મહારાષ્ટ્રના વર્ધા જીલ્લામાં પીંપરી નામનું એક ગામ છે. આ ગામમાં એક સામાન્ય પરિવારમાં એક દીકરીનો જન્મ થયો. છોકરીને ભણવાની ખૂબ ઇચ્છા હતી. પરંતુ પરિવારની નબળી આર્થિક પરિસ્થિતિને કારણે માત્ર 4 ધોરણ સુધીનો અભ્યાસ જ કર્યો. હજી તો 10 વર્ષની ઉંમર થઇ ત્યાં તેનાં લગ્ન કરી દેવામાં આવ્યાં અને તે પણ ઉંમરમાં તેના કરતાં 20 વર્ષ મોટા પુરુષ સાથે. 10 વર્ષની આ છોકરીએ પોતાનું નસીબ સમજીને 30 વર્ષના પતિને સ્વીકારી લીધો અને પિયરમાંથી સાસરીએ પ્રસ્થાન કર્યું.
આ છોકરી 20 વર્ષની થઇ અને એના જીવનમાં સુખનો સુરજ ઊગ્યો. ભગવાને એની કુખમાં સંતાનનું સુખ રોપ્યું. જેમ-જેમ મહિના ચઢવા લાગ્યા તેમ-તેમ આ યુવતીના ચહેરા પરનું તેજ વધવા લાગ્યુ. 9મો મહિનો પૂરો થવા આવ્યો. હવે બાળકના જન્મની ઘડીઓ ગણાતી હતી. આવા દિવસોમાં કોઇપણ સ્ત્રીને સૌથી વધુ સહકાર એના પતિ તરફથી મળતો હોય એ સ્વાભાવિક છે. પતિના પ્રેમને કારણે બધી તકલીફોને એ સહજતાથી સહી લેતી હોય છે. પરંતુ આ યુવતીનું નસીબ કંઇક જુદી રીતે જ લખાયું હશે એટલે જે સમયે પતિ એમની સાથે હોવો જોઇએ એવા સમયે પતિએ તેને ઘરની બહાર કાઢી મૂકી. કોઇ જાતના વાંક વગર આ ગર્ભવતી મહિલાને ઉપાડીને ઘરની બહાર ફેંકી દેવામાં આવી. ચાલી શકવાની કોઇ ક્ષમતા નહોતી. એટલે ઘરના ફળિયામાં જ ઢોરને બાંધવાની જગ્યા સુધી એ માંડ પહોંચી શકી અને ત્યાં એક બાળકીને એણે જન્મ આપ્યો.
ડોક્ટર અને નર્સની સેવા તો એક બાજુ રહી. અહીંયા તો મદદ માટે આસપાસમાં કોઇ જ નહોતું. તાજી જન્મેલી બાળકીની નાળ કાપવા માટે કોઇ સાધન ન હોવાના કારણે બાજુમાં પડેલા ધારદાર પથ્થરનો ઉપયોગ કરીને તેનાથી નાળ કાપી. બાળકના જન્મ પછી માતાને ખૂબ નબળાઇ રહે તે સ્વાભાવિક છે. આવી પરિથિતિમાં પણ બાળકીને પોતાની સાથે લઇને આ યુવતી થોડા કિલોમીટર ચાલીને એના પિતાના ઘરે પહોંચી. બાપના ઘર સુધી પહોંચતાં એને કેવી પીડા થઇ હશે તેની કલ્પના માત્ર પણ આપણને ધ્રુજાવી દે છે તો જેણે આ પીડા અનુભવી હોય એની સ્થિતિ કેવી હશે. પિતાના ઘરે પણ દીકરીને આવી ગંભીર હાલત હોવા છતાં કોઇ અગમ્ય કારણસર સહારો ન મળ્યો. બાપના ઘરનો દરવાજો પણ બંધ થઇ જતા આ યુવતી સાવ પડી ભાંગી અને એને આત્મહત્યા કરવાનો વિચાર આવ્યો. વિચાર એના પર કબજો જમાવે એ પહેલાં થોડી જ ક્ષણોમાં એણે આ નબળા વિચારને મનમાંથી હાંકી કાઢ્યો.
પોતાની અને દીકરીની ભૂખ ભાંગવા માટે એણે રેલવે સ્ટેશન પર ભીખ માગવાની શરૂઆત કરી. ભીખ માગવાની આ પ્રવૃત્તિ ચાલુ કર્યાં પછી એના ધ્યાનમાં આવ્યું કે બીજાં કેટલાંય અનાથ બાળકો માતા-પિતાનું છત્ર ગુમાવવાના કારણે ભીખ માગવાનું કામ કરે છે અને નરકથી પણ બદતર જીવન જીવે છે. એકલતા અને સમાજમાંથી તિરસ્કૃત થવાની પીડા આ યુવતીએ ખુદ અનુભવી હતી એટલે એને આવા અનાથ બાળકો માટે અનુકંપા જાગી. આ મા વગરના બાળકની મા બનીને એમના માટે કંઇક કામ કરવાની પ્રેરણા જાગી. એણે આવાં અનાથ બાળકોને દત્તક લેવાનું ચાલુ કર્યું. પરિવારથી તિરસ્કૃત થયેલી આ યુવતીએ ભીખ માગીને બચાવેલી રકમમાંથી આ બાળકોના અભ્યાસ માટેની વ્યવસ્થા કરી. જે બાળકો ભીખ માગતાં હતાં તે હવે ભણવા લાગ્યાં. ધીમે-ધીમે બાળકોની સંખ્યા વધતી ગઇ અને આ યુવતીનો પરિવાર મોટો થતો ગયો.
આ જોગમાયા સિંઘુતાઈ સપકાલે કોઇની પાસેથી કોઇપણ પ્રકારની મદદ લીધા વગર એકાદ-બે નહી, પરંતુ 1400થી વધુ બાળકોને મા બનીને સાચવ્યાં છે. એમના કેટલાંય દીકરા-દીકરીઓ આજે ડોક્ટર, એન્જીનિયર, વકીલ, ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ કે સરકારી અમલદારો બની ગયા છે. ભીખ માગવાનું બંધ કરીને ભણવાની શરૂઆત કરનાર આ બાળકો સમાજમાં આજે સન્માનનીય સ્થાને પહોંચ્યાં છે. સિંધુતાઇ માત્ર બાળકોને દત્તક લેવાનું જ કામ નથી કરતાં પરંતુ તેમના અભ્યાસની બધી જ વ્યવસ્થા કરે છે. ઉંમરલાયક થાય ત્યારે દીકરા-દીકરીને પરણાવે છે. સિંધુતાઇને 200થી વધુ જમાઇ છે અને 40થી વધુ પૂત્રવધુઓ છે. એમની પોતાની દીકરીને બીજાં બાળકો કરતાં વધુ પ્રેમ કરીને ભૂલથી પણ બીજાં બાળકોને અન્યાય ન થઇ જાય એ માટે સિંધુતાઇએ એની દીકરીને પોતાનાથી દૂર કરી. એ દીકરી પણ આજે માના રસ્તે ચાલીને અનાથ બાળકો માટેની જ સંસ્થા ચલાવે છે.
આજથી અડધી સદી પહેલાં પ્રગટાવેલી આ સેવાની જ્યોતે કેટલાય લોકોનાં જીવન અજવાળ્યાં છે. 20 વર્ષની ગર્ભવતી પત્નીને બાળક જન્મવાની ઘડીએ જ હડધૂત કરીને ઘરની બહાર કાઢી મૂકનાર પતિને પાછલી ઉંમરે ખૂબ પસ્તાવો થયો. એ સિંધુતાઇને મળ્યો અને પોતાનાં કુકર્મો બદલ માફી માગી. વિશાળ હૃદયની આ સ્ત્રીએ પતિને માફ કરી દીધો અને એને પોતાના દીકરા તરીકે સ્વીકારી લીધો. હા, તમે બરાબર જ વાંચ્યું. છાપવામાં કોઇ જ ભૂલ નથી થઇ. સિંધુતાઇએ પતિને પુત્ર તરીકે સ્વીકાર્યો, કારણ કે એમનામાં હવે માત્ર વાત્સલ્યની ગંગા જ વહેતી હતી. મા સિવાયનું બધું જ મરી પરવાર્યું હતું. એ એના પતિની ઓળખાણ પરિવારના સૌથી મોટા પુત્ર તરીકે આપે છે.
કરોડોનાં કૌભાંડ કરનારા હરામખોરો મીડિયાની નજરમાં બહુ આવે છે. છાપાંઓમાં એમનાં નામની હેડલાઇન હોય છે અને ટીવી ન્યૂઝ ચેનલમાં બ્રેકિંગ ન્યૂઝમાં વારંવાર એમની વાતો થાય છે. લોકોને યેનકેન પ્રકારે લૂંટીને અબજોની સંપત્તિ બનાવનારાઓને આપણે સ્ટેજ પર બેસાડીને હાર પહેરાવીએ છીએ. આવા લોકોના મોટાં-મોટાં સન્માન સમારંભો કરીએ છીએ. ધનકુબેરોના ગુણગાન ગાવામાં અને એમની પૂજા કરવામાં પાગલ બનેલા આપણને સૌને ‘સિંધુતાઇ’ જેવી સેવાની સાક્ષાત્ દેવીની કંઇ ખબર જ નથી હોતી.
અનેક અનાથ બાળકોના અંધારિયા જીવનમાં અજવાળું પાથરનાર સેવામૂર્તિ સિંધુતાઇએ આ અઠવાડિએ જ આ જગતમાંથી વિદાય લીધી. હે જગદંબા, તારી સંઘર્ષ યાત્રાને, પ્રશ્નોને પડકારવાની તારી શૂરવીરતાને અને તારા હૃદયમાંથી અવિરતપણે વહેતા માતૃત્વના અમીઝરણાને કોટી કોટી વંદન સાથે તેમના આત્માની શાંતિ માટે પ્રભુ પ્રાર્થના.
(લેખક જાણીતા વિચારક અને વક્તા છે)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.