મનન કી બાત:ઓછું ઊંઘીને વધારે કામ કેવી રીતે કરવું?

3 મહિનો પહેલા
 • કૉપી લિંક

રોહિત કોર્પોરેટ સેક્ટરમાં કામ કરતો એક યુવાન છે. કોર્પોરેટ જીવનની દોડાદોડ અને સ્ટ્રેસ શું છે એ આપણે જાણીએ જ છીએ. અતિ સ્પર્ધા અને રાજનીતિથી ભરાયેલી કોર્પોરેટ દુનિયામાં કામનું પ્રેશર વધારે હોય છે. આવા માહોલમાં રોહિત મનોચિકિત્સક પાસે આવીને કહે છે, 'સર, કંઇક એવું કરો કે ઊંઘ ઓછી કરીને કામ કરી શકું.'

મેં પૂછ્યું, ‘અત્યારે તમે કેટલા કલાક ઊંઘો છો?’

રોહિતે કહ્યું, ‘અત્યારે તો વાત ન પૂછો સર, 6થી 7 કલાક ઊંઘ પાછળ બગાડું છું… જ્યારે મારા પ્રતિસ્પર્ધીઓ 3-4 કલાક માંડ બગાડે ઊંઘ પાછળ.’

સૌથી મહત્ત્વની વાત એ છે કે ઊંઘમાં વિતાવેલો સમય સમય વેડફ્યો નથી હોતો. વૈજ્ઞાનિક રીતે જુઓ તો ઊંઘમાં વિતાવેલો સમય તમારા દિવસનો સૌથી મહત્ત્વનો અને કિંમતી સમય હોય છે. આપણી ઊંઘ 3 પ્રકારની હોય છે અને એ ત્રણેય પ્રકારનાં અલગ-અલગ કામ હોય છે.

ગાઢ નિદ્રા

 • નિદ્રાના આ સ્ટેજમાં આપણા મગજનો એક ભાગ (હિપોકેમ્પસ) આજના દિવસમાં શીખેલી નવી વસ્તુઓ આખા મગજના અલગ-અલગ અંશ સુધી પહોંચાડે છે.
 • આને એ રીતે જોઈ શકાય કે આ આપણા મગજના ફોનની રેમ જેવું છે, જે થોડા સમય સુધી કોઈપણ એપ ચાલુ રાખી શકે છે.
 • પછી જ્યારે આપણે ઊંઘીએ તો એ બધી નવી વસ્તુઓને લાંબા સમય સુધી યાદ રાખી શકાય એવી રીતે મગજના અલગ-અલગ અંશ સુધી પહોંચાડે છે.
 • આ પ્રકારની નિદ્રા શરૂઆતના 2 કલાકમાં સૌથી વધારે આવે છે.
 • એટલે જે દિવસે તમે તમારા સમયથી મોડા ઊંઘી ગયા હો એ દિવસે શીખેલી નવી વસ્તુઓ યાદ રાખવાની તક તમે ગુમાવી રહ્યા છો.

હળવી નિદ્રા

 • હળવી નિદ્રા આપણા મગજની સાફસફાઈ માટે જવાબદાર છે, ખાસ કરીને હિપ્પોકેમ્પસ.
 • જ્યારે આપણે હળવી નિદ્રામાં હોઈએ ત્યારે આપણા મગજનાં રસાયણો હિપ્પોકેમ્પસની સાફસફાઈ કરે કે જેથી બીજા દિવસે એ નવી માહિતીઓ રાત સુધી સાચવી શકવા માટે સક્ષમ બની શકે.
 • આ પ્રકારની નિદ્રા મોડી રાત અને વહેલી સવારની સૌથી વધુ હોય છે.
 • એટલે જો તમે તમારા સમયથી વહેલા ઊઠ્યા તો આખો દિવસ તમે જે પણ નવું શીખવાનો પ્રયાસ કરશો, તમને પોતાનું ગ્રાસ્પિંગ એટલું સચોટ નહીં લાગે.
 • આપણને યાદ હશે કે પરીક્ષા સમયે જ્યારે આપણે વહેલા ઊઠતા હતા, તો એક ને એક ફકરો વાંચ્યા કરતા હતા.
 • એ એટલે થતું કારણે આપણું હિપોકેમ્પસ નવી માહિતી સાચવી શકવાની જગ્યા જ નહોતું ધરાવતું.

રેમ નિદ્રા

 • રેમ નિદ્રા આપણી ઊંઘનો એ ભાગ છે જે નવાં કનેક્શન બનાવે છે.
 • એટલે કે આપણે આજે શીખેલી વસ્તુઓને આપણા પહેલાં આવડતી વસ્તુઓ અને જૂની વસ્તુઓ સાથે અલગ-અલગ રીતે જોડીને આપણા મગજને વિકસાવવાનું કામ આ ઊંઘમાં થાય છે.
 • આ ઊંઘમાંથી જાગીને મોટા વૈજ્ઞાનિકોને પોતાના સૌથી સારા વિચારો, સંગીતકારોને પોતાની નવી ધૂન વગેરે વિશે નવા આઇડિયા આવે છે.
 • આ ઊંઘમાં આપણી કલાત્મક શક્તિઓનો ઉછેર થાય છે.
 • ખાલી કલાત્મક જ નહીં, આપણી લાગણીઓનો પણ ઉછેર આ ઊંઘમાં થાય છે.
 • સૌથી ઊંડાણવાળાં સપનાંઓ, જે આપણી અંતરચેતનાઓનો અવાજ સાંભળીને એમને એક અવાજ આપવાનું કામ કરે છે, એ આ જ ઊંઘમાં થતું હોય છે
 • એટલે આ નિદ્રા આપણા માનસિક વિકાસ માટે ખૂબ જરૂરી હોય છે.

આ ત્રણેય પ્રકારની નિદ્રા વિશે વાંચીને તમને ઊંઘના મહત્ત્વનો થોડો વધારે ભાસ થયો હશે. જેમ આપણું ડેન્ટલ હાઇજીન હોય અથવા ફિઝિકલ હાઇજીન હોય એ જ રીતે 'સ્લીપ હાઇજીન' પણ હોય છે.

સ્લીપ હાઇજિન

 • રૂમમાં એકદમ અંધારું રાખવું.
 • રૂમનું તાપમાન જ્યારે 18 ડિગ્રીની નજીક હોય ત્યારે વૈજ્ઞાનિક રીતે જોઈએ તો સૌથી ગાઢ નિદ્રા આવતી હોય છે.
 • આપણા ફોનમાંથી નીકળતી બ્લુ લાઈટ આપણા મગજના મહત્ત્વના રસાયણ મેલાટોનિનને બનતું અટકાવે છે.
 • મેલાટોનિન જો પ્રમાણમાં ન બને તો આપણી ઊંઘ બહુ બગડી જતી હોય છે.
 • એ રોકવા આપણે ઊંઘવાના 1 કલાક પહેલેથી ફોન મૂકી દેવો જોઈએ.
 • આપણે બ્લુ લાઈટ ફિલ્ટર આપણા ફોનમાં સતત ચાલુ રાખવું જોઈએ.
 • આપણે બ્લુ લાઈટ ફિલ્ટરવાળાં ચશ્માં પહેરવા જોઈએ.
 • રાતના સમયે મહત્ત્વના અથવા સ્ટ્રેસવાળા નિર્ણયો ન લેવા અને પોતાની જાતને કહેવું કે આવા વિચારો અને નિર્ણયોની જવાબદારી આપણે આપણા મગજને સવારના સમયે આપીશું.
 • ઊંઘવાના 1 કલાક પહેલાં નવશેકા ગરમ પાણીથી નહાવું.
 • ઊંઘવાના 2 કલાક પહેલાં કોઈ જમી લેવું, જો રાત્રે મોડી ભૂખ લાગે તો ગરમ દૂધ અથવા જૂસ જેવો કંઇક હળવો આહાર જ લેવો.

મન: આપણે બધાએ ઊંઘ ઘટાડવી હોય છે. પરંતુ આપણે એ નથી સ્વીકારી શકતા કે ઊંઘ આપણા દિવસની સૌથી મહત્ત્વની મિટિંગ છે… તો આજે તમારી ડાયરીમાં ઓછામાં ઓછી 7થી 9 કલાકની મિટિંગ રાખશો ને?

mananrthakrar@gmail.com
(લેખક સાઇકાયટ્રિસ્ટ અને અચ્છા સ્ટેન્ડઅપ કોમેડિયન છે)

અન્ય સમાચારો પણ છે...