• Gujarati News
  • Magazine
  • Rangat sangat
  • I Challenge Myself That Even In A Serious Situation I Will Always Be By My Husband's Side, I Will Make Him Healthy, My Daughter's Father Must Come Back ...

ઇટ્સ કોમ્પ્લિકેટેડ:હું જાતને પડકાર ફેંકું છું કે ગંભીર પરિસ્થિતિમાં પણ હું સદૈવ પતિની પડખે રહીશ, તેમને તંદુરસ્ત કરીશ, મારી પુત્રીના પિતાએ પાછા ફરવું જ પડશે...

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગયા અઠવાડિયે આપણે વાત કરી કે અમદાવાદના 51 વર્ષના વિવેક શાહને બાયપાસ સર્જરી વખતે હૃદયરોગનો હુમલો આવ્યો, જેથી તેમના મગજને થોડીક ક્ષણ ઓક્સિજન ન મળવાથી કોમામાં જતા રહ્યા. તેમનાં જીવનસાથી આરતીબહેને જીદ કરીને પ્રેમની શક્તિથી પોતાના પતિને ભાનમાં લાવવામાં સફળતા મેળવી. યુવા દીકરી પ્રાર્થનાએ તેમાં પૂરો સહયોગ આપ્યો. વર્ષો સુધી અનેક પડકારોનો સામનો કરીને ખૂબ જ ધીરજ રાખીને મગજનું સંતુલન જતું રહે એવી સ્થિતિ સહન કરીને આરતીબહેને કમાલ કરી નાખ્યો. તેમણે સાબિત કર્યું કે, કોમા એટલે માત્ર અલ્પવિરામ, નહીં કે પૂર્ણવિરામ.

આરતીબહેન કહે છે કે, 'ભાગ્યની રેખા આપણા હાથમાં હોય છે. પરંતુ ભાગ્ય આપણા હાથની વાત હોતી નથી. આ પૃથ્વી પર જન્મ થયો તે પહેલાં જ વ્યક્તિનું ભાગ્ય નક્કી થઈ જતું હોય છે. નિયતિના નક્શાના આધારે દરેકે જીવનપથ કાપવાનો હોય છે.' આરતીબહેને વિચાર્યું હશે કે અમારું ભાગ્ય પોઝિટિવ રીતે જ લખાયું છે. આરતીબહેને પોતાની આંતરિક અને જબરદસ્ત શક્તિથી ભાગ્યની રેખાઓ બદલી નાખી. આવું ખરેખર થતું પણ હોય છે. નિયતિએ નક્કી કરેલા ક્રમને પ્રેમની શક્તિ બદલી શકે છે.

24 ઓગસ્ટ, 2021 પછી આરતીબહેનની આસપાસની સૃષ્ટિનો વિલય થયો. તેમના પતિ અને પરમ મિત્ર વિવેક શાહ હોસ્પિટલના આઈસી યુનિટમાં ટ્યુબ્સ અને મશીનથી ઘેરાઇને જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાતા હતા. હલનચલન નહોતા કરી શકતા. જાતે શ્વાસ પણ લઈ શકતા નહોતા. હૃદયની કામગીરી અત્યંત ધીમી થઈ ગઈ હતી. મગજના જ્ઞાનતંતુઓએ શરીરને ઊંઘમાં ધકેલી દીધું હતું. બે કલાક પહેલાં આરતીબહેન અને વિવેકભાઈ એકબીજાનો હાથ પકડીને વાતચીત કરતાં બેઠાં હતાં. બે કલાકમાં તેમની આખી સૃષ્ટિ બદલાઈ ગઈ. હજી થોડા કલાકો પહેલાં તો તેમણે સાથે બેસીને પરદેશ જવાનું આયોજન કર્યું હતું. દીકરી પ્રાર્થનાના 18મા જન્મદિવસની પાર્ટી બાબતે વિચારણા કરી હતી. પોતાની જાત કરતાં પ્રાર્થના માટે ઘણાં આયોજનો કર્યાં હતાં.

આરતીબહેન ડોક્ટરો સાથે ચર્ચા કરતાં. હવે ડોક્ટરો માટે તેમના પતિ 'એક કેસ' બની ગયા હતા. હવે એ લોકો ડોક્ટરી ભાષામાં આરતીબહેનને સમજાવતા હતા. તેમના પલ્લે કશું પડતું નહીં. લોકો ચિંતા અને દયાની નજરે તેમને જોયા કરતા. એ જ વખતે આરતીબહેનના મનમાં એક પ્રચંડ ઝબકારો થયો. અંતરતમથી તેમને લાગ્યું કે, 'મારે ઢીલા અથવા નબ‌ળા સાબિત થવાની આ પળ નથી. જે બોજ આવી પડ્યો છે તેને ઊંચકી લેવા માટે મારે મારા ખભાને મજબૂત કરવાના છે. યુદ્ધ લડી લેવાનું છે. કૃષ્ણે અર્જુનને કહ્યું હતું કે, પાર્થને કહો ચડાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ.' આરતીબહેને મનોમન પ્રતિજ્ઞા કરી કે હું મારા પતિને પાછા લઈને જ આવીશ.

બસ, એ પછી તેઓ વિવેકભાઈની સારવારમાં સંપૂર્ણપણે જોડાઈ ગયાં. દિવસોના દિવસો. રાતોની રાતો. એક અખંડ સાધના ચાલી. એક પત્ની જાણે કે તપ કરવા બેસી ગઈ. તેઓ વિવેકભાઈની સારવારમાં ઓતપ્રોત થઈ ગયાં. બધું તેમણે શીખી લીધું. વિવેકભાઈની સેવાચાકરીમાં તેઓ સહેજ પણ બાંધછોડ કરવા નહોતાં માગતાં. આ કાર્યને તેમણે એટલું બધું મહત્ત્વ આપ્યું કે, તેમના જીવનનાં બાકીનાં બધાં કાર્યો ગૌણ બની ગયાં. મહિનાઓ સુધી વિવેકભાઈને હોસ્પિટલમાં રાખવામાં આવ્યા. તે દરમિયાન દીકરી પ્રાર્થના ઘરે એકલી રહી. એ પણ પોતાના મોરચે લડત આપી રહી હતી. એકવાર આરતીબહેન વ્યસ્તતામાં, પીડામાં, સારવારમાં હોસ્પિટલથી પોતાની દીકરી પ્રાર્થનાને ફોન કરવાનું ભૂલી ગયાં. પ્રાર્થનાનો ફોન આવ્યો. તેણે એટલું જ કહ્યું, 'મા, હજી હું છું.'

આરતીબહેનને લાગ્યું કે, 'મારી વહાલી દીકરીએ એક જ વાક્યમાં પોતાની બધી વેદના ઠાલવી દીધી. તેમને પોતાની ભૂલ સમજાઈ. તેમને ખ્યાલ આવ્યો કે, મારી જવાબદારી માત્ર વિવેક પૂરતી સીમિત નહોતી. પ્રાર્થના, ઘર અને ઘરની જવાબદારીનો પણ મારે ખ્યાલ રાખવાનો હતો.' આરતીબહેન ઘણીવાર એકલાં પડી જતાં. ગભરાઈ જતાં. ઘણીવાર વિવેકભાઈનો હાથ પકડી વાતો કરવા લાગતાં. ઘણીવાર રાત્રે તેમની ઊંઘ ઊડી જતી. ખૂબ ગભરાતાં, મુંઝાતાં ત્યારે કોમામાં ગયેલા પોતાના વહાલા પતિ વિવેક સાથે સતત વાતો કર્યાં કરતાં. એક વખત તેમનું હૈયુ સખત ભરાઈ આવ્યું. પ્રાર્થના ઢીલી ન પડે એટલે બાથરૂમમાં ગયાં, નળ ચાલુ કર્યો અને ખૂબ રડ્યાં. નળની સાથે આંખોમાંથી પણ ધારા વહેવા લાગી. રડીને વધુ મજબૂત થયાં.

કલાકો સુધી તેઓ વિવેકભાઈનો હાથ પકડીને પલંગ પર બેસી રહેતાં. તેમને સ્નાન કરાવતાં. તેમને જમાડતાં. જાણે કે વિવેકભાઈ બાળક હોય તે રીતે આરતીબહેન બધું કરતાં. પત્નીએ ક્યારેક માતાનો રોલ પણ અદા કરવાનો હોય છે. વિવેકભાઈ વિશે આરતીબહેનના મનમાં શ્રદ્ધાનો એક દીપ પ્રગટતો હતો. આરતીબહેનને ખબર હતી કે, 'વિવેક એક ફાઈટર-યોદ્ધા છે અને અમારા માટે તેમના મનમાં જે અનહદ પ્રેમ છે તે તેમને પાછા લાવશે જ.' આરતીબહેને દીકરી પ્રાર્થનાને કહ્યું હતું, કે 'તેમની પાસે બીજો કોઈ વિકલ્પ જ નથી, તેમણે પાછા આવવું જ પડશે.'

મોટાભાગે કોમામાં ગયેલા લોકો પાછા નથી જ આવતા. 10 વર્ષ, 15 વર્ષ, 20-25 વર્ષ કોમામાં રહીને છેવટે તેઓ વિદાય લેતા હોય છે. આરતીબહેન કહે છે કે, 'એ નબળા દિવસો એકલતાના હતા. ભયભીત કરનારી રાત્રિઓ હતી.' આરતીબહેન જમી નહોતાં શકતાં. ટીવી જોવું તેમના માટે શક્ય જ નહોતું. કશું ગમતું નહીં. પોતાની જાતને ફોન અને કોલથી દૂર રાખતાં. સારાં વસ્ત્રો પહેરવાના અને સારા દેખાવાનો મોહ બિલકુલ જતો રહ્યો હતો. બહારની દુનિયા સાથે તેમનો સંપર્ક તૂટી ગયો હતો.

આરતીબહેન કદી ના ભૂલવી જોઈએ તેવી એક સરસ વાત કહે છે, 'ખરાબ કે નબળા દિવસોનું આયુષ્ય કંઈ લાંબું હોતું નથી.' આરતીબહેન અને પ્રાર્થનાએ કરેલી સેવા અને સારવારે રંગ રાખ્યો. વિવેકભાઈ ભાનમાં આ‌‌વતા ગયા. તેમની જાગૃતિ વધતી ગઈ. આરતીબહેનને લાગ્યું કે, ખરેખર હવે વિવેકભાઈ પોતાની સાથે છે. તેઓ પોતાના પતિ સાથે વાતો કરી શકતાં, હસી શકતાં, રડી શકતાં. તેમની હાજરી આરતીબહેનને ફરીથી પ્રેરણા આપતી થઈ. એ પછી આરતીબહેનનું જીવન ફરીથી ધબકવા લાગ્યું હતું. તેમનો ખોરાક અને ઊંઘ જાણે પાછાં મળ્યાં. તેઓ પોતાના ઘરને સંભાળવા લાગ્યાં, રસોઈ કરવા લાગ્યાં, ટી.વી. જોવા લાગ્યાં, જાણે કે તેમનો પુનર્જન્મ થયો. આરતીબહેનનો પુનર્જન્મ થયો એ પહેલાં તેમણે પોતાના જીવનસાથી વિવેકભાઈને પણ પુનર્જન્મ આપ્યો. એક પત્ની જાણે કે બીજા સંતાનની માતા બની. કેવી અદભુત વાત છે.

આરતીબહેન કહે છે કે, 'શ્રદ્ધા, પ્રેમ અને આશા મારા માટે શબ્દો ન રહ્યા. પરંતુ એક અનુભૂતિ બની ગયા. સ્વજનો અને મિત્રો આપણા માટે કેટલા જરૂરી હતા તેનો મને પહેલીવાર ખ્યાલ આવ્યો. હું માનવતાનો આદર કરતાં શીખી. મારામાં પણ ધીરજ અને સહનશક્તિના ગુણો છે તેનો પ્રથમવાર મેં અનુભવ કર્યો. મારા પરિવાર માટે મારો પ્રેમ બધી જ સરહદોને પાર કરી ગયો. ડોક્ટરી વિદ્યાનું મારું જ્ઞાન વધ્યું અને મારા સ્વજનોને તેનો લાભ મળવા લાગ્યો.' આ સમયગાળામાં તેમનો પરિવાર ખૂબ બહોળો થયો. સગાં-વહાલાં, સ્વજનો અને મિત્રોએ તેમને ખૂબ હૂંફ આપી. ખૂબ સહયોગ કર્યો.

હવે જોઈએ પ્રાર્થનાની મનોગત
'24 ઓગસ્ટ, 2011. હું એ દિવસ ક્યારેય ભૂલી નહીં શકું. મમ્મીની વાત સાંભળીને હું ગભરાઈ નહોતી. મેં વિચાર્યું હતું કે, બધું સારું જ થવાનું હોય તો ગભરાટ શા માટે? કાર્ડિયાક અરેસ્ટ શું છે તેનો પણ મને ખ્યાલ નહોતો. અમે દોડીને બીજા માળે પહોંચ્યાં ત્યારે મને ઘટનાની ગંભીરતાનો થોડો ખ્યાલ આવ્યો. મારા મામાનો ફોન આવ્યો ત્યારે મેં જાણ્યું કે પરિસ્થિતિ કેટલી હદે ગંભીર છે. મારું 17 વર્ષનું મગજ ગભરાઈ ગયું અને ગૂંચવાઈ ગયું. મારે તો એ જ જાણવું હતું કે મારી મમ્મી શું કહે છે. મને ખબર હતી કે, મારી મમ્મી મને કંઈ પણ છુપાવ્યા વિના સાચું જ કહેશે.

હું અને મારી મમ્મી, ઢાલ બનીને પપ્પાની પડખે ઊભાં રહી ગયાં જેથી ક્યાંયથી તેમના પર આક્રમણ ન થાય. અમે તેમને ક્યારેય પણ લાગવા ન દીધું કે તેમની સાથે કંઈ અશુભ બન્યું હતું. અમારું ધ્યેય એક જ હતું, 'પપ્પાને તેમનું સોહામણું સ્મિત પાછું આપવું છે.' ત્રણ વર્ષની સાધના. કઠોર સાધના. છેવટે વિવેકભાઈ ધીમે ધીમે સ્વસ્થ થયા. તેઓ જાગૃત અવસ્થામાં આવવા લાગ્યા. તેઓ સ્વસ્થતાપૂર્વક ચાલવાની તાલીમ લેવા લાગ્યા. તેમનું બોલવાનું પહેલાં કરતાં વધારે સ્પષ્ટ થતું ગયું. ચોક્કસ વાનગીઓ તેઓ ખાવા લાગ્યા. કોઈની સહાય વિના બેઠા થવા લાગ્યા. લેપટોપ વાપરવા લાગ્યા. દાંત પર જાતે બ્રશ કરવા લાગ્યા. કોઈની મદદ વગર નાહવા પણ લાગ્યા. અખબાર જાતે પકડીને વાંચવા લાગ્યા. ટીવી પણ જોવા લાગ્યા.

તેઓ થિયેટર અને રેસ્ટોરન્ટમાં પણ જવા લાગ્યા. આમંત્રણ મળે તો સમારંભોમાં પણ જવા લાગ્યા. વિવેકભાઈ પોતાની ઓફિસમાં નિયમિત જવા લાગ્યા. સૌથી મોટી વાત એ છે કે આરતીબહેન કે પ્રાર્થના કોઈ તકલીફમાં હોય, મૂંઝાતા હોય તો તેમને માર્ગદર્શન પણ આપવા લાગ્યા. કેવું કહેવાય! જે માણસ બેભાન થઈ ગયો હતો તે માણસ હવે માર્ગદર્શન આપતો થઈ ગયો.

તો મિત્રો આ છે પ્રેમની શક્તિની ગાથા. આરતીબહેને જે અનુભવો કર્યાં છે તે એક કે બે લેખમાં લખી શકાય એમ નથી. આરતીબહેને પોતે અંગ્રેજીમાં પુસ્તક લખ્યું, 'WE FALL... TO RISE'. વડોદરાના જિતેન્દ્રભાઈ શાહે તેનું ગુજરાતીમાં સુંદર અનુવાદ કર્યો છે. વિપુલ શુક્લ, જીજ્ઞેશ પટેલ, યજ્ઞેશ પંડ્યા, દિપક પટેલ વગેરેના સહયોગથી આ પુસ્તકનો ગુજરાતી અવતાર થયો છે. આ પુસ્તકના કવર પેજ ઉપર વિવેકભાઈ કોમામાંથી બહાર નીકળ્યા પછી તેમણે કરેલું ચિત્રાંકન મૂકાયું છે. આરતીબહેને પોતાનું પુસ્તક વિવેકભાઈને અર્પણ કર્યું છે. એ પુસ્તકની અર્પણ નોંધ સાથે આ લેખનું સમાપન કરીએઃ

‘કદાચ મને પૂછવામાં આવે- આવતા જન્મમાં આ જ વ્યક્તિને જીવનસાથી બનાવવાનું પસંદ કરો?મારો એક જ ઉત્તર રહેશે - જેટલા ભવ મારે જીવવાના હોય મારો જીવનસાથી તે અને તે જ રહેશે. આ પુસ્તક હું મારા પતિ વિવેકને અર્પણ કરું છું. તેના વિના હું અપૂર્ણ છું, અધૂરી છું. આપણે સાથે વિતાવેલાં એ મનોહર પચ્ચીસ વર્ષ કેવી રીતે વિસરાશે? તું જેવો છે એવો જ તને ચાહું છું!
પ્રિય વિવેક!’
positivemedia2015@gmail.com
(લેખક વરિષ્ઠ પત્રકાર, કટારલેખક અને ‘RAA પોઝિટિવ મીડિયા’ના સ્થાપક છે)

અન્ય સમાચારો પણ છે...