તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુખનું સરનામું:સંબંધોના પતંગમાં પેચ લાગે તો ઢીલ મૂકવી, નહીં તો સંબંધ કપાતાં વાર નહીં લાગે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

સુખને ઝાંઝવા જેવું ગણો કે પતંગિયા જેવું, પણ તેને પામવાનો માર્ગ સરળ છે ને ઠેકાણુંય ઢૂકડું છે. આ કોલમમાં દર શનિવારે વિચારોના પરબીડિયા પર સવાર થઇને આપણે સૌ નીકળી પડીશું સુખના સરનામે.
***
મકરસંક્રાંતિનો દિવસ હતો. પતંગરસિયાઓ વહેલી સવારથી જ અગાસી ઉપર ચઢી ગયા હતા. મકરસંક્રાંતિની મજા મોટાઓને હોય એના કરતાં નાનાં બાળકો આ તહેવારને મન ભરીને માણતા હોય છે. પતંગ ઉડાડવાનો શોખીન એક બાળક પણ વહેલી સવારમાં જ પતંગ અને દોરા સાથે ધાબા પર ચડી ગયો. સવારમાં એણે પોતાના દાદાને પણ સાથે લીધા. મમ્મી પપ્પાને તો ટાઇમ નહોતો એટલે દાદા જો સાથે હોય તો ફીરકી પકડવામાં મદદ કરે.

આજે પવન પણ સાથ આપી રહ્યો હતો એટલે દાદા અને પૌત્ર સાથે મળીને પતંગ ચગાવવાની મજા લઇ રહ્યા હતા. જેમ-જેમ સમય પસાર થતો ગયો તેમ-તેમ આકાશમાં પતંગોની સંખ્યા વધવા લાગી. પેલા પતંગ રસિયા બાળકનો પતંગ તો છેક દુર-દુર ઉડી રહ્યો હતો. આ બાળકને બીજા કોઇનો પતંગ કાપવાને બદલે પોતાના પતંગને આકાશમાં ઊંચે લઇ જવામાં વધારે રસ હતો અને એકદમ અચાનક કોઇ બીજા પતંગ સાથે આ બાળકના પતંગનો પેચ થઈ ગયો.

બાળક ગભરાયો અને પોતાનો કપાતો પતંગ બચાવવા માટે એ જલ્દી-જલ્દી પોતાનો પતંગ ખેંચવા માંડ્યો. આ જોઇને દાદાએ બાળકને ટોક્યો, “બેટા, આ શું કરે છે? કેમ પતંગની દોરી ખેંચવા માંડ્યો?” બાળકે ગભરાઇને કહ્યું, “દાદા, જરા જુઓ તો ખરા, આપણા પતંગનો બીજા પતંગ સાથે પેચ થઈ ગયો છે! આપણો પતંગ કેટલે ઊંચે ઉડી રહ્યો છે એટલે એ પતંગ કપાઇ ન જાય એ માટે હું ખેંચી રહ્યો છું.” પૌત્રની આ વાત સાંભળીને અનુભવી દાદાએ પૌત્રને કહ્યું કે, “બેટા પેચ લાગે એટલે ખેંચવાને બદલે ઢીલ મુકવાની હોય. જો તું ખેંચવાનું ચાલુ રાખીશ તો તારો પતંગ બચશે નહીં, ઉલ્ટાનો કપાઇ જશે.

બાળકને દાદાની વાત પર વિશ્વાસ ન બેઠો. ઢીલ મુકવાથી કંઇ થોડી પતંગ બચી શકે એવું માનનાર એ બાળકે દોરી ખેંચવાનું ચાલું જ રાખ્યું. થોડીવારમાં એનો પતંગ કપાઇ ગયો. દોરી કોઇ લુંટી ન જાય એટલે એ બચેલી દોરીને ઝડપથી ખેંચવા લાગ્યો. થોડા સમયમાં તો એના પગ પાસે દોરીનો ઢગલો થઇ ગયો. દાદા શાંતિથી આ બધું જોઇ રહ્યા હતા.

દાદાએ ફરીથી કહ્યું, બેટા હવે પતંગ ભલે કપાઇ ગયો પણ તું શાંતિથી ઊભો રહેજે. બહુ કુદાકુદ ન કરતો, નહીં તો દોરીમાં ગુંચ પડી જશે અને આ દોરી આપણને કોઇ કામમાં નહીં આવે. પણ માને તો એ બાળક શાનો. એણે કુદકા માર્યા ને દોરીમાં ગુંચ પડી. પછી તો જેમ વધુ કુદકા મારતો ગયો તેમ ગુંચ વધતી ગઈ. ગુંચ કાઢવાના ખુબ પ્રયાસ કર્યા પણ કોઇ રીતે ગુંચ નીકળી જ નહીં. ઉલ્ટાની દોરી વધુ ગુંચવાતી જતી હતી. ખૂબ પ્રયત્નો કરવા છતાં પણ ગુંચ ન ઉકેલાવાના કારણે છેવટે બધી જ દોરી ફેંકી દેવી પડી.

આપણા દરેકનું કામ પણ આ નાનાં બાળક જેવું છે. જ્યારે સંબંધોના પેચ લાગે ત્યારે ઢીલ મૂકવાને બદલે ખેંચીએ છીએ અને સંબંધો તૂટી જાય છે અને એ જ રીતે જીવનમાં જ્યારે સમસ્યાઓ કે પ્રશ્નોથી ઘેરાઇ જઇએ ત્યારે કુદાકુદ કરીને પ્રશ્નો ઘટાડવાના બદલે વધારી દઇએ છીએ.

સંબંધો માનવજીવનની સૌથી મોટી મિલકત છે. સંપત્તિ વગર જીવી શકાય પણ સંબંધ વગર તો માણસ પાગલ બની જાય. તમે કેટલાય એવા પ્રસંગો સાંભળ્યા હશે કે વાંચ્યા હશે કે જેમાં કરોડોની સંપતિના માલિક હોવા છતાં લોકો આત્મહત્યાનો માર્ગ અપનાવે છે કારણ કે, સંબંધોની બાબતમાં આ કરોડપતિઓ મોટા ભિખારી હોય છે. જીવનનો શ્વાસ જ સંબંધો છે એમ કહીએ તો એમાં અતિશયોક્તિ નથી. આ સંબંધોને સાચવવા કે જાળવવા માટે પ્રયાસ કરવો પડે છે. સંબંધોમાં સતત ચણભણ થયા કરે છે અને એ તદ્દન સ્વાભાવિક છે. અપવાદરૂપ કોઇક જ એવા સંબંધો હશે કે જેનો ગ્રાફ હ્રદયના ECG જેવો નહીં હોય. બાકી જ્યાં સુધી શ્વાસ ચાલશે ત્યાં સુધી સંબંધોમાં ચઢ-ઉતર તો રહેવાની જ. મતભેદ ભલે થાય પણ મનભેદ ન થાય એની કાળજી રાખવી જોઇએ.

એક સમયના બે જીગરજાન મિત્રો સમય જતા જાની દુશ્મન બની જાય છે કારણ કે, બંનેમાંથી કોઇ નમતું જોખવા તૈયાર નથી હોતા. જીવનના તમામ સંબંધોમાં આવું જ થાય છે. કોઇ ગેરસમજણને લીધે કે કોઇ નાની ભૂલને લીધે માફ કરવાની મનોવૃત્તિ ન હોવાથી આપણે સંબંધને પૂરા કરવા તરફ આગળ વધીએ છીએ. સંબંધોના પેચ લાગે ત્યારે થોડી ઢીલ મૂકતાં શીખી જઇએ તો સંબંધ કપાતા બચી જશે. ઢીલ મૂકવાનો મતલબ એવો સહેજ પણ નથી કે આપણે નબળા છીએ! કેટલાક લોકો એવું પણ વિચારતા હોય છે કે સંબંધોને જાળવવા માટે જો આપણે જતું કરીશું તો પછી એને આપણી નબળાઇ ગણી લેવામાં આવશે. પણ આ દરેક કિસ્સામાં એ સાચું નથી હોતું. આપણા માટે ઊભા થયેલા પ્રશ્ન કરતાં એ વ્યક્તિ સાથેનો સંબંધ વધુ મહત્ત્વનો હોય છે. કોઇએ બહુ સરસ કહ્યું છે કે, તમારા માટે ઊભો થયેલો પ્રશ્ન જ મહત્ત્વનો હોય તો તે વ્યક્તિ સાથેના સંબંધને ભૂલી જાવ અને જો વ્યક્તિ સાથેનો સંબંધ મહત્ત્વનો હોય તો પછી ઊભા થયેલા પ્રશ્નને ભૂલી જાઓ. આપણે ઊભા થયેલા પ્રશ્નને ભૂલી શકતા નથી અને પછી ભવિષ્યમાં સમય જતા સમજાય છે કે સંબંધને ભૂલીને બહુ મોટી ભૂલ કરી છે.

બીજી એક મહત્તવની બાબત એ પણ છે કે જ્યારે કોઇ પ્રશ્નો કે સમસ્યાઓ ઊભી થાય ત્યારે કુદાકુદ કરવાને બદલે જો સ્થિર રહીએ તો એને ઉકેલવા માટેનો રસ્તો મળી રહે. સંબંધોમાં તણાવ ઊભો થાય તો એમાં ઢંઢેરો પીટવાનો ન હોય, ઊલ્ટાનું એનાથી સંબંધની ગુંચ ઉકેલાવાને બદલે વધુ ગુંચવાય છે.

આજથી જ આવો આપણે આપણી સાચી મૂડી એવા સંબંધોના જતન માટે સંકલ્પબધ્ધ થઇએ. આજે દાનમાં પૈસા નહી આપો તો ચાલશે. પરંતુ તમારા પોતાના લોકોની સાથેના સંબંધોમાં જે ખાલીપો પડ્યો છે એને ક્ષમાના દાન દ્વારા પૂરી દઇએ.
(લેખક જાણીતા વિચારક અને વક્તા છે)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો