• Gujarati News
  • Magazine
  • Rangat sangat
  • I Am Confused That Despite Being So Careful, There Is No Sign Of Pregnancy ... Oh, Now If A Daughter Comes, We Will Name Her 'Dvidha' ...

મારી વાર્તા:હું કન્ફ્યુઝ્ડ છું કે આટલી કાળજી રાખવા છતાં પ્રેગ્નન્સી રહી એ કોઇ સંકેત નહીં હોય ને... હવે જો દીકરી આવી તો એનું નામ 'દ્વિધા' રાખીશું...

10 મહિનો પહેલા
  • કૉપી લિંક

'રોહિત..રો..હિત, સાંભળે છે? આખો દિવસ બિઝનેસ અને ફોન..રોહિત..’

‘શું છે સુરાલી...? બૂમો શા માટે મારે છે...? જરા તારા નામની માફક સૂરમાં બોલતી હોય તો...’ રોહિતે ફોન બંધ કરતાં કહ્યું.

‘રોહિત..અહીં આવ. બેસ. રવિવારે નો બિઝનેસ ટોક્સ. હું પણ રવિવારે મારી કોલેજને ભૂલી જઉં છું ને...ઓન્લી ફેમિલી ટાઇમ.’

‘હા હા.. યસ બોસ.. બોલ...’ રોહિતે સોફા પર બેસતાં કહ્યું.

‘રોહિત.. દોઢ મહિનો ચઢી ગયો છે.. હવે નિર્ણય લેવો પડશે.’

‘અરે..સુરાલી... હું પણ કન્ફ્યુઝ્ડ છું. આપણને એક બાળક દ્વિજ તો છે જ. પછી બીજું...’

‘હા.. તારી વાત સાચી છે પણ આટલી કાળજી રાખવા છતાં પ્રેગ્નન્સી રહી એ કોઇ સંકેત નહીં હોય ને!?’

‘કોઈ કોન્ટ્રાસેપ્ટિવ મેથડ 100% સફળ થતી નથી. તું તો બાયોલોજીની પ્રોફેસર છે.’

‘થિયરી બધી જાણું છું, પણ મનેય એક દીકરીની ઇચ્છા હતી. દીકરી કેટલી લાગણીશીલ હોય!’

‘તારી બધી વિદ્વાન ફ્રેન્ડ્ઝ શું કહે છે?’

‘50-50% છે. જેટલાં સહમત છે તેટલાં જ અસહમત.’

‘ઓહ... જો હવે દીકરી આવે ને તો એનું નામ 'દ્વિધા' રાખીશું...’ રોહિત હસતાં હસતાં બોલ્યો અને ઊઠીને જતો રહ્યો.

‘લે, આણે તો કંઈ તોડ કાઢ્યો જ નહીં.’ સુરાલીએ ગ્રીન ટીનો કપ મોઢે માંડ્યો અને એના પંદરમા માળની બાલ્કનીમાંથી આકાશ જોવા લાગી.

***

‘જો સુરાલી 8 અઠવાડિયાં થઇ ગયાં છે. જેટલો જલદી નિર્ણય લઇશ એટલું તારે માટે સારું છે’, ડોક્ટર મિતાલી શ્રોફે કહ્યું.

‘હા.. ડોક્ટર સાહિબા... તું મારી ડોક્ટર કરતાં મિત્ર વધુ છે. તું જ કહે હું શું કરું?’

‘સુરાલી.. હું ગાયનેકોલોજીસ્ટ છું. રોજ કેટલીયે ડિલિવરી કરાવું છું. દરેક બાળકનો જન્મ મારે માટે એક ઉત્સવ સમાન હોય છે, પણ મારો ખોળો ખાલી છે. હું મા બનવા અસમર્થ છું એ કેવી કરુણતા છે! મારું માને તો રાખ અને પછી બાળક મને આપી દેજે.’

‘મિતાલી... આઈ કેન અન્ડરસ્ટેન્ડ... હું ફરી આવીશ.’

***

‘સુરાલી... આર યુ મેડ... કાલે ને કાલે એબોર્શન કરાવી લે. પાગલ છે! અહીં વસ્તી ફાટફાટ થાય છે ત્યાં હજી ઉમેરો...’ સુરાલીની સહકાર્યકર સુનીતાએ અકળાઈને કહ્યું.

‘પ્લીઝ સુનીતા... શું હું આવનાર બાળકની બધી રીતે સંભાળ ન લઇ શકું? હજી એક બાળકને ઉછેરી તેની જરૂરિયાત પૂરી કરવા સક્ષમ છું.’

‘તો કોઈ ગરીબ ને દત્તક લે ને..એની જિંદગી સુધરી જશે અને પછી તારી કરિયર પર બ્રેક લાગશે એનું શું?’

‘ઓકે માતાજી... જોઇશ, બસ...’

***

પછીના પંદર દિવસ સુરાલી એની મમ્મી માધવીબેનની સારવારમાં વ્યસ્ત થઇ ગઇ. માધવીબેનને પગે ફ્રેક્ચર આવ્યું એટલે બિચારા પથારીવશ થઇ ગયાં હતાં.

‘હવે રહી જ ગયું છે તો એને જીવવા દે. મને બે બાળકો પછી તારા મહિના રહ્યા ત્યારે મને બધાએ ના પાડી હતી, પણ આજે જો તું જ મારી સૌથી નજીક છે. મારી સંભાળ રાખે છે.’

સુરાલી ભાઇબહેન સાથે વિતાવેલા મધુર બાળપણને સંભારી રહી. શું જીવનમાં એકાદ ભાઇ કે બહેન જરૂરી નથી?

‘લગભગ 18 અઠવાડિયાંમાં ગર્ભ બહારના અવાજ, માતાની અસ્વસ્થતા, માનસિક સંતાપ વગેરે અનુભવી શકે છે.’ સુરાલી બાયોલોજી વર્ગમાં શીખવી રહી હતી. અચાનક એને પોતાની ગર્ભાવસ્થાને પણ આટલો જ સમય થઇ ગયો છે એ યાદ આવ્યું.

‘શું કરું...? રોહિત પણ બિઝનેસ માટે અમેરિકા ગયો છે. હમણાંથી બહુ સ્ટ્રેસમાં રહે છે. પહેલાંની જેમ ક્લાયન્ટ હવે શરમ રાખતાં નથી. ધંધામાં ગળાકાપ હરિફાઈ છે એમ બબડતો હતો. બસ હવે પરમદિવસે એ આવે એટલે ફેંસલો કરી નાખીશું.’

રોહિતની ફ્લાઇટ રાત્રે મોડી હતી અને બે દિવસથી સુરાલીને મોળ, ચક્કર અને ઊલટી થતી હતી તેથી એરપોર્ટ પર લેવા ન જઇ શકી. સવારથી જ રોહિત ધુંધવાયેલો હતો.

‘સુરાલી.. ખાનામાંથી મારી ફાઇલ ક્યાં ગઇ? એક વસ્તુ ઠેકાણે નથી.’

‘મને શું ખબર.. તારે સાચવીને મૂકવી હતી ને...’ સુરાલીને જલદી ખોટું લાગી જતું.

‘કેટલી અગત્યની ફાઇલ હતી ખબર છે? તારું ધ્યાન ઘરમાં ક્યાં હોય છે? નોકરી ન થતી હોય તો છોડી દે ને...’

‘રોહિત.. હું નોકરી મારા આત્મવિશ્વાસ અને આત્મસન્માન માટે કરું છું. મારા નોલેજનો સદ્ઉપયોગ કરું છું.’

‘તને ખબર છે મને કેટલું ટેન્શન છે? એમાં તું ઉમેરો કરે છે...’ રોહિત લગભગ બરાડતો બોલ્યો.

‘રોહિત, હું પ્રેગનન્ટ છું અને મારી તબિયત સારી નથી. સુરાલીએ ક્ષીણ અવાજે કહ્યું. એ રડમસ થઇ ગઇ. ટુ હેલ વિથ યોર પ્રેગ્નન્સી. પડાવી નાંખને. નથી જોઇતો એવો અણગમતો ભાર. સમજતી જ નથી...’

સુરાલી આઘાતથી બેવડ વળીને નીચે બેસી ગઇ. એના હાથ પેટ પર દબાઇ ગયા. એને થતું હતું અંદરનું બાળક આ ન સાંભળે..એ ઊભી થવા ગઈ અને ફસડાઈ પડી. એણે આંખો ખોલી ત્યારે ડો. મિતાલી એના માથા પર હાથ ફેરવી રહી હતી અને એની આંખોમાં ઝળઝળિયાં હતાં.

એ સમજી ગઈ. એની દ્વિધા હંમેશ માટે મટી ગઇ હતી.
(તમારી વાર્તાઓ આ સરનામે મોકલી આપોઃ marivarta.divyabhaskar@gmail.com શરત એટલી કે તમારી વાર્તાઓ સંપૂર્ણપણે મૌલિક, અપ્રકાશિત અને ટાઇપ થયેલી હોવી જોઇએ. વાર્તાની સાથે તમારી કોન્ટેક્ટ ડિટેલ્સ પણ મૂકશો.)

અન્ય સમાચારો પણ છે...