• Gujarati News
  • Magazine
  • Rangat sangat
  • If You Want To Keep The Relationship Healthy, Stay Together ... It Doesn't Matter If The Joint Family Is Breaking Up, But Find An Alternative To The Love And Warmth Of The Joint Family ...

ઇટ્સ કોમ્પ્લિકેટેડ:જો સંબંધોને સ્વસ્થ રાખવા હોય તો ભેગા રહો... સંયુક્ત કુટુંબ તૂટી રહ્યાં છે તેનો વાંધો નહીં પણ સંયુક્ત કુટુંબના પ્રેમ અને હૂંફનો વિકલ્પ તો શોધો

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

અમદાવાદમાં બનેલી આ સત્યઘટના છે. એક પરિવારની દીકરી કોલેજમાં આવી. કોલેજમાં નવા-નવા મિત્રો મળતાં અંતર્મુખી વ્યક્તિત્વ ધરાવતી આ છોકરીને મોડર્ન બનવાના અભરખા જાગ્યા. તેના વિચારો, વર્તન અને પરિધાનમાં ફેરફાર આવવા લાગ્યો. નિશાળેથી નીકળી જવું અને પાછું ઘરે આવવું એવું જીવતી આ દીકરી હવે ઘરે મોડી આવવા લાગી. મિત્રોની બર્થડે પાર્ટીઓ હોટેલમાં થતી, મોડા સુધી થતી એટલે તેને પણ રોકાવું પડતું. ક્યારેક મિત્રો એક દિવસની પિકનિક માટે નજીકના સ્થળે પણ જતા.

અચાનક આ છોકરી ઉદાસ રહેવા લાગી. તેના પિતા એક મોટી કંપનીમાં માર્કેટિંગ વિભાગમાં હતા. તેમને ખૂબ ટૂરિંગ કરવું પડતું. ઓછું ભણેલી માતા પોતાની દીકરીની ઉદાસીને જ ન પકડી શકી તો તેનું કારણ તો કેવી રીતે પકડી શકે? જો કે, આ જ ઘરમાં રહેતી અન્ય એક વ્યક્તિના ધ્યાનમાં આવી ગયું કે બહેનબા કોઈ મોટી ચિંતામાં છે. એ વ્યક્તિ એટલે દાદીમા. પોતાના બીજા દીકરાના ત્યાં રહેતાં દાદીમા થોડા સમય માટે અહીં રહેવા આવ્યાં હતાં. તેઓ પામી ગયાં કે દીકરી કોઈ મૂંઝવણ કે ગૂંચવણમાં છે. તેમણે દીકરીને સીધું પૂછવાને બદલે એક આઈડિયા કર્યો. દીકરીને તેઓ પોતાની સાથે પહેલા દિવસે શાક માર્કેટમાં લઈ ગયાં. બીજા દિવસે મંદિરે લઈ ગયાં. ત્રીજા દિવસે પૌત્રીએ સામેથી જ દાદીમાને કહ્યું કે મારે તમને કંઈક કહેવું છે.

દાદીમા તો જાણતાં જ હતાં કે બહેનબાના દિલમાં કંઈક ગડમથલ ચાલે છે. તેમણે કહ્યું, 'બેટા, પૂછ જે પૂછવું હોય તે.' દીકરીએ માંડીને વાત કરી. એક યુવક સાથે તેની મૈત્રી છે. મૈત્રીથી પણ વિશેષ કંઈક છે. દોઢ-બે વર્ષની પાકી મૈત્રી પછી હવે યુવક કહે છે કે આપણે એક દિવસ હોટેલમાં રહીએ. યુવતી ના પાડે છે કે એ બધું લગ્ન પછી જ. યુવક કહે છે કે હવે જમાનો બદલાઈ ગયો છે. હવે તો આ બધું સાવ જ સામાન્ય થઈ ગયું છે. હવે જૂના નિયમો કોઈ જોતું નથી. યુવક પોતાના ગ્રુપના બીજા મિત્રોના હવાલા આપીને છોકરીને હોટેલમાં આવવા દબાણ કરે છે.

તેના આગ્રહને કારણે એક વખત તો છોકરીએ હા પણ પાડી હતી પણ છેલ્લી ઘડીએ તે કોલેજ જ ન ગઈ. ફરીથી યુવક તેની પાછળ પડ્યો છે. કહે છે કે આપણે લગ્ન કરવાનાં જ છીએ, પછી તું શું કામ ચિંતા કરે છે? પણ દીકરીનું મન માનતું નથી. યુવક સાથે તે હોટેલમાં જવા તૈયાર નથી. બીજીબાજુ તેને બીક પણ લાગી રહી છે કે કદાચ એ યુવક તેની સાથેનો સંબંધ કાપી નાખશે. યુવતી માટે એ બાબત સહન કરવી સહેલી નથી. યુવતી ખૂબ જ ગૂંચવણમાં છે. નજીકની એક સખીને પૂછ્યું તો તેણે યુવકની વાત માની લેવાની સલાહ આપી. એ સલાહનો સ્વીકાર કરવાનું યુવતીને ગમતું નથી.

દાદીમાએ ખૂબ શાંતિથી આખી વાત સાંભળી. પૌત્રી પાસે આ બાબત પર વિચાર કરવા થોડો સમય માગ્યો. બીજા દિવસે ઘરમાં પૌત્રી અને દાદી સિવાય બીજું કોઈ નહોતું ત્યારે દાદીએ પોતાનો અભિપ્રાય આપ્યો, 'બેટા, જો તું એ છોકરાને ચાહતી હોય અને એ છોકરો પણ તને સાચો પ્રેમ કરતો હોય તો તે કહે તે પ્રમાણે કરવામાં તને કોઈ વાંધો ન હોવો જોઈએ.' દાદીમાનો આટલો સ્પષ્ટ અભિપ્રાય સાંભળીને પૌત્રીને ખૂબ નવાઈ લાગી. તેને એવા જવાબની અપેક્ષા હતી કે તું તેની વાત ન માનીશ. તેણે તરત પૂછ્યું, 'એટલે હું તેની સાથે હોટેલમાં જઉં, એમ?'

દાદીમા ઠાવકાઈથી બોલ્યાં, 'મેં એમ કહ્યું કે એ છોકરો જો તને સાચો પ્રેમ કરતો હોય તો તે કહે તેમ કરવામાં તને કોઈ વાંધો ન હોવો જોઈએ. હવે સવાલ એ છે કે શું એ તને સાચો પ્રેમ કરે છે?' પૌત્રી કહે છે કે, 'હું માનું છું કે તે મને સાચો પ્રેમ કરે છે.' દાદીમા હસીને કહે છે કે, 'બેટા, જો બજારમાં પ્રેમને માપવાનું કોઈ સાધન મળતું હોત તો આપણે તરત માપી લેત કે સામેની વ્યક્તિ પ્રેમ કરે છે એ કેટલો અને કેવો પ્રેમ કરે છે. તકલીફ એવી છે કે એવું કોઈ માપિયું મળતું નથી.' પૌત્રી વધુ ગૂંચવાઈ, 'દાદી, હું એટલું કહી શકું કે એ મારા વિના રહી ન શકે.'

દાદીમા કહે છે કે, 'બેટા, આ દુનિયામાં કોઈ કોઈના વિના રહી ના શકે એવું હોતું જ નથી. જો એ તને સાચો પ્રેમ કરતો હોય તો કોઈપણ સ્થિતિમાં તને પ્રેમ કરતો જ રહે. તને હોટેલમાં લઈ જવા માટે તે દબાણ કરે છે તેનો અર્થ જ એ કે તેને તારા કરતાં તારા શરીરમાં વધારે રસ છે. બેટા, આપણું શરીર અને હૃદય મૂલ્યવાન છે, તેને ગમે તેને ન સોંપાય. પ્રેમ અને શારીરિક આકર્ષણમાં બારીક તો બારીક પણ ભેદ તો હોય જ છે! બેટા, એ ભેદને પારખતાં શીખવું પડે.'

દાદીમાએ પૌત્રીને તેના દાદાએ લગ્ન માટે ત્રણ વર્ષ રાહ જોઈને પોતાના સાચા પ્રેમની પ્રતીતિ બંન્ને પક્ષના પરિવારને કરાવ્યા પછી જ કેવી રીતે અને સાચી પ્રીતે પોતાની સાથે લગ્ન કર્યાં હતાં તેની માંડીને વાત કરી. અડધા કલાકની એ ચર્ચામાં પૌત્રીને માર્ગદર્શન અને માર્ગ બંને મળી ગયાં. તેણે યુવકને મક્કમતાથી હોટેલમાં જવાની ના કહી તો નારાજ થયેલા યુવકે ધીમે-ધીમે તેની સાથેના સંબંધ કાપી નાખ્યા. પ્રેમ તો હતો જ નહીં, જે આકર્ષણ હતું એ પણ ઓગળી ગયું. છોકરીને અહેસાસ થઈ ગયો. ખરેખર તો એ છેલબટાઉ અને દેખાવડા યુવકને પ્રેમનું નાટક કરીને છોકરીઓને ફસાવવાનો શોખ હતો. એ યુવકથી છેતરાયેલી એક યુવતીએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો, તે માંડ માંડ બચી. દાદીમાની સમયસરની સલાહથી પૌત્રી પણ બચી ગઈ.

કથા અહીં પૂરી થાય છે પણ આપણે જે વાત કરવાની તે શરૂ થાય છે. એ વાત છે સંતાનોના મનપ્રદેશમાં ચાલતા પ્રવાહોને સમજવાની. તેની કાળજી રાખવાની અને જ્યારે જરૂર જણાય ત્યારે તેને સાચું માર્ગદર્શન આપવાની.

આપણે જે કિસ્સો જોયો તેમાં દાદીમાએ એ ભૂમિકા ભજવી. એ કામ તેનાં મમ્મી કે પપ્પા પણ કરી શકે. સંયુક્ત કુટુંબમાં એ સહજપણે થતું. ધીમે-ધીમે સંયુક્ત કુટુંબો તૂટતાં ગયાં. તે ટકવાં જ જોઈએ તેવો કોઈ દુરાગ્રહ નથી (અને એવો દુરાગ્રહ ચાલવાનો પણ નથી) પણ સવાલ માત્ર એટલો જ છે કે આપણને સંયુક્ત કુટુંબમાં સંતાનોને જે પ્રેમ અને સમજણ મળતાં હતાં તેનો વિકલ્પ પૂરો પાડવાનું ચૂકી ગયા છીએ. દાદા-દાદી, મોટા બાપા-મોટી મમ્મી, આજી, ફોઈ, કાકા, કાકી, પિતરાઈ ભાઈઓ અને બહેનો. આ બધાની જે હૂંફ મળતી તેનો વિકલ્પ ક્યાં છે? જીવન એટલે તડકો-છાંયો. જ્યારે તડકો આવતો ત્યારે આખું ઘર એવી રીતે ઊભું રહી જતું કે બધે છાંયો થઈ જતો. જીવન એટલે ચડતીપડતી. પડતીના સમયમાં ઘરના બીજા સભ્યો ઢાલ બનીને ઊભા રહેતા. જીવન એટલે ધાર્યું ન થાય અને અણધાર્યું થાય. જ્યારે કોઈ અણધારી આફત આવતી ત્યારે કુટુંબનો સાથ આફતને નાનકડી તકલીફમાં ફેરવી નાખતો.

પ્રેમ અને હૂંફ એ તો સંયુક્ત કુટુંબનાં રથનાં બે પૈડાં. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલ કલામ કહે છે કે ભારતે જે સાચવી રાખવા જેવું છે તેમાં સૌથી મહત્ત્વની છે સંયુક્ત કુટુંબ પ્રથા. વાત વિચારવા જેવી છે. તેમાં તથ્ય પણ છે. જો કે, પરિવર્તનનો પ્રવાહ એટલો વેગીલો છે કે આપણા ધારવા છતાં સાચવવા જેવું ઘણું આપણે સાચવી શકતા નથી. સંયુક્ત કુટુંબના ઘણા ફાયદા અને થોડા ગેરફાયદા પણ છે. મૂકસેવક રવિશંકર મહારાજ કહેતા કે શહેરની સંસ્કૃતિ એટલે ભેગું કરવાની સંસ્કૃતિ અને ગામડાંની સંસ્કૃતિ એટલે ભેળા રહેવાની સંસ્કૃતિ. જ્યારે તેમણે આ વાત કરી હશે ત્યારે વધારે સાચી હશે, આજે પણ સાચી તો છે જ પણ હવે શહેર અને ગામડાંનાં વ્યક્તિત્વમાં સેળભેળ થઈ રહી છે. ગામડાંના લોકો શહેરમાં ઠલવાઈ રહ્યા છે અને ગામડાં પોતે શહેર બનવાની હઠ પકડીને બેઠાં છે. સો વાતની એક વાત કોઈને ભેળું રહેવું નથી અને બધાને ભેગું કરીને જલસા કરવા છે.

ખાટલે મોટી ખોડ એ છે કે જીવનમાં કાયમ જલસા મળતા નથી. સ્પર્ધા છે, તણાવ છે, દેખાડો છે, સરખામણી અને તેને કારણે થતી બળતરા છે. આવા સંજોગોમાં વિભક્તમાં રહેતો માણસ ઝડપથી નિરાશ થાય છે. તે બહારથી તૂટે એ પહેલાં અંદરથી તૂટી જાય છે. સહિયારા પરિવારોમાં આવું ન બનતું. પરિવારમાં લોકો ટીમ બનીને જીવતા. કોઈ એક ખેલાડી ક્યારેક નબળો દેખાવ કરે તો બીજા બાજી સંભાળી લેતા.

બીજી એક મોટી વાત વિચારવા જેવી છે. આપણા સમાજમાં બે પરિવર્તન એકસાથે જોવા મળી રહ્યાં છે. આધુનિકીકરણ અને વિકાસને કારણે એકબાજુ ભેગા રહેવાનું ઘટ્યું, પરિવારો તૂટવા લાગ્યાં અને એ જ વખતે સંચાર માધ્યમની ટેકનોલોજી દાખલ થઈ. ટેકનોલોજી તો સમયના દરેક પડાવ પર આવતી રહી છે પણ કમ્પ્યૂટર, ઈન્ટરનેટ, મોબાઈલ ફોન, વિવિધ એપ્સ... આ બધાએ ખાસ કરીને નવી પેઢી, કિશોરો અને યુવાનો પર ભારે અસર કરી છે. તેમના મનને, ચિત્તને ડહોળી નાખ્યું છે. ટેક્નોલોજીને કારણે તેમની લાગણીઓ અત્યંત ઘવાઈ રહી છે. પ્રેમ અને સેક્સના, સિદ્ધિ અને પ્રસિદ્ધિના, સફળતા અને નિષ્ફળતાના અવનવા પ્રવાહો સતત તેમના મનને સ્પર્શી રહ્યા છે. ડિપ્રેશન અને હતાશા, આત્મહત્યા અને હત્યાના બનાવો પણ આ જ કારણે વધી રહ્યા છે. મનોચિકિત્સકો તેની સારવાર કરતા કરશે. એક વાલી તરીકે, માતા-પિતા તરીકે આપણો કોઈ રોલ ખરો? આપણા કોઈ બોલ હોવા જોઈએ?

સંયુક્ત પરિવારો અકબંધ રહેવાં જ જોઈએ એ પ્રણાલિકા પુનઃ ચાલુ કરવી જોઈએ એવું કહેવાનો ઈરાદો નથી. એ શક્ય પણ નથી. સમય સમયનું કામ કરે. આજના માહોલમાં સંયુક્ત પરિવારો ટકે પણ નહીં. મૂળ નિસબત એટલી જ છે કે પરિવારમાં રહેતા લોકોને પૂરતો પ્રેમ મળવો જોઈએ. તેમને જ્યારે જરૂર હોય ત્યારે હૂંફ મળવી જોઈએ. આપણે આવી કોઈ વ્યવસ્થા ઊભી કરવી જોઈએ. 1971માં અમદાવાદથી ઈંગ્લેન્ડ મેડિકલનું ભણવા ગયેલા ડો. અશોકભાઈ શાહને તેમના એક પ્રોફેસરે કહ્યું હતું કે ભારતમાં જે સંયુક્ત કુટુંબ પ્રથા છે તે સામાજિક પ્રથા નથી આર્થિક પ્રથા છે. જેમ-જેમ ગરીબી ઘટતી જશે અને લોકો સુખી થતા જશે તેમ-તેમ આ પ્રથા ઢીલી પડતી જશે, તૂટતી જશે.
positivemedia2015@gmail.com
(લેખક વરિષ્ઠ પત્રકાર, કટારલેખક અને ‘RAA પોઝિટિવ મીડિયા’ના સ્થાપક છે)

અન્ય સમાચારો પણ છે...