તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટેક્નોહોલિક:બિટકોઈન નામની બલાઃ બાંધી મૂઠી લાખની ને ખૂલી જાય તો બિટકોઈનની!

3 મહિનો પહેલા
 • કૉપી લિંક

પરિવર્તન એ ટેક્નોલોજીના સંસારનો પણ નિયમ છે. બિલ્લીપગે આવીને આપણી લાઇફને ધરમૂળથી બદલી નાખનારાં ટેક્નોલોજીની દુનિયાનાં નાનાં-મોટાં તમામ ટ્રેન્ડ્સની વાત એકદમ સરળ ભાષામાં દર શનિવારે પેશ કરશે આ કોલમ ‘ટેક્નોહોલિક’.
***

અત્યારે ડિજિટલ યુગમાં એક નવું કામ વધ્યું છે પાસવર્ડ યાદ રાખવાનું. ‘ચેન્નઈ એક્સપ્રેસ’માં શાહરૂખ ખાન કહે છે ને કે મોબાઈલ આવ્યા પછી આપણે બધાના મોબાઈલ નંબર યાદ રાખવાનું ભૂલી ગયા. એવું જ કંઇક થયું છે ઇ-મેલ, ઓનલાઇન બેંકિંગ, ઓનલાઇન ક્લાસિસ, ઓનલાઇન બિલ પેમેન્ટ વગેરેના પાસવર્ડ્સ યાદ રાખવાની બાબતમાં. પરંતુ જેમ અચાનક મગજ પર ધુમ્મસ ચઢી જાય એમ તમે અચાનક કોઈ અગત્યનો પાસવર્ડ ભૂલી જાઓ અને 240 મિલિયન ડોલરની કિંમતના બિટકોઈન તમારે ગુમાવવાના આવે તો?

જી હા, $240 મિલિયનની કિંમતના બિટકોઈન અને આવી દુર્ઘટના ઘટી છે સ્ટેફન થોમસ નામના જર્મન મૂળના અમેરિકન પ્રોગ્રામર સાથે! એક દાયકા કરતાં વધારે સમય પર બિટકોઈન નામની ક્રિપ્ટોકરન્સી કેવી રીતે કામ કરે છે એ સમજાવતો વીડિયો બનાવવાનું કામ મિ. થોમસને આપવામાં આવ્યું હતું અને તેના મહેનતાણા રૂપે એમને 7,002 બિટકોઈન્સ આપવામાં આવ્યા હતા, જેની કિંમત અત્યારે છે 240 મિલિયન ડોલર! અત્યારે તે પોતાની હાર્ડડ્રાઈવનો પાસવર્ડ ભૂલી ગયો છે. એટલે જેની કિંમત 10 વર્ષમાં આટલી બધી વધી ગઈ એ બિટકોઈન કઈ બલા છે?

ઓર્થોડોક્સ ઇકોનોમિક સ્ટાઈલને મોડર્નાઇઝ કરતા બિટકોઇન્સ
સદીઓથી આપણે ત્યાં જુદી-જુદી વિનિમય પદ્ધતિ અસ્તિત્વમાં છે જેમ કે, પથ્થર, ચામડું, તાંબા, ચાંદી અને સોનાના સિક્કા. છેલ્લી સદીઓમાં અત્યારની લોકપ્રિય વિનિમય પદ્ધતિ કાગળની નોટ અને ધાતુના સિક્કા ચલણમાં આવ્યા. એની સાથે ક્રેડિટ અને ડેબિટ કાર્ડનું પણ આગમન થયું. પણ આ બધા જ મોડ ઓફ ટ્રાન્ઝેક્શનનું મૂળ તો એક જ છે અને એ છે જે તે દેશમાં ચાલતું ચલણી નાણું. પહેલાના જમાનામાં મરાઠા સામ્રાજ્યનો સિક્કો અકબરના દરબારમાં ન ચાલતો. એવું જ અત્યારે છે. ગાંધીજીવાળી નોટ પાકિસ્તાનમાં ન ચાલે અને જિન્નાહવાળી નોટ ભારતમાં નહીં. આ તો ઓર્થોડોક્સ ઇકોનોમિક સ્ટાઈલ જ થઇ. એનાથી આગળ વધવાનું કે નહીં? તો એનો જવાબ છે બળકટ એવા બિટકોઈન. એક ડિજિટલ કરન્સી. ડિજિટલ યુગને છાજે અને દેશની સરહદો જેમાં આડી ન આવે તેવી ડિજિટલ કરન્સી- બિટકોઈન.

બિટકોઈન એ ક્રિપ્ટોકરન્સી છે. લેટિન ભાષામાં ‘ક્રિપ્ટ’ એટલે છુપાવવું. નામ પ્રમાણે આ કરન્સીનું રહસ્ય છુપાયેલું છે. બિટકોઈન એવી કરન્સી છે જેનું પદાર્થ રૂપે કોઈ અસ્તિત્વ નથી. અર્થાત્ તમે એને અડી ન શકો કે તમારા પર્સના અંદરના ખાનામાં સંઘરી ન શકો. બિટકોઈન તો કમ્પ્યૂટરનો એક નંબર છે. એ પ્રિન્ટ નહીં થાય કે એની ફિક્સ ડિપોઝિટ નહીં બને. બિટકોઈન એક 'ડિસેન્ટ્રલાઇઝ્ડ ડિજિટલ કરન્સી' છે. ટેક્નિકલી બિટકોઈન એ નંબરનો સમૂહ (0s and 1s) છે, જે વિશ્વનાં કમ્પ્યૂટર્સમાં જમા છે.

એક વાત એવી છે કે 2008 કે 2009માં સતોષી નાકામોતો નામના માણસે વ્હાઇટ પેપરમાં રિસર્ચ આર્ટિકલ લખેલો અને એમાં બિટકોઈનનો ઉલ્લેખ હતો. આમ, બિટકોઈનના સર્જક તરીકે સતોષી નાકામોતોનું નામ લેવાય છે.

તો ચાલો જોઈએ આવી ચિત્ર વિચિત્ર ડિજિટલ કરન્સી કામ કેવી રીતે કરે છે. દરેક બિટકોઈને મૂળભૂત રીતે એક કમ્પ્યૂટર ફાઈલ છે, જે સ્માર્ટફોન અથવા કમ્પ્યૂટર પર કે જેને 'ડિજિટલ વોલેટ' કહેવામાં આવે છે ત્યાં સંગ્રહિત થાય છે. લોકો તમારા ડિજિટલ વોલેટ પર બિટકોઈન્સ મોકલી શકે છે અને તમે લોકોના ડિજિટલ વોલેટ પર બિટકોઈન્સ મોકલી શકો છો. બિટકોઈનના વ્યવહારો જે ખાતાવહીમાં સચવાય છે એનું નામ છે ‘બ્લોક્ચેઈન'.

 1. તમે રૂપિયા કે ડોલર જેવી કરન્સી વડે બિટકોઈન ખરીદી શકો.
 2. તમે વસ્તુઓ વેચો અને ખરીદનાર તમને બિટકોઈનમાં પેમેન્ટ આપે.
 3. કમ્પ્યૂટરના ઉપયોગ દ્વારા બિટકોઈનનું સર્જન.

તો કોમ્પ્યુટરના ઉપયોગ દ્વારા બિટકોઈનનું સર્જન કેવી રીતે થાય છે?
શરૂઆતમાં bitcoin.org નામની વેબસાઈટમાં જઈને તેનો પ્રોગ્રામ ડાઉનલોડ કરવો પડે છે અને આ પ્રોગ્રામમાં ઉપયોગમાં લેવામાં આવેલી ડિજિટલ/સાંકેતિક પદ્ધતિને સંપૂર્ણ રીતે ઉકેલવાની હોય છે. જે વ્યક્તિ તેને ઉકેલી શકે તેને થોડા બિટકોઈન પુરસ્કારરૂપે મળે છે. જે પ્રોગ્રામ ડાઉનલોડ કર્યો હોય તેના ડિજિટલ ખાતામાં તે જમા થઈ જાય છે. ડાઉનલોડેડ પ્રોગ્રામમાં તેના ઉકેલનારનું અડ્રેસ અને પાસવર્ડ જનરેટ થાય છે. બિટકોઈન આ અડ્રેસમાં જમા થઈ જાય છે. આ આખી પ્રક્રિયાને માઈનિંગ તરીકે ઓળખવામાં આવે છે. પણ એવું બની શકે કે એક બિટકોઈન મેળવતાં વર્ષો નીકળી જાય અને એટલી બધી ઈલેક્ટ્રીસિટી વપરાય કે સરવાળે બિટકોઈન મોંઘો પડે.

તેમ છતાં બિટકોઈનની લોકપ્રિયતા વધી રહી છે કારણ કે, બિટકોઈન સરકાર કે બેંકો દ્વારા નિયંત્રિત નથી. એમાં ચંપા અને રમા વચ્ચેનો વ્યવહાર એ બે જણ વચ્ચે જ રહે છે. તે બંને વચ્ચે રમીલા રહીને પોતાનો સર્વિસ ચાર્જ વસૂલી ન શકે તેવી સરળ સિસ્ટમ છે.

તાજેતરમાં બિટકોઈન્સની લોકપ્રિયતા આસમાને આંબી ગઈ. એનું એક કારણ છે વિશ્વના બીજા નંબરના સૌથી ધનિક વ્યક્તિ ઇલોન મસ્ક..!! તેમણે જાન્યુઆરી 2021માં એક ઓનલાઇન ચેટમાં કહ્યું કે, એ બિટકોઈન્સના બહુ મોટા સપોર્ટર છે. આ ઉપરાંત, તેમણે તેમના ટ્વિટર બાયોનું નામ પણ "#bitcoin" કર્યું. વિશ્વમાં 5398 જેટલી અલગ-અલગ ક્રિપ્ટોકરન્સી છે પણ બિટકોઈન એ કોઈક રીતે વધારે જાણીતું અને માનીતું બન્યું. હવે સવાલ એ થાય છે કે જે એક બિટકોઈન બરાબર અમેરિકન $ 49,401.90 એ બિટકોઈનનું ભવિષ્ય શું છે?

બિટકોઈનનો બબલ થોડા મહિનામાં ફૂટી જશે એવું કેટલાક નિષ્ણાતો કહેતા હોય છે પણ એવું લાગતું નથી. એનું કારણ જાણવા માટે તેના જન્મનું કારણ જાણવું પડે. 2008માં મંદી આવી, ડૉલરનો ભાવ ગગડ્યો અને બિટકોઈનનો જન્મ થયો એવું કહી શકાય. સરકાર અને તેની સિસ્ટમમાં ઘુસી ગયેલી ગેરરીતિને કારણે જ મંદી આવી હતી. તો કોઈપણ દેશની સરકાર ઉપર વિશ્વાસ કેમ કરવો? માટે સ્વતંત્ર એવી ક્રિપ્ટો-કરન્સી બિટકોઈન અસ્તિત્વમાં આવ્યા.

ભવિષ્યની પેઢીઓને સુરક્ષિત રાખવા માટે કોઈ સરકાર ઉપર આધાર ન રાખતી હોય એવી એક સિસ્ટમ બનાવવી બહુ જરૂરી હતી, જેમાં કોઈ જ જાતનો હસ્તક્ષેપ કોઈ સરકાર ન કરી શકે, જેમાં તે ચલણને ખારીજ કરવાનો ફતવો કોઈ સરકાર બહાર ન પડી શકે. ખુદ સતોષી નાકામોતો બિટકોઈનની બ્લોકચેઈનનું નાનકડું નેટવર્ક સ્થપીને અને તેને 2009માં ઓપન સોર્સ કોડ તરીકે દુનિયાના ખોળે રમતું મૂકીને 2011માં તે નીકળી ગયો. તેની સૌથી નજીકના બિટકોઈન સિસ્ટમના કોડ ડેવલપરે પણ તેને ક્યારેય રૂબરૂ મળ્યા નથી, ઈ-મેલ મારફતે વાત કરી હશે. સતોષી કોણ હતો તે જાણવા તેને ટ્રેસ કરવો અશક્ય છે. અત્યારે એવું કહેવાય છે કે 1 મિલિયન બિટકોઈનનો માલિક સતોષી ચાહે તો પણ તેણે પોતે બનાવેલા નેટવર્કમાં સહેજ પણ ફેરફાર ન કરી શકે.

બિટકોઈન ટ્રાન્ઝેક્શનમાં કોઈ ચાર્જ નહીં
વિશ્વના કોઈપણ દેશમાં પ્રવાસ ખેડો, જો ત્યાંનો વેપારી કે સર્વિસ પ્રોવાઈડર બિટકોઈન સ્વીકારતો હોય તો તરત તેને બિટકોઈન વડે ચૂકવણી કરી શકાય છે. એક રૂપિયાના સો ભાગ પાડી શકાય તો બિટકોઈનના દસ લાખ ભાગ પડી શકાય. રૂપિયાનો નાનામાં નાનો એકમ પૈસો છે તો બિટકોઈન મિલીબિટકોઈન અને સૌથી નાના એકમ ‘સતોષી’માં વિભાજીત થાય છે. ક્રેડિટ કાર્ડ કે માસ્ટર કાર્ડનો સર્વિસ ચાર્જ ચૂકવવો પડશે. જ્યારે લગભગ બિટકોઈન ટ્રાન્ઝેક્શનમાં કોઈ ચાર્જ નથી હોતો.

હાર્ડ ડ્રાઈવ ક્રેશ થઈ કે વાઇરસ આવી ગયો તો બિટકોઇન્સ રિકવર કરવા અશક્ય
એની સામે એના ગેરફાયદા પણ છે. બિટકોઈન્સ વ્યાપકપણે હજુ સ્વીકૃત નથી અને ચલણ તરીકે એનો સ્વીકાર ખૂબ માર્યાદિત છે. બીજું, જો કમ્પ્યૂટરની હાર્ડ ડ્રાઈવ ક્રેશ થાય કે વાઇરસ ડેટાને દૂષિત કરે તો ડિજિટલ વોલેટ ખોવાઈ શકે અને તો એમાં સચવાયેલ બિટકોઈન્સ કાયમ માટે ખોવાઈ જાય અને એને રિકવર કરવું લગભગ અશક્ય બની જાય, જે સરવાળે એમાં રોકાણ કરનારને નાદાર બનાવી શકે...!! અને છતાંય બિટકોઈન્સ જેવી ક્રિપ્ટોકરન્સી આવકારદાયક છે અને એનું ભવિષ્ય ઉજળું છે કારણ કે, નવી પેઢીને કોઈપણ વ્યવહાર હોય પછી એ સામાજિક હોય કે નાણાંકીય, એમાં પારદર્શકતા ગમે છે અને બિટકોઈન્સ જેવી ક્રિપ્ટોકરન્સી એ પારદર્શકતા પુરી પાડે છે. તમારા બધા જ નાણાંકીય વ્યવહારો બધા જ જોઈ શકે છે અને બિટકોઈન બ્લોકચેનને કારણે કોઈપણ તમારા નાણાકીય વ્યવહારની ખરાઈ ચેક કરી શકે છે.

સૌથી મજબૂત કારણ છે બિટકોઈન વાપરવા માટે જે સિસ્ટમનો ઉપયોગ કરીએ છીએ તે સિસ્ટમ કોઈપણ વ્યક્તિ કે સંસ્થા કે સરકાર એના પર ચેડા કરી શકતા નથી કારણ કે, એ ક્રિપ્ટોગ્રાફિકલી સુરક્ષિત છે.

આમ પણ નવા જમાના પ્રમાણે નવાં કલેવર (વસ્ત્રો) ધારણ કરવાં જ પડે અને બિટકોઈન જેવી ક્રિપ્ટોકરન્સી એ યથાયોગ્ય કલેવર છે. આજથી પચાસ વર્ષ પછી કોઈ ગુજરાતી કે એનઆરઆઈ છોકરી લગ્નના આણામાં પચાસ તોલાના સોનાના દાગીના સાથે દસ બિટકોઈન લઈ જાય તો નવાઈ નહીં.
shivani.s.desai@gmail.com
(લેખિકા સિલિકોન વેલી, અમેરિકા સ્થિત એક મલ્ટિનેશનલ ટેક. કંપનીમાં કાર્યરત છે અને ટેક્નો-ઇન્થ્યૂસિએસ્ટ છે)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો