક્ટમાં કાઓ અને વિદેશ સચિવ કેવલ સિંહને જોતર્યા હતા. આ પ્રકલ્પની મહત્ત્વની કડી તરીકે ભારત સરકારમાં કેબિનેટ સચિવાલયમાં ખાસ સચિવ રહેલા જી.બી.એસ. સિદ્ધુ હતા. પોતાના બોસ કાઓના આગ્રહને લીધે સિદ્ધુએ સિક્કિમ કઈ રીતે ભારતમાં ભેળવવામાં આવ્યું એના પર એક પુસ્તક લખ્યું અને એ પુસ્તક ૨૦૧૮માં પ્રકાશિત થયું. તેમાં ૧૯૭૩માં મિશન પર ગંગટોક (સિક્કિમની રાજધાની) ગયેલા સિદ્ધુ મે ૧૯૭૫માં મિશન પૂરું કાર્ય પછી ફેબ્રુઆરી, ૧૯૭૬માં ગંગટોકથી દિલ્હી પરત આવ્યા સુધીના ઘટનાક્રમને વર્ણવ્યો છે. હકીકતમાં ઇન્દિરાજીના ૧૯૭૭માં પરાજય પછી કાઓએ સરકારી હોદ્દેથી રાજીનામું આપી દીધું હતું. સ્વાભાવિક રીતે જ ગાંધીવાદી આદર્શોમાં માનનારા વડાપ્રધાન મોરારજી દેસાઈએ પોતાનાં પુરોગામીએ પાકિસ્તાનમાં ગોઠવેલા ગુપ્તચર તંત્રના માળખાને વિખેરી નાખવા ઉપરાંત ‘રૉ’ ભણી સૂગ કેળવી હોવાને કારણે કાઓ તેમની સાથે કામ કરવાની સ્થિતિમાં નહોતા. જોકે સિદ્ધુએ સિક્કિમના ભારત વિલયના ઘટનાક્રમની ઝીણવટભરી નોંધ રાખી હોવાને કારણે ૧૯૮૮માં કાઓએ તેમને એ સંદર્ભે પુસ્તક લખવાનું કહ્યું હતું. આ પુસ્તક ચાર વર્ષ પૂર્વે જ પ્રકાશિત થતાં સામાન્ય રીતે અજાણ રહેલા ઐતિહાસિક ઘટનાક્રમની વિગતો પ્રકાશમાં આવી છે. પુસ્તકનું નામ છે : ‘સિક્કિમ: ડૉન ઓફ ડેમોક્રસી: ધ ટ્રુથ બિહાઈન્ડ ધ મર્જર વિથ ઇન્ડિયા’. એ પછી તો વર્ષ ૨૦૨૦માં સિદ્ધુનું ‘ધ ખાલિસ્તાન કોન્સ્પિરસી’ નામક બહુચર્ચિત પુસ્તક પણ પ્રકાશિત થયું છે.

ચોગિયાલ શાસનનો અંત
હવેના ભારતીય રાજ્ય સિક્કિમનો ઈતિહાસ ખૂબ જ રોચક છે. એના મૂળ વસાહતીઓ લેપ્ચા હતા. લેપ્ચા એટલે કોતરોમાં વસતું લોકજૂથ. તેઓ આસામ અને મ્યાનમારથી આવેલાં મનાય છે. ગુજરાતી વિશ્વકોશમાં જણાવ્યા મુજબ, ઉત્તર સિક્કિમ અને તિબેટ વચ્ચે તેરમી સદીમાં સંધિ થઇ ત્યારે તિબેટના ભૂતિયા લોકો સિક્કિમમાં આવેલા.આમ સિક્કિમનો અધિકૃત ઈતિહાસ તેરમી સદીથી શરૂ થયો ગણાય. ભૂતિયા લોકોના જૂથમાં નામગ્યાલ વંશના લોકો હતા. ૧૫મી સદી સુધી નામગ્યાલ લોકો આવતા ગયા. તેમણે ક્રમે ક્રમે સિક્કિમનો રાજકીય કબજો લીધો. ૧૬૪૧માં અહીં ત્રણ મહાન સંતો ભેગા મળેલા. ૧૬૪૨માં નામગ્યાલ (જ. ૧૬૦૪, અ.૧૬૭૦) ચોગિયાલ (=રાજા) બન્યો. બૌદ્ધ ધર્મ-આધારિત સામાજિક પદ્ધતિનો પ્રમુખ પણ તે જ બન્યો. તેના વંશજોએ અહીં ૩૩૦ વર્ષ શાસન કર્યું. ઓગણીસમી સદીના મધ્ય ભાગમાં સિક્કિમે બ્રિટિશ શાસન હેઠળ ન રહેવા માટે હિંસાત્મક પ્રતિકાર કરેલો, પરંતુ છેવટે એ બ્રિટિશ રક્ષિત પ્રદેશ બની રહ્યો. એના છેલ્લા રાજવી પાટવી કુંવર હતા ત્યારે જ તેમને અમેરિકી મહિલા હોપ કૂક સાથે પ્રેમ થયો. એ ૧૯૬૩માં પરણી ગયાં. ૧૯૬૫માં તેમનો રાજ્યાભિષેક યોજાયો. દાયકાના શાસન દરમિયાન સિક્કિમની પ્રજા લોકશાહી શાસન ઝંખતી હતી ત્યારે તેના ૧૨મા અને છેલ્લા ચોગિયાલ (રાજા) પાલ્દેન થોન્દૂપ નામગ્યાલ સામેના અસંતોષનો લાભ લઈને ૧૯૭૫માં જનમત કરાવાયો.એમાં ભારતીય ગુપ્તચર સંસ્થાની ભૂમિકા નિર્ણાયક હતી.

રાજાશાહી સામે લોકશાહી
જનમતમાં મોટાભાગની પ્રજાએ લોકશાહીની તરફેણ કરી ભારત સાથે જોડાવાની તરફેણ કરી. રાજા વિવશ હતો. પ્રયાસો તો એવા પણ કરાયા કે રાજા સહિતના સિક્કિમને ભારતમાં સામેલ કરાય, પણ મક્કમ વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીએ એ વાતને દાદ આપી નહીં. છેવટે રાજાએ પોતાની અમેરિકન પત્ની સાથે અમેરિકામાં વસવાટ કર્યો તો ખરો, પણ સત્તાવિહોણા રાજા સાથે રાણી હોપ કૂક નામગ્યાલે ૧૯૮૦માં છૂટાછેડા લીધા. ૧૯૮૨માં રાજા પણ ન્યૂયોર્કમાં કેન્સરની બીમારીની સારવાર દરમિયાન જ મોતને ભેટ્યા. આજે સિક્કિમ ભારતીય પ્રદેશ છે. ૧૯૭૫થી એ ભારતનું મહlત્ત્વનું રાજ્ય છે. જોકે માર્ચ ૧૯૭૮માં એ વેળાના વડાપ્રધાન મોરારજી દેસાઈએ અકળ કારણોસર સિક્કિમને ભારતમાં જોડવાના નિર્ણયને ‘એવી ભૂલ ગણાવી હતી જે સુધારી શકાય તેવી નથી.’ મોરારજીની આત્મકથામાં વર્ષ ૧૯૬૮માં એમણે લીધેલી સિક્કિમની મુલાકાત અને ત્યાંના મહારાજા એટલેકે ચોગિયાલના મહેમાન તરીકેની ચર્ચાનો ઉલ્લેખ જોવા મળે છે. એ ચર્ચાને આધારે તત્કાલીન નાયબ વડાપ્રધાન મોરારજીએ વડાંપ્રધાન ઇન્દિરા ગાંધી સાથે સિક્કિમના શાસકના અસંતુષ્ટ વર્તનની વાત પણ કરી હતી. ૧૯૬૯માં ઇન્દિરા સરકારમાંથી મોરારજીએ ફારેગ થવા ઉપરાંત કોંગ્રેસમાં પણ ભાગલા પડ્યા હતા. આ પાર્શ્વભૂમાં સંભવતઃ મોરારજીને સિક્કિમને ભારતમાં સામેલ કરવાનો ઈન્દિરાજીનો નિર્ણય પસંદ ના પડ્યો હોય. હકીકતમાં જૂનાગઢ ત્રણ મહિના પાકિસ્તાનમાં રહીને (૧૫ ઓગસ્ટ, ૧૯૪૭થી ૮ નવેમ્બર, ૧૯૪૭) ભારતમાં પાછું ફર્યું અને ત્યાંની પ્રજાનો જનમત ભારત તરફી હતો એ સ્વીકારીએ તો સિક્કિમ માટે જુદા માપદંડ ના હોઈ શકે.

haridesai@gmail.com
(લેખક વરિષ્ઠ પત્રકાર, કટારલેખક અને રાજકીય વિશ્લેષક છે)