ઇટ્સ કોમ્પ્લિકેટેડ:એને કેવું લાગશે? એને ગમશે ને? એ નારાજ તો નહીં થાય ને? હું શું કરું તો તે રાજી રહે? એક યુવાનની રસપ્રદ મનોગત...

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

25 વર્ષનો નિમિષ આજકાલ જબરજસ્ત દ્વિધામાં છે. તેની હમણાં હમણાં સગાઈ થઈ છે. વાગ્દત્તા નિયતિ સાથે તેનો સતત સંપર્ક રહે છે. બંને એક જ શહેરમાં રહેતાં હોવાથી એક પણ ફેમસ રેસ્ટોરન્ટ એમણે બાકી નહીં રાખી. નિમિષને જમવાનો ખૂબ શોખ. એને નવું નવું અને જુદું જુદું જમવાનો શોખ. અમદાવાદમાં કોઈ નવી થીમ પર નવી રેસ્ટોરન્ટ ખુલી હોય તો નિમિષ-નિયતિ પહેલા જ અઠવાડિયે પહોંચી ગયાં હોય. નિયતિને જમવાનો શોખ ખરો પણ માપમાં. નવું ટ્રાય કરે તો પણ એ માપમાં જ. જો કે નિમિષને કંપની આપવા તે કાયમ જાય જ.

સગાઈથી લગ્ન સુધીનો ગાળો કોઈ પણ યુવક-યુવતી માટે સુવર્ણયુગ હોય છે. એેની એક એક મિનિટ યાદગાર અને પ્રેમથી ભરેલી હોય છે. એકબીજા વિના ચાલે નહીં, સતત એકબીજાની સાથે રહેવાનું મન થાય. ગમે તેટલી વાતો કરે તો પણ વાતો ખૂટે જ નહીં. ફોન નીચે મૂકવાનું મન ના થાય. થોડા દિવસનો વિરહ સહેવાનું પણ ભારે પડે.

જીવનનો આ એક રોમાંચક પિરિયડ હોય છે
નિમિષ-નિયતિ આ પિરિયડ માણી રહ્યાં છે, પણ નિમિષ એક પ્રકારની ચિંતા કે દ્વિધામાં અટવાયો છે. નિમિષને સતત એવો વિચાર આવે છે કે મારા વર્તનથી નિયતિને ખોટું તો નહીં લાગી જાય ને? હું અમુક વાત કરીશ તો તેને નહીં ગમે તો? હું મારો અભિગમ નિખાલસતાથી આપીશ તો તે તેનો જુદો અર્થ કાઢશે તો? મારે મારા જીવનની બધી વાતો તેને કહેવી જોઈએ કે નહીં?... આ છે નિમિષના મનોજગતની સ્થિતિ.

મોટાભાગે યુવતીઓ ‘ખોટું તો નહીં લાગે ને?’ ‘સારું નહીં લાગે’ જેવી પ્રાચીન ગ્રંથિઓથી પીડાતી હોય છે. જો કે આધુનિક સમયકાળની યુવતીઓ તો આ બધાથી એકદમ પર થઈને જીવન જીવે છે. ‘જેને જે લાગવું હોય તે લાગે,’ એવી નવી (અને મોટા ભાગે સાચી) વિચારધારા યુવાનોમાં વ્યાપક અને પ્રભાવક બની રહી છે.

નિમિષ પોતાની વાગ્દત્તા (ફિયાન્સી) સાથે જૂની વાતો શેર કરતો હોય ત્યારે તેને વિચાર આવે કે જો મેં ઘરે ખોટું બોલીને ફિલ્મો જોઈ હતી એ વાત નિયતિને કરીશ તો નિયતિના મનમાં મારા માટે કેવી છાપ પડશે? એને ખોટું તો નહીં લાગે ને? એ મારા વિશે કેવા વિચાર કરશે?

આ બધા સુધી તો ઠીક હતું, પણ નિયતિ તેની સાથે ચર્ચા કરતી તો ત્યારે નિયતિનો કોઈ પરિસ્થિતિ વશે પોતાનો અભિગમ માપવામાં પણ નિમિષને બીક લાગવા માંડી. તરત જ એ વિચારે કે જો હું આવો અભિપ્રાય આપીશ તો નિયતિને આવું લાગશે અને હું બીજો કોઈ અભિગમ આપીશ તો નિયતિને કેવું લાગશે? ખોટું તો નહીં લાગે ને? સારું તો લાગશે?... આ પ્રકારની ગ્રંથિ ખરેખર તો એક જાતની માનસિક બીમારી જ ગણાય. મોટાભાગે બધા માણસો આવી સ્થિતિથી પીડાતા જ હોય છે, પણ કેટલાકમાં તે મોટી માત્રામાં જોવા મળે છે. એનાથી બચવું જોઈએ અને બચી પણ શકાય.

નિમિષે પોતાના પપ્પાને આ અંગે વાત કરી. પપ્પાએ તેને શાંતિથી સમજાવ્યો. તેના પપ્પાએ તેને કહ્યું કે, ‘જીવન એકશનથી જીવાય, રિએકશનથી ના જીવાય. જીવન જીવવા માટે ક્રિયા મહત્ત્વની છે, પ્રતિક્રિયા નહીં.’

જો આપણે સતત લોકોને ધ્યાનમાં રાખીને જ આપણા નિર્ણયો લઈએ તો આપણને જીવન જીવવાનો સાચો સંતોષ જ ના થાય. જીવનમાં બીજાની ફીલિંગનું ચોક્કસ મહત્ત્વ છે, પણ પોતાની લાગણીઓને દબાવીને બીજાની ફીલિંગ્સને સાચવવાનું તો ખૂબ જોખમી છે.

જીવન ‘દેખાડી’ દેવા માટે નહીં સુંદર રીતે જીવવા માટે હોય છે. બીજાઓની પ્રતિક્રિયા, ફીડબેક, પ્રતિસાદ કે રિએક્શનનું મહત્ત્વ થોડાં ઘણાં અંશે હોય એટલું પૂરતું છે, જો તમે તેના આધાર પર જ જીવન જીવવાનો પ્રયાસ કરો તો ડગલે ને પગલે ગૂંચવણ ઊભી થઈ શકે. વારંવાર તમારે તમારા મનને મારવું પડે કે વાળવું પડે. તમારી હૃદયની ઈચ્છા બીજી કોઈ હોય અને તમે કરો કંઈક જુદું જ.

ખરેખર તો આપણા મનની ઈચ્છાઓ, ભાવનાઓ અને ઝંખના તથા સમાજની આપણી પાસેની અપેક્ષાઓ...આ બંનેનો સુંદર સમન્વય કરીને જીવન જીવવાનું હોય છે.

સમાજની, આપણા સ્વજનોની, આપણાં સગાં અને વહાલાંઓની આપણા માટેની અપેક્ષાઓ, સમાજે નક્કી કરેલાં વલણ, પરંપરાઓ આ બધાનું પણ એક હદ સુધી મહત્ત્વ ચોક્કસ હોય છે. કોઈ વ્યક્તિ એક કહે કે મને તો કોઈની પડી નથી. હું તો મારું મન કહે તેમ કરું છું અને મને ઈચ્છા થાય તેમ જીવું છું તો તે વાત વ્યાજબી નથી. વિશ્વની કોઈપણ વ્યક્તિ મનસ્વી રીતે, સંપૂર્ણપણે પોતાની રીતે જીવી શકે નહીં. કોઈક અપવાદરૂપ કિસ્સાઓમાં જ એ શક્ય હોય છે.

વ્યક્તિ સમાજનું એક અંગ છે. સમાજની રચના વ્યક્તિઓ દ્વારા થઈ છે. લોકોએ પહેલાં સમાજને બાંધ્યો, એ પછી સમાજે વ્યક્તિને બાંધી. કોઈ પણ વ્યવસ્થા બંધનોથી પર હોતી નથી અને કોઈપણ બંધનો વ્યક્તિને સંપૂર્ણપણે ગમે તેવું બનતું નથી. વ્યક્તિ માત્ર સંપૂર્ણ રીતે મુક્ત રહીને, સ્વતંત્રપણે, પોતાની રીતે અને પોતાની પ્રીતે જીવન જીવવા ઈચ્છતી હોય છે. એમાં કશું ખોટું નથી. આ કુદરતી અને સહજ ભાવ છે. જો કે વ્યક્તિ સમાજમાં રહેતી હોવાથી તેણે સમાજે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જે નિયમો નક્કી કર્યાં હોય, જે મૂલ્યો પ્રસ્થાપિત થઈ ચૂક્યાં હોય, તેની કદર કરવી પડે છે.

કેટલીક વ્યક્તિઓ એવી હોય છે કે જે સમાજના આવા નિયમનો, રીત-રિવાજો, સ્થાપિત થઈ ચૂકેલી પરંપરાઓને જડની જેમ પકડી રાખે છે. જાણે કે આવા રિવાજો જીવવા માટેની એક માત્ર આચારસંહિતા હોય તેવું માનીને એ વ્યક્તિઓ જીવન જીવે છે. એ પોતે આ રીતે જીવન જીવે એનો વાંધો નહીં, પરંતુ બીજા લોકો પણ આ જ રીતે જીવન જીવે તેવો દુરાગ્રહ આવી વ્યક્તિઓ કરતી હોય છે.

આ સ્થિતિ વ્યાજબી નથી. તમને તમારી રીતે જીવન જીવવાનો અબાધિત અધિકાર છે, પરંતુ બીજા લોકો પણ તમને જે રીત સાચી લાગે છે, એ રીતે જ જીવે એવું પ્રસ્થાપિત કરવાનો કોઈ અધિકાર નથી.

તેની સામે વળી કેટલીક વ્યક્તિઓ એવી હોય છે જે પ્રસ્થાપિત થયેલા નિયમનો, રીત-રિવાજો કે પરંપરાઓને બિલકુલ માનવા તૈયાર નથી. આવી વ્યક્તિઓ મનસ્વીપણે જીવન જીવે છે. આ સ્થિતિ પણ અયોગ્ય છે.

તો સાચી સ્થિતિ કઈ છે ?
આ બંને વચ્ચેની જે મધ્યમ સ્થિતિ છે તે સાચી સ્થિતિ છે. પોતાના વિચારો, પોતાની રુચિ, પોતાના ગમા-અણગમા, પોતાની માન્યતાઓ, પોતાની લાગણી આ બધું સાચવીને સમાજે નક્કી કરેલાં મૂલ્યો-પરંપરાઓ સાથે તેનું બને તેટલું સંયોજન કરીને જીવન જીવવામાં સાર્થકતા છે. કોઈ એક છેડા પર જીવનનું સત્ય સ્થાપિત થયેલું હોતું નથી.

છેડા પર જઈને, આત્યંતિક બનીને વિચારવાથી જીવનનો લય ખોરવાઈ જાય છે.

નિમિષના મનમાં વારંવાર જે, ખોટું તો નહીં લાગી જાય ને? એ પ્રશ્ન ઊભો થાય છે તેની પાછળ ચોક્કસ પરિબળો અને કારણો હોઈ શકે છે. જો તેનો અભ્યાસ કરવામાં આવે, એ પછી તેને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવે તો ચોક્કસ નિમિષ ઉત્તમ રીતે વિચારીને જીવન જીવી શકે.

હિન્દીમાં એક કહેવત છે: ‘સબ સે બડા રોગ, ક્યા કહેંગે લોગ.’ બીજા લોકોની પ્રતિક્રિયાને ધ્યાનમાં રાખીને જીવન જીવવું એક પ્રકારની બીમારી છે. આપણે બધા થોડા-ઘણા અંશે આ બીમારીથી પીડાતા જ હોઈએ છીએ. જે લોકો વધારે માત્રામાં લોકોની પ્રતિક્રિયાને ધ્યાનમાં રાખીને જીવન જીવવાનો પ્રયાસ કરે છે એ લોકો સરવાળે દુઃખી થતા હોય છે અને પોતાની આજુબાજુના લોકોને પણ દુઃખી કરતા હોય છે.

પોતાના પિતાએ નિમિષને આ વાત સમજાવી ત્યારે તેને સત્ય સમજાયું. તેણે પોતાની આ ગ્રંથિને ધીમે ધીમે ઢીલી કરી અને છેવટે છોડી દીધી.

સાચું, સારું અને સાર્થક જીવન જીવવા માટે ક્યારેક આવી ગ્રંથિઓ છોડવી જ પડે છે.

positivemedia2015@gmail.com
(લેખક વરિષ્ઠ પત્રકાર, કટારલેખક અને ‘RAA પોઝિટિવ મીડિયા’ના સ્થાપક છે)