મનન કી બાત:સફળતા વિશે વિચારશો તો તમારું મન સફળ થવાના રસ્તાઓ શોધશે અને નિષ્ફળ થવાનું વિચારશો તો તમારું મન તમને નિષ્ફળતા જ બતાવશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

આપણી આજુ બાજુ 2 પ્રકારના લોકો હોય છે. આપણે ઓફિસમાં જોતા હોઈએ છીએ કે અમુક લોકો એક ને એક પ્રોબ્લેમમાં દિવસો અને ક્યારેક મહિનાઓ કાઢી નાખતા હોય છે. જ્યારે અમુક બીજા લોકોને આ તકલીફ પરેશાન કરતી જ નથી હોતી અને કદાચ પણ કરે તો બહુ જ ટૂંકા સમયમાં એ આ તકલીફનો ઉપાય કાઢી લેતા હોય છે. એક સામાન્યમાં સામાન્ય ઉદાહરણ છે, ઓફિસમાં એક અઘરા બોસ સાથે પાલો પડવો. આપણે જોતા હોઈએ છીએ કે ઘણા લોકો ઓફિસમાં પોતાનું કામ બરાબર ન કરી શકવાનું કારણ અને આ ઉપરાંત પોતાનું જીવન બગડી જવાનું કારણ પોતાના બોસને આપે છે. ત્યારે જ અમુક લોકો એવા હોય છે કે જે આ જ અઘરા બોસ જોડે કામ કરવાની પોતાની રીત શોધી લેતા હોય છે અથવા બીજા વિભાગમાં ટ્રાન્સફર મેળવી લેતા હોય છે અને ઝાઝો સમય બગાડ્યા વિના પોતાનો રસ્તો શોધી લેતા હોય છે.

ડેવિડ સ્વર્ટ્સનું પુસ્તક ‘ધ મેજિક ઓફ થિંકિંગ બિગ’ પોઝિટિવ સાયકોલોજી ઉપર લખાયેલું એક ખુબ જ સુંદર પુસ્તક છે, જેમાં આપણને આપણી વિચારસરણી આપણી સફળતા કે નિષ્ફળતામાં કેટલી અને કઈ રીતે ભાગીદાર બને છે એના વિશે શીખવાડવામાં આવ્યું છે. કોઈ પણ ક્ષેત્રમાં સાચી મનોવસ્થા કેળવવા માટે આટલી વસ્તુઓ ધ્યાનમાં રાખો:

૧. આપણા વિચારોમાં અને વાણીમાં ‘શું કરી શકાય’નો ઉપયોગ ‘શું ન કરી શકાય’ અથવા ‘શું ન થઈ શકે’ કરતાં વધારે કરો

આપણી વાક્યરચના માત્ર આપણી ભાષામાં નહીં, પરંતુ આપણા વિચારોમાં પણ હોય છે. જ્યારે આપણા વિચારોમાં અને વાણીમાં ‘આ વસ્તુ તો ચોક્કસ ન થઈ શકે’ અથવા ‘આ વસ્તુ કરવી ખૂબ જ મુશ્કેલ છે’ અથવા ‘આવું તો કરી જ ન શકાય’ એવાં વાક્યો જેટલાં વધુ ને વધુ આવશે તેટલી આપણા મગજમાં નકારાત્મક વિચારસરણી કેળવાશે. એની બદલે જેટલા ‘અચ્છા, આ તકલીફ ચોક્કસ છે, પરંતુ આ કરી શકાય’ અથવા ‘આ મુશ્કેલીઓ હોવા છતાં, આપણે આવું કેમ ન વિચારીએ’ એવાં વાક્યોનો પ્રયોગ જેટલો વધારે થશે એટલા સકારાત્મક અને સારા નિર્ણયો તમે લઈ શકશો.

૨. પરિસ્થિતિઓ સારી થશે એની રાહ ક્યારેય ન જુઓ

આપણે નાના હતા ત્યારે આપણા ઘણા મિત્રો અને કદાચ આપણે પણ ઘણીવાર આ વાક્યનો પ્રયોગ કર્યો હશે કે ‘બસ, ઘરની હાલત થોડી સારી થાય ને એટલે પરીક્ષા માટે વાંચવાનું શરૂ કરું’. અથવા એવું વાક્ય કે ‘આ જોબમાં મજા તો નથી આવતી, પરંતુ મને મજા આવે એવું કરવાની શરૂઆત થોડી આર્થિક પરિસ્થિતિ થઈ જાય પછી કરું’. એક વસ્તુ હંમેશાં યાદ રાખજો કે પરિસ્થિતિઓ ક્યારેય આપણને સંપૂર્ણ રીતે અનુકૂળ નહીં હોય. જ્યારે પણ આપણે ગાડીની માઇલેજની એડવર્ટાઈઝમેન્ટ જોઈએ તો આપણે જાહેરાતમાં જોયેલી માઇલેજ કરતાં સામાન્ય જીવનમાં માઇલેજ લિટર દીઠ બે કિલોમીટર ઓછી હશે એવું વિચારીને ચાલીએ છીએ. તેવી જ રીતે પરિસ્થિતિઓ અનુકૂળ ન હોવાની ગણતરી હંમેશાં રાખવી અને એ ઉપરાંત પ્રોબ્લેમનું નિરાકરણ કઈ રીતે કરવું એના પર વિચાર કરવો.

૩. યાદ રાખજો, વિચારોથી ક્યારેય સફળતા નહીં આવે

દુનિયામાં એવા ઘણા લોકો થઈ ગયા કે જેની પાસે ખૂબ જ સારા વિચારો હતા, પરંતુ એ વિચારોને એમણે ક્યારેય અમલમાં ન લાવ્યા અથવા ન લાવી શક્યા. તમારા વિચારની કિંમત એના પર જ નક્કી થશે કે તમે મહેનત કરીને એ વિચારમાંથી શું બનાવો છો. ફેસબુક, ઓર્કુટ, ગૂગલ આ ત્રણે કંપની એક જોડે એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બનાવવાની કોશિશ કરી રહ્યા હતા. વિચાર ત્રણેય કંપનીઓનો એક જેવો જ હતો, પરંતુ ફેસબુકને એ આવડ્યું કે આ વિચારને અમલમાં કઈ રીતે મૂકવો અને સતત સુધારા કઇ રીતે કરવા.

૪. તમારા મગજના ઘોડા તમારી રીતે જ દોડાવવાની શરૂઆત કરો

જો તમને એવું લાગશે કે કોઈ તમને આવીને કોઈ કામ કરવા માટે મજબૂર કરે અથવા કોઈ પરીક્ષા તમને વાંચવા માટે મજબૂર કરે તો જ તમે વાંચો તો એ પદ્ધતિ લાંબી નહીં ટકે. લાંબા સમય સુધી ચાલતી સફળતા માટે આપણા મગજના ઘોડા આપણે પોતે જ દોડાવવા પડે. દરેક વ્યક્તિના જીવનમાં સારા અને નરસા દિવસો આવતા જ હોય છે. સારા દિવસે વધારે કામ થવાનું અને નરસા દિવસે એટલું સારું નહિ. પરંતુ એક વસ્તુ ચોક્કસ યાદ રાખજો કે ઓછું અથવા થોડું ચાલે એવું કામ કશા જ કામ નહિ કરતાં તો વધુ જ છે. એટલે તમે કશું જ કામ ન કરો એના કરતાં કામનું પહેલું માળખું આજે બનાવી લ્યો જ્યારે તમને ખબર છે કે તમે ખૂબ સારી પરિસ્થિતિમાં નથી, અને બીજે દિવસે એના ઉપર બીજો માળ બનાવો.

૫. આવતીકાલની ખૂબ જ સરસ કોશિશ કરતાં આજની ચાલે એવી કોશિશ ક્યાંય સારી

આપણે ઘણા લોકો પાસેથી એવું કહેતાં સાંભળ્યું છે કે હું એક અથવા બે જ વાર વાંચું, પણ પરફેક્ટ વાંચું. આ વિચારસરણીમાં બે તકલીફો છે. પહેલું કે આવા વિચારના કારણે આપણે એવું માનીએ કે આજથી કામ ચાલુ કરવાને બદલે કાલથી કરું કે જેથી કરીને કામ સારું થાય. આ બીજું કશું નહીં, પણ આપણા મનની કામચોરી છે. આ રીતે આપણું મન આજે કામ કરવાથી છૂટી જાય છે. વૈજ્ઞાનિક રીતે જોઈએ તો ખૂબ ધ્યાનથી વાંચવાથી પહેલી વારમાં 65 ટકા જેવું યાદ રહેતું હોય છે અને માપમાં ધ્યાન આપવાથી 55થી 60 ટકા યાદ રહેતું હોય છે. આ રીતે આપણે જોઈએ છીએ કે પહેલાં વાંચનમાં 65 ટકાથી વધારે તો યાદ આપણને ચોક્કસ નથી જ રહેવાનું. સાથે સાથે ઘણીવાર આપણી ‘કાલથી વાંચવાનું શરૂ કરું છું’ની ‘કાલ’ પડતી જ નથી. એટલે આજે થઈ શકાય એટલી અને થઈ શકાય એવી મહેનત કરી અને સંતોષ મેળવવાનું હંમેશાં પસંદ કરવું.

સફળ લોકો અને નિષ્ફળ લોકો વચ્ચે તફાવત એ હોય છે કે સફળ લોકોએ પોતાના મનને એ માનવા માટે કેળવ્યું છે કે એ સફળ બની શકે છે અને એમનું મન એ સફળતા મેળવવા માટે જરૂરી કામ કરવા તૈયાર હોય છે.

મન: પોતાને હંમેશાં યાદ અપાવતા રહેવું કે તમે પોતાને માનો છો એના કરતાં ક્યાંય વધુ સક્ષમ છો. સફળતા મેળવવામાં સુપરમેન અથવા સુપર ઈન્ટેલિજન્ટ હોવાની જરૂર નથી. મોટાભાગના સફળ લોકો માત્ર અને માત્ર પોતાની મહેનતથી આગળ આવ્યા હોય છે.

mananrthakrar@gmail.com

(લેખક સાઇકાયટ્રિસ્ટ અને અચ્છા સ્ટેન્ડઅપ કોમેડિયન છે)