તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Magazine
  • Rangat sangat
  • If A Person Wants To Be Dyed In The Color Of One Moment, Then He Is Tempted To Associate With The Company Of Heart For Another Moment ... But In The End, The Choice Came Down Only On The Embarrassment !!

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મારી વાર્તા:અંગતને એક પળ રંગતના રંગે રંગાઈ જવાનું મન થાય તો બીજી પળે હૈયું સંગતનો સંગ કરવા લલચાય... પણ છેલ્લે તો લજવાઈ જતી લજ્જા પર જ પસંદગી ઊતરી!

22 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઝરૂખામાં સજાવેલા કુંડામાં લહેરાતાં ફૂલને અંગત જોઈ રહ્યો. બંને ફૂલ ગુલાબનાં હતાં. એક પીળું ગુલાબ, બીજું ગુલાબી. સૂરજનાં કૂણાં, કોમળ કિરણો પડવાને કારણે ચમકતાં ફૂલની સુંદરતાનો નઝારો નજરોથી માણી રહ્યો હતો અંગત. ફૂલમાં કુદરતે કેવું અદભુત સૌંદર્ય મૂક્યું છે! બંને ફૂલમાંથી રુંવે રુંવે રૂપ ટપકતું હતું પણ અંગત મનોમન બંનેની તુલના કરી રહ્યો. સુંદરતામાં કયું ફૂલ ચડિયાતું કહી શકાય. બંનેમાં રંગ, રૂપ અને સુગંધની આગવી ખૂબી હતી છતાં ક્યારેક એને પીળું ગુલાબ વધુ સુંદર લાગતું તો ક્યારેક ગુલાબી. અંગત પીળા ગુલાબ ભણી ઢળવા માંડે કે તરત જ એને ગુલાબી ગુલાબની રૂપરાશિ પ્રલોભન આપતી અને ગુલાબી ગુલાબ પ્રત્યે આકર્ષાય ત્યાં તો પીળા ગુલાબની રંગછટા એની આંખોમાં અંજાઈ જતી. ફરી એકવાર એની મથામણ શરૂ થઈ જતી કે કયા ફૂલ પર પસંદગીનો કળશ ઢોળું? પીળા કે ગુલાબી! પીળું ગુલાબ અંગતને રંગતની યાદ અપાવતું અને ગુલાબી ગુલાબ સંગતનું સ્મરણ કરાવતું. પીળા ગુલાબની જેમ રંગત સૌમ્ય હતી જ્યારે સંગત ગુલાબી ગુલાબ જેવી શાલીન. બંને નોખાં ને બેય અનોખાં. બંને ઓગણીસ-વીસ નહોતાં, પણ વીસ-વીસ જ હતાં.

અંગત કલ્પનાજગતમાં વિહરવા લાગ્યો. રંગત રાધા ને સંગત રુક્મિણી. પોતે બંસરી બજાવતો કાનુડો. રાધાકૃષ્ણની જોડી રંગત જમાવે અને રુક્મિણીની સંગતમાં કૃષ્ણ શોભી ઊઠે. ક્યારેક વળી રંગત લક્ષ્મીજી ને પોતે વિષ્ણુ હોવાની કલ્પનામાં રાચે તો ક્યારેક વળી પોતે શિવજી ને સંગત પાર્વતી હોવાનાં શમણું ખુલ્લી આંખે જુએ. એક પળ રંગતના રંગે રંગાઈ જવાનું મન થાય ને વળી બીજી જ પળે હૈયું સંગતનો સંગ કરવા લલચાય.

અંગત રંગત અને સંગતની સરખામણી કરવાના કાર્યમાં તલ્લીનતાથી પરોવાયેલો હતો. પીપરમિન્ટ ચગળતાં એનો મીઠોમધુરો રસ મોંની સાથે મનને પણ તરબતર કરી દે તેમ અંગતના દિલોદિમાગમાં રંગત અને સંગતની મીઠાશ પ્રસરતી ગઈ પણ કશોક ખખડાટ થતાં રસભંગ થયો. તંદ્રાવસ્થામાંથી બહાર આવેલા અંગતે જોયું તો દરવાજે ઊભેલી રંગત અને સંગત. આમ તો ત્રણે પોતપોતાની કોલેજમાંથી રાજ્યના અધ્યાપકો માટે યોજાયેલા એક મહિનાના ટ્રેનિંગ પ્રોગ્રામમાં આવેલા. તાલીમના પ્રથમ દિવસે ચાલીસેક જેટલાં તાલીમાર્થીઓનો પરસ્પર પરિચય થયો. અંગતને બીજા લોકો સાથે પણ ફાવતું, પણ રંગત અને સંગત સાથે વધુ ગોઠતું. અઠવાડિયાંમાં તો ત્રણે એકમેક સાથે હળીમળી ગયાં. તે એટલી હદે કે અંગત વિચારવા લાગ્યો કે, પસંદગીનો કળશ રંગત પર ઢોળું કે સંગત પર?

એ જ ક્ષણે બંનેને એકસાથે સામે ઊભેલી જોઇને અંગતની વિમાસણ વધી ગઈ. કેસરી કોરની પીળી સાડીમાં રંગત પીળા ગુલાબ જેવી જ શોભતી હતી. તો વેલબુટ્ટા ગૂંથેલી ગુલાબી સાડીમાં સંગતનો નિખાર પણ ગુલાબી ગુલાબથી જરાય ઊણો ઊતરતો નહોતો. કુંડામાં લહેરાતાં પીળા અને ગુલાબી ગુલાબ જેવી જ ખૂબસૂરત દેખાતી હતી બંને. આ બંને એકસમાન પસંદ હતી અંગતને. રંગત સાથે ચોરીમાં બેસવાનો વિચાર કરે કે તરત જ સંગત ગમવા લાગે અને સંગત સાથે ફેરા ફરવાનું વિચારે કે વળતી પળે રંગતનો રંગ મન પર ચડી જાય. શું કરવું? રંગતની સંગત કે સંગતની રંગત!

અંગતના મનોમંથનથી અજાણ રંગત અને સંગત રૂમમાં પ્રવેશ્યાં. ત્રણેએ બેઠક જમાવી. વાતે વળ્યાં. મોડેથી ત્રણે છૂટાં પડ્યાં ત્યારે અંગતની મૂંઝવણ ઘટવાને બદલે વધી ગયેલી. ચારેક કલાકની ચર્ચાને અંતે અંગતે એવું અનુભવ્યું કે બંને એકમેકથી ચઢિયાતી હતી. ખરેખર બુદ્ધિશાળી હતી બંને એમાં બેમત નહીં!

અંગત ફરીફરી રંગત અને સંગતમાં અટવાતો ગયો. સમુદ્રમાં નૈયા હાલકડોલક થાય એમ અંગતના હૈયાની નાવ રંગત અને સંગત નામના કિનારા વચ્ચે ગોથાં ખાવા લાગી. પણ હવે નિર્ણય લેવો જ પડશે. આવતી કાલે ટ્રેનિંગનો છેલ્લો દિવસ. હવે નિર્ણય નહીં કરું તો હાથ ઘસતો રહી જઈશ.

બીજે દિવસે અંગત રંગત પાસે ગયો. રંગત સામાન પેક કરીને તૈયાર થઇ ગયેલી. અંગત કંઈ કહે એ પહેલાં રંગત બોલી ઊઠી, ‘સારું થયું તું આવી ગયો, અંગત. હું તારી પાસે જ આવતી હતી. મારે કાંઈક કહેવું છે.’ અંગતની આંખમાં ચમક આવી. પોતાના મનની વાતનો પડઘો જ સાંભળવા એ તત્પર હતો ત્યાં તો રંગત બોલી, ‘હમણાં જ ઘરેથી ફોન આવ્યો. મારાં લગ્ન નક્કી થઇ ગયાં છે. આવતા મહિને જ છે. હું કંકોતરી મોકલીશ. તારે આવવું જ પડશે....’ રંગત હજુ આગળ બોલી રહી હતી, પણ એના શબ્દો અંગતના કાન સુધી પહોંચતા નહોતા. એ હા..હા.. કહીને ઝડપથી રૂમની બહાર નીકળી ગયો. જાત સાથે સંવાદ કરતાં બોલવા લાગ્યો, મને તો પહેલેથી જ સંગત જ પસંદ હતી. અંગત અને રંગત નહીં, પણ અંગત અને સંગતનો પ્રાસ જ જામે છે!

અંગત વિના વિલંબે સંગત પાસે પહોંચી ગયો. ત્યારે સંગત પોતાનો સામાન સમેટી રહી હતી. અંગત પણ અમસ્તો જ હજુ સુધી ન ગોઠવાયેલા સામાનને જોઈ રહ્યો. અચાનક એની નજર વસ્ત્રની સાવ નાનકડી જોડ પર પડી. એકદમ ચમકીને એ બોલી ઊઠ્યો, ‘આ...આ તો બે ત્રણ વર્ષના બાળકને થાય તેવાં કપડાં છે...’ સંગત કહેવા લાગી, ‘હા, એ મારી વહાલી ઢીંગલી, મારી રૂપકડી દીકરી માટે ખરીદ્યાં છે. એ હજુ હમણાં જ બે વર્ષની થઇ છે!’

સંગત આગળ કાંઈ બોલે કે પોતાની આંખમાં આવેલાં ઝળઝળિયાં જોઈ જાય એ પહેલાં અંગત એના કક્ષમાંથી ઝટપટ બહાર નીકળી ગયો. સીધો જ પોતાના રૂમમાં. આવતાંની સાથે ધડામ દેતો ખુરસીમાં ફસડાઈ પડ્યો. માથું મેજ પર ટેકવી દીધું. પોતે છેતરાયો હોવાની અનુભૂતિ એને વીંટળાઈ વળી. એની આંખમાંથી આંસુ વહેવા લાગ્યાં. ક્રોધ, આઘાત, અપમાન અને અવહેલનાની મિશ્ર લાગણીઓ એના મનમસ્તિષ્કને ઘેરી વળી. મેલાં પાણીનો ડોળ નીચે બેસી જાય અને પાણી સ્ફટિક જેવું સ્વચ્છ થઇ જાય એમ ધીમે-ધીમે અંગતની ધૂંધવાયેલી લાગણીઓ ધીમી ધારે ઓગળતી ગઈ. અંતે એના હૈયામાં એક કૂણી કૂંપળ ઊગી. જોતજોતામાં કૂંપળને ચહેરો ફૂટ્યો. નમણો ને ઘાટીલો ચહેરો. બહુ સુંદર નહીં પણ તેજસ્વી ચહેરો.

એ ચહેરો લજ્જાનો હતો. પોતાની જ કોલેજમાં, પોતાના જ વિભાગમાં કામ કરતી હતી લજ્જા. કોઈને કોઈ બહાને અંગત પાસે દોડી આવતી લજ્જા. અંગતની આસપાસ ચકરાવો લેતી લજ્જા. એને ભાવતી વાનગીઓ બનાવીને લઇ આવતી લજ્જા. અછડતા સ્પર્શે લજવાઈ જતી લજ્જા. નજર ઢાળીને પ્રેમનો એકરાર કરતી લજ્જા. લજ્જા, લજ્જા, લજ્જા...

અંગત સફાળો ઊભો થઇ ગયો. ઓહ, અત્યાર સુધી પોતાને કેમ કાંઈ દેખાયું નહીં. પોતાના જીવનનું અમૃતજળ પોતાની પાસે જ હતું પણ પોતે નાહક જ મૃગજળ પાછળ દોડતો રહ્યો. લજ્જા પોતાને પણ પસંદ હતી. પણ ઠોકર ખાધી ત્યારે જ સત્યનો સાક્ષાત્કાર થયો. ખેર, જે થયું એ સારું થયું. નામનો પ્રાસ મેળવવાને બદલે હૃદય અને ધડકનનો પ્રાસાનુપ્રાસ મળે એ જરૂરી છે. હું હૃદય ને લજ્જા મારી ધડકન! કાનુડાની સાથે રાધા કે રુક્મિણી જ હોય એ જરૂરી થોડું છે? કૃષ્ણ અને સત્યભામાની સંગત પણ રંગત લાવી જ હતી ને!

અનાયાસ જ અંગતની નજર પેલા કુંડા પર પડી. પીળું ગુલાબ કરમાઈ ગયેલું અને ગુલાબી ગુલાબ મુરઝાઈ ગયેલું. પણ થોડા સમય પહેલાં જ જેનું બીજ રોપાયેલું એ લાલ ગુલાબ કુંડામાં ખીલી ઊઠેલું. એ જોઇને અંગતે સ્મિત કર્યું. એને પીળું ગુલાબ પણ પસંદ નહોતું અને ગુલાબી ગુલાબ પણ. અંગતને હવે માત્ર લાલ ગુલાબ ગમતું હતું. લજ્જા નામનું લાલ ગુલાબ!

(તમારી વાર્તાઓ આ સરનામે મોકલી આપોઃ marivarta.divyabhaskar@gmail.com શરત એટલી કે તમારી વાર્તાઓ સંપૂર્ણપણે મૌલિક, અપ્રકાશિત અને ટાઇપ થયેલી હોવી જોઇએ. વાર્તાની સાથે તમારી કોન્ટેક્ટ ડિટેલ્સ પણ મૂકશો.)

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો