ભારત એક કમનસીબ દેશ છે. એને પાકિસ્તાન જેવો ઝનૂની, પછાત અને લશ્કરને પનારે પડેલો ભ્રષ્ટ પડોસીદેશ મળ્યો. હજીય એ દેશ લગભગ 1500 વર્ષ પહેલાંના યુગમાં જીવે છે. આ વાત ખોટી લાગે તો ફિલ્મ ‘ખુદા કે લિયે’ જોઇ લેવી. પાકિસ્તાનમાં લોકશાહી નથી, મુલ્લાશાહી છે. પાકિસ્તાનનું લોકતંત્ર લંગડું છે અને ધર્મતંત્ર ઝનૂનને ધર્મ ગણનારું છે. ભાગલા પડ્યા તે સારું થયું. સરદાર અને પંડિતજી વચ્ચે વિચારભેદ ઘણા હતા, પરંતુ ભાગલા અપરિહાર્ય છે એ બાબતે બંને મહાનુભાવો એકમત હતા. આવી સહમતીને કારણે બાકીનું ભારત બચી ગયું અને હિંદુઓ શાંતિપૂર્વક જીવતા થયા. પાકિસ્તાનનું હઠીલું પછાતપણું ક્યારેક ભારતના મુસલમાનોને પણ પછાતપણાની પ્રેરણા આપતું રહે છે.
પાકિસ્તાનમાં એક શાણો મનુષ્ય થઇ ગયો. એના શાણપણનો આખી દુનિયામાં સ્વીકાર થયો, પરંતુ પાકિસ્તાનમાં એની જોઇએ તેવી કદર ન થઇ. એ બાબતે પાકિસ્તાન મોળું પડ્યું અને મોડું પડ્યું. એ શાણો માણસ ઋષિ જેવો હતો. એનું નામ હતું: મહેબૂબ ઉલ હક. પ્રોફેસર હતો ત્યારે એક પણ પ્રવચન એવું નથી કર્યું, જેમાં અત્યંત આદરપૂર્વક મેં આ શાણા માણસના પ્રદાનની પ્રશંસા ન કરી હોય. હોંગકોંગથી પ્રગટ થતા ‘INSIGHT’ નામના જર્નલમાં મહેબૂબભાઇનું એક યાદગાર વિધાન પ્રગટ થયેલું: જ્યારે મધરાતે કોઇ ભૂખ્યું બાળક દૂધ માટે રડી ઊઠે ત્યારે લશ્કરના જનરલો ટેન્કની ખરીદી માટે નીકળી પડે છે!
આવા ધારદાર અને વજનદાર શબ્દો મહાત્મા ગાંધીને જરૂર ગમી ગયા હોત. આવા અર્થપૂર્ણ અને વિવેકપૂર્ણ શબ્દોએ સમગ્ર વિશ્વના શિક્ષણકારોનું ધ્યાન ખેંચ્યું. આવા શાણપણયુક્ત શબ્દો દેશવિદેશમાં ફરતા થયા ત્યારે પાકિસ્તાનમાં જનાબ ભુટ્ટોને ફાંસીને માંચડે લટકાવી દેનારા જનરલ ઝિયા ઉલ હકની સરમુખત્યારશાહી અને લશ્કરશાહી જોરમાં હતી. એ જ શાસનકાળમાં પાકિસ્તાનના ચૂંટાયેલા વડાપ્રધાન જનાબ ભુટ્ટોને ફાંસીને માચડે લટકાવી દેવામાં આવ્યા હતા. જનાબ ભુટ્ટોની અત્યંત તેજસ્વી દીકરી બેનઝીર ભુટ્ટો આગલી રાતે પોતાના પ્રિય અબ્બાજાનને ફાંસીખોલીમાં મળવા ગઇ હતી. એ છેલ્લી મુલાકાતનું વર્ણન બેનઝીરે પોતાના પુસ્તક ‘Daughter of the East’માં કર્યું છે. એ વાંચીને રશિયાનો હૈયાસૂનો પ્રમુખ પુટિન પણ રડી પડે! પાકિસ્તાન એક એવો કમનસીબ દેશ છે જ્યાં શાણો અવાજ જરૂર ગૂંગળાઇ મરે!
આવી વૈચારિક ગરીબીમાં સબડતા પાકિસ્તાનમાં એક એવી ઘટના બની, જે બહુ જાણીતી નથી. વર્ષો પહેલાં પ્રમુખ જનરલ ઝિયા જાપાનની સત્તાવાર મુલાકાતે ગયા ત્યારે સાથે પાકિસ્તાનના અત્યંત શાણા મનુષ્ય મહેબૂબ ઉલ હકને પણ ડેલિગેશનમાં લેતા ગયા. મહેબૂબ ઉલ હક તે સમયે પાકિસ્તાનના ફાઇનાન્સ એન્ડ પ્લાનિંગ મિનિસ્ટર હતા. આર્થિક મદદની અને આર્થિક સહકારની ઔપચારિક વાતો પૂરી થઇ પછી પાકિસ્તાની ડેલિગેશને જાપાનના મુત્સદ્દીઓ સમક્ષ એક વિનંતી કરી: ‘અમારે જાપાનના ત્રણ શાણા મનુષ્યોને મળવું છે.’ વિનંતી માન્ય રાખવામાં આવી. જાપાનના ત્રણ શાણા મનુષ્યોને મળ્યા ત્યારે પાકિસ્તાની ડેલિગેશનના V. I. P. સભ્યોએ એક જ પ્રશ્ન પૂછ્યો: ‘બીજા મહાયુદ્ધ પછીના ત્રણ-ચાર દાયકાઓમાં જ ભયંકર ખુવારી પછી જાપાને આવી સોલિડ પ્રગતિ કરી તેનું રહસ્ય શું? આજે તો જાપાન એક મહાસત્તા બની ચૂક્યું છે. આવા ચમત્કારનું મૂળ ક્યાં પડેલું છે?’ જવાબમાં જાપાનના ત્રણ શાણા માણસોએ જે કહ્યું તે આપણા અરવિંદ કેજરીવાલને ગમી જાય તેવું છે. જવાબ આવો હતો: ‘મિસ્ટર પ્રેસિડન્ટ! અમે જાપાનના લોકોએ યુદ્ધે લાદેલા વિનાશ પછી લગભગ દાયકાઓ સુધી શિક્ષણમાં રોકાણ કરવાનું જ નક્કી કર્યું હતું. એક વાત કરવી છે. જો આપ પણ એ જ પ્રમાણે શિક્ષણમાં રોકાણ કરશો તો એનાં ફળ જોવા માટે લાંબું આયુષ્ય પામશો.’
આજે પરિસ્થિતિ શું છે? જાપાન સુપર-પાવર ગણાય છે. દક્ષિણ એશિયામાં 80 કરોડ લોકો પાયાની સ્વચ્છતા પણ પામતા નથી. 28 કરોડ લોકોને સલામત કહી શકાય તેવું પીવાનું પાણી પણ મળતું નથી. હજી કરોડો લોકો નિરક્ષર છે. ભારત અને પાકિસ્તાન પ્રતિ વર્ષ 20 અબજ ડોલર લશ્કર પાછળ ખર્ચ કરે છે. એવા જંગી ખર્ચમાંથી એકાદ-બે અબજ ડોલર પણ જો ગરીબી દૂર કરવા માટે જુદા રાખે અને ભારત સાથેના સંબંધ સુધારે તો બંને દેશોને ઘણો જ લાભ થાય. (મહેબૂબસાહેબના આ આંકડા જૂના છે.)
આપણા દેશમાં પણ એક શાણો મુસલમાન પોતાની દીર્ઘદૃષ્ટિ દ્વારા મહાન કામ કરતો ગયો. એનું નામ સર સૈયદ અહમદ ખાન હતું. ગાંધીજીનો જન્મ જે વર્ષમાં થયો તે જ વર્ષ 1869માં સર સૈયદ (ગ્રેટ) બ્રિટન ગયા. એમને ત્યારે બરાબર સમજાયું કે ભારતીય ઉપખંડના મુસલમાનોની ખરી સમસ્યા છે: ‘પશ્ચિમી શિક્ષણનો અભાવ.’ આવી દૃઢ સમજણને આધારે વર્ષો પહેલાં અલીગઢમાં એમણે એક કોલેજની સ્થાપના કરી. આવું મહાન કાર્ય કરવા બદલ એમને ‘કાફિર’ કહેવામાં આવેલા. એ જ કોલેજમાંથી આજની અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીનું નિર્માણ થયું.
મહેબૂબ ઉલ હકને આવો અન્યાય નથી થયો. જાપાનના રાજા હિરોહિટોને હિરોશિમામાં પરમાણુબોમ્બ ઝીંકાયો પછી લશ્કરના વડાઓએ સલાહ આપી હતી કે: ‘જાપાની એરફોર્સ ખતમ થઇ ચૂક્યું છે, પરંતુ જાપાની લશ્કર હજી બચ્યું છે. લડાઇ ચાલુ રાખી શકાય તેમ છે. રાજાએ પોતાની વિવેકબુદ્ધિ અનુસાર રેડિયો પર આપેલા ઐતિહાસિક પ્રવચનમાં કહ્યું: ‘અમે નક્કી કર્યું છે કે અમે હવે આવનારી પેઢીઓ માટે ભવ્ય શાંતિનો માર્ગ પસંદ કર્યો છે. હા, અમે જે અસહ્ય ગણાય તે બધું સહ્યું છે અને જે વેઠી ન શકાય તે બધું જ વેઠ્યું છે.’
મહેબૂબ ઉલ હકનું સૌથી મોટું વૈશ્વિક પ્રદાન શું? યુનોની પાંખ UNDP તરફથી જે, ‘હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ તૈયાર થયો તે સર્વાંશે મહેબૂબભાઇનું સર્જન ગણાય. એમણે લખ્યું કે: ‘ભારત અને પાકિસ્તાન પાસે જેટલા ડોક્ટરો હોય તેના કરતાં 6 ગણા સૈનિકો છે. ગરીબ માણસને સરહદ પાર કરતો રોકી શકાય છે, પરંતુ ગરીબીનાં પરિણામો તો પાસપોર્ટ વિના પણ સરહદ પાર કરી શકે છે.’ એમણે એ જ રિપોર્ટમાં HDI (હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ)ની મૌલિક સંકલ્પના આપી, જેમાં માનવીય વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો છે. આ HDI જેવી ત્રણ સંકલ્પનાને આજે પણ વિશ્વના નિષ્ણાતો આદરપૂર્વક યાદ કરે છે. એ ત્રણ અક્ષરોએ આર્થિક વિકાસને નવું માનવીય પરિમાણ પ્રદાન કર્યું. શિક્ષણના પ્રોફેસર તરીકે જ આખું જીવન પસાર કર્યુ, તેથી મને મહેબૂબ ઉલ હક માટે જબરો પક્ષપાત છે. પાકિસ્તાનમાં ઇમરાન ખાન ટક્યા નહીં પણ ખસી ગયા એ ગૌણ છે, પરંતુ મહેબૂબ ઉલ હક લાંબુ જીવ્યા હોત, તો પાકિસ્તાની અવદશા છેક આવી ન હોત એ વાત નક્કી!
***
પાઘડીનો વળ છેડે
દેશની માટી દેશનાં જળ
હવા દેશની દેશનાં ફળ
સરસ બને પ્રભુ સરસ બને!
દેશનાં ઘર અને દેશના ઘાટ
દેશનાં વન અને દેશની વાટ
સરળ બને પ્રભુ સરળ બને!
દેશનાં તન અને દેશનાં મન
દેશનાં સૌ ભાઇબહેન
વિમળ બને પ્રભુ વિમળ બને!
- રવીન્દ્રનાથ ટાગોર ⬛
Blog:http://gunvantshah.wordpress.com
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.