• Gujarati News
  • Magazine
  • Rangat sangat
  • If You Want To Be A Role Model For Your Child, Be Aware Of Your Words And Actions And, If Necessary, Be In Control, Good Values Of Children's Life.

પોઝિટિવ પેરેન્ટિંગ:બાળકના રોલ મોડલ બનવું હોય તો તમારા શબ્દો અને કૃત્યો વિશે જાગૃત રહો અને જરૂર પડે તો અંકુશ પણ રાખો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

જ્યારે તમે બાળક હતા ત્યારે શું તમે ફિલ્મ સ્ટારના કે પછી સંગીત અને રમતના ક્ષેત્રની પ્રખ્યાત વ્યક્તિઓનાં પોસ્ટર તમારા રૂમમાં લગાડતા હતા? શું તમે કોઈ એવી વ્યક્તિનું ખાસ માન રાખતા હતા જે તમારા માટે એક આઇકોન (પૂજનીય પ્રતિમા) રૂપ હતા અને તમારા રોલ મોડલ હતા? યાદ કરીને વિચારો કે આ તમને કઈ રીતે મદદરૂપ થતું અને તેના વ્યક્તિત્વના કયા ગુણો તમને ગમતા?

વાલી - રોલ મોડલ તરીકે
બાળકો બહુ જ નાની વયે પોતાની આસપાસ થઇ રહેલી ઘટનાઓ અને રોલ મોડલ્સ પાસેથી સંસાર વિશે ધારણાઓ બાંધતા હોય છે. જો તમે પૂછશો તો મોટાભાગના માણસો કહેશે કે વાલીઓ પોતે પોતાનાં બાળકો માટે સૌથી મોટા રોલ મોડલ છે પણ બહુ જ જવલ્લે આપણે આ તથ્યના ઊંડાણમાં જઈને તેનો પેરેન્ટિંગના સંદર્ભમાં ખરો અર્થ સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. બધાને એ લોકપ્રિય દાખલો તો ખબર જ હશે જ્યાં વાલી હંમેશાં બાળકને સાચું બોલવા ઉપર જોર આપે છે અને જ્યારે તે પોતે ઓફિસ જવા માટે મોડા પડતા હોય અને બોસનો ફોન આવે તો તે જ બાળકની સામે વાલી એકદમ સહેલાઇથી સફેદ જૂઠ બોલે છે, 'હા, હા, હું રસ્તામાં જ છું... સોરી સાહેબ, ટ્રાફિક જામમાં ફસાઈ ગયો/ગઈ. હું બને એટલો વહેલો પહોંચું છું... સોરી!' એટલે આનાથી બાળક નાની વયે એ બોધ લે છે કે તમે જે બોલો છો અને જે કરો છો એ બે તદ્દન જુદી વસ્તુઓ હોઈ શકે છે!

બાળકો ઘણી વસ્તુઓ પોતાની આસપાસ થઇ રહેલા વર્તનથી પિકઅપ કરે છે - પછી તે મૂલ્યો હોઈ શકે કે પછી વ્યક્તિ અથવા જીવન સાથે ડીલ કરવાના નુસખા પણ હોઈ શકે. એટલે તમે કઈ રીતે તમારા જીવનસાથી જોડે અથવા તમારા ઓફિસના બોસ જોડે અથવા તમારા ઘરે કામ કરનાર જોડે વર્તન કરી રહ્યો છો એ તમારું બાળક અજાણતાં જ પિક કરી લે છે. દાખલા તરીકે, ભલેને તમે તમારા બાળકને એવી શિખામણ આપતા હો કે તે બધાને માન આપે, પણ જો તમે તમારા ઘરે કામ કરનારા જોડે સારી રીતે નહીં વર્તો તો તમે અજાણતા જ તમારા બાળકના મનમાં હાયરાર્કી (પદાનુક્રમ)ને લઈને લઘુતા અને શ્રેષ્ઠતા જેવા વિચારોને જન્મ આપી તેનો વિકાસ કરશો.

વિનિતાની વાત
એ જ રીતે જો તમે ઓફિસ પોલિટિક્સથી ખૂબ જ સ્ટ્રેસ્ડ છો અને તે વિશે સતત કમ્પ્લેન કર્યા રાખો છો તો તમારાં બાળકો આમાંથી એવો પાઠ લેશે કે ઓફિસ એ સ્ટ્રેસનું કેન્દ્ર છે, જે મોટાભાગે અસહ્ય પણ હોઈ શકે છે. વિનિતા એક 45 વર્સની વર્કિંગ વુમન છે તે વાત કરતાં જણાવે છે કે તેના પિતા એક બિઝનેસમેન હતા, જે પોતાના કામને લઈને ખૂબ જ સ્ટ્રેસ્ડ રહેતા હતા. જ્યારે તેઓ ઘરે આવતા ત્યારે તેમની પત્ની અને બાળકો ખૂબ ધ્યાન રાખતા કે તેમના વર્તન અથવા વાણી થકી તેઓ કોઈપણ રીતે તેમને અપસેટ ન કરે. પરિણામરૂપે વિનિતા હવે સતત ધાર પર ચાલે છે અને તે ત્યારે ખૂબ જ સ્ટ્રેસ અનુભવે છે જ્યારે એને કોઈ એવી વ્યક્તિને ફેસ કરવી પડે, જે અપસેટ હોય કે જે ઊંચા અવાજે વાત કરી હોય.

બાળકો ઝટ દઈને નકારાત્મક ટેવો કે દુર્ગુણો ગ્રહણ કરી લે છે. એટલે પૂરી શક્યતા છે કે જે કુટુંબોમાં પિતાને દારૂની લત હોય તે કુટુંબનો દીકરો પણ કમનસીબે આ કુટેવનું અનુસરણ કરે પણ અહીં નોંધવા જેવી એક સારી વાત એ પણ છે કે, ભલે બધા વાલીઓ પરફેક્ટ રોલ મોડલ ન હોય પણ જરૂરી નથી કે બધાં બાળકો ચોક્કસપણે તેમના નકારાત્મક ગુણોનું અનુસરણ કરે જ. હું પોતે એવાં ઘણાં કુટુંબોને જાણું છું જેમનાં બાળકો દારૂનું એક ટીપું પણ નથી ગ્રહણ કરતા. કેમ? કારણ કે, તેમણે પોતાની નજરે પોતાના પિતાની દારૂની લતની તેમના અને તેમના કુટુંબ પર થઇ રહેલી અત્યંત વિનાશક અસર જોઈ છે.

વાલી સિવાયના રોલ મોડલ
અહીં કોઈપણ ચોક્કસ નિષ્કર્ષ ઉપર પહોંચવું મુશ્કેલ છે પણ એક વાત તો નક્કી જ છે. જો કે, વાલીઓ પરફેક્ટ નથી. એટલે આપણાં બાળકો માટે બીજા રોલ મોડલ્સની જરૂરિયાત પણ રહે છે અને સમસ્યા અહીં જ આવે છે. રોલ મોડલ્સની કોઈ ઊણપ નથી. આસપાસ જોવા જઇએ તો સિનેમા, રમત કે પછી અન્ય ક્ષેત્રો (જેમાં આધ્યાત્મિક ક્ષેત્રનો પણ સમાવેશ થાય છે)માં એવા ઘણા મહાનુભાવો છે, જે ફક્ત બાળક માટે જ નહીં પણ તેના આખા કુટુંબ માટે રોલ મોડલ બને છે પણ ખરો પ્રોબ્લેમ ત્યારે થાય છે જ્યારે તે રોલ મોડલનું કોઈ કૌભાંડ અથવા તેના ભૂતકાળનું કોઈ મેલું રહસ્ય બહાર આવે ત્યારે ફક્ત બાળક જ નહીં પણ તેનું સમગ્ર કુટુંબ એક શોક અને વિશ્વાસઘાતની ફીલિંગ અનુભવે છે.

સુપરહીરો અને પૌરાણિક કથાનાં પાત્ર
કદાચ એટલે જ બાળકો સુપરહીરો અને પૌરાણિક કથાનાં પાત્ર તરફ આકર્ષાય છે. જ્યારે બાળકો એવી વાર્તાઓ સાંભળે, વાંચે અથવા જુએ છે જેમાં હીરો બધા અવરોધોને પાર કરે છે કે પછી એક પૌરાણિક કથાનો પાત્ર પ્રતિકૂળ પરિસ્થિતિનો મક્કમતાપૂર્વક સામનો કરે છે, તો હકીકતમાં બાળક એ વ્યક્તિને નહીં પણ તેના તે ગુણનું સન્માન કરે છે અને તેને પોતાના જીવનમાં ઉતારવાનો પ્રયત્ન પણ કરે છે.

જેમ-જેમ આપણે ઓટોમેશન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની દુનિયામાં વધુ ને વધુ ઊતરતા જઇશું તેમ તેમ આ રોલ મોડલ અને મૂલ્યોનો પ્રશ્ન પણ વધુ મોટો થતો જશે. કાર્ટૂન ફિલ્મ અને હોલિવૂડની ફિલ્મોના ઘણા સુપરહીરો મોડર્ન જમાનાની અવનવી રચનાઓ છે અને તેમને સ્વાર્થી અને વ્યાપારિક કારણોસર પ્રમોટ કરવામાં આવી રહ્યા છે. હવે સમય આવી ગયો છે કે આપણે ફરી પાછા ભારતની લોકકથા અને મહાકાવ્યોના ખજાના તરફ વળીએ અને આપણી નવી પેઢીને જુદાં જુદાં જરૂરી મૂલ્યો વિશે શીખવાનો મોકો આપીએ.

છેલ્લે એટલું જ કહીશ કે યાદ રાખજો કે, તમે પણ તમારાં બાળક માટે એક રોલ મોડલ છો. એટલે પોતાના શબ્દો અને કૃત્યો વિશે જાગૃત રહેજો અને જરૂરિયાત લાગે તો તેના ઉપર જરૂરી અંકુશ પણ રાખજો.
(લેખિકા જાણીતાં શિક્ષણવિદ્ અને મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદનાં સ્થાપક છે)