ડિજિટલ ડિબેટ:વિપક્ષી એકતાનો સંઘ કાશીએ કેવી રીતે પહોંચશે?

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

આવો સવાલ થવો વાજબી છે કારણ કે, ભાજપની NDA સરકાર સામે દેશભરમાં એક મોરચો તૈયાર કરવા માટે વધુ એક વાર પ્રયાસ થઈ રહ્યો છે, જેનો મુખ્ય મુદ્દો કાશી-વારાણસીથી ચૂંટાયેલા વડાપ્રધાનની સામે પડકાર ઊભો કરવાનો છે. પરંતુ કોઈ એક મુદ્દો કે એક નેતા માટે વિરોધ પક્ષોમાં એકમતી થશે ખરી તે સવાલ પણ ઊભો જ છે. દિલ્હીમાં વરસાદ પડી રહ્યો છે, સંસદમાં પણ વિવાદોનો વરસાદ છે અને આ સવાલો પણ વરસાદની જેમ જ વરસી રહ્યા છે.

નીલેશ રૂપાપરા (NR): વરસાદ વરસી રહ્યો છે, વિવાદોનો, પ્રશ્નોનો, આક્ષેપોનો અને અપેક્ષાઓનો. વિપક્ષ એમ માને છે કે બધા એકઠા થઈ જશે અને વર્ષ 2024માં પૂર આવશે અને તેમાં મોદી સરકાર તણાઈ જશે. વર્ષાઋતુમાં દેડકાંનું ડ્રાઉં ડ્રાઉં શરૂ થઈ જતું હોય છે, એ રીતે વર્ષા સત્રમાં સંસદમાં અનેકવિધ મુદ્દાઓ ગાજી રહ્યા છે પણ એ બધા મુદ્દે વિપક્ષમાં એકતા ખરી એ પહેલો સવાલ છે. સઘળા રાજકીય પક્ષોની એકતા પછી આવે છે અને ભેગા થઈને ચૂંટણી લડવાની વાત તો હજી કાશી સુધી સંઘ લઈને પહોંચવા જેટલી દૂર છે.
દિલીપ ગોહિલ (DG): વર્ષાઋતુમાં જ બીજાંકુર ફૂટતાં હોય છે અને આગળ જતા તેમાંથી વટવૃક્ષ પણ ઊભું થાય. જરૂર હોય છે ઊગતા છોડની કાળજી લેવાની. વિપક્ષી એકતાની કાળજી લેવાશે, તેને ખાતર નંખાશે અને દવા છંટકાવ કરીને વર્ષ 2024ની ચૂંટણીના ઝંઝાવાત સામે ઊભું રહેશે તે આવનારો સમય કહેશે પણ આ રીતે જ મોરચા તૈયાર થતા હોય છે. રાતોરાત મોરચા ઊભા થતા નથી. સફર દૂરની એટલો તૈયારીનો સમય વધારે, કાશી સુધી પહોંચવા માટે સંઘમાં કોણ કોણ જોડાવા તૈયાર છે પહેલાં તે નક્કી થવાનું છે અને આ કસરત એની ચાલી રહી છે.

NR: ભાદરવાના ભીંડા! બધા બીજાંકુર કંઈ વટવૃક્ષના ન બનવાના હોય. એની વે, કયા મુદ્દે એકઠા થશે અને કોણ હશે તેમનો સર્વમાન્ય નેતા? ચહેરો કોનો હશે જેને આગળ કરીને મતદારોનાં મનામણાં થઈ શકે કે આ નરેન્દ્ર મોદીનો વિકલ્પ બની શકે છે? મોરચાબંધી માટે લેટ્સ ગો બેક ટુ હિસ્ટ્રી – 1977માં જનતા મોરચો તૈયાર થયો હતો. નવનિર્માણ આંદોલનની ભૂમિ પર વિપક્ષ એકઠો થયો હતો અને જયપ્રકાશ નારાયણ તેના નેતા બન્યા હતા. મૂવ અહેડ, આવો વર્ષ 1989માં. વી. પી. સિંહે પણ યુનાઇટેડ ફ્રંટ ખોલ્યો હતો. તેમની સાથે મુખ્યત્ત્વે કોંગ્રેસીઓ અને કોંગ્રેસમાંથી અલગ થયેલા ક્ષત્રપો અને પ્રાદેશિક પક્ષો જોડાયા હતા. તેમનો મુદ્દો પણ અગેઇન હતો બરફી ખાઈ જવાનો – બોફર્સના ભ્રષ્ટાચારનો.
DG: ધેટ્સ ટ્રુ કે મોરચા માટે નંબર 1 કે મુદ્દો જોઈએ અને નંબર 2, કોઈ એક કેન્દ્રવર્તી નેતૃત્વ હોવું જોઈએ. પ્રથમ મુદ્દાની વાત એ કે મુદ્દાઓની ક્યાં ખોટ છે? કોરોનાકાળમાં મળેલી સાર્વત્રિક નિષ્ફળતા, આયોજન વિનાનું લોકડાઉન, રોજમદારો સાથે અમાનવીય વર્તન, વેક્સિન વિષયમાં વિવાદો અને વિરોધાભાસી નીતિ, બીજી લહેરની ચેતવણી છતાં ચૂંટણી સભામાં લાખોની મેદની જમાવવા પર જ ધ્યાન કેન્દ્રિત, ઓક્સિજન-ઇન્જેક્શન-દવાની તૈયારીઓની ઉપેક્ષા અને હજારો હજારોને સ્મશાને બળવા માટે લાકડું પણ નસીબ ન થયું – આવા અનેક મુદ્દાઓ છે. નોટબંધી, GST અને બેરોજગારી એ મુદ્દા ન કહેવાય તો શું કહેવાય?

NR: નોટબંધી પછી ભાજપ જંગી બહુમતીથી ચૂંટણી જીતતું રહ્યું છે. બેરોજગારી માત્ર નોકરીઓ નહીં પણ સ્વતંત્ર વ્યવસાય વત્તા સ્ટાર્ટઅપ્સ અને કોરોના સંકટમાં આત્મનિર્ભરતા પર ભાર એ અર્થતંત્રને લાંબાગાળે ફાયદા કરાવવાનું છે. પેન્ડેમિક સદીમાં એકાદ આવતી વૈશ્વિક આપદા છે, ભારતે આટલી વિશાળ વસ્તીની સરખામણીમાં રોગચાળાને કાબૂમાં રાખ્યો જ છે. એની વે, રાષ્ટ્ર સામેના પડકારોને પહોંચી વળે એવો વિશ્વસનીય ચહેરો કયો એ સવાલ ઊભો જ રહેવાનો છે.
DG: નેતૃત્વના મુદ્દે કેવી રીતે ગડ ઉકેલાશે તે સ્પષ્ટ નથી. કોણ સ્વીકૃત ચહેરો બને તેનો જવાબ મેળવવો અત્યારની વિપક્ષની મોરચારચના સામેનો સૌથી મોટો પડકાર છે પણ ઇતિહાસ બોલે છે કે વિકલ્પ નાગરિકોના જનમતમાંથી ઊભો થતો હોય છે. કટોકટી પછી દેશની જનતાએ જ વિકલ્પ શોધ્યો હતો અને અઢી જ વર્ષ પછી નાગરિકોના જનમતે જ વિકલ્પનો પણ વિકલ્પ કરી નાખ્યો હતો. જનતાનો મિજાજ અગત્યનો છે અને કોરોના સંકટમાં પરિવાર, સગા, મિત્રો, પરિચિતો, પડોશીની મુશ્કેલીઓ જોનારા વિચાર નહીં કરે એમ માનવાને કોઈ કારણ નથી. શરદ પવાર, મમતા બેનરજી, અરવિંદ કેજરીવાલ, કે.સી. ચંદ્રશેખર રાવ, જગનમોહન કે પછી મે બી નીતિશ કુમાર, વી નેવર નો.

NR: વી પરહેપ્સ મે નેવર નો. કદાચ એવી તક મળશે નહીં કારણ કે, આ નેતાઓ મોદી સામે લડવા સિવાય કોઈ મુદ્દે સહમત હોય એવું જણાયું નથી. એક માત્ર મુદ્દો મોદી વિરોધ હોય ત્યારે મુદ્દાઓ મહત્ત્વના રહેતા નથી, માત્ર મહત્ત્વાકાંક્ષાઓ પ્રબળ બને છે. જનતા શા માટે કોઈની મહત્ત્વાકાંક્ષાને પ્રાધાન્ય આપે? વિકલ્પ માટે આ નામો સિવાયનાં નામો પણ ઉમેરી શકાય – ચંદ્રાબાબુ નાયડુ, ઉદ્ધવ ઠાકરે, નવીન પટનાયક, કેરળના CM પીનરઇ વિજયન તો વ્યવહારુ ગણાય છે, તે કદાચ જ્યોતિબાબુ જેવી ‘ઐતિહાસિક ભૂલ’ ન કરવા માગતા હોય અને છેલ્લે લખો રાહુલ ગાંધીનું નામ. ત્રણ જવાબો કોણ આપશે – 1, કોંગ્રેસ વિપક્ષી મોરચામાં જોડાશે કે કેમ? 2, રાહુલ ગાંધી બીજાનું નેતૃત્ત્વ સ્વીકારશે કે કેમ? 3, મૂળે કોંગ્રેસ વિરોધમાંથી ઊભા થયેલા પ્રાદેશિક પક્ષો કોંગ્રેસ અને રાહુલનું નેતૃત્ત્વ સ્વીકારશે કે કેમ?
DG: એ ખરું કે વિપક્ષી મોરચાબંધી માટે આ સવાલો સૌથી અગત્યના છે. મમતા બેનરજીએ સોનિયા ગાંધી સાથે દિલ્હીમાં ‘ચાય પે ચર્ચા’ કરી (જયલલીતાની કૉફી વિથ સોનિયાએ વાજપેયી સરકારને પાડી દીધી હતી, જસ્ટ અ રિમાઇન્ડર). પરંતુ બીજા દિવસે સંસદ બહાર વિપક્ષી પ્રદર્શનમાં TMCના નેતાઓ નહોતા જોડાયા. આ ગેરહાજરી ઊડીને આંખે વળગી હતી. આગામી દિવસોમાં પણ આ સવાલો હવામાં ઊડતા રહેશે કે, કોંગ્રેસ વિપક્ષના સંભવિત મોરચામાં ક્યાં ફિટ બેસે છે. વર્ષ 1977માં તે વખતનો જનસંઘ જેપી મોરચામાં જોડાઈ ગયો હતો અને વી.પી. સિંહને આડકતરું સમર્થન ભાજપનું હતું. કોંગ્રેસ આ પ્રકારના મોરચાઓનો સામનો કરતો આવ્યો છે, એટલે મોરચામાં જોડાવું તેના માટે નવું છે. જનસંઘ 1977માં રાષ્ટ્રીય પક્ષ બન્યો નહોતો. પરંતુ તેનું નવું સ્વરૂપ ભાજપ મજબૂત રાષ્ટ્રીય પક્ષ છે. હવેનો મોરચો ભાજપ સામે હશે ત્યારે કોંગ્રેસ રાષ્ટ્રીય પક્ષની ઓળખ જાળવી રાખવા કોશિશ કરશે કે અસ્તિત્વ જાળવવાની કોશિશ કરશે તે તેની નેતાગીરીએ નક્કી કરવાનું છે.

NR: લેટ્સ સી, સંસદની અંદર વરસાદ, બહાર વરસાદ, સવાલોના વરસાદ વચ્ચે વિપક્ષી એકતા વહીને જતી રહેશે તેમ વધારે લાગે છે. મુદ્દાઓ કદાચ હશે પણ મુદ્દાઓ છે તો તેની ચર્ચા કરવામાં વિપક્ષને કેમ રસ નથી? સંસદમાં શાસકને ઘેરવાની સ્ટ્રેટેજી એક થઈને ઘડવામાં વિપક્ષના નેતાઓને કોણ રોકી રહ્યું છે? સંસદમાં માત્ર ધમાલ ચાલી રહી છે, વિપક્ષ મુદ્દાઓ માટે ગંભીર હોય તેવી છાપ પડી નથી. એકતા માટે ગંભીર થશે તેવી છાપ ઉપસતી લાગતી નથી.
DG: સંસદની કામગીરી ખોરવવાની વાત કંઈ નવી થોડી છે? સંસદ ગૃહમાં મુદ્દાસર ચર્ચા આદર્શ છે પણ વકતૃત્ત્વ કળા કરતાંય વર્તનનો ઉદ્વેગ મતદારોમાં મેસેજ મોકલવાનો માર્ગ હોય છે. પીઢ નેતાઓ આ વાત સમજતા હોય છે. સંસદમાં ધમાલ એ દર્શાવે છે કે ધમાલ કરવા જેવા મુદ્દાઓ છે. વિપક્ષ મુદ્દાઓ શોધતો જ હોય છે અને તેથી ગંભીર હોય તેમ માનવું પડે પણ મુદ્દાઓનું મેસેજિંગ જમાના પ્રમાણે બદલાયું છે તે કદાચ વિપક્ષી નેતાઓ સમજ્યા નથી. એકતા જરૂર સમજ્યા હશે પણ કેવી રીતે અને ક્યારે તેની એકમતી નથી એ આજની ઘડીની વાસ્તવિકતા છે.
(નીલેશ રૂપાપરા અને દિલીપ ગોહિલ વરિષ્ઠ પત્રકારો અને રાજકીય વિશ્લેષકો છે)