• Gujarati News
  • Magazine
  • Rangat sangat
  • I Don't Want To Hear Anything ... You Don't Know The Script? There Is Nothing Left In The Whole Village Whose Name He Has Not Taken. The Beetle Will Never '...

મારી વાર્તા:મારે કાંઇ નથી સાંભળવું... એના લખ્ખણ નથી જાણતી તું? આખા ગામમાં એવી કઈ છોડી છે જેનું નામ એણે નંઈ લીધું હોય. એ ભમરાળો તો ક્યારેય નહીં’...

6 મહિનો પહેલા
  • કૉપી લિંક

જલ્દી-જલ્દી કામ પૂરું કરવાની ઉતાવળમાં વિન્સનું ધ્યાન જ ન રહ્યું કે રાતના બે વાગવાની તૈયારી હતી, લગભગ દસેક મિનિટની વાર હતી પણ હજુય ટેબલ પર બે કસ્ટમર બેઠાં-બેઠાં આરામથી વાઇન પી રહ્યા હતા. સામાન્ય રીતે એ દોઢ વાગ્યા આસપાસ બધું આટોપી લેતી. એણે કાળજીપૂર્વક બધા જ ગ્લાસ ટ્રેમાં ઉંધા વાળી દીધા હતાં. નેન્સીએ પણ બધા જ ટેબલ સાફ કરી દીધા હતા. માઇકલ ક્યારનોય કેશ ગણીને પોતાની ચેરમાં થોડો સુસ્તાયો હતો. બાર બંધ કરતાં પહેલા વિન્સે સ્ટાફને બોલાવીને કહ્યું કે, આઇ નીડ ટુ ટેક અ બ્રેક ફોર અ મન્થ ઓર સો. યુ પીપલ નીડ ટુ મેનેજ ધ બાર ફોર અ વ્હાઈલ. શેલ ટોક ટુમોરો ઇન ડિટેલ’.

ત્યારબાદ ઝડપથી કેશ ક્લેક્ટ કરી, બાકીના કામ પતાવી ઉતાવળે સવા બેએ તો બાર બંધ કરીને વિન્સ પોતાની કારની ડ્રાઈવિંગ સીટ પર બેસી ગઈ હતી. એણે બેસતા વેંત જ ઘડિયાળમાં નજર કરી, શાર્પ 2:20 વાગ્યા હતા. રોજની આદત મુજબ એને ખબર હતી, હેંડરસનથી સ્પ્રિંગ વેલી સુધીનું વીસ માઈલનું અંતર કાપતા વધુમાં વધુ 25 મિનિટ થવાની હતી. એણે કારનુ ઈગ્નિશન સ્ટાર્ટ કરી ફોન કનેક્ટ કર્યો. વોઇસ મેઈલ્સ સાંભળવા એણે ઓડિયો થોડો લાઉડ કર્યો કે તરત જ દિકરી અનાયાનો અવાજ સંભળાયો, ‘મમા હાઈ, અનુ હીયર. હું જાઉ છું. કાન્ટ ટેક ધિસ એનીમોર. ટેક કેર. બાય. શેલ કીપ ઇન ટચ.’

વિન્સથી મોટો નિ:સાસો નંખાઇ ગયો. સો માઇલની ઝડપે દોડતી કાર કરતાંય ઝડપથી એનું મન જાણે ક્યાંય દૂર જતું રહ્યું. એ વિચારે ચડી ગઈ કે શું આ જ કારણોસર પચ્ચીસ વર્ષ પહેલાં પોતે લાસવેગસ આવવા માટે તૈયાર થયેલી? પોતાની અંદર આકાર લઈ રહેલા બીજને પોતાની જ હૂંફ આપી શકે એ માટે એણે શું નહોતું કર્યું? અરે, એણે સગી માને પણ આ વાતની જાણ ક્યાં થવા દીધેલી? પોતાની જાત સામે જ બળવો કરેલો એણે અને આજે અચાનક બધું જ એક વંટોળિયાની સાથે ઊડી જવાનું હોય તેમ લાગવા માંડ્યું.

અત્યારે પણ વિન્સની નજર સામે તરત જ સેમનો ચહેરો તરવરી ઊઠ્યો. પોતે માંડ ઓગણીસની હશે ત્યારે અને એ ચોવીસનો. એને જોઇને કદાચ કોઇપણ છોકરીને એમ થાય કે જો આવો છોકરો મળવાનો હોય તો લાઈફમાં બીજું શું જોઇએ? ઊંચું કદ, ગોરો વાન, ભણેલો-ગણેલો અને સાથે બિઝનેસમેન અને સૌથી મોટી વાત તો એ હતી કે છોકરો અમેરિકાના લાસવેગસ જેવા અત્યાધુનિક શહેરમાં રહેતો હતો. વિન્સને હજુય યાદ હતું કે એ ઘેર આવીને જેવો મળીને ગયો કે તરત જ એના બાપાએ તો મનમાં જ હા ભણી દીધેલી.

હું તો બારણા પાછળ સંતાઇને હજી શું જવાબ દઈશ કે કેવી રીતે ના પાડીશ એની અવઢવમાં મૂંઝાઈને ઊભેલી ત્યાં તો, ‘રમા, એ રમા. તે જોયોને છોકરો? આપણા તો નસીબ જ ખૂલી ગ્યા.’ બાપુ બોલેલા.

બાએ વ્યવહારુ થવાનો પ્રયત્ન કર્યો, ‘પણ સાંભળો તો ખરા, વનિતાને એક વાર પૂછી તો લેવા દ્યો. આટલે દૂર પારકે દેશની વાત. સાત વાર વિચાર કરવો પડે.’

‘મને ખબર જ હતી કે તમે મા-દીકરી એકસરખાં છો, કોઇ વાતનો પાર જ ન લાવો. એટલે જ તમને બે’યને આજે વાત કરી. બાકી મને તો નલીનભાઇએ કહેલું કે એમનાં મોટા ભાઈ પંકજનો દીકરો સમીર દસ-પંદર દિવસ માટે આવવાનો છે અને જો મેળ પડે તો કોઈ સારું ઠેકાણું ગોતીને એનું ગોઠવવું. મને ખબર કે એ બધાં તો વર્ષોથી અમેરિકામાં રહે છે એટલે મેં તો તરત જ કહ્યું કે, નલિનભાઇ, આપણે એક જ નાત છીએ, મારી વનુડીનું જોવાનું ગોઠવીએ તો? હા, ભણવાનું ચાલુ છે, પણ કોલેજ કરીને ક્યાં મોટી ધાડ મારવાની છે અહીંયા સાવરકુંડલામાં. એમણે હા પાડી કે મેં તરત આજનું જ ગોઠવી દીધું.’

સમીર પણ એ વખતે હા પાડીને કહેતો ગયેલો કે ગીજુકાકા તમે વનિતાને પૂછી જુઓ, મારા તરફ્થી હા છે. વનિતા આમ પણ પહેલી જ નજરે કોઇને પણ ગમી જાય તેવી હતી. પણ બા જેવી ઓરડામાં આવી, વનિતાનાં પેટમાં ચૂંથારો થવા લાગેલો. બા અંદર આવતા જ બોલેલી, ‘સાંભળ્યું ને? સમીરની હા છે ને તારા બાપુનેય ગમ્યો છે. ને સાચું કહું તો અજાણ્યા ફળ ચાખવા એનાં કરતાં ઓળખીતાં તો ખરાં.’

‘પણ બા’, વનિતા બોલેલી, એને ખબર હતી કે આ પહેલોને છેલ્લો મોકો છે. ‘આટલી ઉતાવળ શું છે?’

બા ફટ દઈને બોલેલી, ‘તો વાંધોય શું છે? સારા શુકન રોજ-રોજ ના’વે.’

વનિતા બોલી પડેલી કે, ‘બા, એક વાત કહું? મને કનુકાકાનો અમરીશ...’

‘કાંઈ શરમ જેવી ચીજ છે કે નહીં તને? તારી માને મોઢા-મોઢ કે’તા તારી જીભ કેમ ઊપડી?’ વનિતા થોથવાઇ ગયેલી, ‘પણ હું તમને...’

‘મારે કાંઇ નથી સાંભળવું.’ બાએ વચ્ચેથી જ વાત કાપી નાંખેલી, ‘એના લખ્ખણ નથી જાણતી તું? અરે, આખા ગામમાં એવી કઈ છોડી છે જેનું નામ એણે નંઈ લીધું હોય. એ ભમરાળો તો ક્યારેય નહીં.’

રાતે જમતી વખતે બાપુએ કહી દીધેલું કે કાલે સવારે જવાબ દેવાનો છે. વનિતાનું મન ચકડોળે ચડેલું. પોતેય અમરીશ તરફ આકર્ષણમાં જ ખેંચાઇ ગયેલી અને યુવાનીના જોશમાં અમરીશ જેવા છેલબટાઉની વાતોમાં આવીને જાતને જ સોંપી બેઠેલી અને આમ પણ છેલ્લા પાંચ-છ દિવસથી શરીરે પહેલો અણસાર આપી દેતાં જ એ હબક ખાઇ ગયેલી.

આખી રાત વિચારવાના ફળ સ્વરૂપે એને થયેલું કે એક નવી જિંદગી એનું સ્વાગત કરવા એક યોગ્ય સમયે આવીને ઊભી છે. પછી તો બધું એક જ પલકારામાં. ઘડિયા લગ્ન અને અમેરિકા તરફની પહેલી ઉડાન. મેક્કરન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહેલો પગ મૂકતાં જ વનિતાએ નક્કી કરેલું કે એ બધું જ પાછળ છોડી દેશે સિવાય કે પોતાની અંદર રોપાઇ ગયેલું બીજ. સ્પ્રિંગ વેલી વિસ્તારના વૈભવી મહેલ જેવા ઘરમાં પગ મૂકતાં જ તેનું કાયાંતરણ થવા લાગેલું. સમીર તો સેમ હતો જ પણ પોતેય વિન્સ બની ગઈ. અનાયાનો જ્ન્મ અને સાથે-સાથે સેમનાં સ્વાભાવગત લક્ષણોની જાણ. લાસવેગસ શહેરની ઓળખ સ્વરૂપ બધાં જ લક્ષણો એનામાં હતા, દારૂ અને જુગાર. સમીરનું દારૂ પ્રત્યેનું અતિશય વળગણ એને ચાલીસ જ વર્ષે ભરખી ગયેલું.

હવે વનિતા ખરા અર્થમાં વિન્સ બની ગઈ’તી. બારની જવાબદારી અને સાથે અનાયાની પણ. બાપુ અચાનક હાર્ટ એટેકમાં જતા રહ્યા તો’ય એ માંડ સાત દિવસ માટે જઈને આવી ગયેલી. બધું માંડ પાટે ચડ્યું’તું પણ ત્યાં જ એક દિવસ અનાયાએ એને કીધું 'મમા, આઈ વોન્ટ ટુ લિવ એન ઈન્ડિપેન્ડન્ટ લાઈફ. અ સેપરેટ એન્ડ સેલ્ફ ડિપેન્ડન્ટ.' વિન્સે તરત જ જવાબ આપેલો કે તને અહીંયા શેની કમી છે?

'મમા, તને નહીં સમજાય. મારે જાતે કમાવું છે ને મારી રીતે જીવવું છે.' એ બોલેલી. વિન્સને લાગ્યું કે તેના પગ તળેથી જમીન સરકી જશે. એણે અનાયાને ખૂબ જ સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ વ્યર્થ. અને બીજા સાત – આઠ મહિનામાં તો એ અઢારની થતાં એ સાવ જ બિંદાસ થઈ ગયેલી. વિન્સને થયું કે, જેની માટે એણે આ બાજી ગોઠવેલી, આજે એ જ એને હરાવી દેશે.

છેલ્લાં ત્રણ દિવસથી તો એણે નક્કી કરી નાખેલું કે એ ઝડપથી જ કોઈ જોબ શોધીને અલગ રહેવા જતી રહેવાની છે. ખૂબ સમજાવી, ખૂબ ધૂમપછાડા, પણ એ માનવા તૈયાર જ નો’તી. આથી વિન્સે નક્કી કરેલું કે, આ બધાથી અનાયાને દૂર કરવા એ થોડા વખત માટે તેને લઈને ઈન્ડિયા આવી જશે. એ પોતાની તૈયારીમાં જ હતી પણ ત્યાં તો આજે જ અનાયાનો મેસેજ આવી ગયો. વેગસના ઝળહળાટ થતાં રસ્તાઓ પર સડસડાટ ગાડી ડ્રાઇવ કરતી ઘરની પોર્ચમાં પહોંચી તો એનું ધ્યાન દરવાજે પડેલા એક મોટા એન્વલપ પર પડ્યું. ત્યાં ઊભાં–ઊભાં જ એણે ખોલ્યું તો બાએ વકીલ મારફતે મોકલેલા પ્રોપર્ટીનાં પેપર હતાં. બાપા ગુજરી ગયા એ પહેલા વસિયત કરી ગયેલા એ. બાએ લખેલું કે, ‘હું તો ખર્યું પાન, કાલનો શું ભરોસો? એટલે મારી હાજરીમાં જ આ કાગળિયાં તને મોકલી દઉં છું. અંતે તો જે છે એ બધું આપણી અનુનું જ છે ને! વિન્સ ત્યાં જ દરવાજે ફસડાઇ પડી. બેઠાં-બેઠાં એણે જોયું કે, દરવાજે પણ એક ટેગ લગાવેલું છે. વિન્સે એક ઝાપટ સાથે ખેંચીને ખોલી તો લખેલું કે, ‘મમા, આઇ વોઝ ડેટિંગ પોલ ફોર લાસ્ટ ટુ યર્સ બટ હી માઈગ્રેટેડ ટુ યુરોપ. સો નાઉ આઈ એમ વિથ નિક. વી વિલ બી ઇન લિવ ઇન. આઇ એમ મેચ્યોર ઇનફ ટુ લિવ માય લાઇફ. આઇ શેલ ટેક્સ્ટ યુ માય અડ્રેસ. ટેક કેર. બાય.'

વિન્સની આંખો ચોધાર આંસુએ રડી પડી અને મોઢામાંથી એક જ શબ્દ નીક્ળ્યો. ‘ભમરાળી’.
(તમારી વાર્તાઓ આ સરનામે મોકલી આપોઃ marivarta.divyabhaskar@gmail.com શરત એટલી કે તમારી વાર્તાઓ સંપૂર્ણપણે મૌલિક, અપ્રકાશિત અને ટાઇપ થયેલી હોવી જોઇએ. વાર્તાની સાથે તમારી કોન્ટેક્ટ ડિટેલ્સ પણ મૂકશો.)