ડિજિટલ ડિબેટ:દસમી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ કેટલી સફળ થશે?

6 મહિનો પહેલા
  • કૉપી લિંક

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022 એ દસમી મૂડીરોકાણ પરિષદ છે. દસના દ્વિઅંકીમાં પ્રવેશ સાથે તે બેગણી સફળતા પ્રાપ્ત કરશે કે બેગણી નિષ્ફળતા એટલે કે અડધી જ સફળ થશે? સ્વાભાવિક છે કે આવો સવાલ પૂછાશે કારણ કે, ઓમિક્રોન બે નહીં ત્રણ ગણી ઝડપે ફેલાઈ રહ્યો છે ત્યારે વિદેશી મહેમાનો કેટલા આવશે, કેટલા ઓનલાઇન જોડાશે તે એક અઠવાડિયાં અગાઉ પણ સુનિશ્ચિત કરવું સહેલું નથી. ડેલિગેટ્સ તરીકે આવનારા લોકોને ક્વોરન્ટીન કરવામાં નહીં આવે એવો નિર્ણય લેવાયો છે તે કયા કાયદાના આધારે તે સવાલ પૂછવાનો છે. વિશ્વ આરોગ્ય સંસ્થાની ગાઈડલાઈન અને (1897ના જૂના જમાનાના કાયદામાં સુધારા સાથે) ધી એપેડેમિક ડિસીઝ (એમેન્ટમેન્ટ) ઍક્ટ, 2020 પસાર થયો તેના કયા નિયમોના આધારે છૂટછાટ અપાશે તે જોકે એટલો મહત્ત્વનો સવાલ નથી, કારણ કે નિયમોનો ભંગ કરીને માસ્ક પહેર્યા વિના ટોળાં એકઠાં કરીને નેતાઓ બેફામ દેશમાં ફરી રહ્યા છે. રોગચાળાના જોખમ કરતાંય વાસ્વવિક કેવા પડકારો મૂડીરોકાણને પ્રોત્સાહન આપવા માટેના આ સરકારી પ્રયાસ સામે છે તેની ચર્ચા વધારે અગત્યની છે. એવી જ ડિબેટ ગુજરાતના વેપારી પ્રવાહને જાણકારા સાથે...

જયેન્દ્ર તન્ના (JT): ગુજરાતમાં મૂડીરોકાણ માટે આ દસમી સમિટ યોજાઈ રહી છે. તેની સામે આ વખતે કેટલાક અલગ પ્રકારના પડકારો પણ છે, કારણ કે વૈશ્વિક મહામારી ચાલી રહી છે વગેરે. કેવી રીતે યોજાશે, કેટલા લોકો હાજર રહેશે તે બધું જોયા પછી આ સમિટના લેખાંજોખાં લેવાશે. પરંતુ અત્યારે એટલું કહી શકાય તેમ છે કે અગાઉની નવી સમિટ જેટલી સફળતા આ દસમી સમિટને મળે તેવા એંધાણ ઓછા છે. કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્ત્વમાં ભાજપની સરકાર છે એટલે તેનો પ્રભાવ ઉપયોગી થશે અને રાજ્ય સરકારમાં બધા જ નવા પ્રધાનો આવ્યા છે ત્યારે તેઓ પણ પ્રયત્નો કરશે. તેથી રોકાણો માટે થોડા MOU ચોક્કસ થશે.
દિલીપ ગોહિલ (DG): ગુજરાતના મુખ્ય સચિવ પંકજ કુમારે સમિટ વિશે માહિતી આપતી વખતે દાવો કર્યો હતો કે 20 કંપનીઓ સાથે 25,000 કરોડ રૂપિયાના MOU સાઈન થઈ પણ ગયા છે. સવાલ એ નથી હોતો કે કેટલા MOU સાઈન થયા કે કેટલા કરોડના, કારણ કે આગળ જતા પછી તેનો અમલ થયો કે નહીં તેનો હિસાબ સહેલાઈથી મળતો નથી. જંગી આંકડાઓ ગુજરાત સરકાર જાહેર કરતી થઈ તેની સામે ખરેખર મૂડીરોકાણ (જુદા જુદા અંદાજો પ્રમાણે) 10થી 20 ટકા જેટલું જ થતું હતું. એટલે પછી વર્ષ 2013ની સમિટથી ફુલાવેલા ફુગ્ગા જેવા મૂડીરોકાણના આંકડા આપવાનું જ બંધ થઈ ગયું હતું. વર્ષ 2003માં સમિટની શરૂઆત થઈ ત્યારે 65,000 કરોડ રૂપિયાના મૂડીરોકાણના કરાર થયાનો દાવો થયો. આંકડો વધારાતો જ રહ્યો અને વર્ષ 2011માં બલૂન જેવડો 11 લાખ કરોડ રૂપિયાનો દાવો થયો. ત્યારબાદ દસમા ભાગનું મૂડીરોકાણ પણ ન આવ્યું એટલે આંકડા માંડવાનું બંધ થઈ ગયું હતું. જોઈએ હવે આ વખતે કેટલા દાવા કરવામાં આવે છે.

JT: સરકાર પોતાની રીતે દાવા કરતી હોય છે અને થોડું મૂડીરોકાણ આવતું પણ હોય છે. અગાઉની સમિટમાં જે પણ MOU થયા તે માર્ગે ગુજરાતમાં મૂડીરોકાણ થયું તો પણ ગુજરાતને ફાયદો છે. ગુજરાત આમ પણ રોકાણ માટે આકર્ષક રાજ્ય છે, કારણ કે અહીંના ઉદ્યોગકારો, વેપારીઓ, આંત્રપ્રેનર પોતાની રીતે કામ કરતા રહ્યા છે. પરંતુ અત્યારે સમગ્ર વિશ્વમાં કોરોનાની ચોથી લહેર ફેલાવા લાગી છે તેના કારણે પણ વૈશ્વિક આર્થિક વાતાવરણ ડામાડોળ છે. નવા મૂડીરોકાણ અને એક્સપાન્શન માટેના પ્રોગ્રામ બધાએ હોલ્ડ પર રાખેલા છે. એવા સંજોગોમાં કેટલું કમિટમેન્ટ મળશે તે જોવાનું રહે છે.
DG: જો કે, હું માનું છું કે ઓછા રોકાણકારો હાજર રહે કે થોડા ઓછા MOU થાય તો પણ સમિટને પાર પાડી દેવી જોઈએ. ક્વોરન્ટીન સહિતના નિયમોના પાલનમાં મુશ્કેલીઓ અને ટીકાઓ થશે. પરંતુ એ સંજોગોમાં ઓનલાઇન અને વર્ચ્યુઅલ મીટ માટેના પ્રયાસો પણ છેલ્લી ઘડીએ થઈ શકે છે. રાજ્ય સરકાર મૂડીરોકાણ માટે પદ્ધતિસર પ્રયાસો કરતી રહે તેમાં કંઈ ખોટું નથી. ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિટ થઈ તે પછી બીજાં રાજ્યોમાં પણ સળવળાટ શરૂ થયો હતો. FDI એટલે સીધું વિદેશી મૂડીરોકાણ આકર્ષવા માટે ભારતના રાજ્યો વચ્ચે હરિફાઇ પણ થઈ હતી. તેને તંદુરસ્ત સ્પર્ધા ગણવી જોઈએ, કારણ કે મલ્ટિનેશનલ કંપનીઓ આ પ્રકારે અમલદારો સક્રિય થઈને ઉદ્યોગો માટે પ્રયાસો કરતા હોય ત્યારે તેની નોંધ લેતી હોય છે.

JT: પણ આ જ કંપનીઓ પોતપોતાના ક્ષેત્રમાં નાનામાં નાની હલચલ, સરકારની નીતિઓ, સરકારી તંત્રની પાયાના સ્તરની કામગીરીની પણ નોંધ લેતી હોય છે. મતદારો હોય તો દાવાથી માની જાય પણ મોટી મૂડીરોકાણો સો ગળણે પાણી ગાળતા હોય છે. ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસનો અર્થ શું થાય તે ઉદ્યોગપતિઓ જ જાણતા હોય છે. બીજું કે તમે જુઓ અગાઉ યોજાઈ ગયેલા વાઇબ્રન્ટ સમિટ અને તેના પરિણામે થયેલું કુલ મૂડીરોકાણ એટલાં ઉત્સાહજનક રહ્યાં નથી. સમિટમાં જાહેરાતો થઈ હોય પણ તે મુજબનાં રોકાણો આવ્યાં ન હોય અથવા નવું ઇન્વેસ્ટમેન્ટ અમુક ચોક્કસ સેક્ટર્સમાં આવ્યું હોય એવું બન્યું છે. બીજું કે મૂડીરોકાણ વધ્યું હોય તો પણ તેના પ્રમાણમાં ગુજરાતમાં બેકારી ઘટી નથી. એક લાખ કરોડના રોકાણ સામે કેટલી રોજગારી ઉત્પન્ન થાય તે ધોરણ ઉત્સાહજનક નથી. ગુજરાતના સામાન્યજનોની સ્થિતિમાં પણ આ વાઇબ્રન્ટ સમિટથી કોઈ વાઇબ્રન્સી આવી નથી.
DG: ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ વાસ્તવિકતાથી વધારે પરિચિત હોય છે. એટલે તમે અથવા તમારા જેવા વેપાર અને ઉદ્યોગજગતના પ્રતિનિધિઓ સમસ્યાઓ અને ફરિયાદો રજૂ કરતા હોય ત્યારે તેને ના માનવાનું કારણ નથી. પરંતુ સરકારની કામ કરવની એક ઢબ હોય છે અને નેતાઓને મોટી મોટી વાતો કરવામાં મજા પડતી હોય છે. આખી વાતને એ દૃષ્ટિએ પણ જોઈ શકાય કે સરકારી દાવા તગડા હોય ત્યારે થોડું કામ થયું હોય. દસ રૂપિયાનું કામ કરે અને 100 રૂપિયાનો દાવો કરે... પણ દસ રૂપિયાનું કામ તો થયું. વાઇબ્રન્ટ પ્રકારની સમિટનું આયોજન થાય ત્યારે બ્યૂરોક્રસીને પણ મેસેજ મળે છે કે આ સરકારની પ્રયાોરિટી શું છે. એટલે આંકડા સામે સવાલો રહેવાના, પણ આયોજન થતું હોય તેમાં કંઈ ખોટું નથી.

JT: એ તો અમે પણ કહીએ જ છીએ. ગુજરાત રાજ્યને આ પ્રકારની સમિટથી ચોક્કસ ફાયદો થાય. નવા એકમો આવે તેના કારણે ઔદ્યોગિક ઉત્પાદનમાં વધારો થાય અને એટલી આર્થિક પ્રગતિ થાય. અર્થતંત્રના ગ્રોથથી રાજ્યની કરવેરાની આવક પણ વધે અને સરકારને મહેસૂલ મળે તેમાંથી સામાજિક વેલફેરનાં કાર્યો શક્ય બને. આ પ્રકારે પદ્ધતિસર અને ફોકસ સાથે સમિટનું આયોજન થાય તેના કારણે ડેસ્ટિનેશન નક્કી કરવામાં અવઢવમાં રહેલા રોકાણકારોને નિર્ણય લેવામાં, અન્ય રાજ્યની સામે ગુજરાતને પસંદ કરવા માટે પ્રેરિત પણ કરી શકાય. આ બાબતોના સ્વીકાર સાથે અમારા પ્રયત્નો એ રહ્યા છે કે ગુજરાત રાજ્યની વેપાર ઉદ્યોગની સમસ્યાને સતત સત્તાધીશો સામે મૂકીએ અને તેના ઉકેલ માટે પ્રયત્નશીલ રહીએ.
DG: સૌના સહિયારા પ્રયાસોથી જ રાજ્યનો અને રાજ્યના વિકાસથી દેશનો વિકાસ થાય છે. ગુજરાત તો આઝાદી પહેલાથી સદીઓથી સમૃદ્ધ રાજ્ય રહ્યું છે. અહીંની ધરતીના સાહસિકો જાવા, સુમાત્રા, બાલી, લંકા ને આ બાજુ આફ્રિકા સુધી દરિયો ખેડતા રહ્યા છે. તેથી ગુજરાતના વિકાસમાં ગુજરાતીઓનો જ ફાળો વધારે છે. પરંતુ તે પ્રયાસોમાં (અગાઉના જમાનામાં શાસકોનો અને હવે) સરકારનો જેટલો સહયોગ મળે એટલો સારો. તેથી વાઇબ્રન્ટ સમિટ જેવા કાર્યક્રમોને આવકારવા જોઈએ. ઓમિક્રોનના જોખમ વચ્ચે ઓનલાઇન પણ તેનું આયોજન કરી શકાય અને કાર્યક્રમમાં ફેરફાર માટે સમય છે પણ ખરો.

JT: ચોક્કસ. સરકાર પાસે હજી એક અઠવાડિયું છે અને ત્યાં સુધીમાં પોઝિટિવ કેસોની પરિસ્થિતિ જોઈને નિર્ણય કરી શકે છે, ફેરફારો કરી શકે છે પણ મૂળ વાત એ છે કે રાજ્યની સામાન્ય પ્રજા માટે ગુજરાતના હયાત ઉદ્યોગકારો અને વેપારીઓ માટે આ પ્રકારની સમિટના આયોજનથી કોઈ પ્રતીતિજનક ફાયદો દેખાયો નથી. વેપારી સમાજ માટે જાણે કંઈ નિસબત ન હોય એવું લાગે છે.

હા, હોસ્પિટાલિટી સેક્ટરને 4-5 દિવસ માટે સારો બિઝનેસ મળશે. બીજું કે ગુજરાતના લઘુઉદ્યોગો માટે વિચારવાનું છે તે ક્યારે વિચારાશે? અગાઉ અપાયા હતા તે પ્રકારે રાહતનાં પગલાં લઈને બંધ થઈ રહેલા લઘુઉદ્યોગોની વહારે આવવાની જરૂર છે. ગુજરાતમાં અત્યારે જે સેક્ટર મજબૂત છે તેને વધારે મજબૂત કરવાની સાથે ગુજરાતના ઉદ્યોગપતિઓને નવાં સેક્ટરમાં પ્રવેશ માટેની નીતિ પર પણ વધારે ધ્યાન આપવાની જરૂર છે. એકાદ પ્રાદેશિક સમિટ, આટલા જ વ્યાપક ફલક પર, ગુજરાતના ઉદ્યોગજગત માટે પણ કરો.

(જયેન્દ્ર તન્ના વેપારઉદ્યોગના અગ્રણી છે, જ્યારે દિલીપ ગોહિલ વરિષ્ઠ પત્રકાર અને વિશ્લેષક છે)