તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુખનું સરનામું:મનમાં ભરીને જીવીશું તો મન ભરીને નહીં જીવાય!

22 દિવસ પહેલા
  • કૉપી લિંક

એક શિક્ષક પિરિયડ લેવા માટે વર્ગખંડમાં દાખલ થયા. શિક્ષકને જોતાં જ વિદ્યાર્થીઓના ચહેરા ખીલી ઊઠ્યાં કારણ કે, એ શિક્ષક વિદ્યાર્થીઓના સૌથી પ્રિય શિક્ષક હતા. આ શિક્ષક માત્ર અભ્યાસક્રમના પાઠો જ નહોતા ભણાવતા પરંતુ પુસ્તક સિવાય જીવનના પાઠ પણ ભણાવતા. સાહેબ વર્ગમાં આવે એટલે વિદ્યાર્થીઓ ખુબ ઉત્સુક હોય કારણ કે કંઇક ને કંઇક નવી વાત લઇને આવે. શિક્ષકના હાથમાં એક પાણી ભરેલો ગ્લાસ હતો. આ ગ્લાસ વિદ્યાર્થીઓને બતાવીને પૂછ્યું, 'આ ગ્લાસનું વજન કેટલું હશે?'

પાણીના ગ્લાસને હાથમાં પકડ્યા વગર તો કેમ ખબર પડે કે વજન કેટલું હશે? તેથી, બધા વિદ્યાર્થીઓએ પોતપોતાની રીતે અનુમાન લાગાવીને જુદા-જુદા જવાબો આપ્યા. શિક્ષકે બીજો પ્રશ્ન પૂછ્યો, 'આ ગ્લાસને હું થોડી મિનિટ મારા હાથમાં પકડી રાખું તો શું થાય?' એક વિદ્યાર્થીએ જવાબ આપ્યો, 'સર, આટલા નાના ગ્લાસને થોડીવાર પકડી રાખવાથી કંઇ જ ન થાય.' સાહેબે આગળનો સવાલ પૂછ્યો, 'હું આ ગ્લાસને થોડી મિનિટને બદલે થોડા કલાક માટે પકડી રાખું તો? 'બીજા એક વિદ્યાર્થીએ જવાબ આપ્યો, 'સર, ગ્લાસ ભલે નાનો હોય પણ જો તમે કેટલાક કલાક સુધી એ ગ્લાસને એમ જ ઊંચેથી પકડી રાખો તો પછી તમારા હાથમાં દુ:ખાવો શરૂ થાય અને હાથમાં ધ્રુજારી પણ ચાલુ થાય.' શિક્ષકે વિદ્યાર્થીઓ સાથેનો વાર્તાલાપ આગળ ચલાવતાં કહ્યું, 'પણ, હું આ ગ્લાસને આખો દિવસ પકડી રાખું તો?’ એક છોકરો ઊભો થઇને હસતાં હસતાં બોલ્યો, 'સર, તો પછી તમને દવાખાને દાખલ કરવા પડે.' છોકરાનો જવાબ સાંભળીને આખો ક્લાસ હસી પડ્યો.

શિક્ષકે કહ્યુ, 'તમારી બધાની વાત બિલકુલ સાચી છે. મારે એક બીજી બાબત પણ તમારી પાસેથી જાણવી છે. હું ગ્લાસને જેટલો સમય પકડી રાખું એ સમય દરમિયાન ગ્લાસના વજનમાં કોઇ વધારો થાય? 'એક છોકરાએ બહુ સરસ જવાબ આપ્યો, 'ના સર, ગ્લાસનું વજન ન વધે પણ એને પકડી રાખવાથી હાથનો દુખાવો વધે એટલે વજનમાં વધારો ન થયેલો હોવા છતાં એવું લાગે કે ગ્લાસનું વજન વધી રહ્યું છે. થોડા કલાક પછી તો આ 200 ગ્રામના નાના ગ્લાસનું વજન તમને 2 કિલો જેટલું અનુભવાય.' સાહેબે પૂછ્યું, 'મારે આ વજનને ઓછું કરવું હોય અને ગ્લાસને પકડી રાખવાથી થતી પીડામાંથી મુક્ત થવું હોય તો એનો કોઇ ઉપાય તમને દેખાય છે?' ઘણાબધા વિદ્યાર્થીઓએ જવાબ આપવા માટે હાથ ઊંચા કર્યા. સાહેબે એક વિદ્યાર્થીને ઊભો કર્યો એટલે એણે જવાબ આપતાં કહ્યું, 'સર, આ દુખાવામાંથી મુક્ત થવું હોય તો ગ્લાસને હાથમાં પકડી રાખવાના બદલે ટેબલ પર મૂકી દેવાય. ગ્લાસ નીચે મૂકતાંની સાથે જ દુખાવો પણ બંધ થઇ જાય અને ભાર પણ જતો રહે.'

શિક્ષકે વિદ્યાર્થીઓને કહ્યું, 'દોસ્તો, આ પ્રયોગ દ્વારા મારે તમને એક મહત્ત્વનો પાઠ ભણાવવો હતો. જીવન છે એટલે સુ:ખ અને દુ:ખ આવ્યા કરે. જીવનમાં બનતી દુ:ખદ ઘટનાઓ આ પાણીના ભરેલા ગ્લાસ જેવી છે. જો એને પકડી રાખીએ તો દુખાવો સતત વધતો જાય અને જો એને નીચે મૂકતા શીખીએ તો દુખાવામાંથી રાહત થાય.'

યાદશક્તિ કોઇપણ માણસ માટે આશીર્વાદ કહેવાય. પરંતુ જો કેટલીક ઘટનાઓ ભૂલી ન શકાય તો આવી યાદશક્તિ અભિશાપ બનીને માણસને હેરાન પણ કરી શકે. કુદરતની એક કરામત છે, જીવનની સારી-સારી ઘટનાઓ મહાપંડિતો પણ ભૂલી જાય છે અને ખરાબ ઘટનાઓ કટાયેલા મગજવાળાને પણ યાદ રહી જાય છે. કોઇ અપમાન કરે કે ગાળ આપે, જાહેરમાં ઉતારી પાડે કે આપણા વિશે એલફેલ બોલે તો આવી ઘટના અને વ્યક્તિ કમ્પ્યૂટરની હાર્ડડિસ્કમાં ડેટા સચવાય એમ સચવાઇને પડી રહે છે. આ સાચવણી ખૂબ નુકસાન કરે છે. મરણપથારીએ પડ્યા હોય એવા સમયે વર્ષો પહેલાં ગાળ આપનાર કોઇ માણસ સામે આવીને ઊભો રહે તો આપણને તુરંત જ આખી ઘટના નજર સામે તરવરે છે. આવી ઘટનાને ભૂલતા શીખીએ તો જ જીવનની સાચી મજા માણી શકીએ.

મારાં પ્રિય ફળોમાં જામફળ પ્રથમ સ્થાને આવે. જામફળ ખાવાની મજા ખૂબ આવે પણ જામફળ ખાધા પછી એક નવી સમસ્યા ઊભી થાય. જામફળનાં બી ખૂબ મજબૂત હોય એટલે એ દાંતના પોલાણમાં ફસાઇ જાય. બી ખૂબ નાનાં હોવાથી આંગળી કે નખનો ઉપયોગ કરવા છતાં બી પોલાણમાંથી બહાર ન નીકળે. જેણે આ અનુભવ્યું હશે એને ખબર હશે કે જ્યાં સુધી બી દાંતમાંથી બહાર ન નીકળે ત્યાં સુધી ચેન જ ન પડે. થોડી-થોડીવારે જીભ ત્યાં જઇને આંટો મારી આવે અને બિચારી ધોયેલા મૂળા જેવી પાછી આવે. જામફળની જેમ કેરીનું પણ છે. કેરીના રેસા દાંતમાં ફસાઇ જાય તો જ્યાં સુધી એ દાંતમાંથી બહાર ન કાઢીએ ત્યાં સુધી મજા જ ન આવે. જરા વિચાર કરવાની જરૂર છે કે જામફળના બી કે કેરીના રેસા જો દાઢમાં હોય તો મજા છીનવાઇ જાય છે તો પછી આપણે તો માણસોને દાઢમાં રાખીને બેઠા છીએ પછી આનંદ ક્યાંથી આવે.

કેટલીક એવી ઘટનાઓ પણ બનતી હોય છે કે જેમાં આપણાથી કોઇ નાની એવી ભૂલ થાય અને એ ભૂલને કારણે આપણને સતત એમ થયા કરે કે કાશ, મેં આ ભૂલ ન કરી હોત તો? નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમણે રાજકોટમાં સૌરાષ્ટ્રની બધી જ ગ્રામપંચાયતના સભ્યો અને સરપંચોનું બહુ મોટું સંમેલન રાખેલું. મને આ સંમેલનમાં ઉદઘોષક તરીકેની સેવા મળેલી. મોદી સાહેબથી તે સમયે બહુ પ્રભાવિત હતો અને એમની હાજરીમાં બોલવાનો મોકો મળે પછી બાપુ મૂકે? પ્રવક્તાએ ખૂબ ટુંકમાં બોલવાનું હોય પણ મોદી સાહેબને સ્વાગત માટે ઊભા કરીને મેં તો લાંબી વાત ચાલુ કરી. મુખ્યમંત્રી સાહેબ સ્વાગત સ્વીકારવા ઊભા થયા, પણ મેં મારી વાત પૂરી ન કરી એટલે ઉચ્ચ અધિકારીઓ બરાબરના મારા પર ચીડાયા. પછી તો એક શબ્દથી પતી જતું હોય તો બીજો શબ્દ ન બોલું. કાર્યક્રમ સફળ રહ્યો પણ મેં લાંબું બોલીને સીએમ સાહેબને ઊભા રખાવ્યા એ વાતની ખૂબ ટીકા થઇ. હું સાચું કહું છું કે એ રાત્રે મને ઊંઘ જ ન આવી. સતત એક જ વિચાર આવે કે મેં આ ભૂલ ન કરી હોત તો? થોડા દિવસ આ ભૂત રહ્યું, પણ પછી આત્મમંથન કર્યું ત્યારે સમજાયુ કે જે ઘટના ઘટી જ ગઇ છે એમાં હવે હું કોઇ ફેરફાર કરી શકું એમ નથી તો પછી એ બાબતે વિચારીને શા માટે દુ:ખી થવું. પાણીના ગ્લાસની જેમ ઘટનાને નીચે મૂકી, ઘટનામાંથી એક બોધપાઠ લીધો એટલે હળવાફુલ થઇ જવાયું અને ત્યારબાદ તો મોદી સાહેબના કેટલાય કાર્યક્રમોમાં પ્રવક્તા તરીકે ખુદને સંતોષ થાય એવું કામ કર્યું.

જીવન છે એટલે આવી જાત-જાતની ઘટનાઓ સતત બનતી જ રહેવાની છે. આવી ઘટનાઓને કે ઘટનાના પાત્રોને થોડો સમય પકડી રાખીએ ત્યાં સુધી વાંધો નહીં આવે, પણ જો યોગ્ય સમયે નીચે મૂકતા ન આવડે તો દુ:ખી થવા સિવાય બીજો કોઇ ઉપાય નથી.

(લેખક જાણીતા વિચારક અને વક્તા છે)

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો