સુખનું સરનામું:જો જો ટેક્નોલોજીનો અતિરેક માનવતાને મારી ન નાખે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

એક કોલેજીયન યુવક કોલેજમાં રજા હોવાથી આજે ઘરે હતો. સોફા પર આરામથી લાંબા પગ કરીને મોબાઇલ પર કોઇની સાથે ચેટિંગ કરી રહ્યો હતો. યુવકના દાદાએ યુવકને આરામથી મોબાઇલમાં કોઇની સાથે ચેટ કરતા જોયો એટલે પૂછ્યું, 'બેટા, કેમ આજે ઘરે છે? કોલેજ નથી જવાનું તારે?' યુવાને મોબાઇલમાંથી માથું ઊંચું કર્યા વગર જ કહ્યું, ‘દાદા, આજે કોલેજમાં રજા છે.’ દાદાએ પૌત્રને કહ્યું, 'બેટા, તારે કોલેજમાં રજા છે તો આજે મને નાની મદદ કર. મારે નવાં ચશ્માં લેવાનાં છે તું મારી સાથે ચાલ ને...’ મોબાઇલ પર ચેટિંગ કરતા યુવકને દાદાની આ દરખાસ્ત ન ગમી. એમણે દાદાને કહ્યું, 'દાદાજી, જમાનાની સાથે હવે તમારી જાતને પણ બદલો અને આધુનિક ટેક્નોલેજીનો ઉપયોગ કરતા થાઓ. ચશ્માં ખરીદવા માટે હવે દુકાન સુધી લાંબા થવાની અને સમય બગાડવાની કોઈ જરૂર નથી.’ દાદાએ આશ્ચર્ય સાથે કહ્યું, ‘શું વાત છે બેટા? દુકાને ગયા વગર પણ ચશ્માંની ખરીદી થઇ શકે?’

યુવાને જરા રૂઆબ સાથે કહ્યું, ‘દાદા, અહીંયા આવો, મારી બાજુમાં બેસો, હું તમને સમજાવું. આ મોબાઇલ ઇન્ટરનેટનો ઉપયોગ કરીને તમે બધી જ વસ્તુઓ ઘરે બેઠાં ખરીદી શકો છો. જુદી-જુદી ઓનલાઇન સેવા પૂરી પાડતા ડિપાર્ટમેન્ટલ સ્ટોર પરથી તમે ખાલી ચશ્માં જ નહીં કરીયાણું, કપડાં, ઇલેક્ટ્રોનિક્સ આઇટેમ્સ અરે, ગાયના પોદળા પણ ખરીદી શકો છો. દુનિયા હવે બહુ આગળ નીકળી ગઇ છે દાદા હવે તમારી જુનવાણી પદ્ધતિને પડતી મૂકો અને આ આધુનિક પદ્ધતિ અપનાવો એટલે તમે ઘરે બેઠાં જરૂરિયાત મુજબની બધી જ વસ્તુઓ ખરીદી શકશો. આમ તો તમારા જેવા વૃદ્ધ માટે તો આ વધુ ફાયદાકારક છે આવી ગરમીમાં ક્યાંય બહાર જવાનું જ નહી અને જે જોઇએ તે ઘરે જ હાજર થઇ જાય.’

દાદાએ યુવાન પૌત્રની બધી વાત ધ્યાનથી સાંભળી પછી હળવેકથી કહ્યું, ‘બેટા, તારી વાત તો સાચી છે કે આ ઓનલાઇન ખરીદી કરવાથી આપણો સમય બચે છે. થોડું ડિસ્કાઉન્ટ પણ મળે એટલે પૈસા પણ બચે. પણ સમય અને પૈસા બચાવવા જતા જેના વગર જીવવું મુશ્કેલ છે એવો માનવીય સંબંધ છૂટી જાય છે એનું શું?’ યુવકને કંઇ ન સમજાયું એટલે એણે દાદાને કહ્યું, ‘તમે શું કહેવા માગો છો એની કંઇ ખબર નથી પડતી. આ માનવીય સંબંધ એટલે વળી શું? અને એ છૂટી જાય તો શું ખાટું મોળું થઇ જવાનું?’

દાદાએ યુવકના ખભે હાથ મૂકતાં કહ્યું, ‘બેટા, ઘરનાં શાકભાજી લેવા જવાનું કામ મારું છે એ તો તું જાણે જ છે. હમણાં થોડા દિવસ પહેલાં હું બીમાર પડ્યો. રોજ શાકભાજી લેવા હું જતો, પણ હું બીમાર પડ્યો એટલે તારા પપ્પા ગયેલા. શાકભાજીવાળાએ તારા પપ્પાને મારા વિશે પૂછ્યું એટલે એને મારી બીમારીની ખબર પડી. એ શાકભાજી વેચનારો ભાઇ એ જ દિવસે સાંજે એમની દુકાન બંધ કરીને મારી ખબર કાઢવા માટે આપણા ઘરે આવેલો અને મારી પથારી પાસે બેસીને મને સાંત્વના આપેલી. એ થોડીવાર મારી પાસે બેઠો એનાથી મને ખૂબ સારું લાગ્યું અને મારા દર્દમાં થોડી રાહત થઇ હોય એવું લાગ્યું. બેટા, તને કંઇ ખબર નથી, પણ થોડાં વર્ષો પહેલાં આપણે નાણાંકીય તંગીનો ભોગ બનેલા, ધંધામાં નૂકસાન જવાથી ઘરમાં પૈસા ખૂટી ગયા. એ સમયે આપણા કરીયાણાવાળાએ આખા વર્ષનું કરીયાણું ઉધાર આપેલું અને પૈસા આપવાની કોઇ ચિંતા ન કરતા એમ કહેલું. આટલુ જ નહીં, જ્યારે એને એના બાકી પૈસા આપવા માટે ગયેલા ત્યારે એણે માત્ર મુદ્દલ રકમ જ લીધી હતી. જ્યારે તું નાનો હતો ત્યારે હું તને સાથે લઇને એ જ કરીયાણાવાળાભાઇને ત્યાં ખરીદી કરવા માટે જતો. એ ઓછું ભણેલો કરીયાણાવાળો હંમેશાં હસતાં હસતાં તને ચોકલેટ કે પેંડો પણ આપતો અને ક્યારેય બિલમાં ચોકલેટ-પેંડાની રકમ ઉમેરતો નહોતો.'

યુવક એકધ્યાન થઇને દાદાની વાત સાંભળી રહ્યો હતો. દાદાએ વાત આગળ વધારી, ‘બેટા, કાપડવાળાને ત્યાં ખરીદી કરવા જઇએ ત્યારે કાપડની પસંદગીમાં બહુ વાર લાગતી. કાપડિયો બિચારો કંટાળ્યા વગર એક પછી એક નવા તાકા બતાવતો જાય. વધુ સમય થાય એટલે ચા-પાણી કે ઠંડું પણ મગાવે. આ કાપડવાળાને ત્યાં વધુ સમય જાય અને ત્યાં એકાદ બે ઓળખીતા માણસો મળી જ જતા. દોડભાગ ભરી જિંદગીમાં આ ઓળખીતાઓને આમ તો નહોતું મળી શકાતું પણ વેપારીની દુકાન પર જ એનો ભેટો થઇ જાય અને એની સાથે વાત કરવાનો મોકો પણ મળી જતો. હૈયામાં ધરબાઇને ભરેલી કેટલીક વાતો ત્યાં સહજતાથી ઠલવાઇ જતી અને હૈયું હળવું ફુલ થઇ જતું. જેને ત્યાંથી આપણે નિયમિત ખરીદી કરતા એ બધા આપણા સુખના કે દુ:ખના પ્રસંગમાં ભાગીદાર થતા હતા. બેટા, મને બરાબર યાદ છે આ બધા લોકોને ત્યાં નાનો-મોટો પ્રસંગ હોય ત્યારે આપણને આમંત્રણ આપે જ અને આપણે પણ આ બધાને આમંત્રણ આપતા. એવું લાગતું જાણે કે આપણા પરિવારના સભ્ય છે. હવે મને કહે કે તારી આ ઓનલાઇન ખરીદીમાં આવી સુવિધા મળે ખરી? આ જ માનવીયસંબંધ છે, જે ઓનલાઇન ખરીદીમાં ન મળી શકે.'

યુવાન કોઇ જવાબ ન આપી શક્યો. બાળપણની કેટલીક ઘટનાઓ યુવકના માનસપટ પર ઊભરી આવી અને દાદાજીને એણે એટલું જ કહ્યું, 'ચાલો દાદાજી હું તમારી સાથે આવું. આપણે ચશ્માંવાળા ભાઇની દુકાને જઇને એમની ચા પી આવીએ અને તમારાં ચશ્માં લઇ આવીએ. રસ્તામાં તમારા એકાદ-બે ભાઇબંધો મળી જશે તો એને મળી પણ આવીએ.'

મિત્રો, જરા વિચાર કરવાની જરૂર છે કે સમય અને પૈસા બચાવવાની દોડમાં આપણે માણસ મટીને મશીન તો નથી બની ગયા ને? કારણ કે, જો મશીન બની જઇશું તો ગમે એટલા પૈસા બચાવ્યા હોય કે ગમે એટલો સમય બચાવ્યો હોય તો પણ સંબંધ વગર પૈસા અને સમયનું કરીશું શું? ટેક્નોલોજીનો ઉપયોગ જરૂર કરીએ પણ માનવ સંપર્કો સાવ તૂટી ન જાય એ પણ જરૂરી છે. આખરે માણસને જીવવા માટે હૂંફ અને પ્રેમની વધુ જરૂર હોય છે, જે મશીન ક્યારેય ન આપી શકે. મુશ્કેલીના સમયમાં કોઇ બે મીઠા શબ્દો કહેનારું હોય તો પણ અડધી મુશ્કેલી તો એમ જ જતી રહે.

હું જ્યારે છઠ્ઠા ધોરણમાં હતો ત્યારે મને એપેન્ડિક્સ થયેલું. બહુ વધુ સમજ નહોતી પડતી પણ એક પ્રસંગ હજુય બરાબર યાદ છે. ગોંડલમાં ડૉ. જોગીની હોસ્પિટલમાં મને ઓપરેશન માટે દાખલ કરવામાં આવેલો. મારું ઓપરેશન થયું એ જ દિવસે ઑપરેશન કરનાર ડૉક્ટરના પિતા મારી ખબર કાઢવા આવ્યા. મને એ નહોતી સમજ પડતી કે આ ડૉક્ટરના પિતાને અમારી સાથે શું સંબંધ? કે મારી ખબર કાઢવા માટે આવ્યા. થોડીવારમાં ડૉક્ટર પણ આવ્યા એટલે એમના પિતાએ ડૉક્ટરને સૂચના આપતાં કહ્યું, ‘જો જે હોં, ધ્યાન રાખજે, તને ભણવા માટેની ફી ભરવામાં આ લોકોનો પણ થોડો ફાળો છે કારણ કે, આ લોકો આપણા નિયમિત ગ્રાહક છે અને આપણે ત્યાંથી જ બધા જ કપડાં ખરીદે છે.' મને સમજાઈ ગયું કે અમારા ઘરના બધાં જ કપડાં આ ડૉક્ટર સાહેબના પિતાની દુકાનેથી આવતાં હતાં અને એટલે એ મારી ખબર કાઢવા આવ્યા અને ભલામણ પણ કરી ગયા. એમની હોસ્પિટલની સાથે જ ઘર હતું એટલે ક્યારેક ચા પણ ત્યાંથી આવતી. જાણે કે અમે એમના પરિવારના સભ્ય હોય.

આજના આ આધુનિક યુગમાં કોઇ પાસે સમય નથી. સમય બચાવવા માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરવો જ જોઇએ પરંતુ માનવીયસંબંધો મરી પરવારે એ હદે એનો અતિરેક ન થાય એનું પણ ધ્યાન રાખવું જોઇએ.
(લેખક જાણીતા વિચારક અને વક્તા છે)