તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુખનું સરનામું:દુર્ઘટનાનો ભોગ બન્યા બાદ આંગળીના ઇશારે પતિએ પત્ની માટે એક ભાષા વિકસાવી બનાવ્યો 'બ્રુકલીન બ્રિજ', લોકોની હાડમારી દૂર થઈ

5 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુખને ઝાંઝવા જેવું ગણો કે પતંગિયા જેવું, પણ તેને પામવાનો માર્ગ સરળ છે ને ઠેકાણુંય ઢૂકડું છે. આ કોલમમાં દર શનિવારે વિચારોના પરબીડિયા પર સવાર થઇને આપણે સૌ નીકળી પડીશું સુખના સરનામે.
***
આજથી દોઢસો વર્ષ પહેલાંની આ ઘટના છે. અમેરિકાના ન્યૂ યોર્ક શહેર અને બ્રુકલિન પરગણાની વચ્ચેનું અંતર સાવ ઓછું હોવા છતાં વચ્ચેની નદીને કારણે ફરી-ફરીને જવું પડતું હોવાથી અંતર ખૂબ વધી જતું હતું. જ્હોન ઓગસ્ટસ રોબલિંગ નામના એન્જીનિયરે લોકોને પડતી હાડમારી દૂર કરવાનો સંકલ્પ કર્યો અને આ માટે કામે લાગ્યો. આ માટે ન્યૂ યોર્ક શહેર અને બ્રુકલિનને જોડતો એક પુલ બનાવવાનો વિચાર આવતા જ્હોન ઓગસ્ટસ રોબલિંગે પુલની ડિઝાઇન બનાવી. તમામ નિષ્ણાતોએ તેની આ ડિઝાઇન તદ્દન અવ્યવહારુ છે અને આવો પુલ બની જ ન શકે એમ કહીને એને ગાંડો ગણાવ્યો. જ્હોનને માત્ર એક જ વ્યક્તિનો સાથ હતો અને તે હતો એનો દીકરો વોશિંગ્ટન રોબલિંગ.

બાપ-દીકરાએ સાથે મળીને કામગીરી શરૂ કરી. આ માટે એન્જીનિયરોની એક ટીમ તૈયાર કરી, જે જ્હોનના આદેશ પ્રમાણે કામ કરી શકે. કામ હજુ તો વેગ પકડે તે પહેલાં જ કામ કરતાં બનેલી એક દુર્ઘટનાને કારણે તા. 22-7-1869ના રોજ જ્હોન રોબલિંગનું અવસાન થયું. લોકો વાતો કરવા લાગ્યા કે ગાંડો ગયો એટલે હવે કામ પણ બંધ થઇ જશે. જ્હોનના દીકરા વોશિંગ્ટને 'પિતા વગર આ કામ આગળ કેમ વધશે' એમ વિચારવાને બદલે બાપનું સપનું પૂર્ણ કરવા માટે હવે બધા જ કામની જવાબદારી પોતાના માથા પર લીધી.

પુત્ર દુર્ઘટનાનો ભોગ બન્યો શરીર કામ કરતું બંધ થઇ ગયું
કુદરત પણ જાણે રોબલિંગ પરિવારની કસોટી કરતી હોય એવી એક ઘટના બની. વિધિની વક્રતા જુઓ કે વોશિંગ્ટન રોબલિંગ પણ બાપની જેમ જ તા.3-1-1870ના રોજ એક દુર્ઘટનાનો ભોગ બન્યો અને એનું શરીર કામ કરતું બંધ થઇ ગયું. પુલ બનાવવા માટે કામ કરતા એન્જીનિયર્સને એ કોઈ માર્ગદર્શન આપી શકે એમ નહોતો કારણ કે, એના હાથની માત્ર એક આંગળી જ કામ કરતી હતી. પિતાએ હાથ પર લીધેલા પ્રોજેક્ટને પૂર્ણ કરવા હવે વોશિંગ્ટને પત્ની એમિલીનો સાથ લીધો. માત્ર આંગળીના ઇશારે એણે એક ભાષા વિકસાવી, જે માત્ર એમિલી સમજી શકતી હતી. ઘણા વર્ષોની મહેનત બાદ પતિ-પત્ની આંગળીના ઇશારે વાતો કરતાં થયાં.

સમસ્યાઓ અહીંયા વિરામ લે એવું નહોતું કારણ કે, એમિલીને એન્જીનિયરિંગમાં કંઇ જ ખબર પડતી ન હોવાથી પતિ શું કહેવા માગે છે એ તે સમજી શકતી નહોતી. એમિલીએ પણ હાર માનવાને બદલે પતિને પૂરો સહકાર આપ્યો. એ ગણિત અને ઇજનેરી શીખી અને પતિ જે કંઇ પણ આંગળીના ઇશારે સમજાવે તે બધું જ સમજતી થઈ.

બ્રુકલિન બ્રિજના રચયિતાઓઃ જ્હોન રોબલિંગ, દીકરો વોશિંગ્ટન રોબલિંગ અને તેની પત્ની એમિલી
બ્રુકલિન બ્રિજના રચયિતાઓઃ જ્હોન રોબલિંગ, દીકરો વોશિંગ્ટન રોબલિંગ અને તેની પત્ની એમિલી

13 વર્ષની મહેનત પછી પતિ-પત્નીએ સપનું સાકાર કરી બતાવ્યું
વોશિંગ્ટન રોબલિંગ એમની પત્ની એમિલીને જે કંઇ સૂચનાઓ આપે તે મુજબ એમિલી પુલનું કામ કરતા ઇજનેરોને માર્ગદર્શન આપવા લાગી. પૂરાં 13 વર્ષ સુધી આ રીતે ચાલ્યું અને 1883ના વર્ષમાં જ્હોન રોબલિંગનું લોકોની હાડમારી દૂર કરવાનું સપનું પુત્ર વોશિંગ્ટન અને પુત્રવધુ એમિલીએ સાકાર કરી બતાવ્યું. ન્યૂ યોર્ક અને બ્રુકલિનને જોડતા આ પુલને આજે ‘બ્રુકલિન બ્રિજ’ તરીકે ઓળખવામાં આવે છે અને એના પરથી રોજના લાખો લોકો પસાર થાય છે.

હાર માનવાને બદલે ધ્યેય પ્રાપ્તિની દિશામાં આગળ વધો, સફળતા ચોક્કસ મળશે
જીવનમાં આવતી નાની-નાની સમસ્યાઓની સામે જો ગોઠણ વાળીને બેસી જઇએ તો સફળતાનો સ્વાદ ક્યારેય ચાખવા ન મળે. જેમણે-જેમણે પોતે સેવેલાં સપનાંઓને સાકાર કર્યાં છે એવા લોકોની યાદી તૈયાર કરીને એની જીવનયાત્રાનો અભ્યાસ કરજો. હું આપને ખાત્રી સાથે કહું છું એ યાદીમાંની એક પણ વ્યક્તિ એવી નહીં હોય કે જેમણે સંઘર્ષોનો સામનો ન કરવો પડ્યો હોય! પણ આ લોકો હારી જવાને બદલે પોતાના ધ્યેય પાપ્તિની દિશામાં સતત આગળ વધતા રહ્યા અને આખરે પોતાની મંઝિલને પાર પામીને જ રહ્યા.

અંગ્રેજોને ભારતમાંથી હાંકી કાઢવા માટે ગાંધીજીએ આદરેલા આઝાદીના હવનમાં કોઇએ હાડકાં હોમવાનું કામ નહીં કર્યું હોય? સરદાર વલ્લભભાઇ પટેલે અખંડ ભારતના નિર્માણ માટે પોતાનું રજવાડું ભારતમાં વિલીન કરવાની વાતને બધાં જ રજવાડાંઓએ પ્રેમથી સ્વીકારી લીધી હતી? નરેન્દ્ર મોદી સાવ સરળતાથી જ ભારતના વડાપ્રધાનની ખુરશી સુધી પહોંચી ગયા હશે? વોરન બફેટ કે બિલ ગેટ્સને સાવ એમ જ ભગવાને ધનકુબેર બનાવી દીધા હશે?

જ્યારે કોઇ કાર્ય હાથ પર લઇએ ત્યારે સમસ્યાઓ અને પ્રશ્નો તો આવે જ, પણ આપણું મનોબળ કેવુ દૃઢ છે એના પર એ સમસ્યાઓને કેટલો સમય ટકવું એનો આધાર છે. રાજકોટની ઝુંપડપટ્ટીઓમાં રહેતાં બાળકોને ભણાવી-ગણાવીને સમાજમાં એક સન્માનીય સ્થાન સુધી પહોંચાડવા માટે જ્યારે રેહાના-જીતુએ શરૂઆત કરી ત્યારે એણે કેટલી મુશ્કેલીઓ સહન કરી છે એ તેમને મળીને વાત કરીએ ત્યારે જ ખબર પડે. પણ અટક્યા વગર પોતાનું કાર્ય ચાલુ રાખ્યું તો આજે રાજકોટની 7 ઝૂંપડપટ્ટીઓના 700થી વધુ બાળકો ઉપરાંત હવે તો ગુજરાતનાં બીજાં કેટલાંય સ્થળોએ આ સદ્પ્રવૃતિ ચાલી રહી છે.

જો મનોબળ દૃઢ હોય તો દુનિયાની કોઇ તાકાત આપણને સફળ થતાં રોકી શકે નહીં. ગમે તેવી મુશ્કેલીઓની વચ્ચે પણ આપણી સાહસયાત્રા ચાલુ જ રહે તો મુકામ સુધી પહોંચ્યા સુધી રહે જ નહીં એમાં શંકાને કોઇ સ્થાન નથી. કોઇ કામ હાથ પર લો અને કોઇ પ્રશ્નો ઊભા થાય ત્યારે આ ઘટનાને યાદ કરજો.

અમને નાખો જિંદગીની આગમાં, આગને પણ ફેરવશું બાગમાં,
સર કરીશું આખરી સૌ મોરચા, મૃત્યુને પણ આવવા દો લાગમાં
- શેખાદમ આબુવાલા

(લેખક જાણીતા લેખક, વિચારક અને વક્તા છે)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો