ડિજિટલ ડિબેટ:શ્રીલંકાની વર્તમાન સ્થિતિમાંથી ભારતે કોઈ બોધપાઠ લેવાની જરૂર છે ખરી?

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભારતના પ્રાચીન પડોશી દેશ અને ટાપુરાષ્ટ્ર શ્રીલંકામાં બન્યું તે કંઈ નવું નથી. ઘણા બધા દેશોમાં જનાક્રોશ ફાટી નીકળ્યો અને સત્તાધીશોએ ઊભી પૂંછડીએ ભાગવું પડે તેવું બન્યું છે. પરંતુ શ્રીલંકા સાથે આપણો નાતો વધારે નિકટનો છે અને ત્યાં કટોકટી ન ઊભી થાય તે માટે ભારતે થાય તેટલી મદદ પણ કરી. છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલથી માંડીને ખાદ્યપદાર્થોની સતત અછત ઊભી થઈ તે વચ્ચે ભારતે પુરવઠો મોકલ્યો હતો, પણ સ્થિતિ બહુ વકરી ગઈ. સાથે જ લંકાના શાસકોનો ભ્રષ્ટાચાર, એક જ પરિવારનો સત્તા પર કબજો - એક ભાઈ પ્રમુખ, એક ભાઈ વડા પ્રધાન, એક ભાઈ પ્રધાન એવી સ્થિતિમાં જનતાની ધીરજનો અંત આવી ગયો હતો. એક તરફ લોકોને ખાવાના સાંસા હતા ત્યારે ગોટાબાયા રાજપક્ષે કેવા વૈભવી મહેલમાં મહાલતા હતા તે સૌએ જોયું. લોકોએ તેમના મહેલને જ કબજે કરીને તેને ધર્મશાળામાં ફેરવી નાખ્યો. પણ આવી જ સ્થિતિ રહી તો સમગ્ર દેશની સ્થિતિ ધરમશાળા જેવી થઈ જશે. શું ભારતે આ સ્થિતિમાંથી કોઈ શીખ મેળવવાની છે ખરી? એક ચર્ચા...

કાર્તિકેય ભટ્ટ (KB): ભારત સાથે શ્રીલંકાની સ્થિતિની સરખામણી કોઈ રીતે થઈ શકે તેમ નથી. શ્રીલંકાની રાજકીય કટોકટીના પાયામાં આર્થિક કટોકટી છે; અને આ આર્થિક કટોકટીના પાયામાં એકથી વધુ પરિબળો છે. દેશની સ્થિતિ આટલી હદે વકરી ગઈ તેની પાછળનાં મૂળભૂત કારણો જણાવી શકે તેવી ચોક્કસ, વિશ્વસનીય માહિતીઓ ઉપલબ્ધ નથી. હાલમાં ચર્ચાઓ થઈ રહી છે તે ટૂંકા ગાળાના ઘટનાક્રમનું વિશ્લેષણ છે. ભારતની અને શ્રીલંકાની બંનેની તુલના તાર્કિક નથી. આર્થિક વ્યવસ્થા, સામાજિક માળખું, રાજકીય પ્રણાલીઓ - આ બધું જ ભારત કરતાં જુદું છે અને ખૂબ નાનું છે.
દિલીપ ગોહિલ (DG): ટૂંકા ગાળાનો ઘટનાક્રમ પણ ભારતે સમજવા જેવો છે. આર્થિક સ્થિતિ વકરી તેના કારણે રાજકીય અસંતોષ બહાર આવ્યો તે વાત સાચી છે, પણ રાજકીય અસંતોષનાં પોતાનાં અલગ મૂળિયાં છે. જનાક્રોશ ફાટી નીકળ્યો તે કોઈ નેતાગીરી આધારિત લીધી. રોષે ભરાયેલા યુવાનો અને લોકો રસ્તા પર ઊતરી આવ્યા છે અને તેમની આગેવાની કોઈ ચોક્કસ પાસે નથી. યુવાનો છેલ્લા કેટલાય સમયથી રાજકીય નેતાઓને કહી રહ્યા હતા કે તમારું રાજકારણ છોડો અને દેશની સ્થિતિ પર ધ્યાન આપો, પણ અપાયું નહીં. પોતાની સત્તા પર મુસ્તાક નેતાઓએ એ સમજવાની જરૂર હોય છે કે જનતા જાગે ત્યારે તેને કોઈ સૂત્રોથી રોકી શકાતી નથી. લોકો ગરીબી અને તંગી સહન કરી લેતા હોય છે, જો તેમને લાગે કે સરકાર પ્રયત્નો કરી રહી છે. મોંઘવારી હોય કે બેકારી - સરકારને કંઈ પડી જ નથી એવું લાગે ત્યારે પ્રજાના રોષને કાબૂમાં લેવો મુશ્કેલ બની જતો હોય છે.

KB: મૂળભૂત રીતે જોવા જઈએ તો કોઈ પણ નાના અર્થતંત્ર માટે આવી મુશ્કેલી આવી પડે તે સંભવ હોય છે. ખાસ કરીને મૂડીવાદી અને આંતરરાષ્ટ્રીય વેપાર પર આધારિત અર્થતંત્રમાં એક મુશ્કેલી શરૂ થાય પછી તે વધતી જ જાય છે. શ્રીલંકાની વસતિ પૂરા સવા બે કરોડ પણ નથી અને કુલ રાષ્ટ્રીય પેદાશ 85 બિલિયન ડૉલર જેટલી છે. મૂળભૂત રીતે પ્રવાસન ઉદ્યોગ પર અર્થતંત્ર આધારિત રહ્યું છે. તેનાથી વિદેશી હૂંડિયામણની આવક હતી. કોરોના કાળમાં શ્રીલંકાને ખરો માર પડ્યો. તેનો પ્રવાસન ઉદ્યોગ અને તેમાંથી થનારી આવક તથા રોજગારી સળંગ બે વર્ષ બંધ જેવા રહ્યા. નાનો દેશ લાંબો સમય સુધી અર્થતંત્રની અસ્થિરતા સહન કરી શકે નહીં. અધૂરામાં પૂરું તે ચીનના આશરે ગયું, ચીને જંગી પ્રોજેક્ટમાં ફસાવીને દેવામાં દેશને ડૂબાડ્યો અને ખરે ટાંકણે મદદ ના કરી.
DG: કોરોનાનો ફટકો અનેક દેશોને પડ્યો છે, પણ શ્રીલંકામાં કોરોના પછીની સ્થિતિ સંભાળવા માટે સરકારે કોઈ પ્રયાસો કર્યા હોય તેવું દેખાયું નહોતું. સમજી શકાય તેવી વાત હતી કે પર્યટકો આવશે નહીં ત્યારે તેની વૈકલ્પિક વ્યવસ્થા વિચારવા જેટલી તમા નેતાઓએ રાખી હોત તો સ્થિતિ થોડી કાબૂમાં રહી હોત. ઓછી વસ્તી હોવાથી સ્થિતિ સંભાળી શકાઈ હોત. પેટ્રોલિયમ પદાર્થોની આયાત ઓછી થવાની હોય ત્યારે શાળા-કોલેજો બંધ રાખીને તેનો વપરાશ ઘટાડવા જેવા પગલાં પ્રથમથી જ લેવાની જરૂર હતી. મુશ્કેલી આવી તેના કરતાં મુશ્કેલી નિવારણ માટે સત્તામાં મુસ્તાક નેતાઓએ પરવા ન કરી તે અસંતોષનું મુખ્ય કારણ છે. એલટીટીઈને ખતમ કરીને જંગ જીતી ગયા અને આ મુદ્દાને આગળ કરીને વિપક્ષને સહેલાઈથી હરાવી શકાશે એવી ગણતરીઓ સાચી પડી છે, પણ પ્રજાનો રોષ સમજવામાં રાજપક્ષે પરિવારશાહીએ થાપ ખાધી.

KB: એ વાત કદાચ સાચી ન પણ હોય, કેમ કે રાજપક્ષે પરિવાર નબળો પડ્યો હોત તો વિપક્ષે તેનો લાભ લેવા રાજકીય આંદોલન કર્યાં હોત. સરકારને સત્તા પરથી દૂર કરવા વિપક્ષે આંદોલન કર્યું હોત તો નાગરિકો તેમાં જોડાયા હોત. પણ આ આંદોલન સ્વયંભૂ વધારે લાગે છે, કેમ કે અચાનક આર્થિક મોડલ ખોખલું થઈ ગયું. નાના કે અલ્પવિકસિત દેશોની આર્થિક સ્થિરતાનો આધાર મોટા ભાગે ખેતી હોય છે. વિદેશી મૂડીરોકાણ કે વિદેશ વેપાર, ખાસ તો આયાતો પર દેખાતી સમૃદ્ધિ ગમે ત્યારે દગો દે છે. ઇન્ડોનેશિયાનો અનુભવ બધા ભૂલી ગયા લાગે છે. વૈશ્વિક મંદી આવી ત્યારે પણ ભારતનું અર્થતંત્ર ટકી ગયું હતું, તેનું કારણ ગ્રામ્ય અર્થવ્યવસ્થા અથવા ખેતી હતી. કોરોના કાળમાં પણ કામદારો વતન પહોંચી ગયા હતા અને ખેતી પર નભી ગયા હતા. ખેતી અને ગ્રામ્ય અર્થવ્યવસ્થાએ રોજગારી ટકાવવામાં ટેકો આપ્યો. શ્રીલંકામાં આ ના થયું. ઊલટાનું ત્યાં પ્રાકૃતિક ખેતીના ઉતાવળા પ્રયોગોએ ખેડૂતોને પરાવલંબી બનાવી દીધા હતા.
DG: હા, શ્રીલંકામાં પ્રાકૃતિક અથવા ઓર્ગેનિક ખેતી માટે રાતોરાત સરકારે ફતવા બહાર પાડ્યા તેને પણ જવાબદાર ગણવામાં આવે છે. સમગ્ર દેશમાં એક સાથે કુદરતી રીતે જ ખેતી કરવા માટેના નિયમો લાદી દેવાયા. તેના કારણે અચાનક ખેત ઉત્પાદન ઘટી ગયું. પણ એવું થયું ત્યારે પણ મુદ્દો એ જ આવીને ઊભો રહે છે કે તો પછી વિપક્ષે કેમ જનતાની સમસ્યાને વાચા આપવાનું કામ ના કર્યું. કદાચ ભારતની જેમ ત્યાં પણ વિપક્ષ વેરવિખેર થઈ ગયો હતો અને પ્રજાને લાગ્યું હતું કે આપખુદ સત્તા સામે સીધી લડાઈ લડવી પડશે. વિપક્ષ લડત આપે, સત્તા પરિવર્તન કરે અને નીતિ પરિવર્તન કરે તેવી આશા ના રહે ત્યારે જનતાએ સીધું મેદાનમાં ઊતરવું પડે છે.

KB: નાના દેશોમાં જેમ અર્થતંત્ર ઝડપથી વિકસી શકે છે તેમ ગબડી પણ ઝડપથી શકે છે. રાજનીતિનું પણ આવું જ છે. શ્રીલંકા જેવા નાના દેશોમાં થોડાક લાખ લોકો સત્તા પરિવર્તન કરી શકે છે. ભારતમાં કરોડો લોકો આ કરી શકતા નથી. વળી, શ્રીલંકામાં હાલ પ્રજાએ એ વિચારવાની જરૂર છે કે આપણી મુખ્ય પ્રાથમિકતા શું છે - સત્તા પરિવર્તન કે આર્થિક સ્થિરતા? બીજું, વિદેશી હૂંડિયામણ આવે તો જરૂરી વસ્તુઓની આયાત થઈ શકે. પણ આ વિદેશી હૂંડિયામણ આવે ક્યાંથી? વિશ્વના કયા દેશો મદદ કરે? આ બધી બાબતોનો વિચાર કરી શકે, અર્થતંત્ર પર ધ્યાન આપે તેવી નેતાગીરી આવે તે માટેની રાજકીય સ્થિરતા પણ ઊભી કરવી પડે.
DG: આ વાત પણ સાચી કે શ્રીલંકા જેવું ભારતમાં ના થાય. ભારતની લોકશાહી, તેની પ્રણાલીઓ, સત્તા પરિવર્તન માટેની તેની રીત વધારે મજબૂત છે. દાખલા તરીકે મહારાષ્ટ્રમાં જે થયું તે અનૈતિક છે. અગાઉ શિવસેનાએ ભાજપનો સાથે છોડ્યો તે પણ અનૈતિક હતું. અજિત પવારની પરોઢિયે શપથવિધિ થઈ તે પણ અનૈતિક હતું. છતાં સત્તા પરિવર્તન થઈ શક્યું. પવારે પાછા ફરવું પડ્યું, શિવસેનાને અઢી વર્ષ બેસવા દેવી પડી અને પછી ગમે તેટલા ધમપછાડા છતાં તેની સરકારને હટી જવું પડ્યું. વાજપેયીની 13 દિવસની, 13 મહિનાની સરકારો બની ત્યારે પણ રાજકીય અસ્થિરતા હતી, પણ સત્તા પરિવર્તન થઈ શક્યું હતું. ભારતની આ પ્રણાલી છે એટલે હૈયાધારણ છે. બીજું કે ભારતમાં લોકપાલના નામે આંદોલન ચાલ્યું તે પણ રાજકીય સત્તા પરિવર્તન માટેનું જ સાબિત થયું છે. ખેડૂતોએ મક્કમ મનોબળ સાથે શાંતિપૂર્ણ આંદોલન ચલાવ્યું અને સત્તાધીશોને ઝુકાવ્યા. છતાંય શ્રીલંકાની ઘટનાઓને આપણે સમજવી જોઈએ અને ભારતીય લોકતાંત્રિક પદ્ધતિએ જ પ્રજાનો આક્રોશ વ્યક્ત થઈ શકે તે તંદુરસ્ત પ્રણાલીઓને અકબંધ રાખવાની છે તે સમજી લેવું જોઈએ.
(કાર્તિકેય ભટ્ટ અર્થશાસ્ત્રી તથા સાંપ્રત પ્રવાહોના વિશ્લેષક છે, જ્યારે દિલીપ ગોહિલ વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક છે)