તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Magazine
  • Rangat sangat
  • If I Saw The Paper, It Was Written By Navneetlal Doshi ... Rarely Did Jay Jinendra Say, Then The Girl Became More Thrilled ... Then The Rare Nights Of Sleep Became Haraam !!

મારી વાર્તા:કાગળ જોયું તો નવનીતલાલ દોશી લખેલું... વિરલે જય જિનેન્દ્ર કહ્યું તો કન્યા વધારે રોમાંચિત થઈ ગઈ... પછી તો વિરલની રાતોની નીંદ હરામ થઈ ગઈ!

15 દિવસ પહેલા
  • કૉપી લિંક

અને એ રાતથી વિરલ શાહની એકલતા ભરેલી રાત્રિઓને રંગરોગાન લાગી ગયાં... બન્યું એવું કે તે પેલા મેડિકલ સ્ટોરે પહોંચ્યો અને ત્યાં ઊભેલી છોકરીએ કાઉન્ટર પર મૂકેલો પ્રિસ્ક્રિપ્શનનો કાગળ ઊડીને રોડ પર ગાયના પગ વચ્ચે જઈને પડ્યો. તરત જ તેણે પેલા બાહુબલીની જેમ તે કાગળ ગાયના પગ વચ્ચેથી ઉઠાવી લઈને કન્યાને હાથોહાથ આપ્યો અને બદલામાં મેળવ્યું તે નીચી પણ રૂપાળી, ગૌર અને નમણી કન્યાના મુખમાંથી ખરી પડેલું 'આભાર હોં'.

આ દરમિયાન તેણે કાગળમાં નજર નાખી લીધી હતી, પણ તેમાં તો નવનીતલાલ દોશી જ લખેલું હતું. તેણે વિચાર્યું કે છે તો વાણિયણ જ અને પોતાની જ્ઞાતિની એટલે જાણ કરી દેવા તેણે પણ બોલી નાખ્યું, 'કોઈ વાંધો નહીં, જય જિનેન્દ્ર’. કન્યા વધારે રોમાંચિત થઈ અને થોડું મલકાઈ પણ ખરી. વિરલે વિચાર્યું કે તીર પહોંચ્યું છે તો બરાબર જ. રાત્રે તો અંધારામાં પણ ચારે દીવાલે મેઘધનુષ રચાઈ ગયાં ને વિરલની નીંદ હરામ થઈ ગઈ જાણે.

થોડા જ દિવસમાં વિરલને તે જ મેડિકલ સ્ટોરમાં પેલી કન્યા ફરી જોવા મળતાં વિરલ ચમક્યો, છોકરી પણ ચમકી અને વિરલની સામે જોવામાં સેનિટરી પેડનું ખોખું નીચે પડી જતાં શરમથી રાતીચોળ થતાં વિરલને તે વધુ દેખાવડી લાગી, પણ વિરલે સંયમ જાળવ્યો ને ખોખું ઊંચકીને આપવાની મુર્ખામી ન દેખાડી. થોડી સેકંડ આંખો મેળવી રાખી.

વિરલે પૂછી જ લીધું, 'અંકલ ને કેમ છે હવે?’ ને જવાબ પણ મળ્યો, 'હા, હોં, હવે તો સારું છે, હવે તો દેરાસર પણ જાય છે. તમે? તબિયત તો સારી ને?’ વિરલે અદબ વાળીને પોતાનાં મસલ્સનું પ્રદર્શન થાય તેમ જવાબ આપ્યો, 'યુવાન માણસની તબિયતને તો શું થાય? પણ આ તો તમને જોયા તો થયું કે અંકલની ખબર પૂછું’. પણ આ બીજી મુલાકાતમાં પણ છોકરી ખાસ ખીલી નહીં અને ધીમે હસીને ચાલતી થઈ.

વિરલે તેના કાંડા પરની પોચી પરથી નામ વાંચી લીધું 'દિશા' અને ડેટા તૈયાર કર્યો કે, છોકરી લાગે છે તો અવિવાહિત, કોલેજ તો કરી જ હશે, ધાર્મિક વધારે લાગે છે પણ છે તો ફુટડી, કોઈને પણ ગમી જાય તેવી, ગોરી, નમણી, ઉપરથી ઘનઘોર કેશવૈભવ. તે દિવસે અંબોડામાં પણ સારી લાગતી હતી અને આજે લાંબા ચોટલામાં પણ કેવી 'સરસ' લાગે છે, છૂટા વાળમાં તો કેવીય લાગતી હશે પણ પડખે ઊભી હોય તો નીચી લાગે. આ વધીને પાંચ ફૂટેય હોય તો. વિરલ પોતાના જ શેખચલ્લી જેવા વિચારો પર હસી પડ્યો.

શિક્ષણક્ષેત્રમાં રસ હોવાથી ભણવાનું પૂરું કરીને વિરલે આ શહેરની કોલેજમાં પ્રોફેસરની ઠીકઠાક પગારવાળી નોકરી જોઈન કરી હતી પણ જૈનધર્મીની માનસિકતા કે 'વેપારધંધાવાળાઓને ત્યાં જ કન્યા અપાય' ને લીધે વિરલનો ક્યાંય મેળ પડતો નહોતો પણ આ બે મુલાકાત પછી વિરલે બીજે જ દિવસે 'જય જિનેન્દ્ર' અને 'જૈનમ જ્યતિશાસનં' જેવાં સ્ટીકરો તેના એક્ટિવા પર ખાસ તો પેલી કન્યાની નજરમાં આવે તેમ ચોંટાડી દીધાં. દેરાસરે જઈને 'જૈન યુવક મ્યુઝિક બેન્ડ'માં નામ નોંધાવી દીધું. મમ્મી પપ્પા સાથે છોકરી નિયમિત દેરાસરે તો આવતી જ. તેથી, વિરલે પણ દેરાસરે આવરો જાવરો વધારી દઈને દૂરથી તે કન્યા સામે આછું મલકાવાનું શરૂ કરી દીધું.

ગમે તે કારણસર સામેથી તેને ખાસ પ્રતિભાવ મળતો નહોતો, પણ વિરલે આશા છોડી નહીં. એકવાર તો વિરલે દિશાની સામે જોતાં જોતાં જ તેના પપ્પાને જય જિનેન્દ્ર કહેવાનું સાહસ ખેડી લીધું પણ નવનીતલાલે અને દિશાએ આ વખતે પણ ખાસ રસ વગર જય જિનેન્દ્રનો પ્રતિભાવ આપ્યો. હિંમત હારે તે બીજા. વિરલે નોંધ્યું કે છોકરી વધારે પડતી શરમાળ લાગે છે પણ લગ્ન પહેલાં તો છોકરીઓ શરમાળ જ હોય ને? થોડી ઊંચાઈ હોત તો સોનામાં સુગંધ ભળી જાત પણ ગમી જાય એવી તો છે જ. હવે તો કોઈ વડીલ જ્ઞાતિજન વચ્ચે પડી રસ લે તો વાત આગળ વધે.

તેને મમ્મી સાથે રહેતાં બોલ્ડ બટ નોટ બ્યુટીફુલ એવા વનિતામામી સાંભરી આવ્યાં. નહીં વૃદ્ધ નહીં પ્રૌઢ, વહેવારસૂઝવાળાં, થોડા આખાબોલાં. વિરલ આ બે સ્ત્રીઓ સાથે જ મોટો થયેલો. તેથી, મામી તો તેના વડીલ કમ મિત્ર જેવાં હતાં. તેણે રાત્રે ફોન કરીને મામીને દિશા વિશે માહિતી આપી. હરખઘેલા, નિ:સંતાન મામીએ તો સલાહનો ધોધ જ શરૂ કરી દીધો. 'છોકરી ગમતી હોય તો બહુ વિચારતો જ નહીં, ઊંચી શું ને નીચી શું? આ લંબુ અમિતાભની જયા ભાદુરી ઠીંગણી જ છે ને? અરે પુરુષ કરતાં નીચું બૈરું જ સારું સમજ્યો? આંગણે ઊભી હોય તો શોભી ઊઠે એવી હોય તો બસ! થોડા ફોટા અને તેઓના મૂળ વતનની માહિતી મોકલ, બાકી બધું હું ફોડી લઈશ.’ માથું ઓશિકા નીચે બે હથેળીમાં ટેકવતાં વિરલે વિચાર્યું, 'અહીંયા ભેંસનાં ઠેકાણાં નથી ને મામી છાશ છાગોળવા માંડ્યાં!'

તેમ છતાં તેણે મહાવીર જયંતિના દિવસે છાનાછપના થોડા ફોટા પાડી મોકલી દીધા. વિરમગામના નવનીતલાલને મામી ફોટામાં જોતા જ ઓળખી ગયાં. તરત તેણે વિરલને ફોન જોડ્યો કે, 'આ વખતે તેઓ દેરાસરે મળે તો કહેજે કે વિરમગામના ઉત્તમચંદ શેઠનાં ભાણી વનિતાબેન જ મારી મામી થાય, સમજ્યો? આથી તેને ભરોસો બેસશે અને વાત આગળ વધારવા આવતા મહિને હું અને તારી મમ્મી તારા ફ્લેટે પહોંચી જઇશું, હવે બધું અમારાં પર છોડી દે.’ બીજા મહિને મામી અને મમ્મી તો આવી પહોંચ્યાં. એ સમયે જ વિરલને કોલેજમાંથી ટ્રેનિંગ માટે મહિનો બહારગામ જવાનું નક્કી થયું. તેથી ફ્લેટ મહિના દિવસ માટે બંને સ્ત્રીઓને સોંપીને નીકળી જવું પડ્યું.

મહિના બાદ ગઈકાલે મોડી રાત્રે આવ્યો ત્યારે મમ્મી અને મામીએ કોણ જાણે કેમ તેનું ખાસ હુંફાળું સ્વાગત નહોતું કર્યું. સવારે પણ કંઈ વાત કર્યાં વગર મમ્મી રસોડામાં અને મામી પાછળના રૂમમાં જૈનસ્તવન વાંચવા ચાલ્યા ગયાં હતાં. ત્યાં પાડોશી પારૂલબેન પ્રવેશ્યાં ને ઉતાવળે માહિતી આપી કે, 'સાધ્વીજી મહારાજ સાહેબ વહોરવા આવે છે, બધું તૈયાર રાખજો. હમણાં જ આવી પહોંચશે, પંદર દિવસ પહેલાં જ દીક્ષા લીધી છે ને? એ જ છે હોં માસી.'

મમ્મીએ બધી તૈયારી કરી નાખી અને આઘાં પાછાં થઈ ગયાં. વિરલ પોતે પણ લાંબા પગને નીચે કરી ઝભ્ભો લેંઘો વ્યવસ્થિત કરી મોઢે હાથ ફેરવી વહોરવા તૈયાર થઈને બેસી ગયો. ત્યાં જ ફ્લેટના પગથિયે બે-ત્રણ છોકરીઓના વૃંદ વચ્ચે કેશ વગરનું ચમકતું નતમસ્તક દેખાયું. શ્વેત વસ્ત્રધારી સાધ્વીજી ઢળેલી પાંપણ સાથે સયંમિત રીતે ધીમા પગલે પોતાની સાત્વિક આભા પ્રસરાવતાં વિરલના ફ્લેટના બારણામાં થોડા જ અંદર પ્રવેશ્યાં અને પગના અંગુઠા તરફ નજર રાખીને દીક્ષા પાત્ર જમીન પર મૂકીને ઊભાં રહી ગયાં.

જિજ્ઞાસાવશ વિરલે આ સદ્ય સાધ્વીજીના દર્શનલાભ લેવા પોતાની દૃષ્ટિ થોડી વધારે સ્થિર કરી ત્યાં તો વિરલને તે નીચાં એવાં સાધ્વીજી મહારાજની હડપચી, ગાલ, નેણ, કપાળ, કાન થોડા પરિચિત લાગ્યાં. દૃષ્ટિની ફ્રેમમાં બીજો એક ચહેરો સાધ્વીજીના ચહેરામાં ફિટ થવા લાગ્યો... અરે! અરે! એ જ ધીમી ચાલ, એ જ સ્થિર મોટા કાળાં નયનો, એ જ એ જ...આ તો, દિશા! દિશા જ કે? દિશા નવનીતલાલ દોશી જ કે? દિશા અને દીક્ષા? ઓહ! આ તો દિશા જ છે!! વિરલનાં ગાત્રો ગળી ગયાં. ચારેય દિશાએ અંધકાર વચ્ચે દિશાનું કેશ વગરનું ચમકતું મસ્તકનું તેજ તેની આંખો બાળી નાખતું હતું, જાણે દિશાના કપાયેલા કાળા ભમ્મર વાળની સમગ્ર કાળાશ તેની આંખોમાં સીસાની જેમ જામી ગઈ, બધું સુન્ન સુન્ન થઈ ગયું.

દીક્ષા પાત્રો ઉપાડી સાધ્વીજી સ્થિતપ્રજ્ઞતા ધારણ કરી જાણે કશું બન્યું જ નથી તેવા નિર્લેપ બની ધીમે-ધીમે પગથિયાં ઊતરવા માંડ્યાં, જાણે નજર બંધન, માયાબંધન કે કર્મબંધનમાં જકડાયા વગર જ અને ધર્મમ શરણમ ગચ્છામિનો મુકનાદ હવામાં પ્રસરતો રહ્યો.
(તમારી વાર્તાઓ આ સરનામે મોકલી આપોઃ marivarta.divyabhaskar@gmail.com શરત એટલી કે તમારી વાર્તાઓ સંપૂર્ણપણે મૌલિક, અપ્રકાશિત અને ટાઇપ થયેલી હોવી જોઇએ. વાર્તાની સાથે તમારી કોન્ટેક્ટ ડિટેલ્સ પણ મૂકશો.)

અન્ય સમાચારો પણ છે...