તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુખનું સરનામું:આપણી જાતને બદલીએ તો દુનિયા પણ બદલાશે

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

એક યુવતી પરણીને સાસરીએ આવી. સસરા તો પહેલેથી જ સ્વર્ગે સીધાવેલા એટલે સાસુમાંને સાચવવાની જવાબદારી આ નવી પરણીને આવેલી વહુની જ હતી. સાસુને વાત-વાતમાં ટોક ટોક કરવાની ટેવ હતી. જે છોકરી પરણીને આવેલી એને કોઇ ટક ટક કરે એ બિલકુલ પસંદ નહોતું. સાસુની સતત ટક ટકથી વહુ થોડા જ મહીનામાં કંટાળી ગઇ. છોકરી થોડા દિવસ એમના પિયરમાં રોકાવા માટે આવી. મમ્મીએ દિકરીનો ચહેરો જોઇને જ અંદાજ લગાવી લીધો કે એને સાસરીયામાં કંઇક તકલીફ છે એટલે એમણે દિકરીને એકાંતમાં બોલાવીને જે હોય એ પેટ છુટી વાત કરવા માટે કહ્યું. દિકરીએ બધી જ વાત કરી અને પછી કહ્યું, 'મમ્મી, મને એવું લાગે છે કે હું હવે લાંબો સમય એ ઘરમાં નહીં રહી શકું. સવાર-સાંજ સાસુની ટક ટક સાંભળીને એવી કંટાળી છું. મને તો ઘણીવાર એવું થાય છે કે મારી સાસુને મારી નાંખુ અથવા તો હું મરી જાઉં.'

મમ્મીએ દિકરીને સમજાવતા કહ્યું, 'બેટા. આપણે મરવાનું ના હોય સાસુને મારી નાંખવાની હોય પણ જો તું આવું કરીશ તો તારે જિંદગી જેલમાં વિતાવવનો વારો આવશે. હું તને એક એવો ઉપાય બતાવું કે તારી સાસુ મરી જાય અને તારા પર કોઇ આક્ષેપ પણ ન મૂકે.' છોકરીએ કહ્યું, 'મમ્મી મને જલદી એ ઉપાય જણાવ.' મમ્મીએ દિકરીને હળવા અવાજે કહ્યું, 'હું તને એક દવા આપીશ. એ ધીમું ઝેર છે. રોજ થોડું થોડું તારા સાસુના ભોજનમાં નાંખજે એટલે છ મહીના પછી એની અસરથી તારી સાસુ મરી જાશે અને કોઇને તારા પર શંકા પણ નહીં જાય.' બીજા દિવસે માંએ દિકરીને એક દવા આપી. દિકરી રાજીની રેડ થઇ ગઇ કે છ માસમાં મારી બધી જ સમસ્યાનો ઉકેલ આવી જશે.

દિકરી સાસરે જવા વિદાઇ થઇ ત્યારે માંએ એને કહ્યુ, 'બેટા તારે એક ખાસ બાબતનું ધ્યાન રાખવાનું છે. આ છ માસ દરમિયાન તું એક આદર્શ વહુ બનીને રહેજે. તારી સાસુ જે કંઇ ટક ટક કરે એ બધુ સાંભળી લેજે. બધું જ સહન કરી લેજે. એની સામે ક્યારેય ન બોલતી અને એક ડાહી વહુની જેમ એની બધી જ સેવા કરજે. જેથી, બધાને એવું લાગે કે તારી સાસુના મોતમાં તારો કોઇ હાથ નથી. આમ પણ તારે આ નાટક માત્ર છ માસ જ કરવાનું છે.' સાસરે આવીને બીજા દિવસથી વહુ સાવ બદલાઇ ગઇ. પહેલા વાત-વાતમાં સાસુની સામે થઇ જતી એના બદલે સાસુની ખુબ સેવા કરવા લાગી. સાસુ ગમે તેવું ખરાબ બોલે તો પણ તે પ્રેમથી સાંભળી લે અને સાસુને હસી હસીને જવાબ આપે. સાસુની ઇચ્છા પ્રમાણે કપડાં પહેરે, સાસુને ગમે એવી રસોઇ બનાવે. વહુના બદલાવની અસર સાસુ પર પણ થવા લાગી. સાસુને વહુ હવે ગમવા લાગી. વહુને વઢવાને બદલે સાસુએ આડોશ પાડોશમાં વહુના વખાણ કરવાનું ચાલુ કર્યુ. થોડા સમયમાં ટક ટક કરવાનું તો સાવ બંધ જ કરી દીધું. હવે તો ઘરમાં વહુને બધી છુટછાટ અને સ્વતંત્રતા પણ મળવા માંડી. વહુને સાસુનો આ બદલાવ બહુ ગમ્યો. જે સાસુને એ નફરત કરતી હતી એ સાસુ હવે એને વહાલી લાગવા માંડી. મમ્મીએ આપેલી દવાથી સાસુ હવે થોડા મહિનામાં મરી જશે એ વિચારથી એ ધુજી ઉઠી.

પિયર જઇને મમ્મીને કહ્યું, 'મમ્મી, મારી સાસુ સાવ બદલાઇ ગઇ છે. મને ખૂબ પ્રેમ કરે છે. હવે એ ખૂબ લાંબું જીવે એવુ હું ઇચ્છું છું. મને કોઇ એવી દવા બતાવ જે આ ઝેરને બીન અસરકારક કરી દે.' મમ્મીએ હસતાં હસતાં કહ્યું, ' બેટા, હું તારી માં છું અને તારા ઉજવળ ભાવિનો હંમેશાં વિચાર કરું છું. મેં તને ઝેરી દવા આપી જ નહોતી. એ તો માત્ર શક્તિવર્ધક પાઉડર હતો. મને ખબર જ હતી કે જો તું તારી જાતને બદલીશ તો તારી સાસુ પણ આપોઆપ બદલાઇ જશે.' આપણે કોઇને બદલવા માગતા હોઇએ તો સૌ પ્રથમ આપણે પોતે બદલાવું પડે. બીજા લોકો તમારી મરજી મુજબ જીવે એવું તમે ઇચ્છતા હો તો તમારે પ્રથમ બીજાની મરજી મુજબ જીવતા શીખવું પડે.

સ્ટીફન કોવીનું એક ખુબ સરસ પુસ્તક છે. 'The seven habits of highly effective people.' આ પુસ્તકનું અનેક ભાષામાં ભાષાંતર થયેલું છે. વિશ્વની ટોચની 500 કંપનીઓ એના મહત્ત્વની જવાબદારીઓ સંભાળતા કર્મચારીઓને આ પુસ્તકની તાલીમ આપવામાં આવે છે. પુસ્તકના લેખક આજે આપણી વચ્ચે નથી પણ પુસ્તકમાં એમણે મુકેલા અદભૂત વિચારોથી જીવનને જુદી રીતે જોવાની એક દૃષ્ટિ આપે છે. આ પુસ્તકમાં લેખકે લાગણીના બેંક ખાતાંની વાત કરી છે. લેખકના જણાવ્યા પ્રમાણે, આપણે જેટલી વ્યક્તિઓના સંપર્કમાં આવીએ એ તમામ વ્યક્તિઓના હૃદયમાં આપણા નામનું એક લાગણીનું ખાતું ખુલેલું હોય છે. જેવી રીતે બેંક ખાતામાં નાણાની લેવડ-દેવડથી બેલેન્સની વઘ-ઘટ થાય છે એવી જ રીતે આ લાગણીના બેંક ખાતાંમાં પણ આપણા વાણી-વર્તનની બેલેન્સની વઘ-ઘટ થાય છે. હું મારા પરિવારના સભ્યોના સંપર્કમાં આવું એટલે બધા જ સભ્યોના હદયમાં મારા નામનું લાગણીનું ખાતું હોય જ અને એ સભ્ય સાથે હું જે પ્રમાણે બોલું કે વર્તન કરું તે મુજબ એના હદયમાં મારા નામના ખાતાંમાં બેલેન્સ વધ-ઘટ થયા કરે છે. વાત બહુ સામાન્ય લાગે પણ ધ્યાનપૂર્વક સમજવા જેવી છે.

બેંકમાંથી કોઇ રકમનો ઉપાડ કરવો હોય તો પહેલાં રકમ જમા કરાવવી પડે. જ્યાં સુધી રકમ જમા ન કરાવો ત્યાં સુધી ઉપાડ કરવાની સુવિધા મળતી નથી. બેંકમાંથી કોઇ રકમ ઉપાડવી હોય ત્યારે પહેલાં તપાસ કરવી પડે કે કેટલી રકમ જમા છે કારણ કે, જેટલી જમા હોય એના કરતાં વધુ પણ ના ઉપાડી શકાય. બેંકમાં 1 લાખ રૂપિયા જમા હોય અને એની સામે તમે 50 હજાર રૂપિયાનો ચેક લખો તો તમારો ચેક તુરંત જ મંજૂર થઇ જાય પણ 1 લાખની જમા રકમ સામે 2 લાખનો ચેક લખો તો ચેક પાછો જ આવે. જમા રકમ કરતાં વધુ રકમનો ચેક લખનાર માણસને આપણે મુરખ ગણીએ છીએ પણ સંબંધોની બાબતમાં આપણે ખુદ આવી મુર્ખામી કરીએ છે. પરિવારના કોઇ સભ્ય પાસે કોઇ અપેક્ષા રાખો એ પહેલાં એ જોવું જોઇએ કે એના હૃદયમાં ખુલેલા મારા નામના લાગણીના ખાતાંમાં કોઇ બેલેન્સ છે કે નહીં? જો બેલેન્સ જ પૂરતું ન હોય અને તમે અપેક્ષારૂપી મોટી રકમનો ચેક લખી નાખો તો સ્વાભાવિક છે કે ચેક પાછો જ આવે.

જો આપણે એવું ઇચ્છા તોઇએ કે મારો ચેક મંજૂર થાય (મતલબ કે પરિવારના જે સભ્ય પાસે હું જે અપેક્ષા રાખું એ પુરી થાય) તો પહેલાં પુરતું બેલેન્સ જમા કરવું જોઇએ અને પછી ચેક લખવો જોઇએ. સામેવાળી કોઇ વ્યક્તિ આપણી વાત માને એવી ઇચ્છા રાખવી હોય તો પહેલાં સામેવાળી વ્યક્તિની થોડી વાતો આપણે પણ માનવી પડે. આપણને ઘણી વખત એવું થાય છે કે પરિવારના બાકીના સભ્યો મારી વાત માનતા કેમ નથી? હવે આવું થાય તો સમજી લેજો કે સામેવાળી વ્યક્તિના હદયમાં તમારા નામના લાગણીના ખાતાંમાં જેટલું બેલેન્સ છે એના કરતાં ચેક મોટો લખી નાંખ્યો છે. પહેલા પૂરતું બેલેન્સ પેદા કરવું અને પછી ચેક લખવો તો ક્યારેય ચેક પાછો નહીં ફરે. બીજાને બદલવા માટે આપણે પોતાની જાતને બદલવી જોઇએ. જ્યારે આપણે પોતાને બદલીશું ત્યારે બીજા પણ બદલાઇ જશે.
(લેખક જાણીતા વિચારક અને વક્તા છે)