તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મનન કી બાત:આટલા સવાલોના જવાબ આપો, ક્યાંક તમને તો ઈન્ટરનેટનું એડિક્શન નથી ને?

2 મહિનો પહેલા
 • કૉપી લિંક

આપણું મન બડું ચંચળ છે. ક્યારેક હસાવે, રડાવે તો ક્યારેક પ્રશ્નો ઊભા કરે. મનના અશ્વોને પસવારીને તો ક્યારેક તેની લગામ તાણીને તેના પર સવારી કરતાં શીખવશે આ કોલમ ‘મનન કી બાત’, દર રવિવારે.
***
27 વર્ષનો રોહન ધો. 11-12 સાયન્સના વિદ્યાર્થીઓને ફિઝિક્સ ભણાવે છે. તેની ભણાવવાની શૈલી એટલી સહજ અને મોડર્ન છે કે માર્કેટમાં 20-20 વર્ષથી દબદબો બનાવી ચૂકેલાં ટીચર્સને પણ તેણે નવરા કરી દીધા. એના ક્લાસરૂમમાં જઈએ તો મોટા-મોટા વૈજ્ઞાનિકોના ફોટો અને એમના દ્વારા વિજ્ઞાનના અલગ-અલગ ક્ષેત્રમાં કરાયેલા સંશોધનોના ચાર્ટ જોવા મળે. વિદ્યાર્થીઓને ગોખાવવા કરતાં ફિઝિક્સ જીવતું બતાવી અને એના નિયમોની સમજણ આપવામાં રોહનની ખૂબ જ ફાવટ હતી. એક કલાકના લેક્ચર માટે ઓછામાં ઓછું 5 કલાક રિસર્ચ કર્યું, એ ટોપિક વિદ્યાર્થીઓ માટે સહજ કઈ રીતે બનાવવો અને એવું શું કરવું કે ટોપિક રસપ્રદ અને મનોરંજક લાગે એની તૈયારી કરતો. એક નાનો કોન્સેપ્ટ સમજાવવા માટે પણ મોંઘાં-મોંઘાં સાધનો વસાવી લીધેલાં કે દરેક બેચના વિદ્યાર્થીઓને ફાયદો થાય. દરેક ક્લાસમાં રોહન પર્ફેક્ટ કોર્મલ કપડાં, પર્ફ્યૂમ, હેર જેલ લગાવીને એ હદે પ્રોફેશનલ લાગે જાણે કોઈ મલ્ટિનેશનલ કંપનીનો CEO હોય.

કોરોનાના આગમનને લીધે શરૂઆતમાં લોકડાઉનના કારણે અને પછી આળસને લીધે રોહન પોતાના ક્લાસ ઘરેથી જ લેવા લાગ્યો. જે ક્લાસ લેવા માટે રોજ સમયસર ઊઠવા, નાહવા, ખાવાનું રૂટિન જળવાઈ રહેતું હતું, એ રૂટિન ઘેરબેઠાં સાદા કપડાંમાં પણ ચાલી જતું હતું અને કામ ચાલતું હતું. તો હવે બાકીના સમયમાં કરવું શું? જ્યાં લોકડાઉનમાં મોટાભાગે લોકો પોતાના પરિવારજનો સાથે રહેવાથી કંટાળી ગયા હતા, રોહન પાસે બે ઘડી વાત કરવા માટે પણ કોઈ નહોતું. આવા સમયમાં એને સહારો મળ્યો વિકિપીડિયાનો. વિકિપીડિયા વિશે આમ તો તમે સાંભળ્યું જ હશે, પરંતુ એ એક એવું પ્લેટફોર્મ છે જેના પર તમે અલગ-અલગ વિષયો પર વાંચી શકો અને એ વિષયો પર તમને થોડું વધારે જ્ઞાન હોય અને તમારે એ વેબસાઇટ પર ઉમેરવું હોય તો ઉમેરી પણ શકો. નવું-નવું જાણવાની ટેવના કારણે રોહન આ વેબસાઇટ પર જ્યારે પણ ફ્રી પડે ત્યારે જતો રહે. અલગ-અલગ વિષયો વિશે રિસર્ચ કરે અને પોતાની નોટ્સ પણ બનાવે. પરંતુ આ જિજ્ઞાસામાં એનું કામ બગડવા લાગ્યું. મિનિટોની કલાકો થતા વાર ન લાગી અને જોતજોતામાં ઈન્ટરનેટની તેને હદ બહારની આદત પડી ગઈ. હવે એ પોતાના કામ પર પણ કોન્સન્ટ્રેટ નહોતો કરી શકતો. દિવસ દરમિયાન એક મિનિટ માટે પણ ઈન્ટરનેટ છોડી શકતો નહોતો. રાત્રે ઊંઘમાં પણ તેને વેબસાઈટ, એપ્લિકેશન, વીડિયોના જ વિચારો આવ્યા કરે છે.

ઇન્ટરનેટ એડિક્શનથી ડિપ્રેશન, એન્ઝાયટી, ઇન્સોમ્નિયા થવાનું જોખમ
ઈન્ટરનેટ એડિક્શન પણ એ પ્રકારનું વ્યસન જ છે, જે કોરોનાના આ સમયમાં ફરજિયાત ઘરે રહેવાના કારણે બહુ બધા લોકોમાં પ્રસરી ચૂક્યું છે. કોઈ વેબસાઈટ, પબજી જેવી કોઈ ગેમ, કોઈ મોબાઈલ એપ્લિકેશન, ફેસબુક કે ટ્વિટર કે વ્હોટ્સએપ જેવાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સની આદત પણ આ જ કેટેગરીમાં આવે છે. ઇન્ટરનેટ એડિક્શનની વિપરીત અસરો માત્ર આપણા રોજિંદા કામ પર જ નહીં, આપણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર પણ પડે છે. આંખોને થતું કાયમી નુકસાન, સમયસર આહાર ન લેવાને કારણે અને જરૂરી કસરત ન થવાને કારણે થતાં ડાયાબિટીઝ, હાઇપરટેન્શન, હૃદયરોગ વગેરે જેવા રોગોનું જોખમ તો ખરું જ. એ ઉપરાંત ડિપ્રેશન, એન્ઝાયટી, ઇન્સોમ્નિયા થવાનું પણ જોખમ આવા કેસમાં ખૂબ વધારે હોય છે.

ક્યાંક તમને કે તમારા પરિવારમાં કોઈ વ્યક્તિને આવું એડિક્શન નથી ને? પોતાની જાત અને પરિવારજનો માટે નીચેના પશ્નોનો જવાબ પ્રમાણિકપણે આપો. આમાંથી જો ઓછામાં ઓછાં 5 લક્ષણ મળતાં આવે તો ઈન્ટરનેટનો ઉપયોગ ઘટાડવાનો સમય હવે આવી ગયો છે.

 1. શું તમે સતત ઇન્ટરનેટ પર કરેલા કામના જ વિચારોમાં રહો છો?
 2. શું તમને એવું લાગ્યા કરે છે કે કોઈને કોઈ કારણોસર ઈન્ટરનેટનો વપરાશ વધારવાથી તમને ફાયદો થશે?
 3. શું તમે તમારા ઈન્ટરનેટનો વપરાશ ઓછો કરવાની અથવા બંધ કરવાની નિષ્ફળ કોશિશો કરી છે?
 4. શું ઈન્ટરનેટનો વપરાશ ઓછો અથવા બંધ કરવાના વિચારના કારણે તમે અધીરતા, હતાશા, ચીડિયાપણું અનુભવો છો?
 5. શું તમે ધાર્યું હોય એના કરતાં વધુ સમય તમે ઓનલાઇન રહો છો?
 6. શું ઇન્ટરનેટના કારણે તમને તમારા અંગત અથવા વ્યવસાયિક જીવનમાં કોઈ નુકસાન અથવા જોખમ થયું છે?
 7. શું તમે તમારા ઇન્ટરનેટના વપરાશ વિશે તમારા પરિવારજનોને અથવા મિત્રોને અથવા ડોક્ટરને ખોટું બોલ્યા છો?
 8. શું તમે ઈન્ટરનેટનો ઉપયોગ તમારી રોજબરોજના જીવનના સ્ટ્રેસથી ભાગવા માટે કરો છો?

ઈન્ટરનેટ એડિકશન માટે કાઉન્સેલિંગની એક ચોક્કસ પદ્ધતિ છે. મનોવિજ્ઞાનની પરિભાષામાં તેને CBT અર્થાત કોગ્નિટિવ બિહેવિયર થેરપી કહેવામાં આવે છે. આ આદતની હાનિકારક અસરો ઘટાડવા માટે CBTનાં ખૂબ સારાં પરિણામો જોવા મળ્યાં છે. આ કાઉન્સેલિંગ દરમિયાન વ્યક્તિના વિચાર, લાગણી અને વર્તન પર ખાસ ધ્યાન આપી એમાં જરૂરી ફેરફારો એવી રીતે કરવામાં આવે છે કે એડિક્શન ધરાવતી વ્યક્તિને દબાણ જેવું પણ ન લાગે અને તેને અકળામણ પણ ન થાય.

જો તમારા પરિવારજનોમાં કોઈને આ લક્ષણો હોય તો તેને ટોકવાથી અથવા ટોણા મારવાથી એનો ઉકેલ નહીં આવે. પરંતુ શાંતિથી બેસાડીને તેની સાથે આ વિશે વાત કરવાથી અને સર્ટિફાઈડ સાઇકાયટ્રિસ્ટને બતાવવાથી તેનો ઉકેલ ચોક્કસપણે આવી શકે છે.

ઈન્ટરનેટનો ઉપયોગ નિયંત્રણ રાખવા માટે આટલું કરી જુઓઃ

 1. દિવસમાં નિશ્ચિત સમયને બાદ કરતાં મોબાઈલથી દૂર રહો. મોટાભાગના ફોનમાં સ્ક્રીન ટાઈમ એપ આવે છે, જે આપને જણાવશે કે તમે કઈ એપમાં કેટલો સમય વિતાવો છો. એ એપ ચોક્કસ ફોનમાં રાખવા જેવી છે.
 2. ઈન્ટરનેટનો અડધો કલાક ઉપયોગ કર્યા પછી દસ મિનિટ ખુલ્લી હવામાં એક લટાર મારો.
 3. મિત્રો સાથે સંપર્કમાં રહેવાનો સમય પણ નિશ્ચિત બનાવી દો.
 4. રાત્રે 9 વાગ્યા પછી તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ બંધ કરી દો અને એ સમયે વાંચન કરો અથવા લાઈટ મ્યૂઝિક સાંભળો.

આપણા સમાજમાં વ્યસનને બીમારી કરતા વ્યક્તિની નિષ્ફ્ળતા તરીકે જોવામાં આવે છે. વિજ્ઞાને હવે એકદમ સ્પષ્ટપણે પુરવાર કર્યું છે કે વ્યસન પણ અન્ય શારીરિક રોગો જેવી જ એક બીમારી છે. એટલે જે પૂરી સંભાળ વડે આપણે જેમ શારીરિક તકલીફથી પીડાતા દર્દીની સારવાર કરીએ છીએ એ જ રીતે વ્યસનપીડિતની પણ સંભાળ લેવી જોઈએ.
mananrthakrar@gmail.com
(લેખક સાઇકાયટ્રિસ્ટ અને અચ્છા સ્ટેન્ડઅપ કોમેડિયન છે)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો